ભા રતવર્ષની પશ્વિમ ધરામાં ભગવાન શ્રીકૃષ્ણએ સોનાનું નગર વસાવ્યું હતું. આ નગર ક્યા સ્થળે હતું તે અંગે કેટલાક સંશોધનો થયા છે. અમુક સંશોધકોના મતે દ્વારકા અલગ અલગ સમયે જુદા-જુદા સ્થળે વસાવવામાં આવ્યું હતું. તો કેટલાક સંશોધકો એવો સંકેત આપે છે કે એ નગર તે વખતે એટલું વિશાળ અને ભવ્ય હતું કે તેનો ફેલાવો ૧૨ જોજન સુધી હતો. એ રીતે ગણતરી કરીએ તો લગભગ ૧૫૦ કિલોમીટર કરતા વધુ વિસ્તારમાં દ્વારકા ફેલાયેલું હતું.
સૌરાષ્ટ્રમાં પોરબંદરથી લઈને છેક દીવના દરિયાકાંઠે ઘણાં સ્થળો મૂળ દ્વારકા હોવાનો દાવો થાય છે. એમાંથી ઘણાં નાના ગામડાંનું સત્તાવાર નામ મૂળદ્વારકા છે પણ ખરું. ધારો કે સમૃદ્રકાંઠે ૧૨ જોજન સુધી દ્વારકા નગરનું અસ્તિત્વ હોય તો શક્ય છે કે આજના જગવિખ્યાત દ્વારકાથી લઈને છેક કોડિનાર પાસે આવેલા મૂળ દ્વારકા સુધીનો વિસ્તાર દ્વારકા શહેરનો ભાગ હોય. આમ દ્વારકાથી શરૂ કરીએ તો કોડિનાર પાસે આવેલું મૂળ દ્વારકા છેલ્લું એવું સ્થળ છે જે દ્વારકા હોવાનો દાવો કરતું હોય અને તે બંને વચ્ચે આજે ૨૯૦ કિલોમીટરનું અંતર છે. શક્ય છે કે દરિયાકાંઠે એ અંતર ઘણું ઓછું થતું હોય અને કૃષ્ણએ વસાવેલું એ નગર દ્વારકાથી મૂળ દ્વારકા સુધી પણ હોય. એવી અસંખ્ય ધારણા-તર્કો વચ્ચે સમયાંતરે અવશેષો મળતા રહે છે. તો કેટલાક સંશોધનો વળી એમ પણ કહે છે કે કૃષ્ણએ વસાવેલું નગર દરિયામાં ગરકાવ થયું છે, પણ જ્યાં પાટનગર હતું ત્યાં આજનું દ્વારકા વસેલું હોવાનું મનાય છે અને એ જ કારણે દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનું જગવિખ્યાત મંદિર છે.
આ મંદિર ૨૨૦૦-૨૫૦૦ વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. ઈ.સ. પૂર્વેની બીજીથી પાંચમી સદીમાં બન્યું હોવાના મનાતા જગત મંદિરનો કેટલીય વખત જીર્ણોદ્ધાર થયો છે. ૧૫મી ૧૬મી સદીમાં છેલ્લે મંદિરનો વિસ્તાર વધારવામાં આવ્યો હતો. એ જ અરસામાં વલ્લભાચાર્યજીએ દ્વારકાના મંદિરમાં પૂજનવિધિમાં નવીનીકરણ કર્યું હતું. દ્વારકા મંદિરનો ચાર ધામમાં સમાવેશ થાય છે. આદિ શંકરાચાર્યએ દ્વારકાધામની મુલાકાત હતી તે પછી તેમણે દ્વારકામાં દ્વારકાપીઠની સ્થાપના પણ કરી હતી.
2500 વર્ષ જૂનું રુકમણી મંદિર
કૃષ્ણની સાથે સામાન્ય રીતે મંદિરમાં ય રાધાજી બિરાજતા હોય છે. કૃષ્ણ અને રુકમણીને સમર્પિત હોય એવા મંદિરો દેશમાં બહુ ઓછા છે. એવું જ એક મંદિર દ્વારકાથી દોઢ-બે કિલોમીટરના અંતરે આવેલું છે. શ્રીકૃષ્ણના પટરાણી રુકમણી દેવીના આ મંદિર પાછળ એક કથા છે. કૃષ્ણનું મંદિર દ્વારકામાં છે તે રુકમણીનું મંદિર કૃષ્ણ મંદિરથી આટલું દૂર કેમ? દ્વારકામાં જગત મંદિરની સમીપમાં જ રુકમણી દેવીને કેમ સ્થાન ન મળ્યું? એ સવાલો પાછળ ઋષિ દુર્વાસાનો શ્રાપ જવાબદાર હોવાની માન્યતા છે. એક વખત દુર્વાસા ઋષિ દ્વારકાના મહેમાન બન્યા હતા. કેટલાય દિવસ સુધી મહેમાન રહ્યા તે દરમિયાન એક વખત રુકમણીની કોઈ બાબતે ઋષિ નારાજ થયા. કૃષ્ણની હાજરીમાં ઋષિએ રુકમણીને શ્રાપ આપ્યો કે તું તારા પતિથી દૂર રહીશ. તે શ્રાપના કારણે રુકમણી દેવી મંદિર શ્રીકૃષ્ણના મંદિરથી લગભગ દોઢ-બે કિલોમીટર દૂર છે. ૨૫૦૦ વર્ષ જૂનું આ મંદિર ૧૨મી સદીમાં ફરી બંધાયું હોવાનું ગણાય છે. તેની બાંધણી અને પથ્થરો મંદિર ૧૨મી કે ૧૩મી સદીનું હોય એવી ચાડી ખાય છે.


