Ravi Purti

દિવાળીના દિવસે 'ચાંદે' ઇન્કિલાબની રોશની ફેલાવી!

By GS Team
7 Nov 20267 mins read
દિવાળીના દિવસે 'ચાંદે' ઇન્કિલાબની રોશની ફેલાવી!
  • પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
  • 'ચાંદ'ના આ ફાંસી અંકે આખા દેશને ડોલાવી દીધો. દિવાળીના એ દિવસોમાં કેટલાય દિલોમાં ઇન્કિલાબનો આતશ જાગ્યો. આઝાદીના હર કદમમાં ઇન્કિલાબનો નારો ગુંજતો હતો

દી પાવલીનાં અજવાળાં પથરાયાં છે, ત્યારે ઇન્કિલાબી વ્યક્તિની યાદ આવે છે. એ પણ દિવાળી પર્વના દિવસો હતા, જ્યારે ગુલામીથી ઘેરાયેલા દેશમાં સરફરોશી કરનારા બહાદુરોની કથાએ કેટલાય આઝાદીના આશકોમાં દીપ પ્રગટાવ્યાં હતાં.
ઈ. સ. ૧૯૨૮ના નવેમ્બર મહિનામાં દિવાળીના દિવસોએ 'ચાંદ' સામયિકનો અંક પ્રગટ થયો. એનો આ સાતમો દિવાળી વિશેષાંક હતો અને એ અંકનું નામ હતું 'ફાંસી' અંક. આ સામયિકમાં અંગ્રેજ સરકાર સામે ઝઝૂમીને ફાંસીને માંચડે ચડી જનારાઓની રોમાંચક દાસ્તાન હતી. એવા માનવીઓની કથા હતી કે જે આખી અંગ્રેજ સલ્તનતને ધ્રુજાવે તેવી હતી. એ જમાનાના મશહૂર લેખક શ્રી ચતુરસેન શાસ્ત્રીએ એનું સંપાદનકાર્ય કર્યું હતું અને પહેલી જ વાર દેશના તમામ ક્રાંતિવીરોની કહાનીને શબ્દદેહ મળ્યો હતો.
'ચાંદ'નો આ અંક પ્રગટ કરનારા હતા રામરખસિંહ સેહગલ. આ અંકનું એક-એક પૃષ્ઠ ઇન્કલાબના નારાથી ગાજતું હતું. સહગલજીના માથે તલવાર તોળાતી હતી. તોપ કરતાં કલમ વધુ તાકાતવાન મનાય છે. તોપના ગોળાને શાંત પાડી શકાય, કલમની કટારી દિલમાં જખમ પેદા કર્યા વિના રહેતી નથી.
એ જમાનામાં 'ચાંદ'ની વીસ હજાર પ્રતો પ્રકાશિત થઈ. જાનખુવારીના આ કામને માટે જાતખર્ચી જ કામ લાગે. એ જમાનામાં 'ચાંદ'ના દિવાળીઅંક પાછળ પૂરા પંચાવન હજાર રૂપિયાનો ખર્ચ થયો. ક્યાંક સ્હેજ ચૂક થાય તો બાજી બગડી જાય તેમ હતી. સરકારને આની કોઈ ગંધ આવે તો ધનોતપનોત નીકળી જાય ! સોળ હજાર જેટલી 'ચાંદ'ની નકલો તો ટપાલમાં ૨વાના થઈ ગઈ, ત્યાં સરકાર એકાએક જાગી ઊઠી. જેને ગુનેગાર ઠેરવીને ફાંસીને માંચડે ચડાવ્યા હતા, એવા લોકોનો આ અંક કુરબાનીની આ સત્ય ઘટનાઓએ સરકારની ઊંઘ ઉડાડી દીધી. તરત જ સરકારી ધોંસ આવી. બાકીની ચાર હજાર નકલો જપ્ત કરવામાં આવી. એને તત્કાળ જલાવી દેવાનો હુકમ આપવામાં આવ્યો. પરિણામે 'ચાંદ'ને પચીસ હજાર રૂપિયાની ખોટ આવી. સહગલજીને એનો સહેજે રંજ નહોતો. દિલમાં એટલી આશા હતી કે સોળ હજાર નકલો તો પ્રજામાં પહોંચી ગઈ. બસ, હવે લોકોને આઝાદીની દિલેર દાસ્તાન જાણવા મળશે.
'ચાંદ'ના આ ફાંસી અંકે આખા દેશને ડોલાવી દીધો. દિવાળીના એ દિવસોમાં કેટલાય દિલોમાં ઇન્કિલાબનો આતશ જાગ્યો. આઝાદીના હર કદમમાં ઇન્કિલાબનો નારો ગુંજતો હતો. આભમાં જેમ ચાંદ ઊગે, એ રીતે, આ કલમનો 'ચાંદ' ઊગ્યો હતો. કલમનો આ ચાંદ એ બોમ્બ- બન્દૂકધારી નહોતો. રણમેદાન એનું ક્ષેત્ર નહોતું. કાગળ અને કલમનો એ સિપાહી હતો. પત્રકારત્વની પથ્થરિયા ભૂમિનો એ લડવૈયો હતો.
એક રીતે કહીએ તો પત્રકારત્વના ઇતિહાસમાં એણે બહારવટુ ખેડયું હતું. એનું નામ શ્રી ૨ામરખસિંહ સહગલ. એના પત્રનું નામ 'ચાંદ'. મકાનનું નામ રેન બસેરા.' સ્થળ : ઇલાહાબાદ.
સહગલજીના નામમાં જાદુ હતું. સહગલજી ખુદ સંસ્થા હતા. એમનું વ્યક્તિત્વ અદ્ભુત હતું. એવું અદ્ભુત વિરલ વ્યક્તિત્વ કે જે અંગ્રેજ સરકારના પાશવી જુલ્મો સામે, મિત્રોની દગાખોરી સાથે અને સમાજની બેવફાઈ સાથે સમાધાન કરી શક્યું નહિ. તલવારની ધાર પર એ ચાલ્યા. અગ્નિની જ્વાળા પર એ નાચ્યા. જખમનાં ગીત મોજથી ગાયાં. અમીરીનાં જામાને ફકીરીનો અંચળો બનાવી દીધો. ગજવેલ એવું કે ભાંગી ગયું, પણ વળ્યું નહિ !
એ જમાનો 'ચાંદ' સામયિકનો હતો. ચાંદનું કાર્યક્ષેત્ર સામાજિક, આર્થિક ને રાજકીય ગુલામી સામે નિર્દયપણે તલવાર ચલાવવાનું હતું. 'ચાંદ' ખુદ સંસ્થા બની ગયું હતું. એની પાસે માતબર પ્રેસ હતું. એની પાસે સમર્થ પ્રકાશનો હતાં. એક કલકત્તામાં અને બીજું ઇલાહાબાદમાં એમ બે કાર્યાલયો હતાં. પ્રતિ માસ 'ચાંદ' કાર્યાલય બારથી પંદર હજારનો પગાર ચૂકવતું હતું.
ચાંદ પાસે દોઢ લાખનાં મકાનો હતાં. તુફાન અને દીયા જેવાં એકસો બાવન જેટલાં પુસ્તકોના પ્રકાશનો એણે કર્યા હતાં. એક એક પુસ્તકે ક્રાંતિ સર્જી હતી. ફક્ત 'ચાંદ' સામયિકે જ ઈ. સ. ૧૯૨૫ની સાલમાં અઢાર હજારનો ફેલાવો હતો. ચાંદનું ઉર્દૂ સંસ્કરણ પ્રગટ થયું, જેનો ફેલાવો ચાર હજારનો હતો. આ કાર્યાલય તરફથી 'ભવિષ્ય' નામનું સાપ્તાહિક પ્રગટ થતું. એની એકવીસ હજાર પ્રતિઓ પ્રગટ થતી ને એના દૈનિક સંસ્કરણની આઠ હજાર પ્રત રોજ વેચાતી.
જે સમયે વર્તમાનપત્રોનું વાચન નહિવત્ હતું, એ વખતે આ પત્રોએ બહોળો વાચકવર્ગ મેળવ્યો હતો. અને સામે મહાસમર્થ અંગ્રેજ સરકારનો ભયંકર ખોફ વહોરી લીધો હતો. સરકારના લાંબા હાથ એના ગળાની આસપાસ ભરડો લેવા આતુર હતા. ને કાયદો લાલ ડોળા કાઢીને બેઠો હતો. જરાક ગફલત કે બધું ખતમ !
આ કાર્યાલયના કેટલાય સંપાદકો જેલનિવાસી બન્યા. વીસેક વાર તો હથિયારધારી પોલીસ સાથે કાર્યાલયની ઝડતી લેવાઈ. કેટલીય અમાનતો મંગાઈ. કેટલીય જમાનતો જપ્ત થઈ. જેલ અને દંડની સજાનો તો આરો ઓવારો નહોતો !
પંખી ઊડતું હતું. પિંજર ભેદવા. બાજ હડપ કરવા તૈયાર હતું. પણ આઝાદીના આ આશકનું હ૨કદમ ઇન્કલાબ લઈને આવતું. રેશમની રજાઈ એને રુચતી નહિ. અગનપથારી પર પોઢનારો એ જીવ હતો. અછૂતોદ્વાર એ વખતે હજી પ્રાથમિક દશામાં હતો, એ વખતે તેમણે 'અછૂતાંક' કાઢી હલચલ મચાવી દીધી. 'ચાંદ'ના 'મારવાડી' અંકે તો એક તોફાન ખડું કર્યું અને આ પ્રયત્નના અવેજમાં શ્રી સહગલજીને એક મારવાડી બિરાદરે ખાસડાં માર્યાં. કલમની અસર અજોડ હતી.
ઈ. સ. ૧૯૨૯ના માર્ચ મહિનામાં ચાંદ કાર્યાલયે 'ભારત મેં અંગ્રેજી રાજ્ય' નામનો હિંદી ગ્રંથ બહાર પાડયો. આ આખો ગ્રંથ જાણીતા વિદ્વાન પં. સુંદરલાલજીએ તૈયાર કર્યો હતો. ને એમાં પ્રસિદ્ધ ઇતિહાસકાર મેજર બસુની પચીસ વર્ષની ખોજ આપવામાં આવી હતી. (અત્યારે ગુજરાતી અનુવાદ સુલભ છે.) આ ગ્રંથના ૨૧૦૦ પાનાં હતાં, ને ફોર કલર, થ્રી કલ૨ અને સીંગલ કલરના કુલ એંસીથી એકસો જેટલાં ચિત્રો હતાં.
આ પુસ્તક પાછળ રૂપિયા પચીસ હજાર ખર્ચવામાં આવ્યા. અગાઉથી ગ્રાહક થનારને પોણા મૂલ્યમાં આવવાનું હતું, પણ એની ૬૫૦ પ્રતો મહામુશ્કેલીએ ૨વાના થઈ કે સ૨કા૨ી ધોંસ આવી પહોંચી. કેટલીક પ્રતો પોસ્ટ ઓફિસમાંથી ઝડપી લેવામાં આવી, બાકીની કાર્યાલયમાંથી જપ્ત કરવામાં આવી. આ જપ્તી ગેરકાયદે છે, એમ ઠરાવવા ઇલાદાબાદની હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી.
આ કામ માટે રોજના રૂપિયા ત્રણસોની ફી ઠરાવી સુપ્રસિદ્ધ વકીલ શ્રી કૈલાસનાથ કાજુને ચાંદ કાર્યાલય તરફથી રોકવામાં આવ્યા. શ્રી સહગલજી હાર્યા, સરકારને ૪૦૫૦ રૂ. ખર્ચના આપવા પડયા, આમ ખાતર પર દિવેલ થયું.
મહાત્મા ગાંધીજીએ એ વખતે 'યંગ ઇન્ડિયા' અને 'નવજીવન'માં 'દિન દહાડે ડાકા' એ શીર્ષક નીચે એક સંપાદકીય નોંધ લખી. આ કામનો વિરોધ કર્યો. શ્રી રામરખસિંહ સહગલ શાંત બેસે તેવા માનવી નહોતા. એમને રાજકીય ક્રાંતિની, સામાજિક સુધારની ધૂન વળગી હતી. ઈ. સ. ૧૯૩૧માં તેઓએ 'સરદાર ભગતસિંહ' નામનું પુસ્તક પ્રગટ કર્યું. તદ્દન નવીન વિગતો એમાં હતી. ને ઊંચા આર્ટ પેપર પર એ છાપ્યું હતું. સરકારે જપ્ત કર્યું ને રૂ. છ હજા૨ની નુકસાની થઈ. સ૨કા૨ને સહગલજી દીઠયા ગમતા નહોતા. એ ગમે તે રીતે તેઓને વશ કરવા માગતી હતી. કાં કચડી નાખવા ઇચ્છતી હતી. આ ગજવેલ હતું. ભાંગી જાય એ હક્ક, વળવાની- નમવાની વાત નહિ.
વર્તમાન પત્રોના મોં બંધ કરવા અંગ્રેજ સરકાર નવનવા કાયદા કરતી હતી. એક કાયદાની ચૂંગાલમાં સહગલજીને ઝડપી લીધા. સરકારે એ કેસ પાછળ ત્રીસ હજાર ખર્ચ્યા. સહગલજીને આઠ હજારનું ખર્ચ થયું. આખરે ઈ. સ. ૧૯૩૧ની નવેમ્બરે સાડા સાતસો રૂપિયા દંડ અને છ સપ્તાહની જેલ થઈ.
આ પછી ભારતીય દંડવિધાનની ૧૨૪મી અ કલમ તેમના પર લાગુ પડી. રૂ. ચાર હજારના ખર્ચના ખાડામાં ઊતરી ગયા. આ પછી ૫૦૦ની જમાનત લીધી તે જપ્ત કરી. ઈ. સ. ૧૯૨૪માં 'પરાધીનોની વિજયયાત્રા' નામનું પુસ્તક પ્રગટ કર્યું. સરકારે જપ્ત કર્યું. શ્રી સહગલજી આઝાદીના ઉપાસક હતા. આઝાદીના ઉપાસકોના સાથી હતા. ઘી જે આંગળીએ નીકળે એ આંગળીએ કાઢવામાં માનતા હતા. તેઓએ 'માતૃમંદિર' નામની સંસ્થા સ્થાપી હતી. મકાન, મોટર, ટેલિફોન, તથા ભોજનની વ્યવસ્થા અહીં રહેતી.
બાહ્ય દેખાવમાં પથભ્રષ્ટા યુવતીઓ અને મનચલા યુવકો માટે આ સુધારણા ગૃહ હતું, પણ અંદર ખાને ક્રાંતિકારીઓ માટેનું વિશ્રામ ગૃહ હતું. આની પાછળ તેઓએ રૂપિયા છવ્વીસ હજાર ખર્ચ કર્યું હતું. પોતાની રોયલ ઇન્સ્યુરન્સ કંપનીની રૂ. પચીસ હજારની પોલીસી સંકટકાળે રૂ. તેર હજારમાં વેચીને પ્રવૃત્તિ ચાલુ રાખી હતી.
આ તો પરદેશી સ૨કા૨ની સાથે મૂઠભેડમાં હાનિ થઈ હતી. સહગલજીએ સિંહની અદાથી એ સહન કરી. પણ જ્યારે એમને એમના પોતાના જ માણસોએ દગો દીધો, ત્યારે તેમનું હૃદય ભાંગી ગયું. એકવારની જેલયાત્રામાં પાછળથી કાવતરું થયું. એમની પ્રાણસમી સંસ્થાનું અને પુસ્તકોનું લીલામ થયું.
સહગલજી રાહ પરના દરવેશ બની ગયા, ન પત્ર રહ્યું, ન સંસ્થા રહી, પોતે નોકરીએ રહ્યા. આ ઘા કારી થયો. દેશમાં આઝાદી આવી. આઝાદવીરોને સરકાર બક્ષિસો આપવા લાગી. સર્વસ્વ ન્યોછાવર કરીને ખુવાર થઈ બેઠેલા સહગલજી પાસે મિત્રોએ પોતાની સરકાર પાસે મદદ માગવા તૈયાર કર્યા, મદદ માગી. અનેક કારણો બતાવી મદદ ન આપી. સહગલજીને શોક થયો કે સિંહે થોડા માટે ખડ ખાવાનો કાં વિચાર કર્યો ?
આમ છતાં આજે આઝાદીની ઇન્કિલાબી કથાઓમાં કલમ ખાતર લોહી રેડનાર સહગલજી શોભે છે. ધાક, ધમકી, જુલમ અને કાવાદાવા કરતી સરકાર સામે કલમથી અણનમ બનીને આ માનવી અડીખમ ઊભો રહ્યો. આજે કલમથી કદમબોસી કરનારાઓનો સમાજ ચોમેર જોવા મળે છે, ત્યારે સહગલજીનું સ્મરણ દિલને ભારે આશાયેશ આપે છે.