- આજકાલ : પ્રીતિ શાહ
ભોમિયા વિના ભમવું છે મારે !
- ૨૪ વર્ષનો જિબિન મધુ શોર્ટ ટ્ર્રિપ પર નીકળેલો, પરંતુ એની આ ટૂંકી સફર ઘણી લાંબી થઈ ગઈ. એક વર્ષ, ચાર મહિના અને સત્તર દિવસમાં એણે ભારતના દસ રાજ્યો અને નેપાળનો પ્રવાસ કર્યો...
પ્રવાસનો ભારે શોખ હોય, પણ ઘણીવાર શોખીન વ્યક્તિઓને આર્થિક પરિસ્થિતિ મૂંઝવતી હોય છે. એમને મનોમન કેટલીય ઇચ્છાઓ જાગતી હોય છે. દેશવિદેશના સ્થળો જોવાની ઉત્સુકતાને મનમાં ધરબી દેવી પડતી હોય છે. કુટુંબની વાત તો જુદી, પરંતુ યુવાનો માટે તો કેરળનો જિબિન મધુ કહે છે કે પ્રવાસ માટે પૈસા નહીં, પરંતુ તીવ્ર ઇચ્છાની આવશ્યકતા છે. કોટ્ટાયમના પાલા ગામમાં રહેતો જિબિન 'સોલો ટ્રાવેલર' છે. હોટલ મેનેજમેન્ટમાં સ્નાતકની ડિગ્રી મેળવનાર જિબિન નાનપણથી જ ફરવાનો શોખીન છે. સમગ્ર ્ર ભારતની મુસાફરી કરવી તે એનું સ્વપ્ન હતું. તેથી એણે નક્કી કરેલું કે અભ્યાસ કર્યા પછી કોઈ એક ફરવાની જગાએ કામ કરવું, ત્યાં વળી થોડા પૈસા ભેગા થાય એટલે બીજી જગ્યાએ જવું. નાનપણમાં આજુબાજુનાં સ્થળોએ, પહાડો, નદીઓ અને જોવાલાયક સ્થળોએ ભ્રમણ કરવાનું લક્ષ્ય રહેતું, પરંતુ હવે તે ભારતનાં રાજ્યોમાં પ્રવાસ કરવા ચાહતો હતો. આવી માનસિકતા સાથે ૨૦૨૧ની પહેલી એપ્રિલે પોતાની યામાહા બાઈક લઈને નોકરીની શોધમાં ઘરેથી નીકળ્યો. સાથે હતો જરૂરી સામાન, પોતાનાં કપડાં અને માત્ર પાંચ હજાર રૂપિયા !
૨૪ વર્ષનો જિબિન મધુ શોર્ટ ટ્ર્રિપ પર નીકળેલો, પરંતુ એની આ ટૂંકી સફર ઘણી લાંબી થઈ ગઈ. એક વર્ષ, ચાર મહિના અને સત્તર દિવસમાં એણે ભારતના દસ રાજ્યો અને નેપાળનો પ્રવાસ કર્યો. એની ઇચ્છા મ્યાનમાર જવાની પણ હતી, પરંતુ એની સરહદ બંધ હોવાથી તે મ્યાનમાર જઈ શક્યો નહીં. આટલા લાંબા પ્રવાસનો એને કોઈ અનુભવ નહોતો. એને એમ હતું કે પાર્ર્ટટાઈમ નોકરી તો સહેલાઈથી મળી જશે, પરંતુ પંદરેક લોકોને મળ્યા પછી એને કામ તો મળ્યું, પણ સાવ ઓછા પગારથી. પૂના અને કર્ણાટકમાં હોટલમાં સવારે પાંચથી રાત્રે અગિયાર વાગ્યા સુધી માત્ર ૧૩૦ રૂપિયામાં કામ કર્યું, તો ઘણી જગ્યાએ પેટ્રોલ પંપ પર કામ કર્યું. હોટલમાં કામ કરતી વખતે ઘણા પ્રવાસશોખીનો તેની વાત સાંભળીને કામ શોધી આપતા હતા. જિબિન ઘેરથી નીકળ્યો, ત્યારે એને ખબર નહોતી કે તે આટલો લાંબો પ્રવાસ કરશે. વળી કુુટુંબના લોકો પણ એમ માની બેઠા હતા કે એ વારંવાર નોકરી બદલે છે.
પોતાના અનુભવોની વાત કરતાં જિબિન કહે છે કે અલગ અલગ જગ્યાએ કામ મળવું ખૂબ મુશ્કેલ હતું. મધ્યપ્રદેશ છોડીને જ્યારે ઉત્તરપ્રદેશ પહોંચ્યો, ત્યારે એની પાસે માત્ર એકસો રૂપિયા હતા. સમગ્ર મુસાફરી દરમિયાન એણે નાના ફૂડસ્ટોલ જોયા હતા, તેથી એણે પણ પોતાની બાઈક પર ફૂડસ્ટોલ શરૂ કરવાનું વિચાર્યું. તેની પાસે કેરોસીનથી ચાલતો સ્ટવ, કેટલાંક વાસણો અને કેરળના મટ્ટા ચોખા હતા. એણે રસ્તામાંથી કેટલીક ચીજવસ્તુ ખરીદી અને નૂડલ્સ, આમલેટ અને ચા બનાવીને વેચવા લાગ્યો. બાઈકના ટોપ બોક્સ પર બધુ સેટ કર્યું. તેની પાસે રસોઈ કરવાનો અનુભવ હતો, તેથી સહેલાઈથી ફૂડસ્ટોલ ચલાવવા લાગ્યો. ધીમે ધીમે પેપર પ્લેટ અને પેપર ગ્લાસ પણ વસાવી લીધા. એ કહે છે કે બાઈક પર પ્રવાસે નીકળનારા ઘણા લોકો દિવસના ત્રણસો-ચારસો કિમી. ચલાવે છે, પરંતુ જિબિન તો જ્યાં જતો, ત્યાં અઠવાડિયાઓ સુધી નિરાંતે રહેતો. લોકોને મળતો અને ભારતની જુદી જુદી સંસ્કૃતિનો અનુભવ કરતો. તેનો ફૂડ સ્ટોલ સારો ચાલતો હતો. ત્યાં મળી જતાં કેરળવાસીઓને કેરળના ચોખા પણ ખવડાવતો હતો. રોજના પાંચસો-છસો રૂપિયાની કમાણી થવા લાગી. પોતાનો ખર્ચ કાઢતાં થોડા પૈસા પોતાના ઘેર પણ મોકલાવ્યા.
જિબિન લોકોનો આભાર માનતા કહે છે કે બાઈક ફૂડ સ્ટોલમાંથી થનારી આવક કરતાં લોકોનો જે સહકાર અને પ્રેમ મળ્યો, તેનાથી યાત્રાને આગળ વધારવામાં સફળ રહ્યો. ઘણા લોકોએ કામ આપ્યું, તો ઘણા લોકોએ સૂવાની જગ્યા આપી. રોહતાંગ અને ઉત્તરાખંડમાં ખૂબ ઠંડી અને બરફવર્ષા થયેલી. તેનો ટેન્ટ સામાન્ય હતો અને સ્લીપીંગ બેગ હતી નહીં, તેથી એક ઉપર એક કપડાં પહેર્યાં છતાં ખૂબ ઠંડી લાગતી હતી. તે દિવસે તેણે પોતાનાં કપડાંથી તાપણું કર્યું. મેઘાલય પહોંચ્યો ત્યારે ટેન્ટ ફાટી ગયો હતો. તે સમયે આસામની એક વ્યક્તિએ એને ટેન્ટ ભેટમાં આપ્યો. આવા ખાટાં-મીઠાં અનુભવ સાથે યાત્રા આગળ વધી, પરંતુ અરૂણાચલના તવાંગમાં એની બાઈક બગડી અને રીપેરીંગનો ખર્ચ દસ હજાર રૂપિયા થયો. ત્યારબાદ ફરીવાર બાઈક બગડી ત્યારે મિલિટરીની મદદથી જાતે જ તેનું રીપેરીંગ કર્યું.
પોતાના પ્રવાસના અનુભવોને લોકો સુધી પહોંચાડવા એણે યુ-ટયૂબ પર 'કુમ્બુ ટ્રાવેલ' નામની ચેનલ શરૂ કરી, જેમાં તે મલયાલમ અને તમિળ ભાષામાં વીડિયો દ્વારા પોતાના અનુભવની વાત કહે છે. તમિળ લોકોએ એને ખૂબ મદદ કરી, તેથી તે તમિળ ભાષામાં બ્લોગ લખે છે. ઉત્તર ભારતમાં હિન્દી શીખીને હિન્દીમાં પણ બ્લોગ મૂકતા હતા. પંજાબના લોકોએ પણ ઘણી મદદ કરી અને ત્યાં ખેડૂત આંદોલનમાં પણ એણે ભાગ લીધો. યુ-ટયૂબની 'કુમ્બુ ટ્રાવેલ' ચેનલથી તેના પિતા કુમ્બુક્કલ મધુ અને માતા ઉષાને એના ભારત પ્રવાસની ખબર પડી. માતા-પિતાની નારાજગી થોડી ઓછી થઈ. તમિળનાડુ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, મેઘાલય, મહારાષ્ટ્ર, સિક્કિમ, હિમાચલ પ્રદેશ અને નેપાળમાં ફરીને ૨૦૨૨ની ૧૭મી જુલાઈએ ઘેર પાછો આવ્યો. આ પ્રવાસ દરમિયાન ગમે તેવી મુશ્કેલી આવી છતાં જિબિન હિંમત હાર્યો નહીં. એ તો કહે છે કે, 'પ્રવાસ એક એવી બાબત છે કે જે મને જિંદગીમાં આગળ વધવા પ્રેરણા આપે છે. તેનાથી મને સ્વતંત્રતા અને સંતોષની અનુભૂતિ થાય છે.' ભવિષ્યમાં થાઈલૅન્ડ સહિત ઘણા દેશોનો પ્રવાસ કરવા ઇચ્છે છે. તેના માટે એ પોતાને અને બાઈકને તૈયાર કરે છે. તેનું માનવું છે કે ગમે તે થાય, હું બાઈક ફૂડ સ્ટોલ તૈયાર રાખીશ, જે મને મારી મંઝીલ સુધી પહોંચાડશે એવો વિશ્વાસ આપે છે.'
રેશમ ખરું, પણ સાવ અહિંસક
- લાયશાએ પોતાની બચતના વીસ હજાર રૂપિયા અને મિત્રો અને કુટુંબીજનોએ આપેલા ત્રીસ હજાર રૂપિયા - આમ પચાસ હજારના મૂડીરોકાણથી હાથશાળનું એક યુનિટ શરૂ કર્યું
ભા તીગળ સંસ્કૃતિ ધરાવતા આપણા દેશમાં પ્રત્યેક રાજ્યની આગવી વિશિષ્ટતા જોવા મળે છે, તેમાંય ખાણીપીણી, સામાજિક રિવાજો અને પોશાકોમાં તો ખાસ. હસ્તકલામાં પણ કેટકેટલી વિવિધતા ! પરંતુ અફસોસની વાત એ છે કે ઘણી બધી કલાઓ લુપ્ત થતી જાય છે. જેમકે પાટણના પટોળાં બનાવનાર હવે એક જ પરિવાર રહ્યો છે, તો કચ્છમાં અનેક પ્રકારના ભરતકામમાંથી ભરત ભરવાની ઘણી પદ્ધતિઓ લુપ્ત થઈ ગઈ છે. મેઘાલયમાં પણ એરી સિલ્કનું વણાટકામ કામ કરનારા ઓછા થઈ ગયા છે. મેઘાલયમાં વણકર પરિવારમાં જન્મેલી લાયશા રિંબાઈ આમ તો સ્કૂલમાં ગણિત શીખવે છે, પરંતુ તેમની માતા પ્રિસિલા રિંબાઈની ઇચ્છા હતી અને એ લાયશાને આગ્રહ કરતી કે શિક્ષણની સાથે સાથે તે પોતાની પારંપરિક કલા અને શિલ્પ શીખે, વિશેષ કરીને એરી રેશમ વણતા શીખે.
માતાની પ્રેરણાથી લાયશાએ પોતાની બચતના વીસ હજાર રૂપિયા અને મિત્રો અને કુટુંબીજનોએ આપેલા ત્રીસ હજાર રૂપિયા - આમ પચાસ હજારના મૂડીરોકાણથી હાથશાળનું એક યુનિટ શરૂ કર્યું. આમ તો એના કુટુંબમાં જ પાંચથી છ વ્યક્તિઓને વણતા આવડતું હતું. લાયશાની માતા આજે પણ જ્યારે સમય મળે, ત્યારે વણાટકામ કરે છે, તેથી લાયશા માટે શરૂઆત બહુ સરળ રહી. મેઘાલયના રેડ ઈપનગર ગામમાં શિક્ષિકા તરીકે કાર્યરત લાયશાને ૨૦૧૮ના ડિસેમ્બરમાં પચાસ એરી રેશમના સ્કાર્ફનો ઑર્ડર મળ્યો. આ ઑર્ડરને સમયસર પૂરો કરવા માટે ગ્રામીણોની અને વિશેષ કરીને મહિલાઓની જરૂર ઊભી થઈ. એણે મહિલાઓને એરી રેશમ વણાટકામની કલા શીખવવા માટે તૈયારી દર્શાવી. તેમને પ્રોત્સાહિત કરવા ગામના પ્રત્યેક ઘરે ગઈ. લાયશાને લાગ્યું કે જો આ મહિલાઓ આ કલા શીખે તો તેને રોજગારી મળે, કારણ કે આ ક્ષેત્રમાં એ માટેનો કાચો માલ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ થતો હતો, પરંતુ એરી રેશમના વણાટકામમાં કૌશલ્ય ધરાવનારી વ્યક્તિઓ બહુ ઓછી હતી. એમને અન્ય વ્યવસાયોમાં વધુ રસ હતો. આ કલાને પુનર્જીવિત કરવાની પણ લાયશાની ઇચ્છા હતી, પરંતુ જ્યારે તે મહિલાઓને વણાટકામ શીખવા સમજાવતી, ત્યારે તેઓ લાયશાને શંકાની નજરે જોવા લાગ્યા અને કેટલાક લોકો તો એનાથી લાયશા નફો રળવાની છે એવો આરોપ પણ મૂકવા લાગ્યા. છેવટે આ કલાને પુનર્જીવન મળે તે માટે રેડ ઈપનગર હેન્ડલૂમ વિવર્ર્સ કો-ઓપરેટીવ સોસાયટીનો સંપર્ક કર્યો અને જે મહિલાઓના સમૂહને એરી રેશમ કાંતવા અને વણાટકામમાં શિક્ષિત કરી હતી, તેનો સંપર્ક થઈ શક્યો. પચાસ સ્કાર્ફનો ઑર્ડર પૂરો કર્યા બાદ એરી સિલ્કને લોકપ્રિય બનાવવા માટે લાયશાએ પ્રયત્નો શરૂ કર્યા. એરી સિલ્કની સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સિલ્ક અન્ય સિલ્ક કરતાં અલગ છે તે અહિંસા સિલ્ક તરીકે કે શાંતિપ્રિય સિલ્ક તરીકે જાણીતું છે, કારણ કે આમાં કોશેટાને કે સિલ્કવોર્મને માર્યા વિના સિલ્ક બને છે.
'પેટા' સંસ્થાના જણાવ્યા પ્રમાણે સિલ્કની એક સાડી બનાવવા પાછળ દસ હજાર કોશેટાને મારવામાં આવે છે. જ્યારે એરી સિલ્કને સામિયા સિંધિયા રિકિની કે ફિલોસ્મિયા રિકિની કીડામાંથી મેળવવામાં આવે છે, જેને એરંડા અને કસાવાના પાન ખવડાવવામાં આવે છે. તેમાંથી કીડા નીકળી જાય પછી કોશેટાને ઉકળતા પાણીમાં નાખવામાં આવે છે, તેથી તે અહિંસા સિલ્ક તરીકે પણ ઓળખાય છે. આ રેશમ બધા હવામાનમાં પહેરવા માટે અનુકૂળ છે. ગરમીમાં ઠંડક અને ઠંડીમાં ગરમી આપે છે અને ચામડી પર કોઈ નુકસાન થતું નથી. આ રેશમથી ભરતગૂંથણ પણ કરી શકાય છે. લાયશાએ 'એરીવેવ ડોટ ઈન' નામની વેબસાઈટ બનાવી છે, જેના ઉપરથી બધી માહિતી મળી શકે છે. તેઓ સ્કાર્ફ, સ્ટોલ અને કપડું વેચે છે અને વેચાણ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, જેથી વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકાય.
એરી સિલ્કનો વધુ પ્રસાર થાય તે માટે લાયશાએ મેઘાલય સરકાર દ્વારા આવા પ્રકારની પહેલ કરનારને પ્રોત્સાહિત કરવા માટે શિલોંગમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ પ્રાઈમ (પ્રમોશન અન્ડ ઈનક્યૂબેશન ઑફ માર્કેટ ડ્રિવન એન્ટરપ્રાઈઝ) કોહોર્ટ-૨માં એન્ટરપ્રોન્યોર તરીકે અરજી કરી હતી, તેમાં એ પસંદગી પામી. એના દ્વારા તે એરી રેશમને વિશ્વફલક સુધી લઈ જઈ શકશે. લાયશાનું માનવું છે કે પ્રાઈમમાં ઈનક્યુબેશનથી એના વ્યવસાયને વિકસાવવામાં, વધુ મહિલાઓનો આમાં સમાવેશ કરવામાં અને આર્થિક લાભ મેળવવામાં મદદ મળશે, કારણ કે આજે એરી સિલ્કનાં ઉત્પાદનોની માગ વધી રહી છે. એણે થોડા સમય પહેલાં દુબઈમાં યોજાયેલા વર્લ્ડ એકસ્પોમાં ભાગ લીધો હતો. આજે લાયશા યુ.એ.ઈ.ને એક બજારના સ્વરૂપમાં જોઈ રહી છે. આ સિલ્ક હાથવણાટથી થતું હોવાથી સમય વધુ જાય છે અને મોંઘું પણ બને છે. આજે લાયશા રિંબોઈની ટીમમાં કાયમી દસ મહિલાઓ વણાટકામ કરે છે અને સિત્તેર મહિલાઓ કાંતે છે. આ મહિલાઓ મહિને દસથી પંદર હજાર કમાય છે. શિક્ષક તરીકેની નોકરી અને પરિવારની સંભાળ વચ્ચે વ્યવસાયનો વિકાસ કરવાનું મુશ્કેલ કામ સમયના યોગ્ય આયોજનથી કરી રહી છે, કારણ કે એનું સ્વપ્ન છે કે એક દિવસ અમારાં ઉત્પાદનો વૈશ્વિક બજારમાં વેચાતા હશે.


