ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતની મહિલા રિલે ટીમ ગોલ્ડન સિદ્ધિના શિખરે

- વિથ્યા રામરાજ, પૂવામ્મા, કિરણ પહલ અને પ્રાચી ચૌધરીની ૪ બાય ૪૦૦ મીટર રિલેમાં કમાલ
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- વિથ્યા રામરાજે ૪૬ વર્ષ જૂનો પીટી ઉષાનો ૪૦૦ મીટરની દોડનો રાષ્ટ્રીય વિક્રમ તોડવા સાથે એશિયાડમાં છઠ્ઠો ચંદ્રક જીતી લીધો : અનુભવી પૂવામ્માની સાથે કિરણ અને પ્રાચીએ કટોકટીના સમયે પ્રભુત્વ જાળવી રાખ્યુ
દ રેક મોર પિચ્છની શોભા અલગ જ હોય છે, પણ જ્યારે તે બધાને ભેગા કરીને પૂષ્પના ગુચ્છની સમાન રજુ કરવામાં આવે ત્યારે ખરેેખર અહેસાસ થાય કે, મોર તેના પીછાં થકી જ રળિયામણો છે. મોર અને પીંછાનું સ્વતંત્ર અસ્તિત્વ છેે, પણ બંનેનું જોડાણ અને સુભગ સમન્વય અલગ આભા મંડળની રચના કરવાની સાથે વિશિષ્ટ મનમોહક દ્રશ્યને રજુ કરે છે. તેવી જ રીતે ભારતીય રમત જગતમાં છેલ્લા કેટલાક વર્ષોથી સાંઘિક રમતો કે જેેને ટીમ ગેમ પણ કહી શકાય તેમાં સફળતાનો ગ્રાફ વધુને વધુ ઊંચો ચઢી રહ્યો છે અને જાપાનમાં યોજાયેલી એશિયન ગેમ્સના ચંદ્રકોમાં ટીમ ગેમ્સે કે પછી ડબલ્સની ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓની પ્રતિભાનો અલગ જ ચમકારો જોવા મળી રહ્યો છે અને આ સફળતા એ ભારતીય પ્રજાની એકબીજાની સાથે અનુકૂળ બનીને શ્રેષ્ઠ પરિણામને બહાર લાવવાના કૌશલ્યનું પ્રતિબિંબ માત્ર છે.
દર ચાર વર્ષે યોજાતી એશિયન ગેમ્સ કે જે એશિયાડ તરીકે પણ ઓળખાય છે, તેમાં ટ્રેક એન્ડ ફિલ્ડની ઈવેન્ટમાં ભારતની મહિલા ટીમે ૪ બાય ૪૦૦ મીટરની રિલેમાં સુવર્ણ સિદ્ધિ હાંસલ કરતાં નવા સીમાચિહ્નને સર કરી દેખાડયું. છેલ્લા ૪૪ વર્ષમાં (૧૯૮૨થી) યોજાયેલા તમામ ૧૨ એશિયાડમાં ભારતે મહિલાઓની ૪ બાય ૪૦૦ મીટરની રિલેમાં ચંદ્રક જીતવામાં સફળતા મેળવી છે અને ભારતે આ ઈવેન્ટમાં રેકોર્ડ સાતમો સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો હતો. જાપાન એશિયન ગેમ્સમાં ભારતને એથ્લેટિક્સમાં એકમાત્ર સુવર્ણ ચંદ્રક મળ્યો છે અને તેનો શ્રેય મહિલાઓની ૪ બાય ૪૦૦ મીટરની મહિલા રિલે ટીમમાં સામેલ કિરણ પહલ, પૂવામ્મા એમ.આર., પ્રાચી ચૌધરી અને વિથ્યા રામરાજને જાય છે.
ભારતીય એથ્લેટિક્સ માટે આ સુવર્ણ ચંદ્રક ગૌરવની યાદગાર પળ એટલા માટે પણ બની રહ્યો છે કારણ કે ગત એશિયાડમાં આ ઈવેન્ટમાં ભારત માત્ર ૦.૨ સેકન્ડના અંતરથી કતાર સાથેની ફાઈનલ રેસમાં હારી ગયું હતુ અને વર્ષ ૨૦૦૨ થી ૨૦૧૮ સુધી સળંગ પાંચ ગેમ્સમાં ભારતની ગોલ્ડન રનનો અંત આવ્યો હતો. જોકેે નાગોયાના પાલ્મો મિઝુહો સ્ટેડિયમમાં ભારતની મહિલા એથ્લીટ્સે કતારને ૦.૫૨ સેકન્ડના અંતરથી મહાત આપીને ફરી સુવર્ણ ચંદ્રક પોતાના નામે કરી દેખાડયો હતો. અલબત્ત, ભારત (૩:૨૯.૬૯) આ ઈવેન્ટમાં ૧૯૮૮થી અડિખમ રહેલા સોવિયેત સંઘના વિશ્વવિક્રમ (૩:૧૫.૧૭)થી તો ઘણું પાછળ રહ્યું હતુ, પણ સમકાલીન એશિયન હરિફો કરતાં તો ભારતીય ખેલાડીઓએ ચઢિયાતા હોવાનો પૂરાવો આપી જ દીધો છે.
હરિયાણાની કિરણ પહલ અને ઉત્તર પ્રદેેશની પ્રાચી ચૌધરીની સાથે કર્ણાટકની પૂવામ્મા અને તમિલનાડુની વિથ્યા રામરાજની રિલે ટીમે ઉત્તર અને દક્ષિણ ભારતના સુભગ સમન્વય થકી જીતેલો સુવર્ણ ચંદ્રક પ્રતીકાત્મક રીતે પણ વિશેષ મહત્વ ધરાવે છે. અત્યંત સાધારણ પરિવારની પાશ્ચાદ્-ભૂ ધરાવતી ચારેય ખેેલાડીઓની એશિયન ગેમ્સ સુધીની સફર અનેક સંઘર્ષ અને અભાવ વચ્ચેથી પસાર થતાં-થતા નાગોયા સુધી પહોંચી હતી અને ત્યાં તેમણે તમામ ટ્રેક પર ઉતરતાની સાથે તમામ પરેશાનીઓ અને મુશ્કેલીઓને એક તરફ મુકીને સૌથી પહેલા વિજયરેખા સુધી પહોંચવા માટે જે જોશથી દોડ લગાવી તેના થકી દેશને લાંબા સમય સુધી યાદ રહે તેવી સફળતા અપાવી.
હરિયાણાના રોહતકમાં જન્મેલી એથ્લીટ કિરણ પહલને એથ્લેટિક્સના ટ્રેક પર જિંદગીને આગળ ધપાવવા માટે ખુદ તેના પરિવારજનો સામે જ સંઘર્ષ કરવો પડયો હતો. કોઈ પ્રાયોજકો તેમજ આર્થિક મદદ વિના જ પ્રેક્ટિસ કરતી કિરણની કારકિર્દીને સતત પ્રોત્સાહન આપતાં તેના પિતાનું અવસાન થતાં તેને મોટો ફટકો પડયો. માતા અને પરિવારના અન્ય સભ્યોની નામરજી છતાં કિરણેે એથ્લેટિક્સ ટ્રેકને ન છોડયો અને તે ૪૦૦ મીટરની દોડમાં ૫૧ સબ સેકન્ડનો સમય આપનારી હિમા દાસ પછીની ભારતની માત્ર બીજી મહિલા એથ્લીટ બની હતી અને આ પ્રદર્શનના સહારે તેણે પેરિસ ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો.
એશિયન ગેમ્સ ૨૦૨૬માં કિરણે ૪ બાય ૪૦૦ મીટરની મહિલાઓની રિલેમાં સુવર્ણ અને મિક્સ રિલેમાં રજત ચંદ્રક જીતવાની સાથે તેના આત્મવિશ્વાસને ખરો સાબિત કરી દેખાડયો હતો. કિરણની જેમ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં સાધારણ ખેડૂત પરિવારમાં જન્મેલી પ્રાચી ચૌધરીને દરેક મોરચે આર્થિક તેમજ સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડયો છે. સહારનપુરના ઝબીરન ગામમાં વસતા ખેડૂત જયવીર સિંહના પરિવારમાં ત્રીજા સંતાન તરીકે જન્મેલી પ્રાચીને બાળપણથી જ દોડવા અને કૂદવામાં વધુ રસ પડતો. તે ખેતરમાં પિતાને અને મોટા ભાઈ-બહેનોને મદદ પણ કરતી. શાળા જીવન દરમિયાન જ તેણે જુદી-જુદી સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરુ કર્યું. પ્રાચીનો આત્મવિશ્વાસ અને લગન જોઈને તેના પિતા જયવીર સિંહે ઉછીના નાંણા લઈને તેેને દોડવા માટેના ખાસ શૂઝ (સ્પાઈક્સ) લઈ આપ્યા અને ધીરે-ધીરે તેની કારકિર્દી રાષ્ટ્રીય સ્તરે પહોંચી અને તેણે ૨૦૧૯ની એશિયન ચેમ્પિયનશિપમાં ૪ બાય ૪૦૦ મીટરમાં રિલેમાં રજત ચંદ્રક જીત્યો. ડોપિંગ અંગેની ઓછી જાગૃતિને કારણે તેણે જાણ્યા વિના દવા લીધી અને ૨૦૨૧માં તેનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે તેની પરિસ્થિતિને જાણ્યા બાદ તેના પરનો પ્રતિબંધ ઘટાડી દેવામાં આવ્યો હતો.
ગત એશિયાડમાં રજત સફળતા મેળવનારી ભારતીય ટીમમાં સામેલ પ્રાચીએ આ વખતે ટીમને સુવર્ણ ચંદ્રક અપાવવામાં કોઈ કસર છોડી નહતી. આ કારણે આગામી સમયમાં તેને ઉત્તર પ્રદેશ પોલીસમાં ડીએસપી તરીકેની પદોન્નતિ મળી જશે તે નક્કી છે. ભારતની સ્વર્ણિમ સફળતા મેળવનારી રિલે ટીમમાં સામેલ સૌથી સિનિયર એથ્લીટ પૂવામ્મા આર.એમ. વર્લ્ડ ચેમ્પિયનશિપથી લઈને ઓલિમ્પિકમાં રમવાનો અનુભવ ધરાવે છે. મેંગલોરમાં આવેલા એરપોર્ટમાં નોકરી કરતાં એમ.જી.રાજુ અને એમ.આર. જાલીના પરિવારમાં જન્મેલી પૂવામ્માનો ભાઈ મંજુ પણ ૪૦૦ મીટરમાં રાષ્ટ્રીય સ્તરે ચંદ્રક વિજેતા બની ચૂક્યો છે. પૂવામ્માની કારકિર્દીને શાળા જીવનમાં નિખાર મળ્યો અને વ્યાયામ શિક્ષક વસંત હેગડેની સલાહ પર પૂવામ્માએ નજીકના સ્ટેડિયમમાં એથ્લેટિક્સ કોચ દિનેશ કુન્દરના માર્ગદર્શનમાં તાલીમ મેળવવાની શરુ કરી.
વર્ષ ૨૦૦૬માં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપથી કારકિર્દી પ્રારંભ કરનારી પૂવામ્મા છેલ્લા ૨૦ વર્ષમાં રિયો અને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂકી છે અને એશિયન ગેમ્સમાં તેણે ૨૦૧૪ અને ૨૦૧૮માં કુલ મળીને ત્રણ સુવર્ણ અને એક કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ગત એશિયાડ ગુમાવનારી પૂૂવામ્માએ આ વખતે કમબેક કરતાં કારકિર્દીનો ચોથો એશિયન ગેમ્સનો સુવર્ણ ચંદ્રક જીતવામાં સફળતા મેળવી છે. તેણે મિક્સ રિલે ટીમ તરફથી આ વખતે રજત ચંદ્રક પણ હાંસલ કર્યો હતો. કર્ણાટકના પાડોશી રાજ્ય એવા તમિલનાડુમાં જન્મેલી વિથ્યા રામરાજની જાપાન એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક સુધીની સફર પણ રોચક રહી છે.
કોયમ્બતૂરમાં વસતા રામરાજ અને મીનાના પરિવારમાં જન્મેલી જોડકી બહેનો વિથ્યા અને નિથ્યા શાળાજીવનમાં હોકી રમતાં. પિતા રામરાજ ટેમ્પો ચલાવીને ગુજરાન ચલાવતા. પરિવારની આર્થિક હાલત સામાન્ય હતી અને આ કારણે હોકી રમતી પુત્રીઓને તેની માતા મીનાએ વ્યક્તિગત રમતમાં આગળ વધવાની સલાહ આપી અને આ પછી તેમણે ૧૦૦ અને ૨૦૦ મીટરની દોડ તરફ નજર દોડાવી.
આ પછી તેમને પ્રાથમિકમાં જ રમત માટેની વિશેષ શાળામાં પ્રવેશ મળી ગયો, જેથી પરિવાર પરથી ફી સહિતની ઘણી આર્થિક જવાબદારી ઓછી થઈ ગઈ.
વિથ્યાની કુશળતા જોઈને તેને ૨૦૧૭માં ૪૦૦ મીટરની દોડમાં આગળ વધવાની સલાહ મળી, પણ શરૂઆત સારી ન રહી કારણ કે ૪૦૦ મીટરના દોડની તાલીમ અત્યંત કપરી અને શારિરીક રીતે થકવી નાંખનારી હતી. વિથ્યાની કારકિર્દીમાં ૨૦૨૧માં એક વળાંક આવ્યો, તેનો પરિચય રાજસ્થાનમાં જન્મેલા અને તમિલનાડુમાં ઉછરેલા કોચ નેહપાલ સિંઘ રાઠૌર સાથે થયો. રાઠૌરની કપરી તાલીમમાં શરુઆતમાં વિથ્યાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો પણ તેની પ્રતિભાનો ચમકારો રાષ્ટ્રીય સ્તરે દેખાવા માંડયો. તે ૨૦૨૩ની ઈન્ડિયન ગ્રાં પ્રિમાં ૪૦૦ મીટરની વિઘ્ન દોડમાં ૫૫.૪૩ સેકન્ડનો સમય આપ્યો અને તે પીટી ઉષાના રાષ્ટ્રીય રેકોર્ડથી ૦.૧ સેકન્ડ પાછળ રહી ગઈ. જોકે ૨૦૨૨ના હાંગઝોઉ એશિયાડમાં વિથ્યા અને નિથ્યા બંનેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું અને વિથ્યાએ ૪૦૦ મીટર વિઘ્ન દોડમાં ૫૫.૪૨ સેકન્ડનો સમય આપતાં કાંસ્ય ચંદ્રક જીત્યો અને પીટી ઉષાએ ૧૯૮૪ના ઓલિમ્પિકમાં નોંધાવેલા નેશનલ રેકોર્ડની બરોબરી કરી લીધી. તેણે ૪ બાય ૪૦૦ મીટરની મહિલાઓની અને મિક્સ રિલેમાં રજત ચંદ્રકહાંસલ કર્યા.
એશિયાડના સુવર્ણ અને રાષ્ટ્રીય રેકોર્ડ સર્જવાના પોતાના લક્ષ્યને હાંસલ કરવાના ઈરાદા સાથે જાપાન એશિયાડ માટે ક્વોલિફાય થયેલી વિથ્યાએ તેના બંને ટાર્ગેટને સફળતાપૂર્વક પાર પાડયા. વિથ્યાએ ૫૪.૭૫ સેકન્ડના સમય સાથે ૪૦૦ મીટર વિઘ્ન દોડમાં ઉષાનો ચાર દશક જૂનો નેશનલ રેકોર્ડ તોડી નાંખ્યો હતો અને આ પછી ૪ બાય ૪૦૦ મીટરની મહિલાઓની દોડમાં સુવર્ણ ચંદ્રક જીતી બતાવ્યો, જે વિથ્યાની કારકિર્દીનો સૌપ્રથમ સુવર્ણ છે.
જાપાન એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સમાં એક પણ સુવર્ણ ન જીતવાના કલંકમાંથી ભારતને ઉગારી લેનારી ભારતની મહિલા રિલે ટીમ હવે આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ કમાલ દેખાડશે તેવી આશા ભારતીય રમત જગતને છે.




