- ફાસ્ટ ફેશનના નામે જે ઉત્પાદન થાય છે અને તેનાથી જે પ્રદૂષણ ફેલાય છે તે ધરતીને મોટું નુકસાન કરી રહ્યું છે
દુ નિયાભરના યુવાનો અને ખાસ કરીને ટીનએજર્સ સેલેબ્સ, ઈન્ફલ્યુઅન્સર્સ અને સ્પોર્ટ્સ હીરોથી ખૂબ જ પ્રભાવિત હોય છે. તેઓ આ લોકોની હેરસ્ટાઈલ હોય કે પછી તેમની ફેશન સ્ટાઈલ કે પછી તેમના જેવી પર્સનાલિટી, તમામનું અનુકરણ અને અનુસરણ કરવાનો પ્રયાસ કરતા હોય છે. લોકોની આવી જ ડિમાન્ડ અને ઈચ્છાએ નવા ટ્રેન્ડ એવા ફાસ્ટ ફેશનને જન્મ આપ્યો છે. આ એક એવી ફેશન છે જે ખૂબ જ ઓછા સમય માટે જન્મ લે છે અને ઓછા સમયમાં જ તેનો અંત આવી જાય છે. લોકોને એમ લાગે છે કે, તેમને સસ્તા ભાવમાં કપડાં મળી જાય છે અને કંપનીઓ તથા વેપારીઓ પણ કમાણી કરી લે છે છતાં જેને સૌથી વધુ પરિણામ ભોગવવું પડે છે તે છે પર્યાવરણ. આપણા કામચલાઉ ફાયદા અને ફેશનમાં પર્યાવરણ અને ધરતીને લાંબાગાળે વ્યાપક નુકસાન થાય છે.
ફેશનની દુનિયામાં ઝારા દ્વારા ન્યૂયોર્કમાં ૯૦ના દાયકામાં પહેલી વખત ફાસ્ટ ફેસનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શબ્દ તત્કાલિન મીડિયા દ્વારા ઝારાના તે સમયના ફેશન અને ગારમેન્ટ્સ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. આ એવા કપડાં હતા જે ડિઝાઈન થવાથી માંડીને સ્ટોરમાં પહોંચવા સુધી માત્ર ૧૫ દિવસનો જ સમય લે છે. ત્યારબાદ વધારેમાં વધારે એક મહિનો ફેશનમાં રહે છે અને પછી બદલાઈ જાય છે. ઝારા, શીન, યૂનિક્લો, ફોરએવર ૨૧ તથા એચ એન્ડ એમ દ્વારા ફાસ્ટ ફેશનનો સૌથી વધારે પ્રચાર કરવામાં આવ્યો. વિવિધ બ્રાન્ડ દ્વારા સસ્તા અને ઝડપથી બદલાતા કપડાં માર્કેટમાં મુકવામાં આવે છે. બ્રાન્ડ દર અઠવાડિયે કે પંદર દિવસે નવી ફેશન લાવે છે જેથી લોકો વારંવાર ખરીદી કરવા આવે અને ડિમાન્ડ વધતી રહે. કપડાંની ક્વોલિટી સામાન્ય હોય છે જેથી ઉત્પાદકો પોતાના પ્રોડક્શન કોસ્ટ ઘટાડી શકે તથા લોકોને પણ સસ્તામાં ફેશન કરવા મળી જાય.
યુએનના જાણકારોએ જણાવ્યું હતું કે, ફાસ્ટ ફેશન દ્વારા પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે. તેના દ્વારા પાણીનો સૌથી વધુ વ્યય થાય છે. તે ઉપરાંત સૌથી વધારે કાર્બન ઉત્સર્જન થાય છે અને તે લગભગ ૧૦ ટકા જેટલું હોય છે. એક જિન્સ બનાવવા માટે લગભગ ૭,૫૦૦ લીટર પાણીનો ઉપયોગ થાય છે. આ પાણી જો એક વ્યક્તિ દ્વારા પીવાના ઉપયોગમાં લેવામાં આવે તો લગભગ સાત વર્ષ જેટલો જથ્થો થાય છે. કપડા રંગવા અને પ્રોસેસ કરવા માટે ઝેરી કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ્સ નદી અને તળાનો કે નહેરોમાં વહી જાય છે કે, વહાવી દેવાય છે અને તેના કારણે પાણી વધારે ઝેરી થઈ શકે છે.
બીજી તરફ પોલિએસ્ટર જેવા સિંથેટિક ફેબ્રિક જ્યારે ધોવાય છે ત્યારે તેમાંથી નાના નાના પ્લાસ્ટિકના કણો નીકળે છે જે જમીનમાં અને પાણીમાં જાય છે. નદીઓ અને સમુદ્રમાં જતા આ પ્લાસ્ટિક પાર્ટિકલ્સ પાણીમાં રહેતા જીવોને પણ નુકસાન કરે છે. આ ઉપરાંત સસ્તાં કપડાં વધારે ચાલતા નથી. તે ઝડપથી ફાટી જાય છે. આ ઉપરાંત તે જૂના થવાના કારણે લોકો પણ તેને પહેરતા નથી. તેના કારણે લોકો ફાટેલા કે જૂના થઈ ગયેલા કપડાં ફેંકી દે છે. લોકોની આ આદતને પગલે ઘણા દેશોમાં કપડાંનો કચરો લાખો ટન માત્રામાં ભેગો થાય છે. તેના કારણે કપડાંના કચરાના વિશાળ પહાડ બની જાય છે. કપડાં બનાવતી ફેક્ટરીઓમાં મોટી સંખ્યામાં વીજળી અને અન્ય ઈંધણોનો ઉપયોગ થાય છે. તેના કારણે મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ નીકળે છે અને ગ્લોબલ વાર્મિંગમાં મોટો વધારો થાય છે. આ કાર્બન ઉત્સર્જન વધારે નુકસાનકારક સાબિત થાય છે.
મૂળ વાત એવી છે કે, માત્ર ફેશનની પાછળ પાગલ થઈને કે સોશિયલ મીડિયા ટ્રેન્ડની ઘેલછામાં આવીને કે સેલેબ્સને જોઈને આવી સસ્તી ફેશન અપનાવવાનું ગાંડપણ કરીશું તો ભવિષ્યની પેઢી માટે વધારે જોખમ ઊભું થશે. સેલેબ્સ કે ઈન્ફ્લ્યુઅન્સર્સ માત્ર જાહેરાતના ભાગ રૂપે કે ટ્રેન્ડ બનાવવા સતત વોર્ડરોબ બદલતા હોવાની વાતો ફરતી કરે છે પણ હકિકતે આવી સસ્તી અને અલ્પકાલિન ફેશન પૃથ્વીને વધારે નુકસાન કરશે અને તેને ક્યારેય નહીં સુધારી શકાય.


