- સ્વપ્નશાસ્ત્ર -મન વાંચવાનું થર્મોમીટર
- આ સપના દ્વારા તમારું અર્ધચેતન મન તમને ચેતવણી આપે છે કે, 'સંભાળજે, તું બહુ પ્રેશરમાં છો... તેં પૂરી તૈયારી કરી નથી... તને ડર છે કે તું ખુલ્લો પડી જઈશ...'
શું તમને એવાં સપનાં આવે ખરાં કે જેમાં તમને ઓચિંતા ફાળ પડે કે હાય રામ... આજે તો મારી પરીક્ષા હતી ને હું સાવ ભૂલી જ ગયો! અથવા તો તમે સપનામાં જુઓ કે તમે એક્ઝામ હૉલમાં મોડો પહોંચ્યા છો, મગજ બ્લેન્ક થઈ ગયું છે, વાંચેલું બધું જ ભૂલાઈ ગયું છે. વિચિત્ર વાત એ છે કે તમારું સ્કૂલ કે કોલેજનું ભણતર પૂરું થઈ ગયું હોય તે વાતને વર્ષો, કદાચ દાયકા વીતી ગયાં હોય, તો પણ તમને હજુય પરીક્ષાના સપનાં સતાવી શકે છે!
સૌથી પહેલાં તો એ સમજી લો કે આ સપનું ખરેખર સ્કૂલ કે કોલેજની પરીક્ષા વિશેનું નથી. આ સપનાંનો સંબંધ તમારા મનના ઊંડાણમાં ધરબાયેલી અન્ય લાગણીઓ સાથે છે. અહીં પરીક્ષા એક પ્રતીક છે - જીવનમાં તમારી કસોટી થઈ રહી છે, તમારું મૂલ્યાંકન થઈ રહ્યું છે, તમારી કોઈક સાથે સરખામણી થઈ રહી છે, એ વાતનું પ્રતીક. જીવનમાં આવી પરિસ્થિતિ કેટલીય વાર ઊભી થતી હોય છે. તમારે કોઈ જોબ માટે ઇન્ટરવ્યુ આપવા જવાનું હોય, કોઈ પ્રેઝન્ટેશન આપવાનું હોય, તમારા કોઈ સંબંધમાં મહત્ત્વનો વળાંક આવી રહ્યો હોય, સમાજની અપેક્ષાઓનું વજન વધી ગયું હોય, નૈતિકતાના આધાર પર કશોક નિર્ણય લેવાનો હોય, વગેરે. આવા સંજોગોમાં આપણે જે ઉચાટ અનુભવીએ છીએ તે પ્રતીકાત્મક રીતે પછી સપનામાં દેખાય છે. અસલી જીવનમાં તમારે કોઈ પરીક્ષા આપવાની નથી છતાં આ સપના દ્વારા તમારું અર્ધચેતન મન તમને ચેતવણી આપે છે કે, 'સંભાળજે, તું બહુ પ્રેશરમાં છો... તેં પૂરી તૈયારી કરી નથી... તને ડર છે કે તું ખુલ્લો પડી જઈશ...' પરીક્ષા સંબંધિત સપનામાં ખાસ્સું વૈવિધ્ય હોય છે. ચાલો, સમજીએ.
એક્ઝામ હૉલ સુધી પહોંચવામાં મોડું થઈ જવું: આવા સપનાનો અર્થ સામાન્ય રીતે એવો થાય કે, તમને એવું લાગી રહ્યું છે કે જીવનમાં તમે પાછળ પડી ગયા છો ને સમય ઝપાટાભેર વહી રહ્યો છે. કદાચ કોઈક પરિસ્થિતિ માટે તમે હજુ તૈયાર નથી. તમને અંદરખાને કદાચ લાગી રહ્યું છે કે તમે કોઈ મોકો ચૂકી રહ્યા છો.
પરીક્ષા આપી ન શકવી: સપનામાં તમે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે ખોટા રૂમમાં પહોંચી જાઓ છો અથવા તમારું એડમિટ કાર્ડ કે આઇ-કાર્ડ ભૂલી ગયા છો. આ પ્રકારનું સપનું દર્શાવે છે કે તમે જીવનમાં કોઈક બાબતને ટાળી રહ્યા છો. એવું કશુંક છે, જેનો તમે સામનો કરવા માગતા નથી.
વાંચેલું ભૂલાઈ જવું: સપનામાં તમે પેપર લખવા બેઠા છો ને તમારું મગજ સાવ સુન્ન થઈ ગયું છે, બ્લેન્ક થઈ ગયું છે, જે કંઈ વાંચ્યું હતું તેમાનું કશું જ તમને યાદ આવતું નથી. આ નિષ્ફળતાના ડરનો સંકેત છે. કદાચ તમને લાગતું હોય કે અસલી જીવનમાં હું ફલાણી-ફલાણી બાબત માટે લાયક નથી. કાં તો પછી તમને ડર છે કે જો મારી જરાક કસોટી થશે તો બાંધી મૂઠ્ઠી ખૂલી જશે ને લોકો જાણી જશે કે મારામાં ખાસ દમ નથી.
લખતી વખતે જબરદસ્ત ટેન્શન અનુભવવું: જો તમે સપનામાં એક્ઝામ આપતી વખતે જોરદાર ટેન્શનનો અનુભવતા હો તો શક્ય છે કે અસલી જીવનમાં પણ તમે વધારે પડતા દબાણ હેઠળ જીવતા હો. શક્ય છે કે કારકિર્દી, સંબંધો કે જવાબદારીઓનો તમને વધારે પડતો ભાર લાગતો હોય.
પેન ભૂલી જવી, સેલેબસની ખબર ન હોવી: સપનામાં તમે જુઓ છો કે તમે પેપર લખવા તો બેઠા, પણ તારી પાસે પેન જ નથી. હવે પરીક્ષા આપવી કઈ રીતે? અથવા ક્વેશ્ચન પેપર જોઈને તમને થાય કે હેં? સેલેબસમાં આ બધાં ચેપ્ટરો કે ટોપિક છે એની તો મને ખબર જ નહોતી! અથવા તમે ગયા હો વિજ્ઞાનનું પેપર આપવા ને નીકળે ગણિતનું પેપર. આ બધાં સપનાનો અર્થ એવો થાય કે તમે હાલ જે પરિસ્થિતિમાં મૂકાયા છો તેને કઈ રીતે હેન્ડલ કરવી તે તમને સમજાતું નથી. ઉપરઉપરથી તમારી લાઇફ બરાબર લાગે છે,
પણ અંદરથી તમારું મન ચીસો પાડી રહ્યું છે કે, હું શું કરું? મને કેમ સમજાતું નથી કે મેારે શું કરવું જોઈએ? આ સપનાં તમારી અસલામતીની લાગણીનું દર્શાવે છે.
પાકી વયે પરીક્ષાનાં સપનાં શું કામ?
તમે અત્યારે ૩૦, ૪૦ કે પ૦ વર્ષ વટાવી ચૂક્યા છો અને છતાંય તમને એક્ઝામનાં સપનાં આવતાં હોય તો એનો મતલબ શો? જુઓ, સ્કૂલ એ સૌથી પહેલી જગ્યા છે, જ્યાં આપણું મૂલ્યાંકન થયું હતું, જ્યાં આપણે પાસ-નાપાસ થયા હતા, જ્યાં આપણી સરખામણી બીજાઓ સાથે થઈ હતી. આ તમામ લાગણીઓ આપણા ચિત્તમાં કશેક ઊંડે સજ્જડ રીતે ઘર કરી ગઈ હોય છે. જિંદગીમાં પછી જ્યારે પણ અનિશ્ચિતતા, પરિવર્તન અથવા ટેન્શન પેદા કરે તેવી પરિસ્થિતિઓ આવે - કરીઅરને કારણે, ઉંમર થવાને કારણે, બીમારીને કારણે કે કશીક વ્યક્તિગત મૂંઝવણને કારણે - તો પેલી ભીતર ધરબાઈ ગયેલી લાગણીઓ ફરી પાછી પરીક્ષાનું જૂનું ને જાણીતું સ્વરૂપ ધારણ કરીને સપનું બનીને સપાટી પર આવી જાય છે. તમે પરફેક્શનિસ્ટ હો અથવા તમારા બાળપણની સ્ટ્રેસની લાગણીને યોગ્ય સમાધાન ન મળ્યું હોય, તો પણ તમને પરીક્ષાનાં સપનાં અવારનવાર આવે, એવું બને.
તો કરવું શું?
સૌથી પહેલાં તો એ બાબતનો સ્વીકાર કરો કે ફલાણી-ફલાણી બાબત મને ટેન્શન આપી રહી છે. તમારું સપનું તમને તેે ચોક્કસ બાબત તરફ દિશાસૂચન કરતું હોય, તે શક્ય છે. શું જ્યારે જ્યારે પર્ફોર્મ કરવાનું આવે ત્યારે દર વખતે તમને સ્ટ્રેસ થઈ જાય છે? શું તમને ખુલ્લા પડી જવાનો ડર લાગતો રહે છે? જુઓ, પોતાની જાત પ્રત્યે આટલા બધા આકરા ન થાઓ, પ્લીઝ. જરા દયા કરો તમારી જાત ઉપર. જીવન કંઈ એક્ઝામ હૉલ નથી. કોઈ તમને સતત જજ કરતું નથી. આ સિવાય, સવારે ઉઠીને સપનાંની વિગતો લખી નાખો. આ રીતે તમે તમારાં સપનામાં છૂપાયેલી પેટર્નને ઓળખી શકશો ને તેમાંથી જ, શક્ય છે કે, અસલી જીવનમાં તમને મૂંઝવતી પરિસ્થિતિમાંથી બહાર આવવાનો માર્ગ મળી આવે.


