AIના કારણે આ સેક્ટર્સની નોકરી જોખમમાં
- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની ટેકનોલોજી વિકસી રહી છે તેમ તેમ ઘણાં કામ સરળ બન્યાં છે. ઈન્ટરનેટ સર્ચની મેથડ બદલાઈ ગઈ છે. ફોટો ક્રિએટ કરવાનું આસાન બન્યું છે. કોઈ સામગ્રી લખવી હોય તો એ એઆઈના કારણે આસાન બને છે. મેડિકલથી લઈને એજ્યુકેશન સુધી, કોડિંગથી લઈને ક્રિએટિવ રાઈટિંગ સુધી એઆઈની અસર વર્તાવા માંડી છે. એ બધા વચ્ચે આ વર્ષે જે સેક્ટર્સ પર સર્વાધિક એઆઈની અસર થઈ છે અને નોકરીઓને ફટકો પડયો છે એ જાણી લઈએ....
- આઈબીએમ કંપનીએ બાયોડેટા તપાસવા માટે એઆઈ ટૂલ્સની મદદ લેવાનું શરૂ કર્યુંઃ ભવિષ્યમાં એચઆર વિભાગમાં કર્મચારીઓ ઘટશે
- એઆઈ ટેકનોલોજીએ અનેક ઈનોવેટિવ ટિપ્સ આપીને ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રને ઉગતું જ ડામી દીધું
- કોડિંગ અને પ્રોગ્રામિંગની મદદથી એઆઈ ટેકનોલોજીનો જન્મ થયો, આજે આ સેક્ટર પર જ એઆઈનું સર્વાધિક જોખમ
- કન્ટેન્ટ ક્રિએટ કરવાથી લઈને અનુવાદનું કામ એઆઈના કારણે સરળ બન્યું
- રેસ્ટોરન્ટ્સ અને હોટલ્સમાં એઆઈનો વ્યાપક ઉપયોગ શરૂ થયો
- અમેરિકા-જાપાનમાં એઆઈથી સજ્જ ડ્રાઈવરલેસ કારના પ્રયોગો અંતિમ તબક્કામાં, ડ્રાઈવરોની નોકરીઓ પર ખતરો
- ૨૦૨૨ના અંતે ચેટજીપીટીનું આગમન થયું તે પછી કેટલાય પરિવર્તનો આવ્યાં ઃ ચેટજીપીટીના કારણે ઈન્ટરનેટ સર્ચમાં પરિવર્તન આવ્યું
- એઆઈથી સજ્જ ડિઝાઈનર ચેટબોટ્સના કારણે કેટલીય કંપનીઓએ કસ્ટમર કેર અધિકારીઓની સંખ્યા ઘટાડી દીધી
- કસ્ટમર સપોર્ટ
ચેટબોટ્સના કારણે ૨૪ કલાક સુધી કસ્ટમર્સ સાથે કનેક્ટ રહેવાનું સરળ બન્યું છે. પહેલાં અનેક કંપનીઓએ ૨૪ કલાકની કસ્ટમર કેર સર્વિસ આપવા માટે દિવસ રાત ત્રણ-ત્રણ શિફ્ટમાં કર્મચારીઓ બેસાડવા પડતા હતા. અથવા તો કોલ સેન્ટર્સ ચલાવતી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હતો. તેના બદલે હવે એ જ કામ એઆઈ ચેટબોટ કરી આપે છે. એક એઆઈ ચેટબોટનું મોડલ ક્રિએટ કરી દેવાથી કેટલાય કસ્ટમર કેર એક્ઝિક્યૂટિવ્સની છુટ્ટી થઈ જાય છે. હવે તો ઘણી કંપનીઓ ડિઝાઈનર એઆઈ ચેટબોટ બનાવી આપે છે. કંપની ક્યા પ્રકારની સર્વિસ આપે છે અને તેમાં કેવા પ્રકારની મુશ્કેલીઓ વારંવાર સર્જાય છે તેનો અભ્યાસ કરીને, એ પ્રમાણે કોડિંગ કરીને ચેટબોટ બનાવી દેવામાં આવે છે. આ ચેટબોટ્સ દરરોજ હજારો કસ્ટમર્સની નાના-મોટા પ્રશ્નો સોલ્વ કરે છે. મોટાભાગની કંપનીઓ, ઓનલાઈન સર્વિસ આપતા પ્લેટફોર્મ્સમાં એઆઈ ચેટબોટનું ટૂલ ઉમેરાઈ ચૂક્યું છે. એમાં તમારો પ્રશ્ન રજૂ કરો કે તુરંત જ એને લગતા સમાધાનો મળી રહી છે. કમ્પલેઈન રજિસ્ટર થઈ જાય છે એટલે જે કામ માટે કસ્ટમર કેર એક્ઝિક્યૂટિવ્સ બેસાડવા પડતા એ કામ ચેટબોટથી થાય છે. પરિણામે કસ્ટમર કેરમાં નોકરીઓ ઘટી છે.
- કોડિંગ અને પ્રોગ્રામિંગ
જેણે એઆઈનું નિર્માણ કર્યું એના પર જ એઆઈએ એટેક કર્યો! કોડિંગ અને પ્રોગ્રામિંગની મદદથી એઆઈ ટેકનોલોજીનો જન્મ થયો. આજે એઆઈ આ સેક્ટર પર જ મોટું જોખમ છે. ગિટહબ કોપાઈલટ, ચેટજીપીટીની મદદથી બેઝિક અને ઈન્ટરમીડિયેટ કોડિંગ ચંદ સેકન્ડમાં મળી રહી છે. જે કામ આઈટી પ્રોફેશનલ્સ કલાકોની મહેનત પછી કરી આપતા હતા એ જ કામ એઆઈ ટૂલના કારણે તુરંત થઈ જાય છે. તેનાથી આઈટી સેક્ટરની નોકરીઓ પ્રભાવિત થઈ રહી છે. હવે આઈટી એન્જિનિયરને માત્ર કોડિંગ આવડતું હોય તો એની નોકરી ખતરામાં છે. તેને કોડિંગમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ આવડવું જોઈએ ને સાથે બીજી સ્કિલ પણ હોવી જોઈએ. તો જ એની નોકરી સલામત રહી શકે છે. પ્રોગ્રામિંગ લેંગ્વેજ એક સમયે સૌથી અઘરી બાબત ગણાતી હતી. એ અઘરી બાબત આવડતી હતી એટલે જ આઈટી એન્જિનિયર્સની ડિમાન્ડ રહેતી હતી. હવે આ અઘરી બાબત એઆઈથી ઈઝી બની છે. આગામી સમયમાં આઈટી એન્જિનિયર્સે એઆઈની સ્કિલ વિકસાવવી ફરજિયાત થઈ પડશે. એઆઈ ટૂલ્સ સાથે મેચ નહીં થાય તે આઈટી પ્રોફેશનલ્સ માટે નોકરી ટકાવી રાખવાનું કપરું બનશે.
- ડ્રાઈવર્સ
ડ્રાઈવરની હજુ સુધી તો એટલી જ ડિમાન્ડ રહે છે. ભારત જેવા દેશોમાં વાહનોની ટેકનોલોજી ઘણી વિકસી હોવા છતાં ડ્રાઈવર વગર વાહન ચલાવવાનું જોખમ કોઈ લેવા તૈયાર નથી. પરંતુ ૨૦૨૫નું વર્ષ આ સેક્ટર માટેય નિરાશા લઈને આવ્યું છે. અમેરિકા-જાપાન ઉપરાંત યુરોપના દેશોમાં ડ્રાઈવરલેસ કારના પ્રયોગો છેલ્લાં તબક્કામાં છે. જો આ ટેકનિક મોટાપાયે લાગુ પડી જશે તો સેંકડો ડ્રાઈવર્સ બેકાર બની જશે. અત્યારે જ કારમાં ક્રૂઝ કન્ટ્રોલ સહિતની ટેકનોલોજી આવી રહી છે. ૫જી કાર ટેકનોલોજીમાં વાહન બાજુમાંથી પસાર થાય તેના સિગ્નલ્સ મળે છે. આગળ-પાછળ, આજુ-બાજુમાં બીજું વાહન કેટલું દૂર છે એની જાણકારી પણ મળતી થઈ છે. વેધર રિપોર્ટથી લઈને અકસ્માત થાય ત્યારે તુરંત નજીકના હેલ્પ સેન્ટરમાં જાણ કરવા સુધીના કામ ઓટોમેટિક થઈ રહ્યાં છે. હ્મુમન એરરના કારણે, ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગના કારણે અકસ્માતો વધ્યા છે, પરિણામે લોકો ડ્રાઈવરલેસ કારની ટેકનોલોજી તરફ આકર્ષાઈ રહ્યાં છે.
- રેસ્ટોરન્ટ્સ-હોટલ્સ
રેસ્ટોરન્ટ્સ અને હોટલ્સમાં એઆઈનો વ્યાપક ઉપયોગ શરૂ થયો છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી સર્વિસ આપતાં રેસ્ટોરન્ટ્સ ચેટબોટ્સની સર્વિસ તો લે જ છે. તે સિવાય એઆઈથી સજ્જ રોબોટ્સ ઓર્ડર લેવાનું કામ પણ કરતા થયા છે. મોટા શહેરોમાં એવા રેસ્ટોરન્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. અમુક રેસ્ટોરન્ટ્સ નવું કરવાના નામે વેઈટરને બદલે રોબોટ્સને ઓર્ડર લેવાનું કામ સોંપે છે. તે એટલે સુધી કે ચીન-જાપાન-અમેરિકાના ઘણાં શહેરોમાં તો રોબોટ્સ ફૂડ સર્વ પણ કરી આપે છે. તે સિવાય કેશિયરનું કામ પણ એઆઈથી થવા માંડયું છે. ઘણી રેસ્ટોરાંમાં ક્યૂઆર કોડ આપી દેવામાં આવે છે. એમાં એઆઈની મદદથી ઓર્ડર પ્લેસ થઈ જાય છે. પરિણામે ઓર્ડર લેનારા સ્ટાફની ઘણી જરૂરિયાત ઘટી ગઈ છે. તે કારણે હવે આ પ્રકારની નોકરીઓ ઘટવા માંડી છે.
- ડિજિટલ માર્કેટિંગ
સોશિયલ મીડિયા અને ડિજિટલ માર્કેટિંગનો વિચાર બહુ જૂનો નથી. પાંચ-સાત વર્ષથી ડિજિટલ માર્કેટિંગનો ટ્રેન્ડ શરૂ થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી માર્કેટિંગ, વેચાણ કરી શકાતું હોવાથી ઘણાં લોકોએ ડિજિટલ માર્કેટિંગની એજન્સી બનાવીને બિઝનેસ શરૂ કર્યો હતો. ખાસ તો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટયૂબ, વોટ્સએપના માધ્યમથી કેવી રીતે કમાણી કરવી, કેવી રીતે પોસ્ટ મૂકવી એ બધું જ ડિજિટલ માર્કેટિંગમાં આવતું હતું, પરંતુ હવે એઆઈથી એ કામ આસાન બન્યું છે. આજે એઆઈ ચેટબોટ્સ સાવ સરળતાથી ડિજિટલ માર્કેટિંગની ફંડા કહે છે. પોસ્ટ મૂકવાનું યાદ કરાવે છે. માર્કેટિંગ માટે વન લાઈનર્સ લખી આપે છે. કેપ્શન ક્રિએટ કરી આપે છે. ફોટોમાં એડિટિંગ પણ કરી આપે છે. હેશટેગથી લઈને ટ્રેડિંગ વિષયનું મોનિટરિંગ કરી આપે છે. આ બધી સર્વિસ એઆઈ બેઝ્ડ થઈ ગઈ હોવાથી ડિજિટલ માર્કેટિંગમાં એન્ટ્રી લેવલની નોકરીઓ ખતમ થવા માંડી છે. અથવા તો ખૂબ જ ઘટવા લાગી છે. જે એજન્સીને પહેલાં ૧૦૦ માણસોની જરૂર પડતી હતી તે અત્યારે એઆઈના જાણકાર ૪૦-૫૦ માણસોથી ચલાવી રહ્યાં છે.
- હાયરિંગ પ્રોસેસ
કોઈપણ કંપની માટે હાયરિંગની પ્રોસેસ ખૂબ જ મહત્ત્વની હોય છે. ક્યા માણસને નોકરી આપવી જોઈએ. એની સ્કિલ શું છે? એનો જોબનો રેકોર્ડ કેવો છે? કેટલા વર્ષ સરેરાશ એક સ્થળે નોકરી કરી શકે છે? તેની હોબી શું છે? તેનું સામાજિક વલણ કેવું છે? આ તમામ બાબતો હવે નોકરી આપતા પહેલાં ચેક થાય છે. એ માટે એચઆર વિભાગ કામ કરે છે. એચઆર વિભાગમાં કાર્યરત સ્કિલ્ડ કર્મચારીઓ બાયોડેટાના આધારે, સોશિયલ મીડિયાની પોસ્ટના આધારે જે તે ઉમેદવારનું એનાલિસિસ કરે છે. પણ હવે એમાં એઆઈની મદદ મળી રહી છે. ઘણી કંપનીઓએ ડિઝાઈનર એઆઈ ટૂલ બનાવીને તેને જ ઉમેદવારોના એનાલિસિસનું કામ સોંપવાનો આરંભ કર્યો છે. હમણાં જ આઈબીએમ વતી કહેવાયું હતું કે જોબ માટે અરજી કરનારા ઉમેદવારોનું શોર્ટલિસ્ટનું કામ એઆઈ ટૂલને સોંપાયું હતું. એ ટૂલથી બહુ જ નિષ્પક્ષ રીતે ઉમેદવારોનું લિસ્ટ મળ્યું હોવાનું કંપનીએ કહ્યું હતું. આ પ્રક્રિયા જો વ્યાપક રીતે શરૂ થશે તો એચઆર વિભાગમાં પણ કર્મચારીઓની સંખ્યા ઘટવા માંડશે.