Get The App

'મુક્તિ' .

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
'મુક્તિ'                                             . 1 - image

- રેખાબા સરવૈયા

- બસ... હવે વધી-વધીને કેટલા દિવસ ! આમ તો બધું પૂરું થઈ ગયું છે અને નહીં થયું હોય એ હવે પૂરું થાશે. પછી ક્યાંકથી કંઈક શરૂઆત થશે... 

આ અકળામણ હવે અસહ્ય હતી... શું અકળાતું હતું... એનું શરીર કે પથી એનું મન ? - એણે મનના વિચારોને છૂટા પાડીને સમજવાનો પ્રયાસ તો કર્યો પણ એ ફાવી નહીં. કહો કે આ સમય પૃથક્કરણ માટેનો નહોતો. કશું ન કરી શકવાની લાચારીએ એને અન્યમનસ્ક બનાવી મૂકી જાણે ! કંઈ ન સૂઝતાં એણે એક દીર્ઘ નિ:શ્વાસ છોડયો.

એની આ નિ:સાસો નાખવાની પ્રક્રિયાની પ્રતિક્રિયારૂપ એની આસપાસ બેઠેલી છ-સાત જેટલી ડોશીઓ પૈકીની એક ડોશી એની પીઠ પર પોતાનો હાથ પસવારવા લાગી અને સાથોસાથ ધીર-ગંભીર સ્વરે કહેવા માંડયું :

'હશે... મારા બાપ ! હશે... આવા ઊના-ઊના નિહાકા ના મૂક... મારી દીકરી... આ તો તારા જ ભાઈગ ફૂટલા નીકળ્યા... ઈ'માં કોને દોષ દઈએ કે'તો મુને... - એના અવાજને અનુભવનો આર ચડાવ્યો હોય એવો એ કડક હતો... એણે સાંભળતાં-સાંભળતાં આમ વિચાર્યું અને પછી આગળ કંઈ વિચારે એવો તો અવકાશ ક્યાં મળ્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી ! ખરેખર આજે કેટલામો દિવસ હતો ? - એ પણ એને ઝટ દઈને યાદ ન આવ્યું. અને એ મગજને જોર દઈને કંઈ વિચારવા જતી જ હતી કે...

એના કાનમાં અન્ય સ્વરધારા રેલાઈ આવી...

'જે અહીંથી આદરેલાં અધૂરા મે'કીને, અધવચાળેથી ઉપર હાલ્યા ગ્યા'સ ઈની વાહેં કોઈ ગ્યુ ઈમ હાંભર્યું'સ ભલા માણા !? જો ઇમ વહાલાઉની વાહંઈણ જવાતુ હોત ને તો તો બાપ... આ કવેળાના, નાના બાળ મૈણાંનું કોઈને દુ:ખ જ ક્યાં રે'ત!!

ઓરડાનાં બારણાનો ટેકો દઈને બેઠેલી એક વૃદ્ધા કહી રહ્યા બાદ, સામેની ભીંતનો ટેકો લઈ - લાંબો ઘૂમટો તાણીને બેઠેલી એક પ્રૌઢ સ્ત્રીએ વાતનો તંતુ સાંધી લેતા ઉમેર્યું : 'અ..રે...રે બુન... ગોરમાને પૂજતાં-પૂજતાં નાગલાં ઓછા પડયા હશે તારા... અને કાં તો પથી વટસાવિત્રીનાં વ્રત કંઈક કાચાં પડયાં... નકર... આમ ભરજુવાનીમાં આવડો ડુંગર વિધાતા તારી માથે નાખે જ શું કામ ?'

આ સ્ત્રીઓ અહીં આમ આવું બોલીને પોતાને શું જતાવી રહી હતી ? શું આ આશ્વાસન કહેવાય ? આને હૂંફ કહેવાય ? 'એના આવા દુ:ખ જોવાના રહી ગ્યા હઈશે તી' હારૂ... બિચ્ચારાં માવતરેય હું કરે ? જખ મારીને દીકરીનું આ દુ:ખ જોઈ-જોઈને હરોઝ મરવાનું'ર્યુ... બચાડા જીવને ! તાંતણો સે 'તી કંઈ તોડી મેલીને, એયને વાહોંવાહ મેલ ખંખેરી... ? જીવતાને જ જંજાળ સે ને... મુઆ પસી ક્યાં કોઈને કોઈનું દખ જોવુ સે ? પણ... આયૂષના સાટા થોડા હોય ! વાહેં રયે ઈને તો પગ ભરાવીને, ગૂડા ગેંહવી-ગેહવીનેય હંધુય જોતે-જોતે જીવવાનું.... !! નકર બીજુ કરવું શું ? સૂટકા વિનાની વાત ! કો' કોઠાડાહી વૃદ્ધાએ બોલી લીધા પછી ગળે બાઝેલી ખરજ સાફ કરીને ખોંખારો ખાઈને જરા ઊંચા સ્વરે પાણી માંગતા કહ્યું : 'એ વહુ બટા... હંધાયને પાણીનો કળશ્યો ફેરવી દેજો ને જરાં... બહુ વાર થઈ. ગળા સૂકાતાં હસે... ઉપરથી વાલામૂઈ... લાઇટ નથી... ગરમીને ઘામમાં રે'વાતુંય નથ... આ બચાડી... પહુડા જેવી નાની વહુ કરમાતી જાય છે... એના હારુ જરાંક હાથપંખાનો જોગ કરજે ને થાય તો !' - પછી થોડી વાર રહીને ઉમેર્યું... 'પાણીની હારોહાર મને જરાંક મારી બજર પણ અંબાવજે... આ રોયું બંધાણ કીધું ને... તે થઈ'ર્યું... વખત-વખતની કંઈ વાટ ન જુએ ને બસ તલપ એવી લાગે કે... - વૃદ્ધાએ આગળ શું કહ્યું એ ક્યાં મન સુધી પહોંચ્યું હતું !!! બસ, એણે તો એક જ શબ્દ પકડી લીધો હતો... 'તલપ.'

વૃદ્ધાની વાતમાં તથ્ય તો હતું જ... બંધાણની તલપ હોય જ એવી... ભલે ને પછી બજર સિવાયની કોઈ બીજી તલપ જ કેમ ન હોય ! આ ક્ષણે પણ એ વિચારતાં એનું મન પુલકિત થઈ ગયું હતું... જોકે સારું હતું કે એના આ ભાવોને કોઈએ એના ચહેરા પર સીધા જ વાંચી નહોતા લીધા કેમ કે... અહીં છેક આ અંધારા ઓરડાના એક ખૂણામાં... બારણાની ઓથે, છાતી સુધીનો ઘૂંઘટ ખેંચીને બેઠી'તી એ... !

એમ તો વૃદ્ધાની વાતમાં સત્ય પણ તો હતું જ વળી... એણે ગરમ-બાફ અને વાતાવરણમાં ઘામની વાત કરી ને... એને તરત બોલવાનું મન થઈ આવ્યું કે... હાથપંખો ન લાવી દો, તોપણ કંઈ વાંધો નહીં, આ બંધ ઓરડાની પછવાડામાં ઊઘડતી - બે જુનવાણી બારીઓ કોઈ ઉઘાડી આપો તોય મોટી મહેરબાની...

- પણ એને પોતાની અંદર ઊમટેલા આ ભાવને મહાપ્રયાસે અંદર જ સંગોપી દીધો. કારણ કે આટલા દિવસમાં આ ડોશીઓની વાતો સાંભળી-સાંભળીને એને એટલી ગમ તો પડી જ હતી કે... આવા સમયે એનાથી કંઈ બોલાઈ જાય નહીં એનું એને ધ્યાન રાખીને મૂંગા મરવાનું જ મુનાસિબ માનેલું...

પણ બારીની વાતે એનું મન ભૂતકાળમાં લટાર મારવા નીકળી ગયું એ તો નક્કી... અને આવી રીતે મનની યાત્રામાં એ ક્યાંથી ક્યાં પહોંચે છે એ જોનાર કોઈ જ નહોતું - એ સૌથી મોટી રાહત હતી એમ એનું મન માનતું... !! મનની માનેલી દુનિયામાં જીવવાની એને તલપ પણ હતી જ.

પરણીને એ જ્યારે આ ઘરમાં આવી ત્યારે પોતાના ઓરડાની બારીઓ એણે જેવી ઉઘાડી કે... ! જાણે કંઈક અપરાધ થઈ ગયો હોય એમ એને જણાવી દીધું પતિએ. હજુ તો એ બારીઓની આંકડીઓ નકુચામાં અટકાવીને બહારનું દ્રશ્ય જુએ ન જુએ કે એવામાં તો પતિએ જાણે સાપ ઉપર પગ પડી ગયો હોય એવું મોં કરીને પત્નીના આ કૃત્ય બદલ ઘઘડાવી જ મૂકી...

'અરે... આ શું કરો છો તમે ? આટલા મોટા ઘરનાં વહુશ્રી છો તમે આમ કરો એ ગાંડપણ જ કહેવાય કે બીજું કંઈ ?' પ્રથમ તો એ હેબતાઈ ગઈ કે પોતે એવું શું કર્યું હતું કે પતિ આમ ? પરંતુ જ્યારે પતિએ ખુદ, પોતે ઉઘાડેલી બારીઓ બંધ કરતાં કહ્યું : 'આ ખાનદાનની આબરૂની નથી પડી કે શું તમને ? આ રીતે બારીઓ ઉઘાડવાની ?'

- એ પૂતળા જેવી સ્તબ્ધ ! પ્રતિવાદ - પ્રતિઉત્તર કંઈ જ કરવાપણું તો ત્યાં હોય જ્યાં એને કોઈ સાંભળનાર હોય !?

એને તો ત્યારેય કહેવું હતું કે... પોતે જે ઘરમાં નાની-મોટી થઈ છે એની બારીઓ તો ક્યારેય બંધ જ નહોતી કરવામાં આવતી... બારીમાંથી દેખાતી એક મુક્ત દુનિયા, જગતની ચહલ-પહલ, લોકોના વ્યવહાર, આથમતા અને ઊગતા સૂરજ અને ચંદ્ર, ખુલ્લું આકાશ, મુક્તપણે વિચરતાં પંખીઓની હાર, નક્ષત્રોની વાતો લઈને વહી આવતી હવા અને બીજું તો કેટકેટલું...

બારીની મુક્તતા એની ભીતર એટલી તો મજબૂતીથી મૂળિયાં નાખી બેઠી હતી કે એ હળવાશ કે એ નિરાંતવી આશાએશમાં કદી કોઈ એવું પણ આવે એના જીવનમાં કે જેને આ મુક્તતા સામે જ વાંધો પડી શકે ! - એવું તો એણે બાર-બાર ગાઉ છેટે પલ્લે પણ વિચારેલું નહીં !!

પણ જીવન ક્યાં આપણા વિચારોના નકશામાં બંધ બેસે છે હંમેશાં... ? ગામની શેરીઓમાં મોડી સાંજ સુધી થપ્પો કે કૂંડાળાદાવ રમતાં-રમતાં અંધારાં ઊતરી આવે તોય ક્યાં એના મનમાં કોઈ ભય કે ડર લાગ્યો હતો... મા ચિંતા કરીને અડધી થઈ જાય પણ એ તો મોજથી પગની ઠેંસી લેતી, હિલ્લોળતી, કંઈક ગીત ગણગણતી કે પછી પોતાના બે આગળ ઝૂલતા ચોટલાના ફિત્તાથી રમતી, મોસંબીની ચીરી જેવી પીપર મોંમાં ચગળતી, આરામથી ઘરે આવતી...

રાત્રે વળી ફળિયામાં ભાઈબંધો અને બહેનપણીઓનું ટોળું કલબલાટ કરી મૂકે... ઓસરીના ઢોલિયેથી બાપુજી મીઠો ઠપકો આપીને સૌને ટોકે ત્યારે જરાક અવાજનો ઘોંઘાટ ઓછો થાય. પણ આ રાત્રિસભાઓનું નેતૃત્વ હંમેશાં એની પાસે જ રહેતું... શાળામાં મોનિટર પણ તો હતી જ વળી... કોઈની રાવ-ફરિયાદ હોય કે કોઈને સીધા કરવાનાં હોય... બધું સરવાળે એના માથે આવી પડતું. પણ જોકે એ ફટા...ક દેતાં'કને ઉકેલ લાવી દેતી... કોઈ પણ રસ્તો એને સૂઝી જ આવતો, એવી જન્મજાત કોઠાસૂઝ ! શિક્ષકોનેય એના પર અદકેરું માન ! અને કેમ ન હોય... કુશાગ્ર બુદ્ધિચાતુર્ય, વિનમ્રતાનો સંગમ હતી એ. સહ અધ્યાયીઓને મૂંઝવતા અઘરાં દાખલા કે પ્રશ્નોનો હલ એ પોતાની આગવી રીત અને સમજણથી લાવતી.

બસ એનાથી ન ઉકેલી શકાયો હોય એવો કોઈ કોયડો કે દાખલો હોય તો એક આ...

એક ઊંડો શ્વાસ છોડતાં એણે ઘૂંઘટની આડશમાંથી સામેની દીવાલને અડકાવીને રાખેલ ત્રિપાઈ અને એની ઉપર રાખેલ પતિની તસવીર સામે જોયું. સુખડના હારથી વીંટળાયેલ એ ચહેરો હસી રહ્યો હતો. એના મનમાં જોકે વિચિત્ર વિચાર આવીને વહી ગયો કે.... કોઈએ સાચું જ કહ્યું છે કે.. સુખડ-ચંદનનાં ઝાડ પર વીંટળાયેલા સર્પો કદીય સુવાસિત નથી થઈ શકતા કે ના તો પોતાનું ઝેર ઓછું કરી શકે છે...!

- આગળના વિચારો એકદમ વિખેરાઈ ગયા કારણ કે... એના ઊંડા શ્વાસને દારુણ દુ:ખમાં ખપાવી લેનાર એની પડખે અડીને બેઠેલી એક ડોશીએ કચવાતા સ્વરે કહ્યું : 'અરરર... માડી... ખમ્મા તને દીકરી... પણ હવે આ આવી પડેલી વેળાને તો વેઠયે જ છૂટકો છે મારી દીકરી ! આવડી'ક અમથી ઉંમરને આવડું બધું દુ:ખ !! જાણવી જ છી, આમાં તો તને કે'વુંય કેમ કે હિંમત રાખ્ય ! જેની માથે પડે ઈ જ જાણે કે... આવા વખતે બધીય હિંમત અન ધીરજ ઉપર વઈ જાય મારા દાદાનું ભાત લઈને... ! પણ બટા, ઉપરવાળા પાંહે ધીરજ માંગ... સહનશક્તિ માંગ ઈ જ બધું કરનારો... આપણે કુણ ઈની હામે બાથ ભરનારાં ???'

પોતાની લગ્ન પહેલાંની 'જાહોજલાલી'માં ભૂલી પડેલી તે અચાનક જ જાણે સપનામાંથી જાગી હોય એમ વૃદ્ધાની વાણીને સાંભળીને સમજવા મથી રહી. પોતાના જીવનની દિશા બદલી નાખનાર એ ઘટનાને યાદ કરીને એ છૂટા મોંએ રોઈ પડી....

એની પડખે બેઠેલી એની જનેતા - એની સાસુ સહિતની બધી જ સ્ત્રીઓએ માની લીધું કે 'આ બાઈથી દુ:ખ વેઠયું વેઠાતું નથી જાણે' અને એ બધીઓ પણ હીબકાં અને ધુ્રસકાના પાંચીકા ઉલાળવા માંડી. - રિવાજ મુજબ.

આ રિવાજ તો એની બેડી બન્યા હતા ને....! અત્યારે જુવાનજોધ ધણીના અકાળ અવસાનની વસમી વેળાએ રિવાજોના નામે શું-શું નહોતું કરાયું એની સાથે...!! સોળે શણગાર સજીને પથ્થર પર કાંડા પછાડીને ફોડવામાં આવેલી બંગડીઓ (જેના કાચની કરચથી એની કોમળ ત્વચા ઊતરડાઈ ગયેલી...) રેશમી-કાળા-ઘટ્ટ વાળનું મૂંડન - ધરાર જમીન પર જ કોથળો પાથરીને સૂવાનું ! જીવનમાં આજ લગી ક્યારેય મોંમાં નહીં મૂકેલો બાજરાનો રોટલો અને છાશ ખાવાની...!'

વિધવા તરીકે લાગેલા (માની લીધેલા) આઘાતને લીધે કોઈ એને એક મિનિટ પણ એકલી - રેઢી મૂકતું નહોતું. એનું મન કરતું હતું કે... ઘણા દિવસથી બંધ પડેલ રેડિયોની સ્વિચ ઑન કરીને કો' અજાણ્યા ગીતની હારે, વહી જાય સૂરની કોઈ અદીઠ ધારામાં અથવા તો પછી પોતાની બાલ્કનીમાં ઝૂલતું 'ઑસ્ટ્રેલિયન બર્ડ'નું પીંજરું લઈને અગાસીમાં દોડી જાય અને ચૂપચાપ એ પંખીઓને ઉડાડી મૂકે.... ઊંચે આકાશમાં ! કાં પછી આંગણામાં બાંધેલો (પાળેલો ?) જર્મન શેફર્ડ - જબ્બરદસ્ત - શાનદાર કૂતરાને લઈને સીમના રસ્તે વૉકિંગ કરવા નીકળી પડે અને પાછી વળે ત્યારે એ એકલી જ હોય... બહુ મહેનત કરી પણ હાથ ન આવ્યાનું જૂઠાણું કહીને એ કૂતરાને પણ જવા દે જ્યાં જવું હોય ત્યાં !! અને આ દિવાળીએ સસરા એક હરણ અને સસલું લઈ આવ્યા છે, એ તો બિચ્ચારા મૂંગા જીવ ! પણ આ તો એની મરજી હતી.... હકીકત તો ક્યાં મરજી મુજબની હોય છે ?

રિવાજો કહો કે સંજોગો એની યજ્ઞાવેદીમાં બહુ કીમતી આહુતિઓ હોમાતી હોય છે. બાપુજીને અચાનક જ આવેલો હાર્ટ-ઍટૅક એના જીવનનો ટર્નિંગપોઇન્ટ બની ગયો હતો. શાળાના આચાર્યએ પણ દરમિયાનગીરી કરી જોઈ... એનાં લગ્ન રોકવા સારુ.... પોતાને ખુદને પણ આશા હતી કે... પરંતુ આબરૂદાર ખોરડું, ખાનદાન કુટુંબ, સામટાં સીમ-ખેતર, ભણેલ દીકરો, મહેમાનોથી ઓપતું ઘર, વડીલોની પરંપરા... બસ... બાપુજીને તો આનાથી વધુ શું જોઈએ બીજું ?

બાપના જિગરના ટુકડાની છાતીમાં જ ક્યાંક બટકીને રહી ગયુ. જિલ્લા મથકે મરહૂમ રાષ્ટ્રપતિ કલામ સાબની હાજરીમાં, એક વિશિષ્ટ વૈજ્ઞાનિક પ્રૉજેક્ટલીડર તરીકે સન્માનિત થતાં જોયેલું સપનું... એક દિવસ આ દેશના વૈજ્ઞાનિક તરીકે પ્રસ્થાપિત થવું... - બાપુજીની વિદાય લેતી વખતે વહેલાં અનહદ-લાચાર આંસુઓમાં જ વહી ગયેલુંં.... બાપને હૈયે ઠારક વળી, એકની એક દીકરીને બહુ સારું ઠેકાણું મળ્યું. પણ... દીકરીના અરમાનોને કોઈ ઠેકાણું મળ્યું કે નહીં એ કોણ જાણે! - એક પોતાના સિવાય ?

આગળ ભણવાનું-વાંચવાનું-લખવાનું - ચર્ચા કરવાની - આ બધું તો આ ઘરમાં જાણે કે વર્જ્ય અને એટલું તિરસ્કૃત હતું કે.... પતિએ શરૂમાં જ કહી રાખેલું : 'ભણી-ભણીને ચોપડા ફાડો કે આંખો ફોડો.... જજ થાવ કે કલેકટર... કરવાના તો રોટલા જ છે ને ! અને ટ્રક ભરી-ભરીને ચોપડીઓ લાવ્યા છો તે શું મોટા પંડિત માનો છો પોતાને...! અરે... 

ઘરમાં કરવાનાં આટલાં બધાં કામ છે... એમાં મન પરોવો તો ઉદ્ધાર થશે... !' આ ક્ષણે પતિનાં એ વેણ યાદ આવતાં એ દિવસે બીકના માર્યા આંસુઓને અંદર જ દાબી દીધેલાં તે આ અત્યારે પાણીની સરવાણી ફૂટે એમ હૈયું અને આંખોમાંથી ફૂટીને છલછલ કરતાં વહી નીકળ્યાં.

બહાર વળી ફળિયામાં ખરખરાનાં લૌકિક નિમિત્તે કેટલીક સ્ત્રીઓ મરશિયાં ગાતાં-ગાતાં - ઘડાપીટ સાથે છાતીઓ કૂટતી હતી. મરનારનું નામ લઈ-લઈને વેણ વાળતાં-વાળતાં રાગબદ્ધ રુદન એના કાનમાં રેડાયું... રડવું અને બોલવું બેય આટલું તાલબદ્ધ-લયબદ્ધ કઈ રીતે હોઈ શકે ? - પ્રશ્નખોર મન ફરી માથું ઊંચકી બેઠું. પણ એને કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો.

એકાએક એને થાક વર્તાયો... કેટલીય રાતોથી એ નિરાંતે સૂતી નથી. કોઈ ને કોઈ એની પડખે હોય જ. અને બીજી વાત. આ રીતે જમીન પર બેસવું એના માટે પીડાદયી હતું. એણે સાડલાના છેડામાં ઢંકાયેલા, પોતાના હાથ બહાર કાઢીને વેઢા ઉપર દિવસોની ગણતરી કરવા માંડી.

આ જોઈને એની સાસુએ એની હથેળી પોતાના હાથમાં લઈને સહેજ દાબી પછી કહે : 'અરે... રે.... કરમ મારા.... આવતે સુખે દીકરો વયો ગ્યો... ઈ ટાણે તું આમ કરમાળાથી ભગવાનનાં નામ જપે છે ! રે વિધાતા, સુખેથી હું તારું નામ-સ્મરણ કરું એ ઉંમર થવાની હતી. મારી... અને રમકડાં જેવી મારી આ વહુ દુ:ખના દરિયામાં ડૂબકાં દઈ-દઈને તારું નામ જપે છે.... હે પ્રભુ ! આટલો ક્રૂર કેમ થયો તું ! અરે.... મારો લાલ લઈ લીધો'તો ભલે. લઈ લીધો પણ આવડી આ પૂમડા જેવડીને તો એની નિશાનીરૂપ કો'ક રમકડું આલવું તું ! કોની સામે જોઈ-જોઈને એ દિ' ટૂંકા કરશે ?? - કહેતાંકને ઠૂઠવો મૂકીને મોટે સાદે રડી પડયાં... હારોહાર... ફાટી જાય એવા ઊંચા સ્વરમાં દીકરાનું નામ લઈને વિલાપ કરી રહ્યાં... 'એ... મારા વિહામા... એ મને મૂકીને આમ મોટા ગામતરે કેમનો વયો ગ્યો ! એ તારા બાપનું મોત કેમ બગાડતો ગ્યો ? આ જનેતાનાં રખોપા ઓછાં પડયાં કે આ વહુનું વહાલ ખૂટી પડયું તને ! એ... મારા પેટ...'

પતિની ઉત્તરક્રિયા કયા દિવસે આવવાની હતી. અને આ જમઘટ એની આસપાસ કેટલા દિવસ જુય જામીને રહેવાની હતી... એની પ્રત્યક્ષ ગણતરી કરતાં-કરતાં એની ક્રિયા-ચેષ્ટા જોઈને સાસુએ લગાવેલા અનુમાન અને કરેલા વિલાપથી એને વિચિત્ર લાગણી થઈ આવી. સાસુની સંભાળમાં પડેલાં સૌને એ સ્થિતપ્રજ્ઞાભાવથી નીરખી રહી. એના મનમાં વિચાર ઊગ્યો... સારું છે કે ભગવાન સિવાય કોઈ 'અંતર્યામી' નથી...! એને રાહત મહેસૂસ કરવી હતી. એવો જ એક સ્પર્શ એણે અનુભવ્યો.... મા પોતાની પીઠ થપથપાવીને, કાનમાં ફુસફુસાતી હતી : 'જરાક પગ છૂટો કરવા ઉપર આંટો મારી આવ જા... પંખીના પાંજરામાં ચણ મૂકી આવ જોઈએ. ઉપરની અગાશીમાં આંટો મારીશ એટલે મન શાંત થશે. આડા-અવળા વિચારો નહીં આવે... અને આમ પણ સાથરે દીવો મૂકીને, નેવા હેઠે મીઠાઈ મૂકવાનું ટાણું પણ થયું છે... ઊઠ... ઊભી થા... - બસ, આટલાં વેણમાંથી કાનમાંથી સીધાં જ મનમાં ઊતરી ગયું એક પાંચ જ અક્ષરનું વાક્ય... 'ઊઠ, ઊભી થા.' - માનો સંદર્ભ જે હોય તે... પોતે તો એને પોતાના સંદર્ભે જ મૂલવશે.

બસ... હવે વધી-વધીને કેટલા દિવસ ! આમ તો બધું પૂરું થઈ ગયું છે અને નહીં થયું હોય એ હવે પૂરું થાશે. પછી ક્યાંકથી કંઈક શરૂઆત થશે... હા.. થશે જ.

કોણે કહ્યું કે મરે એ જ મુક્તિ પામે ? જે જીવે છે, હયાત છે - એનો વારો પણ ક્યારેક તો આવે જ.... - સાડલાનો છેડો સરખો કરીને એ ઊભી થઈ અને ધીમા પણ મક્કમ પગલે ઓરડો છોડીને - અગાસી ઉપર જતી સીડીની દિશામાં ઓગળી ગઈ.