- ભગવાન ખુદ પોતાને પ્રકાશનું સ્વરૂપ ગણાવતા હોય ત્યારે એ વાત સ્વયં સ્પષ્ટ છે કે સાધકનું લક્ષ્ય ઈશ્વરને મેળવવાનું છે યાને ઉજાશને મેળવવાનું છે અને એ માટેની શરીર-મન-આત્માની યાત્રા અવિરત ચાલતી રહે છે
શ્રી કૃષ્ણ ભગવત ગીતાના સાતમાં શ્લોકમાં અર્જુનને કહે છે : હે અર્જુન! જળમાં રસ હું છું, સૂર્ય-ચંદ્રમાં પ્રકાશ હું છું, વેદોમાં ઓમકાર હું છું, આકાશમાં શબ્દ હું છું અને પુરુષોમાં સામર્થ્ય હું છું.
ભારતીય દર્શનમાં ઉજાસને સ્વયં પરમતત્વ ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. કદાચ એ જ કારણ છે કે ભગવાનની દરેક ઉપાસના પદ્ધતિમાં પ્રકાશની હાજરી કોઈને કોઈ સ્વરૂપે અનિવાર્ય છે. મંદિરમાં દીપક, યજ્ઞામાં અગ્નિ એ પ્રકાશના વાહકો છે. તો જન્મથી લઈને મૃત્યુ સુધીની શરીરની યાત્રામાં ય રોશનીના અનેક વાહકોની જરૂર પડે છે. વિધાતા લેખ લખવા આવે ત્યારે ય દીવડો પ્રગટાવવામાં આવે છે. ભારતીય પ્રણાલી પ્રમાણેના સોળેય સંસ્કારોમાં ય પ્રકાશની હાજરી હોય છે. અંતિમ સંસ્કારમાં શરીરને પંચ મહાભૂતોમાં વિલિન કરવા માટે ય પ્રકાશ એટલે કે અગ્નિ મદદે આવે છે. એટલે કે શરીર અને આત્માની યાત્રા રોશનીની સાથે સાથે વિકસે છે અને રોશની સાથે જ પૂરી થાય છે.
ભારતીય ફિલસૂફીનો મૂળ સિદ્ધાંત સાધકને અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી રોશની સુધી પહોંચાડવાનો છે. આપણે ત્યાં ધ્યાનના માધ્યમથી સાધકને યૌગિક ઊંચાઈ હાંસિલ કરીને રોશની મેળવવાની વાત છે. તો જ્ઞાનના માધ્યમથી સમગ્ર બ્રહ્માંડનું રહસ્ય જાણીને પ્રકાશ મેળવવાની હિમાયત થઈ છે.
ભગવાન ખુદ પોતાને પ્રકાશનું સ્વરૂપ ગણાવતા હોય ત્યારે એ વાત સ્વયં સ્પષ્ટ છે કે સાધકનું લક્ષ્ય ઈશ્વરને મેળવવાનું છે યાને ઉજાશને મેળવવાનું છે અને એ માટેની શરીર-મન-આત્માની યાત્રા અવિરત ચાલતી રહે છે.
ભારતીય દર્શન પ્રમાણે માણસ કર્મોના આધારે સ્વર્ગ કે નર્ક મેળવે છે. અહીં પણ નર્ક એટલે અંધકાર છવાયેલો એવી કોઈક અશાંત જગ્યા. જ્યારે સ્વર્ગ એટલે તેજોયમ અને શાંતિપૂર્ણ સ્થળ.
આપણું અધ્યાત્મક જગત 'દિવ્ય પ્રકાશ'ની કલ્પના કરે છે. આ દિવ્ય પ્રકાશ શું છે? ગીતામાં ભગવાન કૃષ્ણએ આ દિવ્ય પ્રકાશને દિવ્ય ચક્ષુ કહ્યા છે. જો આંખો જ દિવ્ય પ્રકાશ જોઈ શકતી હોય તો પછી અન્યત્ર એની શોધ કરવી પડતી નથી અને આંખો દિવ્ય પ્રકાશ ત્યારે જોઈ શકે જ્યારે અણુએ અણુમાં ઈશ્વરના દર્શન થતાં હોય. જો એવી દૃષ્ટિ કેળવાય તો પછી શાસ્ત્રોમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલી રોશનીની તલાશ ક્યાંય બહાર કરવાની જરૂર નહીં પડે. એ આંતરિક પ્રકાશ હશે અને આંતરિક પ્રકાશ પછી યાત્રા પૂરી થતી હોય છે.


