Get The App

આગળ... પાછળ : આગળ-પાછળની સંતાકૂકડી જીવનભર રમતી રહે છે

Updated: Nov 13th, 2022

GS TEAM


Google News
Google News
આગળ... પાછળ : આગળ-પાછળની સંતાકૂકડી જીવનભર રમતી રહે છે 1 - image

- થોડામાં ઘણું : દિલીપ શાહ

'આગે હૈં કાતિલ મેરા ઔર મૈં પીછે પીછે....' આ આગળ-પાછળની સંતાકૂકડી જીવનભર રમતી રહે છે. તત્વચિંતનનાં શિલાલેખ પર કોતરાયેલું શાશ્વત સત્ય સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ પીછો કરતું જ રહે છે. આવી આગળ પાછળની જન્મકુંડળીમાં પછી તો રાત-દિવસ, સવાર-સાંજ, ચડતી-પડતી, ભરતી-ઓટ, (લગ્ન- છૂટાછેડા- લગ્ન ય ફીટ થાય જ ને !) દુનિયામાં આપણી એન્ટ્રી વખતે પણ આગળ થી પ્રસુતિગૃહમાં નામ લખાવવું પડે છે જેથી પાછળથી કોઈ મુશ્કેલી ના પડે. શાળામાં છેક 'પાછળ' બેસતો તોફાની બારકસ ક્યારે 'આગળ' નીકળી ગયો એતો એના માટે સપ્લીમેન્ટરીનાં 'કાગળ' જ ની જુબાની લેવી પડે ! આદુ ખઈને પરિશ્રમની પાછળ પડનારની આગળ પ્રારબ્ધ સલામી મારતું ખડું થઈ જાય છે. આઝાદી પછી 'પાછળ' પડી ગયેલું ભારત વિકાસનાં માર્ગે 'આગળ' આવી 'મેરા ભારત મહાન' બની ગયું છે. (કોઈ શક ?)

કુદરતમાં તિથિ, વાર, ઋતુનું આગળ-પાછળનું મેનુ હવામાન ખાતાને મુબારક. હોનારત મહામારી, ભ્રષ્ટાચાર વખતનાં આંકડા 'આગળ પાછળ' કરનારા રાજકીય ચાણક્યોનાં વંશજ હજી મોટી ફોજ ધરાવે છે. લાં...બી લાઈનમાં ભૂલેચૂકે કોઈ આગળ ઘૂસી ના જાય તે માટે પાછળવાળા સક્રિય અને જાગૃત ના હોય એવું બની જ ના શકે. પાછળથી ધંધામાં જોડાયેલી નવી પેઢીનાં વંશજો આગળની પેઢીના મુનીમ મેનેજરોનું બી.પી. વધારી દે છે. 'તમે મને જો 'આગળ'થી ઈન્ફોર્મ કરી દીધું હોત તો 'પાછળ'થી આવી બબાલ ના થાત (બોલો... નવી પરણેલી નવવધૂના રણચંડી સ્વરૂપની વાત છે કે પછી નવા નિમાયેલા ભ્રષ્ટ અધિકારીની વાત છે કે પછી...)

આગળના અનુભવથી પાછળની કારકીર્દીને થીગડાં ઓછા મારવા પડે છે. તંદુરસ્તીનાં નિયમો જો આગળથી નાનપણમાં જ પચાવ્યા હોત તો પાછળથી આ મેડીકલેમના ચક્રવ્યુહમાં ચક્કર ઓછા થાત. નોકરી-ધંધામાં આગળ સાથે પાછળની (હાલની) પરિસ્થિતિની હંમેશા સરખામણી થાય છે. દાંપત્યજીવનમાં પત્ની આગળ નમ્ર, ઠાવકા, શાંત રહેવાથી 'હેપ્પી મેરેજ એનીવર્સરી' ગોલ્ડન જ્યુબીલી ઉજવી શકો. (પાછળથી એના ડીવીડન્ડ, બોનસ મળશે એની ગેરેન્ટી !)

ધર્મસ્થાનકમાં પ્રભુની આગળ પાછળ પડેલી વિટંબણાઓની યાદી હોય છે. સારી શાળામાં એડમીશન માટે સંચાલકની આગળ.. પાછળ મા-બાપની કાકલુદી લાચારી હોય છે. આંગળીની આગળ વીંટી પહેરી પાછળ પડેલા ગ્રહોને શાંત કરવાની જડીબુટ્ટી આશ્રમનાં ગુરુઓ રાખે છે. 'આગે' કુઆ, 'પીછે' ખાઈનું ચગડોળ જીવનનું રૂટિન છે. સરકારી છાપા....રેડ વખતે ઘરનું ઘણું આગળ-પાછળ થતું રહે છે. દરેક સફળ પુરુષની 'પાછળ' એક સ્ત્રીનો હાથ હોય છે અને 'આગળ' (?) (કદાચ, એનો બીજો હાથ હોય છે !)

Tags :