Get The App

ફર્સ્ટ મેન : વિશ્વ ઇતિહાસમાં મનુષ્યનું સૌથી મોટુ અંતરીક્ષ સાહસ

- ફર્સ્ટ મેન ઓન ધ મૂન

Updated: Aug 28th, 2022

GS TEAM

Google News
Google News

- ફયુચર સાયન્સ : કે.આર.ચૌધરી

ફર્સ્ટ મેન : વિશ્વ ઇતિહાસમાં મનુષ્યનું સૌથી મોટુ અંતરીક્ષ સાહસ 1 - imageફર્સ્ટ મેન : વિશ્વ ઇતિહાસમાં મનુષ્યનું સૌથી મોટુ અંતરીક્ષ સાહસ

ચંદ્ર ઉતરાણની ૫૩મી વર્ષગાંઠની યાદમાં, NASAએ એક આકર્ષક વિડિયો શેર કર્યો છે. જે દર્શાવે છે કે 'પ્રથમ માનવીનાં પગના નિશાન હજુ પણ ચંદ્ર પર અકબંધ દેખાય છે.' નાસાના લ્યુનાર રિકોનિસન્સ ઓર્બિટર દ્વારા અવકાશયાત્રીના પગલાં અને  અન્ય ચિન્હોની વિડિયો  લેવામાં આવી હતી. ચંદ્ર ઉપર માનવીના પગલા પડયાના ૫૦ વર્ષ બાદ ફરી વાર નાસા, માનવીના ચંદ્ર પર ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. આર્ટેમિસ  મિશનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કોરોનાકાળના કારણે નાસાના શિડયુલમાં થોડો ફેરફાર થયા છે. નાસાને વિશ્વાસ છેકે 'સમયનો જેટલો વિલંબ થયો છે તેને તે પહોંચી વળશે.' નવી પેઢીના બાળકોને કદાચ ખબર નહીં હોય કે 'ચંદ્ર ઉપર પગલાં પાડનાર પ્રથમ માનવી  નીલ આર્મસ્ટ્રોંગ હતા'.  ફર્સ્ટ મેન એટલેકે  પ્રથમ માનવી તરીકે ઓળખાતા 'નીલ આર્ર્મસ્ટ્રોંગ'ને અહીં યાદ કરવાનું ખાસ કારણ છે. ૨૫  ઓગસ્ટ ૨૦૧૨ના રોજ  પ્રથમ માનવી  એટલેકે 'નીલ આર્મસ્ટ્રોંગ'નું  અવસાન થયું હતું. આ વાતને એક દાયકો, એટલે કે ૧૦ વર્ષ વીતી ગયા. આ નિમિત્તે નીલ આર્મસ્ટ્રોંગની  કેટલીક અજાણી બાબતો ઉપર 'માઈન્ડ લેન્ડિંગ' કરીએ.

'કોલ્ડવોર' અને 'સ્પેસ રેસ'

અત્યારે આપણા માટે મંગળ ગ્ર્રહ પર પગલાં પાડવા પણ સહેલી વાત લાગે છે, પરંતુ ભૂતકાળમાં ચંદ્ર ઉપર પગલા પાડવા એ સમયે અસંભવ લાગતી વાત હતી. એક સમયે ચક યેગર, ધ્વનિ કરતાં વધારે ઝડપે વિમાન ઉડાડીને  પ્રથમવાર  ધ્વનિપટલ  ચીર્યો હતો. તે સમયે  ખૂબ જ મોટો વિસ્ફોટ થયો હોય તેવો અવાજ પેદા થયો હતો.જેને  'સોનીક બૂમ' કહે છે. સામાન્ય લોકો જાણે છે કે ચક યેગર લેવલ ફ્લાઇટમાં મેક-૧ને વટાવનાર પ્રથમ પાઇલટ હતા, ઘણા ઓછા લોકો અવાજની બમણી ઝડપે (મેક-૨) વિમાન ઉડાડનાર પ્રથમ માણસનું નામ યાદ કરી શકે છે. તે માણસ એટલે સ્કોટ ક્રોસફિલ્ડ. આ લોકોની સિદ્ધિઓ જોઈને,ખુદ નીલ આર્મસ્ટ્રોંગને  લાગતું હતું કે તે એક પેઢી પાછળ જન્મ્યા છે. નીલ આર્મસ્ટ્રોંગને પણ `X' સીરીઝના એક્સપરિમેન્ટલ પ્લેન ઉડાડવાનો મોકો મળ્યો હતો.

'પાયલોટ તરીકેની જિંદગીમાં નીલ આર્મસ્ટ્રોંગે કેટલી વાર મૃત્યુ સામે ઝઝૂમવું પડયું હશે? એ આપણે કહી શકતા નથી પરંતુ તેણે  કોરિયા સામે ૭૮ કોમ્બેટ મિશન પાર પાડયા હતા. ૯૦૦ કરતા વધારે વાર ઉડાન ભરી હતી. ચંદ્ર ઉપર પગલાં પાડયા તે માટે, નીલ આર્મસ્ટ્રોંગ અને નાસા ભલે ગર્વ લેતા હોય, પરંતુ આ ઘટનાને અંજામ આપવા માટે, એક વિશાળ નેટવર્ક જરૂરી હતું. જે ઔદ્યોગિક, રાજકીય અને ટેકનોલોજી સપોર્ટ પૂરો પાડે. આ ક્ષેત્રના ચાર લાખ અદ્રશ્ય લોકોની મદદથી એક અમેરિકન ચંદ્રની ભૂમિ ઉપર ઊતરી શક્યો છે. તેને મળતા સન્માન માટે, એક સલામી નીલ આર્મસ્ટ્રોંગે ચાર લાખ અદ્રશ્ય માનવીને આપવી જોઈએ.' ઉપરોક્ત શબ્દ લેખક અને તે સમયના ટાઈમ મેગેઝીનના તંત્રી જેફરી ક્લુગરનાં છે. નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર પગલાં પાડયા બાદ તેમને  ૭૫૦૦૦ કરતા વધારે પત્રો મળ્યા હતા. જેના સંકલન રૂપે પુસ્તકો પ્રકાશિત થયા છે. ૨૦૧૮માં 'લાઇફ' દ્વારા ૧૦૨ પાના ધરાવતો  વિશેષાંક  બાર પડયો હતો. જેનું  ટાઇટલ હતું 'નીલ આર્મસ્ટ્રોંગ : ફર્સ્ટમેન ઓન ધ મૂન'

ફર્સ્ટ મેન ઓન ધ મૂન 

ફર્સ્ટ મેન : વિશ્વ ઇતિહાસમાં મનુષ્યનું સૌથી મોટુ અંતરીક્ષ સાહસ 2 - imageનાસાના એપોલો-૧૧ મિશન દ્વારા,  ૨૦ જુલાઈ ૧૯૬૯ના રોજ નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ભૂમિ ઉપર પ્રથમવાર પગ મૂકીને એક નવો ઇતિહાસ રચ્યો હતો. વિશ્વ ઇતિહાસમાં 'મનુષ્યના સૌથી મોટા  સાહસ' તરીકે ઓળખાતી આ ઘટનામાં, નીલ આર્મસ્ટ્રોંગ સાથે બીજા બે અન્ય અવકાશયાત્રી પણ સામેલ હતા. માઈકલ કોલિન્સ અને એડવિન 'બઝ' એલ્ડ્રિન. નાસાના મૂળ આયોજન મુજબ, ચંદ્ર ઉપર ઉતરીને સૌપ્રથમ 'બઝ' એલ્ડ્રિન પગલાં પાડવાના હતા. પરંતુ ટેકનિકલ કારણોસર તે શક્ય ન બનતા, નીલ આર્મસ્ટ્રોંગને આ મોકો મળ્યો. નીલ આર્મસ્ટ્રોંંગે ચંદ્ર ઉપર પગલાં પાડયા તેની લગભગ ૧૯ મિનિટ બાદ, 'બઝ' એલ્ડ્રિને ચંદ્ર પર  પગ મૂક્યો હતો. આમ છતાં આજે  ઈતિહાસના પાના ઉપર નીલ આર્મસ્ટ્રોંગ અમર છે. 'બઝ'ને નીલ જેટલી લોકપ્રિયતા મળી નથી. નીલ અને બઝે અવકાશયાત્રીઓએ ચંદ્રની ભૂમિ ઉપર અઢી કલાક સુધી સપાટીની શોધખોળ કરી હતી. તેમણે પૃથ્વી પર લાવવા માટે ૨૧.૭ કિલો ચંદ્રની માટી અને ખડકો એકત્રિત કર્યા હતાં. આ ઘટના બાદ ૫ સ્પેસફ્લાઇટ્સમાં ૧૦ અવકાશયાત્રી ચંદ્ર પર ચાલ્યા હતા. 

પરંતુ આપણે  પ્રથમ માનવી 'નીલ આર્મસ્ટ્રોંગથી જ પરિચિત છીએ. ચંદ્ર પર  પગ મૂકીને, નીલ આર્મસ્ટ્રોંગંે ઉચ્ચારેલા  શબ્દો  ઈતિહાસમાં અંકિત થઇ ચુક્યા છે.  “That’s one small step for man, one giant leap for mankind”. (તે માનવી માટેનું એક નાનું પગલું, માનવજાત માટે એક વિશાળ છલાંગ છે') ૨૧ જુલાઈના રોજ સવારે ૧ઃ૪૭ વાગ્યાનો સમય હતો, માત્ર ૩૦ સેકન્ડ ચાલે તેટલું બળતણ બચ્યું હતું. આર્મસ્ટ્રોંગના સાવચેતીભર્યા સ્ટીયરિંગ પછી, ચંદ્ર મોડયુલ ચંદ્રની સપાટી પર ઉતર્યું. આ સમયે નીલ આર્મસ્ટ્રોંગે પૃથ્વીવાસી માટે  એક સંદેશો વહેતો મૂક્યો હતો. 'હ્યુસ્ટન, ટ્રાંક્વીલીટી બેઝ હિઅર.'  ઇગલ હેઝ લેન્ડેડ.' આ સમયે માઈકલ કોલિન્સે કમાન્ડ મોડયુલમાં ૨૭ કલાક (૧૪ વખત) ચંદ્રની પરિક્રમા કરી હતી. દરેક ભ્રમણકક્ષા દરમિયાન ૪૭ મિનિટ માટે તેણે ચંદ્રની સપાટી પર ઉતરેલા અંતરિક્ષયાત્રીઓ સાથેનો સંપર્ક ગુમાવ્યો હતો.

જેમ્સ આર. હેન્સેનનાં શબ્દોને આકાર મળ્યો

ફર્સ્ટ મેન : વિશ્વ ઇતિહાસમાં મનુષ્યનું સૌથી મોટુ અંતરીક્ષ સાહસ 3 - imageઆજના જુવાનીયાઓને ૨૦૧૬માં  રજૂ થયેલી ઓસ્કાર વિજેતા ફિલ્મ 'લા લા લેન્ડ'  યાદ હશે. જેનો હિરો હતો. 'રાયન ગોસલિંગ'. આ ફિલ્મમાં તેનો રોલ જોઈને, નિર્માતા ડેમિયન ચેઝેલે નક્કી કરી નાખ્યું કે 'નીલ આર્મસ્ટ્રોંગની બાયોગ્રાફીકલ ફિલ્મ 'ફર્સ્ટ મેન'માં નીલ આર્મસ્ટ્રોંગનો રોલ રાયન ગોસલિંગ કરશે. ચેઝેલ ઉમેરે છે : 'નીલ દેખાડો કરનાર માનવી ન હતો.  તે અંતર્મુખી હતો. અન્ય અવકાશયાત્રી કરતા અલગ હતો. ઉચ્ચ બૌદ્ધિક કક્ષા અને થોડા શબ્દોમાં પોતાનું કામ સમજી જાય તેવો હતો.  મને રાયન ગોસલિંગમાં આ ક્વોલીટી દેખાઈ હતી. ૨૦૦૫માં  ફર્સ્ટ મેન :  'લાઈફ ઓફ નીલ એ. આર્મસ્ટ્રોંગ પ્રકાશિત થયું હતું. જેના લેખક જેમ્સ આર. હેન્સેન હતાં. આ પુસ્તકનો આધાર લઈને, ૨૦૧૮માં 'ફર્સ્ટ મેન' રજુ થઇ હતી. જેનું નિર્દેશન  ડેમિયન ચેઝેલે કર્યું હતું. જેઓ ૩૨ વર્ષની ઉંમરે, સૌથી યુવાન ઓસ્કાર એવોર્ડ વિજેતા બન્યાં હતા. 

આર્મસ્ટ્રોંગની પ્રથમ પત્ની, જેનેટ તરીકે ગોસ્લિંગની સામે અભિનેત્રી તરીકે ક્લેર ફોયની પસંદગી કરવામાં આવી હતી. નેટફ્લિક્સ પર રજૂ થયેલ 'ધ ક્રાઉન'થી ક્લેર ફોયને લોકો ઓળખે છે. 'ક્રાઉન' એલિઝાબેથ દ્વિતીયની જીવન આધારિત ઐતિહાસિક સિરિયલ છે. ડેમિયન ચેઝેલ કહે છે કે 'આ પહેલાં રાયન ગોસલિંગ અને ક્લેર ફોયે ક્યારેય સાથે કામ કર્યું ન હતું. આમ છતાં બન્ને વચ્ચેની કેમેસ્ટ્રી અને બોન્ડ ,નીલ  આર્મસ્ટ્રોંગ વિશે મેં વાંચ્યું હતું તેવો જ હતો. ફર્સ્ટમેન ફિલ્મ કરવા પાછળનો ચેઝેલેનો મકસદ, 'આર્મસ્ટ્રોંગ દ્વારા ઐતિહાસિક ઘટનાને  આકાર આપવાનો, તેને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવાનો હતો. સાથે સાથે નીલ ડયુટી ઉપર હાજર ન હોય ત્યારે તેમના ફેમિલી સાથે શું થતું હતું? તે રજુ કરવાનો પણ હતો. ડેમિયન ચેઝેલ ઉમેરે છેકે 'આ ફિલ્મ દ્વારા મારે એક એપિક સ્પેસ મુવી બનાવવી હતી, જેના મૂળિયામાં પ્રેેમ, લાગણી, લગ્ન, પિતૃત્વ અને બાળક ગુમાવવાનો ગમ દર્શાવવાનો પણ હતો. 'ફર્સ્ટ મેન' ફિલ્મ દ્વારા તમે નીલ આર્મસ્ટ્રોંગની જિંદગીને ખરા અર્થમાં માણી શકો છો.

ડ્રાઇવિંગ લાઇસન્સ પહેલાં  પાયલટનું લાયસન્સ

આર્મસ્ટ્રોંગ સૌ પ્રથમ ૧૬ વર્ષની ઉંમરે તેમનું પાઇલટનું લાઇસન્સ મેળવ્યું હતું. ્ડ્રાઇવિંગ લાઇસન્સ પહેલા તેમણે પાયલોટનું લાયસન્સ મેળવ્યું હતું. ૧૯૪૮માં ઓહિયોમાં હાઇસ્કૂલમાં સ્નાતક થયા પછી, તેમણે પરડયુ યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કર્યો હતો. અભ્યાસકાળ  દરમિયાન તેમણે  અમેરિકન નેવી માટે  ૧ વર્ષ  પાયલોટની સેવા આપવા માટે રજા લીધી હતી. ૧૯૫૧માં કોરિયન યુદ્ધમાં સેવા આપતી વખતે, આર્મસ્ટ્રોંગ ઉત્તર કોરિયામાં ૫૦૦ ફૂટ અને ૩૫૦ માઈલ પ્રતિ કલાકની ઝડપે નીચી ઉડાન ભરી રહ્યો હતો. તેનું વિમાન નીચા ઉડતા વિમાનોને નુકસાન પહોંચાડવા જતાં, તાર સાથે અથડાયું હતું. વાયરના કારણે વિમાનની જમણી  પાંખ છ ફૂટ જેટલી  ફાટી ગઈ. દુશ્મન દેશની ભૂમિ વિસ્તાર છોડીને તેઓ સમુદ્ર તરફ વિમાનને લઈ ગયા.  ત્યારબાદ દ્વારા સાગરમાં પડતું  મૂક્યું.  નસીબે તેમને સાથ આપ્યો નહિ. સુસવાટાભર્યા પવન અને પેરેશૂટના કારણે, તેઓ ફરી ભૂમિ તરફ ખેંચવા લાગ્યા. એક અમેરિકન સૈન્ય વાહન ટૂંક સમયમાં ત્યાંથી ધસી આવ્યું. આશ્ચર્ય વચ્ચે તેનો ડ્રાઈવર આર્મસ્ટ્રોંગની ફ્લાઈટ સ્કૂલનો મિત્ર નીકળ્યો. તેણે આર્મસ્ટ્રોંગને દુશ્મનના હાથમાં પહોંચતા પહેલાં જ બચાવી લીધોે.

આર્મસ્ટ્રોંગ તેની પ્રથમ પત્ની જેનેટને પણ પરડયુ યુનિવર્સિટીમાં મળ્યા હતા. આ દંપતીએ ૧૯૫૬માં લગ્ન કર્યા અને આર્મસ્ટ્રોંગે સ્નાતક થયા પછી ટેસ્ટ પાઇલટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.તેમણે ક્યારેય ઈતિહાસ રચવાના માર્ગમાં કોઈ શોર્ટકટ લીધો નથી.સપ્ટેમ્બર ૧૯૬૨માં આર્મસ્ટ્રોંગને નાસા અવકાશયાત્રી કોર્પ્સ માટે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને નાસાના ટોચના વ્યક્તિ તરીકે ગણવામાં આવ્યા ન હતા. તેમણે ૧૯૬૫માં બેકઅપ ક્રૂ તરીકે તેમનું પ્રથમ મિશન ઉડાન ભરી હતી. નવેમ્બર ૧૯૬૭માં જ્યારે તેમને ચંદ્ર મિશન પર એપોલો-૧૧ને કમાન્ડ કરવા માટે પસંદ કરવામાં આવ્યા, ત્યાં સુધી  તેમણે અવકાશ ઉડાનો માટે ક્રૂમાં સેવા આપવાનું ચાલુ રાખ્યું હતું. ચંદ્ર ઉપર પ્રથમ પગલાં પાડયા, ત્યાં સુધી તેમણે તેમની એરોનોટિક્સ એન્જિનિયરની  માસ્ટર ડિગ્રીના છેલ્લા તબક્કા જેવી 'ઓરલ ડિફેન્સ ઓફ થીસીસ' પાસ કરી ન હતી. ૧૯૭૦માં આર્મસ્ટ્રોંગે સધર્ન કેલિફોનયા યુનિવર્સિટીમાં પાછા ફર્યા અને સફળતાપૂર્વક તેમના થીસીસનો મૌખિક બચાવ પાસ કર્યો હતો.

Tags :