- આપણી સરકાર અમેરિકા-બ્રાઝીલ કરતાં 'પેટ્રોલમાં ઇથેનોલની ભેળસેળ બાબતે' બે-ચાર ડગલાં આગળ ...!
- દુનિયામાં એવા દેશો પણ છે જેઓ પેટ્રોલમાં કોઈ જ ભેળસેળ કરી નથી રહ્યા અને પ્રજાને ૧૦૦% શુદ્ધ પેટ્રોલ પૂરું પાડી રહ્યા છે!
- કૌશિક કુમાર દીક્ષિત
આપણે ત્યાં હાલ, ઇંધણ તરીકે વાપરી શકાય તેવું ઇથેનોલ ૫૮થી ૬૬ રૂપિયા પ્રતિ લીટર ભાવે વેચાઈ રહ્યું છે...ઔદ્યોગિક એકમોમાં વાપરી શકાય તેવું ઇન્ડસ્ટ્રીયલ ઇથેનોલ ૭૫ રૂપિયાથી ૧૦૦ રૂપિયા પ્રતિ લીટર ભાવોએ બજારોમાં મળી રહ્યું છે... છુટકમાં આપણાં જેવાઓને ઓછી માત્રામાં વપરાશ માટે નાની-મોટી દુકાનોમાંથી ઇથેનોલ ૨૦૦-૨૫૦ રૂપિયા પ્રતિ લીટર ભાવે મળી શકે છે.
ઇથેનોલ અત્યારે એકદમ એટલા માટે યાદ આવ્યું કે, આવતીકાલ તા. ૧ જૂન (૨૦૨૬)થી દેશના તમામ પેટ્રોલપંપો પર હવે...૩૦% ઇથેનોલની ભેળસેળવાળું પેટ્રોલ વેચાવા લાગશે! અને, આ ૩૦% ઇથેનોલની ભેળસેળ ગુનો નહિ બને કારણ કે સરકારે જ કાયદા દ્વારા પેટ્રોલમાં (ઇથેનોલની) આવી ૩૦% ભેળસેળ કરવાની પેટ્રોલીયમ કંપનીઓને છૂટ આપી દીધી છે.
અગ્રણી દેશોમાં પેટ્રોલની અંદર ઇથેનોલ કેટલું?
અમેરિકામાં દરરોજ ૮ લાખ બેરલથી વધુ ઇથેનોલ ઇંધણ તરીકે વપરાઈ રહ્યું છે અને ત્યાં પેટ્રોલમાં ૧૦% ઇથેનોલની ભેળસેળ કરવાની છૂટ છે. બ્રાઝીલ દરરોજનું ૪ લાખથી વધુ બેરલ ઇથેનોલ ઇંધણ તરીકે વાપરી કાઢે છે, ત્યાં પણ પેટ્રોલમાં ૧૮% થી ૨૮% ઇથેનોલની ભેળસેળ કરવાની છૂટ આપવામાં આવેલી છે. ચીન દરરોજ ૪૦,૦૦૦ બેરલ ઇથેનોલનો ઉપયોગ ઇંધણ તરીકે કરી રહ્યું છે અને ત્યાં પણ પેટ્રોલમાં ઇથેનોલની ભેળસેળ કાયદેસર બની ગયેલી છે. કેનેડા દરરોજ ૪૫,૦૦૦ બેરલ ઇથેનોલ ઇંધણ તરીકે વાપરી નાખે છે જ્યાં પણ પેટ્રોલ સાથે ઇથેનોલની ભેળસેળ માટે સરકાર દ્વારા છૂટ આપવામાં આવેલી છે. જાપાનમાં ગેસોલીન સાથે ૧.૯% ઇથેનોલ મેળવવાની છૂટ આપવામાં આવેલી છે. ઓસ્ટ્રેલીયાના કેટલાંક રાજ્યોમાં પેટ્રોલ સાથે ઓછામાં ઓછું ૪% ઇથેનોલ મેળવવું ફરજીયાત બનાવવામાં આવેલું છે. લંડનની સરકાર પેટ્રોલમાં ૧૦% ઇથેનોલ ભેળવવાની છૂટ આપે છે. પાકિસ્તાન પોતાને ત્યાં પેટ્રોલમાં પાંચ ટકા ઇથેનોલ મેળવવાની છૂટ આપે છે.
પેટ્રોલમાં ઇથેનોલનું શૂન્ય પ્રમાણ હોય તેવા દેશ!
યુનાઈટેડ અરબ અમીરાત (દુબઈ-શાહજહાં-અબુધાબી વગેરે...)માં જે પેટ્રોલ વેચાય છે તેમાં ઇથેનોલનું પ્રમાણ શૂન્ય હોય છે. ત્યાંની સરકારે પેટ્રોલમાં ઇથેનોલ ભેળસેળ કરવાની સંમતિ આપી નથી. સાઉદી અરેબિયામાં પણ ઇથેનોલ-મુક્ત પેટ્રોલ મળી રહ્યું છે. ઈરાનમાં પટ્રોલ સાથે ઇથેનોલ ભેળસેળ કરવાની છૂટ નથી. અફગાનિસ્તાન પણ પેટ્રોલમાં ઇથેનોલ મેળવવાની છૂટ નથી આપતું.
ઇથેનોલ શું છે , તે પેટ્રોલમાં કેમ મેળવવું જોઈએ?
વીસમી સદીના આરંભથી મનુષ્યે ઇથેનોલનો ઉપયોગ ઇંધણ તરીકે શરુ કર્યા. બ્રાઝીલ શેરડીમાંથી ઇથેનોલ બનાવે છે જયારે અમેરિકા મક્કાઈમાંથી ઇથેનોલ બનાવે છે. ભારત પાસે શેરડી-મક્કાઈ બંને ઇથેનોલ બનાવવા માટે ખપ આવી શકે તેમ છે. હાલને તબક્કે ભારત સરકાર વર્ષે ૧,૬૦૦ કરોડ લીટર ઇથેનોલ દેશમાં પેદા કરવાનાં સ્વપ્ન જોઈ રહી છે. ઇથેનોલ આમ જુઓ તો, એક પ્રકારનો આલ્કોહોલ જ છે જે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. ઇથેનોલ દહનશીલ હોવાથી અને તે ઇંધણ તરીકે વાપરવાથી હવામાં પ્રદૂષણ નહિ થતું હોવાથી વિશ્વની અગ્રણી સરકારો પેટ્રોલમાં ઇથેનોલ ભેળવીને તે વાપરવાની હિમાયત કરતી જોવા મળે છે. રણપ્રદેશો તેમજ શુષ્ક પ્રદેશોમાં જ્યાં પાણીના ફાંફા હોય ત્યાં વનસ્પતિઓને ઊગવાની કોઈ આશા નહિ હોય ત્યાં ઇથેનોલ પેદા કરવું શક્ય નથી હોતું. જ્યાં પાણીની છૂટ હોય અને ખેતીવાડી શક્ય હોય ત્યાં જ ઇથેનોલ પેદા કરી શકાય. પેટ્રોલ આસાનીથી પોતાની અંદર ઇથેનોલને સમાવી લે છે અને ઇથેનોલની ભેળસેળ કર્યા પછી તે ભેળસેળવાળું પેટ્રોલ વાહનોમાં સરળતાથી વપરાઈ જાય છે. આમ, જો પેટ્રોલમાં આપણી સરકાર ૩૦% ઇથેનોલની ભેળસેળ માટે છૂટ આપે તો દેશમાં ૩૦% પેટ્રોલ ઓછું આયાત કરવું પડે. આપણે ત્યાં પેટ્રોલ આપણે મોટે ભાગે આયાત જ કરવું પડે છે.અત્યાર સુધી પેટ્રોલમાં ૨૦% ઇથેનોલ ભેળવવાની છૂટ હતી જે હવે આવતીકાલ તા. ૧ જૂનથી ૩૦% થઇ જવાની છે.
પેટ્રોલમાં ઇથેનોલની ભેળસેળથી ફાયદો કોને થશે?
પેટ્રોલમાં ઇથેનોલની ભેળસેળને ૩૦% સુધી હજુ સુધી કોઈ દેશ લઇ ગયો નથી. આપણો ભારત દેશ એવો પહેલો દેશ છે જ્યાં હવે પેટ્રોલમાં ૩૦% ઇથેનોલની ભેળસેળ પોતે કાયદેસર બનાવી રહ્યો છે! આ વધુ પડતી ભેળસેળથી સરકારને સૌથી મોટો ફાયદો એ છે કે, પેટ્રોલ માટેની પરાધીનતા કૈંક ઘટશે...પણ, જો દેશની પ્રજા પેટ્રોલનો બિનજરૂરી વપરાશ વધાર્યે જાય તો સરકારની આશા પર રીતસર પાણી ફરી વળશે. અને, વધુ ભેળસેળવાળું પેટ્રોલ મંજૂર રાખ્યા બાદ પણ દેશની હાલત 'હતા ત્યાં ને ત્યાં' જેવી જ રહેશે. જયારે કોઈ ચીજમાં ખુલ્લેઆમ કાયદેસરની ભેળસેળ કરવામાં આવી રહી હોય ત્યારે છૂપો ફાયદો કોઈ મેળવી શકતું નથી. આમ, પેટ્રોલનો બીઝનેસ કરી રહેલી સંસ્થાઓ-કંપનીઓ આ ભેળસેળ વધારવામાં આવનાર છે તેનો કશો ફાયદો મેળવી શકવાની નથી. ભારતની પ્રજા પૈકી જેઓ પાસે નવી ટેકનોલોજી ધરાવતાં વાહનો હશે તેઓને આ ૩૦% ઇથેનોલ વાળું પેટ્રોલ કશો પ્રોબ્લેમ નહિ કરે પરંતુ જૂની ટેકનોલોજીવાળાં વાહનોમાં આ ૩૦% ઇથેનોલ વાળું પેટ્રોલ એન્જિન અચૂક બગાડશે એમાં કોઈ શંકા નથી. ભારતમાં ૬ કરોડથી વધુ વાહનો જૂની ટેકનોલોજી વાળાં છે એટલે આ બધાં વાહનો માટે આ ૩૦% ઇથેનોલ વાળું નવું પેટ્રોલ એન્જિન બગાડનારું રહી શકે છે. પ્રજાને પેટ્રોલમાં ૩૦% ઇથેનોલવાળી સરકારની આગેકૂચથી સીધો કોઈ જ ફાયદો નથી બલ્કી પેટ્રોલના ૧૦૦ રૂપિયા ચૂકવીને ૩૦ રૂપિયાનું પેટ્રોલ ઇથેનોલ સ્વરૂપમાં મેળવવાનું!
ઇથેનોલ બનાવવાની ભારતની તાકાત કેટલી?
આપણો ભારત દેશ વરસેદિવસે આશરે ૪,૦૦,૦૦,૦૦૦ (ચાર અબજ)મેટ્રિક ટન પેટ્રોલ વાપરી રહ્યું છે.આમ, તેમાં ૩૦% ઇથેનોલની ભેળસેળ કરવી હોય તો ૧,૨૦,૦૦,૦૦૦ (એક કરોડ ને વીસ લાખ) મેટ્રિક ટન ઇથેનોલ બનાવવું પડે! ભારતની તાકાત હાલને તબક્કે ૧૯૯૦ કરોડ લીટર ઇથેનોલ બનાવવાની અંદાજવામાં આવી રહી છે. ૧ મેટ્રિક ટન ઇથેનોલ એટલે ૧૪૦૦ લીટર ગણી શકાય...આમ, આપણે ત્યાં વપરાઈ રહેલાં પેટ્રોલમાં સર્વત્ર ૩૦% ઇથેનોલ ભેળવવું હોય તો દેશ પાસે ૨૩,૮૮,૦૦,૦૦,૦૦૦ લીટરની તાકાત હોવી જોઈએ. દેશ પાસે ૧,૯૯,૦૦,૦૦,૦૦,૦૦૦ લીટર ઇથેનોલ પેદા કરવાની તાકાત છે એટલે પેટ્રોલમાં ૩૦% ઇથેનોલ ભેળવવાની યોજના જરૂર સાકાર થઇ શકે!
ઇથેનોલ બનાવવા પાછળનો ખર્ચ?
ઇથેનોલ બનાવવા પાછળનો ખર્ચ જો, પેટ્રોલના ભાવ કરતાં વધી જાય અગર લગભગ એટલો જ થાય તો પણ ઇથેનોલની કડાકૂટમાં પડવું દેશના હિતમાં ગણાશે નહિ! એનાથી દેશની શક્તિ ખોટી દિશામાં ખર્ચાતી રહેશે અને 'સોના કરતાં ઘડામણ વધુ' જેવી હાલત થઇ પડશે! સરકારે આવતીકાલ તા.૧ જૂનથી ૩૦% ઇથેનોલનો અમલ તો શરુ કરાવ્યો છે પણ આ મિશન કેવોક રંગ લઇ આવે છે તે વિષે આત્મવિશ્વાસ સાથે આ તબક્કે કશું કહી શકાય તેમ નથી.
ઇથેનોલ બનાવવામાં કયાં-કયાં રાજ્યો પાસે ઉમ્મીદ રાખી શકાય?
જે રાજ્યોમાં મક્કાઈ અને શેરડી પુષ્કળ પ્રમાણમાં પાકી રહ્યાં હોય તે રાજ્યો પાસે ઇથેનોલ પેદા કરવાની મોટી ઉમ્મીદ રાખી શકાય. મહારાષ્ટ્રમાં શેરડીનો પાક ધ્યાને લેતાં ત્યાં ત્યાં વર્ષે ૪૦૦ કરોડ લીટર ઇથેનોલ પેદા થઇ શકે. ઉત્તર પ્રદેશમાં પણ શેરડીનો મબલખ પાક હોવાથી ત્યાં વર્ષે ૩૫૦ કરોડ લીટર ઇથેનોલ મેળવવાનો અંદાજ છે. કર્ણાટકમાં પણ શેરડીનો પાક ધ્યાને લેતાં ૩૦૦ કરોડ લીટર ઇથેનોલ પેદા થવાનું આયોજન કરી શકાય. તમિલનાડુ-ગુજરાત-બિહાર પણ શેરડીનો સારો એવો પાક લે છે. વળી, આ રાજ્યો પાસે મકાઈનો પણ મબલખ પાક હોવાથી ઇથેનોલ પેદા કરવા માટે ત્યાં મોટી ઉમ્મીદ રાખીએ છીએ.
જેમ 29 ફેબ્રુઆરીએ જન્મેલી વ્યક્તિની વર્ષગાંઠ દર વર્ષે આવતી નથી એટલે ઉજવી શકાતી નથી!
કોઈ વ્યક્તિ અધિક મહિનામાં મૃત્યુ પામે તો?
હિન્દુઓના કોઈ પણ માન્ય ગ્રંથ
(મનુ સ્મૃતિ-ગરુડ પુરાણ-શ્રીમદ ભાગવત-ચારેય વેદ વગેરે)માં અધિક મહિના દરમ્યાન મૃત્યુ પામેલી વ્યક્તિની ઉત્તરક્રિયાઓ વિષયક કશું જ જ્ઞાન આપવામાં આવેલું નથી!
હિંદુઓમાં દર ત્રણેક વર્ષે જે અધિક મહિનો આવે છે તે માટે બ્રાહ્મણો 'અધિકસ્ય અધિકમ્ ફલમ્' કહીને અધિક મહિના દરમ્યાન જેટલું જપતપ થાય અને પુણ્ય કમાઈ શકાય તેટલું કમાઈ લેવાની સલાહ આપતા જોવા મળે છે. 'અધિકસ્ય અધિકમ્ ફલમ્' પાછળ કોઈ વૈજ્ઞાનિક આધાર રહેલો છે કે કેમ તે તો બ્રાહ્મણો જ જાણે! જ્યોતિષીઓ અધિક મહિના દરમ્યાન લગ્ન-વિવાહ-સગાઇ વગેરે કરવાની એટલા માટે ના પાડે છે કે...ભૂલેચૂકે 'અધિકસ્ય અધિકમ્ ફલમ્' સિદ્ધાંત મુજબ જો અધિક મહિના દરમ્યાન કરવામાં આવેલાં લગ્ન-વિવાહ-સગાઈ વગેરેનું વધુ ફળ જોવા મળ્યું તો નહિ કામનું સંબંધમાં ભંગાણ જોવા મળે...અને, બીજી વારનાં લગ્ન-વિવાહ સંભવે! ઘણા ચતુર -ચાલક લોકો અમુક કામકાજો ખાસ અધિક મહિનામાં કરી લે છે...જેમ કે, મિલકતો વસાવી લેવી-લાભદાયી નવાં કરારો કરવા-નવ્ય જ્ઞાન મેળવી લેવું વગેરે! કેમ કે, એવાં બધાં કામોનું ફળ જો વધુ આવે તો તે સુખકર જ રહે છે.
પણ, અધિક મહિના દરમ્યાન કોઈ વ્યક્તિ મરી જાય ત્યારે સૌથી મોટી મૂંઝવણ ઊભી થાય છે. ઘણા હિંદુઓ એવી માન્યતા ધરાવે છે કે અધિક મહિના દરમ્યાન ઘર-પરિવાર-જ્ઞાતિ-પરિચિત વર્તુળમાં કોઈ વ્યક્તિ મરી જાય તો તેના પછી બીજાં વધુ મરણ ઘર-પરિવાર-જ્ઞાતિ-પરિચિત વર્તુળમાં અવશ્ય થાય છે! મરવું લગભગ તો વ્યક્તિના હાથમાં નથી એટલે, અધિક મહિનામાં મરવા બદલ કોઈને દોષ દઈ નહિ શકાય.
અધિક મહિનામાં કોઈનું મૃત્યુ થાય ત્યારે તેનું સમચરી (વાર્ષિક પુણ્યતિથિ નિમિત્ત શ્રાદ્ધ) ક્યારે કરવું-કરાવવું તે સૌથી મોટી સમસ્યા બની રહે છે. શું, અધિક મહિનામાં કોઈ મરી જાય તો તેનું સમચરી દર ત્રણ વર્ષે જયારે અધિક મહિનો આવે ત્યારે કરવું-કરાવવું? નિયમ મુજબ તો એવું જ કરવાનું થાય ને?! અધિક મહિનાને એક અલગ મહિનાનો દરજ્જો આપવામાં આવેલો છે અને, શ્રીમદ ભગવદ ગીતામાં પણ અધિક મહિનાને પુરુષોત્તમ માસ ગણીને તેના ખૂબ ગુણગાન ગાવામાં આવેલા છે ત્યારે, અધિક મહિનાને ફાજલ મહિનો ગણી કાઢી તરત બીજે જ વર્ષે અને તે પછી દરેક વર્ષે વર્ષોવર્ષ સમચરી કરતાં રહેવાની સલાહ મોટા ભાગના બ્રાહ્મણો આપતા રહે છે. પણ, આ વાત બુદ્ધિજીવીઓના ગળે ઉતરે તેવી નથી.
વર્ષગાંઠ (જન્મોત્સવ) તો હવે, વિશ્વમાં લગભગ દરેક જણ અંગ્રેજી તારીખો અનુસાર પોતપોતાની જન્મતારીખે ઉજવી લે છે...જો,કે વર્ષગાંઠ ઉજવવામાં પણ જયારે ૨૯ ફેબ્રુઆરીનો કોઈનો જન્મ હોય ત્યારે દર વર્ર્ષે તેની વર્ષગાંઠ કેવી રીતે ઉજવવી તે પણ મોટો પ્રશ્ન વૈશ્વિક સ્તરે વૈશ્વિક પ્રજાને મૂંઝવતો આવ્યો જ છે.
આશ્ચર્યની વાત એ છે કે, હિન્દુઓના કોઈ પણ માન્ય ગ્રંથ (મનુ સ્મૃતિ-ગરુડ પુરાણ-શ્રીમદ ભાગવત-ચારેય વેદ વગેરે)માં અધિક મહિના દરમ્યાન મરી ગયેલી વ્યક્તિની ઉત્તરક્રિયાઓ વિષયક કશું જ જ્ઞાન આપવામાં આવેલું નથી! એટલે, જ્યારથી અધિક મહિનો શોધાયો લગભગ ત્યારથી જ અધિક મહિના દરમ્યાન મરી ગયેલી વ્યક્તિઓની મરણોત્તર ક્રિયાઓ વિષયક જે પણ પ્રશ્નો ઊભા થતા રહ્યા છે તે સદૈવ નિરુત્તર જ રહ્યા છે! આમાં માર્ગદર્શન આપનાર દરેકના પના લગભગ ટૂંકાં જ પડયા છે...ક્યારેક એવું પણ લાગી આવે છે કે, મરણોત્તર ક્રિયાઓનું જ્ઞાન હિંદુઓમાં પહેલાં જન્મી ગયું હશે અને અધિક મહિના વાળી વ્યવસ્થા બાદમાં આવી હશે!
...જેવા જ છે! (હઝલ)
તુચ્છ પાર્ટીના એ મોટા સ્લોગનો જેવા જ છે,
પિરસેલા જામ સઘળા મૃગજળો જેવા જ છે.
ફાયદો જોઈને પાર્ટી બદલી દે છે તરત,
તારા ઘરના સૌ સભ્યો સાંસદો જેવા જ છે!
મીઠાં મીઠાં વચનો આપી છેતરી નાખ્યો તેં,
હે પ્રિયે તુજ વાયદા સાચે નમો જેવા જ છે!
ચમચા થઈ સરકારના સરકારી ભાણું ખાય છે,
એ કલાકારો પ્રજાના દુશ્મનો જેવા જ છે...
વ્યંગ મોટું પણ હવે એને અસર કરતું નથી,
ભક્તજન શું આપણા એ પૂર્વજો જેવા જ છે?
રાજનીતિ આજની જોઈ હું પણ સમજી ગયો,
ચોર ડાકુ પણ બધા સ્નેહીજનો જેવા જ છે!
- ગિરીશ પોપટ 'ગુમાન'


