શું તમને જાહેરમાં નગ્ન હોવાનું સપનું આવે છે?
- સ્વપ્નશાસ્ત્ર
- મન વાંચવાનું થર્મોમીટર
- તમે જાહેરમાં નગ્ન છો અને તમને એ વાતની કોઈ શરમ નથીઃ આ સપનું લગભગ દુર્લભ કહી શકાય તેવું છે
સ વાલ સહેજ વિચિત્ર છે, પણ તોય પૂછવા જેવો છેઃ શું તમને ક્યારેય એવું સપનું આવ્યું છે કે તમે કોઈ જાહેર જગ્યાએ અથવા તો લોકોની વચ્ચે બિલકુલ નગ્ન અવસ્થામાં છો? જાણી લો કે ક્ષોભ થઈ આવે એવું આ સપનું બહુ જ કોમન છે. અહીં નગ્નતા શાનું પ્રતીક છે? આ સપનું દ્વારા આપણું શુષુપ્ત મન આપણને શું કહેવા માગે છે? ચાલો સમજીએ.
જાહેરમાં ખુદને નગ્ન જોવું - આ પ્રકારના સપનાનો સંબંધ સામાન્યપણે 'મારી લાગણીઓ છતી થઈ જશે તો?' એવા ડર સાથે હોય છે. મારી ખાનગી વાતો અથવા તો મારા બહુ જ અંગત અંગત વિચારો, મારી અસલામતી, મારી નબળાઈઓ હવે જાહેર થઈ ગયાં છે, અથવા તો આ બધું આ બધું કે આમાંનું કંઈક જાહેર થઈ જશે તો? - એવો ડર મનમાં અંદરોઅંદર ઘુમારાતો હોય, તો શક્ય છે કે તે આ પ્રકારનું સપનું બનીને વ્યક્ત થાય. યાદ રહે, વાત અહીં શારીરિક નગ્નતાની નથી, વાત અંગો ખુલ્લાં થઈ જવાથી લાગતી શરમની પણ નથી. અહીં વાત એવા ભયની છે કે લોકો તમારું એવું સ્વરૂપ 'જોઈ' લેશે જે તમે દેખાડવા માગતા નથી. આ પ્રતીકાત્મક સપનું કહે છે કે તમે વ્યક્તિગત રીતે એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં જઈ રહ્યા છો અથવા નવી નોકરીને કારણે કે નવી જગ્યાને કારણે તમને હવે કદાચ વધારે અટેન્શન મળી રહ્યું છે.
આ સપનામાં ઘણું વૈવિધ્ય હોય છે. જેમ કે-
(૧) તમે જાહેરમાં નગ્ન છો, પણ કોઈ તેની નોંધ સુધ્ધાં લેતું નથીઃ આવું સપનું સૂચવે છે કે તમને તમારી અમુક નબળાઈ બહુ ગંભીર લાગે છે, પણ વાસ્તવમાં લોકોને એની કશી પડી નથી. પોતાની જાત પ્રત્યે આટલી બધી કડકાઈ રાખવાની જરૂર નથી. ખાસ કરીને એવી બાબતોમાં, જે લોકોને મન મહત્ત્વની છે જ નહીં. તમે કદાચ વધારે મુક્તમને, કોઈની સાડીબારી રાખ્યા વિના જીવવા માગો છો. આ સપના દ્વારા તમારો માંહ્યલો તમને કદાચ આ સંદેશો આપી રહ્યો છેઃ અલ્યા, બિન્દાસ બન. તારી જાતને એ જેવી છે એવી સ્વીકારી લે. આટલા બધા ડરી ડરીને જીવવાની જરૂર નથી.
(૨) તમે જાહેરમાં નગ્ન છો અને લોકો તેની નોંધ લઈ રહ્યા છેઃ તમે જુઓ છો કે તમે લોકોની વચ્ચે સાવ નંગુપંગુ છો અને તમને આવી હાલતમાં જોઈને લોકો કાં તો તમને આંખો ફાડીને જોયા કરે છે, કાં હસવા માંડે છે, કોઈ બાજુવાળી વ્યક્તિના કાનમાં ઘુસપુસ કરે છે, તો કોઈ તમને આવી સ્થિતિમાં જોઈને આઘાત પામી જાય છે. જો તમે સપનામાં આવું કશુંક જોયું હોય તો એનો સંભવિત અર્થ એવો થાય કે-
...તમને લાગે છે કે તમે કોઈ સંબંધમાં, સમાજમાં કે નોકરી-ધંધાના સ્થળે ખુલ્લા પડી ગયા છો.
...તમને ડર લાગી રહ્યો છે કે તમારી કોઈ અતિ ખાનગી વાત બહાર પડી જશે.
...તમને ચિંતા છે કે તમે એટલા બધા લાયક વ્યક્તિ નથી, ને લોકો તમારું બોદાપણું પારખી ગયા છે.
આ સપનું 'હું બીજાઓ જેવો નથી' એ લાગણીનું પ્રતિબિંબ પાડતું હોય, તેમ બને.
(૩) સપનામાં તમને અચાનક ખબર પડે કે તમારા અંગ પર એકેય કપડું નથી ને તમે ખુદને ઢાંકવાની કોશિશ કરો છોઃ તમારા વ્યક્તિત્ત્વનું એવું કોઈક પાસું હોઈ શકે છે જેનો સ્વીકાર કરવામાં તમને ખુદને સંઘર્ષ કરવો પડે છે. આ સપનું આ સંઘર્ષનું પ્રતીક છે. તમને થાય કે આવી નાજુક વાત (કોઈ સંબંધ, કોઈ લાગણી, ભૂતકાળની કોઈ ભૂલ, ઇવન કોઈ ક્રિયેટિવ આઇડિયા) હું દુનિયા સામે કેવી રીતે મૂકું? અથવા તે દુનિયા સામે મૂકું કે નહીં? લોકો તમને અમુક જ રીતે જુએ, તમારા વિશે અમુક જ પ્રકારની માન્યતાઓ ઘડે એવો તમારો આગ્રહ હોય છે, યા તો ઇચ્છા હોય છે. આ સપનાનો એક સંભવિત અર્થ એ પણ થાય કે તમે પરફેક્શનિસ્ટ છો.
(૪) તમે જાહેરમાં નગ્ન છો અને તમને એ વાતની કોઈ શરમ નથીઃ આ સપનું લગભગ દુર્લભ કહી શકાય તેવું છે. આ સપનું શું સૂચવે છે? એ જ કે તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે, તમે તમારી ઓથેન્ટિક સેલ્ફને - તમારા સાચુકલા વ્યક્તિત્વને સ્વીકારી લીધી છે, યા તો સમાજની અપેક્ષાઓના બોજ તળેથી, લોકો તમને સાચા ગણે એવી ઇચ્છામાંથી તમે બહાર આવી ગયા છો. આ સપનું વ્યક્તિગત વિકાસ સૂચવતું હોય, તેમ બને. તમારો વ્યવહાર હવે પારદર્શક થઈ રહ્યો છે. તમે કદાચ જીવનના એવા તબક્કે પહોંચી ગયા છો જ્યાં તમને હવે શરમ-બરમ લાગતી નથી.
સો વાતની એક વાત. અન્ય સપનાઓની જેમ જાહેરમાં નગ્ન હોવાનાં સપનાંને પણ ખરેખરી નગ્નતા સાથે કોઈ સંબંધ નથી. આ પ્રકારના સપનું જોઈને ડરી નહીં જવાનું. આ સપનું સજા બનીને આવ્યું નથી. આ સપનું સંદેશો બનીને આવ્યું છે. પોતાની જાતને, પોતાના વિચારો અને લાગણીઓને ધ્યાનથી નિહાળો, અને જો કારણ વગર ડરના ઓથાર નીચે જીવી રહ્યા હો તો પ્લીઝ, એમાંથી બહાર આવી જાઓ!