Get The App

મારે જીવવું નથી, મને મરવા દો ! મારા માટે જિંદગીનાં તમામ બારણાં બંધ થઈ ગયાં છે ! - શર્કરા

- 'મને બાપ સમજજે, બેટી ! ઉપરવાળો બેઠો છે.. એનાં ત્રાજવાં તો ન્યાયના ત્રાજવા છે

- ઝાકળઝંઝા : પરાજિત પટેલ

Updated: Aug 2nd, 2020

GS TEAM

Google News
Google News
મારે જીવવું નથી, મને મરવા દો ! મારા માટે જિંદગીનાં તમામ બારણાં બંધ થઈ ગયાં છે ! - શર્કરા 1 - image

- 'મને બાપ સમજજે, બેટી ! ઉપરવાળો બેઠો છે.. એનાં ત્રાજવાં તો ન્યાયના ત્રાજવા છે. તારણનારો એ છે, બચાવનારો એ છે ! રક્ષણહારો એ છે ! 

'મને મરવા દો, મારે જીવવું નથી.. મને ન રોકો... મોતને વહાલું કરવા દો મને...'

માંડ ચાલીસેક વરસની ઓરત છે. પાતળી દેહયષ્ટિ છે. ચહેરા પર વિષાદનાં લીંપણ લીંપાયા છે. લાગે છે કે જિંદગી જીવવા માટેની તમામ આશાઓ એણે ગુમાવી દીધી છે. એની આંખોમાં હતાશા ડોકાય છે. કાળજાનાં કળતર એના ચહેરા પર ડોકાઈ રહ્યા છે.

નદીના કિનારાથી થોડેક દૂર ઘટાદાર વૃક્ષ છે. ને એ વૃક્ષની નીચલી ડાળી પર એણે દોરડું બાંધ્યું છે, બસ, એની હિલચાલમાંથી 'શું કરવું ?' એ સવાલનો જવાબ લખાઈ ચૂકેલો જણાઈ રહ્યો છે ! આશાનો નાનકો ટુકડો પણ બચ્યો નથી... દોરડાના ફાંસલામાં માથું પરોવવા જ જતી હતી ત્યાં જ એક સાઠ વરસના સજ્જન અચાનક જ ધસી આવ્યા. ઓરતને ધક્કો મારી ખસેડી દીધી ને એના ગાલ પર એક હળવો તમાચો જડી દીધો: 'શું કરવા જઈ રહી છે તું ?'

'મારે મરવું છે. ન રોકો મને... દાદા!'

'એટલે મરવાનો પાક્કો નિશ્ચય જ કરી નાખ્યો છે તેં, એમ ?'

'જીવીને ય હું શું કરું ? મોત તો મારા માટે આશીર્વાદ રૂપ બનશે. કોઈ માર્ગ બચ્યો નથી જીવવાનો, દાદા ! મને મરવા દો, અટકાવો નહીં.'

'એમ ? મરી જઈશ એટલે બધું પતી જશે, એમ ? સાંભળ છોકરી...'

'શું ?'

'મોત તારા એક પણ સવાલનો જવાબ નહિ આપે, હા, જિંદગી તારા તમામ સવાલોના જવાબો આપશે, સમજી ?'

- અને એ વડીલે એ ઓરતનો હાથ પકડી લીધો: 'ચાલ સામે હોટલ છે, નાસ્તો કરી લે.'

અને પેલી ઓરત, વડીલની સાથે ઘસડાઈ. હોટલની  ખુરશી પર બેઠા બેય જણ. ને વડીલે કહ્યું 'શું નામ છે તારું ?'

'શર્કરા !'

'તને શું ભાવે છે ? ઢોંસો ખાઈશ ?'

'જરૂર.. ચાલશે !'

ન બંને એ એક એક ઢોંસો ખાઈ નાખ્યો... પેટમાં ઢોંસો જતાં જ શર્કરાને 'હાશ' થઈ. વડીલે પૂછ્યું 'બોલ શી છે તારી સમસ્યા ?'

'દાદા...'

- અને એ રડી પડી.

'રડ નહિ, જે મૂંઝવણ હોય તે મને કહે.'

'દાદા, મારો ઘરવાળો છુટક મજુરી કરે છે, ને ચાર-પાંચ હજાર કમાય છે. પણ એમાં કુટુંબનું ગુજરાન શી રીતે થાય ? ભાડાનું મકાન છે. એક રૂમ-રસોડાનું ઘર છે. ચાર હજાર ભાડું છે, મહીનાનું ! શું થાય ? ક્યારેક તો નકોરડા ઉપવાસ કરીને સૂઈ જવું પડે છે... ક્યારેક વળી કોળિયો ધાન મળે તો રાજી રાજી થઈ જઈએ ! એમાંય મારા ઘરવાળાએ દસ ટકાના વ્યાજે એક માથાભારે સ્ત્રી પાસેથી ચાલીસ હજાર લીધા. ન ભરાયા પૈસા, વ્યાજ પર વ્યાજ ચઢતું ગયું. કડક ઉઘરાણી થતી ગઈ. ધમકી પણ મળી:'દસ દિવસમાં પૈસા નહિ ભરો તો જોવા જેવી થશે.. વ્યાજ સાથે પૈસા ભરી દો.. નહિંતર ક્યાંયનાંય નહિ રહેવા દઉં !'

પતી ગયું !

જાણું છું એ શું કરશે !

જાણું છું એ અમારી હાલત કફોડી કરી નાખશે !

જાણું છું તે મારીને મારા ઘરવાળાની ઈજ્જત જાહેરમાં ઉછાળશે ! બે ત્રણ દિવસ તો વીતી ગયા ! કોઈએ મને પૈસા ન આપ્યા. સગા વહાલાં એ હાથ અધ્ધર કરી દીધા: 'તમારી વાત તમે જાણો... મારો ઘરવાળો બિચારો ભલો ભોળો છે. એ બિચારો કરી કરીને શું કરે ? પેલી ઓરત પાસે જઈને કરગર્યો... પણ એણે તો ધક્કો જ મારી દીધો: 'દસ.. એટલે દસ ! મારે દસમા દિવસે પૈસા જોઈએ જ નહીંતર -'' 

નહીંતર ઈજ્જતના કાંકરા...

આબરૂનાં છોડિયાં...

કાં તો મારપીટ.

આજે તો વ્યાજ સાથે મોટી રકમ થઈ ગઈ છે.

હું શું કરું ? મેં ખૂબ વિચાર્યું... ને પછી તો મારા મન સાથે મેં નિર્ણય જ કરી નાખ્યોઃ 'મોત... આત્મહત્યા. તમામ ચિંતાઓનો ઉકેલ... ને એટલે જ તો...' 

'એટલે જતું મરવા આવી હતી. ગાંડી છોકરી, તારા વિચારો પર મને દયા આવે છે ! ચાલ મારા ઘેર !'

'આવીને શું કરું !'

'થોડીક મદદ હું કરીશ. ઓળખીતા-પારખીતાઓને વાત કરીશ. બીજા પણ મદદ કરશે. હું ભીખ માગીશ. હાથ જોડીશ... તારા માટે ગદ્ગદ ભાષામાં હું વાત કરીશ.'

'હું ?'

'હા !'

'તો ?'

'ચાલ મારી સાથે !'

'ભલે.'

ને દૂર પડેલી કારમાં વડીલે એને બેસાડી દીધી. વડીલ પણ બેસી ગયા. કાર ઉપડી. સડસડાટ ઉપડી વડીલના બે માળના મકાનમાં શર્કરા દાખલ થઈ... ને વૃદ્ધ માજી એટલે કે વડીલનાં પત્નીના પગ એણે પકડી લીધા ! વડીલે ભાવથી એને જમાડી. ને ગજવામાંથી કાઢીને બબ્બે હજારની પાંચ નોટો એના હાથમાં મૂકી દીધી ! થોડાક પાડોશમાં રહેતા સજ્જનો પાસેથી અપાવ્યા. પચીસેક હજાર થઈ ગયા.. એના ઘરવાળાને ય ફોન કરીને બોલાવી દીધો.. ને વડીલ સજ્જનરાય બોલ્યા 'આટલા પેલી બાઈને આપી દો. ને બાકીના માટે વાયદો કરજો !'

બે ય જણાં સજ્જન રાયના પગમાં પડી ગયા 'તમે તો અમારા ભગવાન છો, દાદા!'

રાજીપો રેલાઈ રહ્યો...

બચી ગયેલી જિંદગી મુસ્કુરાઈ રહી: ' હાશ, હવે જીવી લઈશું !'

બેય જણાના ચહેરા પર આનંદના સાથિયા રચાયા. ઘરવાળો આનંદ તો રાજી રાજી થઈ ગયો.

શર્કરા બોલી 'બા નેય પગે લાગો..'

'ભલે.'

'જિંદગીના કમાડ પર કંકુના થાપા દેવાયા ! મોત છુમંતર થઈ ગયું ! વૃક્ષની મુકેલી ડાળપસ્તાવાથી પલળી ગઈ ! આશાનું કબૂતર ગટરગૂ કરવા લાગી ગયું !'

વડીલે પૂછ્યું 'હવે શું કરવું ?'

'આપ કહો તે...'

'મને બાપ સમજજે, બેટી ! ઉપરવાળો બેઠો છે.. એનાં ત્રાજવાં તો ન્યાયના ત્રાજવા છે. તારણનારો એ છે, બચાવનારો એ છે ! રક્ષણહારો એ છે ! એના પર વિશ્વાસ રાખજે એણે તને જિંદગી આપી છે, તો તારા બાકીના દુઃખ માટે પણ કોક ભામાશાને જરૂર મોકલી આપશે એ આપવા આવતો નથી.દાનવીર કર્ણોને એ મોકલે છે. ભામાશાઓને એ મોકલે છે ! હા, શ્રદ્ધા તો રાખવી જ પડશે. જો જેને તારું દુઃખ ભાંગનારો પણ એ જ મોકલી આપશે. બોલ, હવે મરવું છે તારે ?'

'ના !'

'તો ?'

'જીવવું છે !'

'ઉપરવાળા પર વિશ્વાસ છે ?'

'હા, છે ! એ જ મારા દુઃખને હણનારા કોઈ કર્ણને મોકલી આપશે !'

નામફેર સાથેની આ સાવ સાચી કથાની નાયિકા શર્કરા પરથી ઘાત તો ટળી ગઈ.. પણ હજી તેના પર તલવાર લટકે છે.. પૂર્વ અમદાવાદમાં ભાડાના મકાનમાં રહેતી શર્કરા કહે છે: 'હે મારા પ્રભુ ! તારા પર મને પૂર્ણ શ્રદ્ધા છે !' ને પછી ઉમેરે છે કે, અલબત્ત રડતાં રડતાં: 'એ જ કરશે મારાં કામ... અધૂરી સમસ્યા એ જ પૂરી કરશે ! મારા પ્રભુની લીલાનો કોઈ પાર નથી ! '

Tags :