Get The App

બીજાઓની બદનામી કરો... બિન્દાસ!સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
બીજાઓની બદનામી કરો... બિન્દાસ!સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત 1 - image

- બોલિવુડના પ્રચારતંત્રનો ઉપયોગ માત્ર સેલિબ્રિટી કે ફિલ્મનું પ્રમોશન કરવામાં જ થતો નથી, આ તંત્રનો ઉપયોગ હરીફ કલાકાર-કબસીઓની બુરાઈ કરવામાં અને બીજાઓની ફિલ્મને 'પાડી દેવા' માટે પણ થાય છે.

'ઓ રોમિયો' ફિલ્મના નામે બીજી કોઈ સિદ્ધિ ચડી હોય કે ન ચડી હોય પણ તેણે એક અભૂતપૂર્વ કામ તો કરી દેખાડયું છે. કયું કામ? આ વેલેન્ટાઇન ડેના એક દિવસ પહેલાં, ૧૩ ફેબુ્રઆરીએ, વિશાલ ભારદ્વાજની 'ઓ રોમિયો' થિયેટરોમાં રિલીઝ થઈ. વિશાલ ભારદ્વાજ જેવા મેકર અને શાહિદ કપૂર જેવો એક્ટર હોય એટલે ફિલ્મ આપોઆપ મહત્ત્વની બની જાય. આ જોડીએ ભૂતકાળમાં 'કમીને', 'હૈદર' અને 'રંગૂન' જેવી ફિલ્મો આપી છે, જેમાંની પહેલી બે તો પાછી સફળ પણ છે. 

૧૩ ફેબુ્રઆરીએ 'ઓ રોમિયો' રિલીઝ થાય છે. સવારે ૯ વાગે પહેલો શો છે. હજુ તો એક કલાક પણ થઈ નથી ને ત્યાં બુકમાયશો નામની મોબાઇલ એપ પર ફિલ્મની રેટિંગ દેખાવા લાગે છે - ૧૦માંથી ૬.૮. આ સામાન્ય વાત નથી. વિશાલ ભારદ્વાજની ફિલ્મોમાં ઓડિયન્સને ખૂબ રસ હોય છે, અને સામાન્યપણે એમની ફિલ્મોની રેટિંગની શરૂઆત ૮.૫થી ૯.૨ વચ્ચે થતી હોય છે. અહીં તો રેટિંગનું ડેબ્યુ જ ૬.૮થી થયું.  

 વિશાલ ભારદ્વાજ-શાહિદ કપૂર-તૃપ્તિ ડિમરીની ફિલ્મને એક જ કલાકની અંદર ૭ કરતાં ઓછું રેટિંગ મળે એનો સાદો અર્થ એ થયો કે બુકમાયશો એપ પર આયોજનપૂર્વક ખરાબ રિવ્યુઝનું 'બોમ્બાર્ડિંગ' થયું છે. તમે બુકમાયશો મોબાઇલ એપ વાપરતા હશો તો જાણતા હશો કે પ્રત્યેક દર્શક એપ પર જઈને ફિલ્મને પાંચમાંથી પોતાને ઠીક લાગે તેટલા સ્ટાર આપી શકે છે. કોઈને ફિલ્મ અત્યંત ગમી જાય તો એ પાંચ સ્ટાર પર ક્લિક કરે, કોઈને ઓછી ગમી હોય તો ઓછા સ્ટાર પર ક્લિક કરે. 'ઓ રોમિયો'ના કેસમાં  એવું બન્યું કે પહેલા શોનો ઇન્ટરવલ પડે તે પહેલાં જ વન સ્ટાર રિવ્યુનું પૂર આવી ગયું ને રેટિંગ ધડાધડ ઘટવા માંડયું! 

 ફિલ્મના પ્રોડયુસર સાજિદવાલા ગ્રાન્ડસન એન્ટરટેન્મેન્ટ અને વિશાલ ભારદ્વાજે તરત મુંબઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા. તેમણે માગણી કરી કે બુકમાયશો પર અમારી ફિલ્મના રેટિંગમાં જે ગરબડ થઈ રહી છે તેને સત્વરે અટકાવો. એમની દલીલ હતી કે અમારી ફિલ્મ વિરુદ્ધ ઓર્ગેનાઇઝ્ડ નેગેટિવ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે, જે રીતે કૃત્રિમપણે નેગેટિવ રિવ્યુનું બોમ્બિંગ થયું છે તેને કારણે અમારી ફિલ્મને પુષ્કળ નુક્સાન થઈ રહ્યું છે. દેખીતી વાત છે. બોલિવુડની કોઈ પણ ફિલ્મે પહેલા વીકએન્ડ દરમિયાન સૌથી વધારે કમાઈ લેવાનું હોય છે. જો પહેલું વીકએન્ડ બોક્સઓફિસ પર નબળું ગયું તો પ્રોડયુસર અને ફિલ્મ બન્નેની હાલત ખરાબ થઈ જાય છે. 

કોર્ટે એમની દલીલ માન્ય રાખી અને બુકમાયશોને આદેશ આપ્યો: 'ઓ રોમિયો' રેટિંગ અને રિવ્યુ બન્ને ડિસેબલ કરી નાખો! 

એવું જ થયું. આ લખાઈ રહ્યું છે ત્યારે (ગયા બુધવારની સાંજે) બુકમાયશો એપ પર વાંચવા મળે મળે છે કે '૧ લાખ ૩૮ હજાર લોકોને ફિલ્મ જોવામાં રસ છે.' નીચે લખ્યું છે: 'રેટિંગ્સ એન્ડ રિવ્યુઝ ડિસેબલ્ડ એઝ પર કોર્ટ ઓર્ડર.'

એપ પર રેટિંગ અને રિવ્યુ બ્લોક થયાં તેનું નક્કર પરિણામ એ આવ્યું કે રિલીઝના બીજા દિવસે બોક્સ ઓફિસ કલેક્શનમાં ૬૧ ટકાનો જમ્પ નોંધાયો. આનો સાદો અર્થ એ થયો કે કેટલાય લોકો 'ઓ રોમિયો'ના પેલા ખોટાડા રેટિંગ-રિવ્યુની ભ્રમજાળમાં ફસાયા વગર ફિલ્મ જોવા ગયા હશે. ૧૫૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે પહેલા વીકએન્ડમાં ૩૦ કરોડની કમાણી કરી. 

બોલિવુડના ઇતિહાસમાં 'ઓ રોમિયો' પહેલી એવી ફિલ્મ છે, જેણે કાનૂની રસ્તો અપનાવીને બુકમાયશો એપ પર ચાલી રહેલી ગોબાચારીને અટકાવી હોય. આ ગંભીર વાત છે. કોઈ સ્ટાર, ડિરેક્ટર કે પ્રોડયુસર પોતાની ફિલ્મને પ્રમોટ કરે, જાતજાતની રીત-રસમો અજમાવીને ફિલ્મની પબ્લિસિટી કરે તે સમજી શકાય એવું છે. આ કામકાજ કરવા માટે આખું પીઆર (પબ્લિક રિલેશન) તંત્ર ગોઠવાયું હોય છે...  પણ છેલ્લા કેટલાક સમયથી જોવા મળ્યું છે કે આ પીઆર મશીનરીનો ઉપયોગ માત્ર જે-તે સેલિબ્રિટી કે 

ફિલ્મનું પ્રમોશન કરવામાં જ થતો નથી, આ તંત્રનો ઉપયોગ હરીફ કલાકાર-કબસીઓની બુરાઈ કરવામાં, બીજાઓની ફિલ્મને 'પાડી દેવા' માટે થાય છે. 

એક-બે તાજા દાખલા જોઈએ. થોડાં અઠવાડિયાં પહેલાં વરૂણ ધવનની 'બોર્ડર-ટુ' ફિલ્મ રિલીઝ થઈ. અચાનક જ સોશિયલ મીડિયામાં વરૂણ ધવનને ઉતારી પાડતાં મીમ્સમું ઘોડાપૂર આવી ગયું. આ સોશિયલ મીડિયા પોસ્ટ્સનો સૂર એક જ હતો: વરૂણ મિસફિટ છે, એ 'બોર્ડર-ટુ' જેવી વોર ફિલ્મમાં ન ચાલે. 

બીજું ઉદાહરણ. ૯ જાન્યુઆરીએ પ્રભાસની 'રાજા સાબ' ફિલ્મ રિલીઝ થઈ. પહેલા જ શોની હજુ તો થોડી મિનિટો વીતી હશે ત્યાં એક્સ (ટ્વિટર) પર જાણે એકબીજામાંથી કોપી-પેસ્ટ કર્યા હોય તેવા નેગેટિવ રિવ્યુનો મારો શરૂ થઈ ગયો. બધામાં એક જ વાત: 'પ્રભાસ એકદમ થાકેલો-થાકેલો દેખાય છે, વીએફએક્સ સાવ ભંગાર છે, પાંચમાંથી ૧ સ્ટાર.'

આ દર્શકોનો જેન્યુઇન પ્રતિભાવ નહોતો, આ કોઓર્ડિનેટેડ એટેક હતો. શી રીતે? નેગેટિવ રિવ્યુ આપનાર કેટલીય પ્રોફાઇલ ઝીરો ફોલોઅર ધરાવતી હતી, અને અમુક તો ૪૮ કલાક પહેલાં જ ક્રિયેટ કરવામાં આવી હતી. 'રાજા સાબ'ના નિર્માતાઓએ ૨૩ જાન્યુઆરીએ હૈદરાબાદ સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી. એમણે કેટલાય રિવ્યુઝના આઈપી એડ્રેસનું ડિજિટલ ટ્રેસિંગ અધિકારીઓ સાથે શેર કર્યું. જાણવા મળ્યું કે ચેન્નાઈની કોઈ એજન્સીએ પૈસા લઈને પ્રભાસનું માર્કેટ ખરાબ કરવા માટે ઓનલાઇન નેગેટિવ કેમ્પેઇન ચલાવ્યું હતું. અરે, નિર્માતા ખુદની એક ફેક પ્રોફાઇલ બનાવવામાં આવી હતી, જેમાં એવી પોસ્ટ શેર કરવામાં આવી હતી કે જાણે પ્રોડયુસર પોતે કબૂલી રહ્યા હોય કે હા, અમારાથી ઘણી કચાશ રહી ગઈ છે, 'રાજા સાબ'માં મને પોતાને બહુ મજા આવી નથી! 

વરૂણની 'બોર્ડર-ટુ'નું ઓનલાઇન બુકિંગ શરૂ થાય એની થોડી જ સેકન્ડ્સમાં બુકમાયશો પર ધડાધડ 'નોટ ઇન્ટરેસ્ટેડ' સંજ્ઞા પર ક્લિક થવા માંડયું હતું અને સોશિયલ મીડિયા પર 'વન સ્ટાર' રિવ્યુ ફરવા લાગ્યો હતો. હજુ તો ફિલ્મ કોઈએ જોઈ પણ નહોતી ત્યાં રિવ્યુ કેવી રીતે આવવા લાગ્યા? વરૂણની ટીમે કાનૂની સલાહ લેવી પડી હતી. કાર્તિક આર્યનની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ પર તો વારેઘડીએ થયા કરે છે. એના વિરુદ્ધ જે સોશિયલ મીડિયા પોસ્ટ્સ ફરતી થાય એનો સાર એટલો હોય કે આ આર્યન કાતિક ભારે વાયડો અને અનપ્રોફેશનલ માણસ છે.  

તાજી તાજી ફિલ્મ જોઈને ઓડિટોરિયમમાંથી બહાર નીકળી રહેલા ઓડિયન્સના ઇન્સ્ટન્ટ રિવ્યુ તમે યુટયુબ પર જોયા હશે. કોઈ કહેતું હોય કે ફિલ્મ માઇન્ડબ્લોઇંગ છે, જબરદસ્ત છે, તો કોઈ બોલતું હોય કે પૈસા પડી ગયા, ભૂલેચૂકેય આ ફિલ્મ જોવા ન જશો. હવે સાંભળી લો કે આ અસલી પ્રેક્ષકો જેવા દેખાતા માનવપ્રાણીઓ પણ 'પ્લાન્ટ' કરેલા હોઈ શકે છે. સ્ટાર કે પ્રોડયુસર પોતાના જ માણસોને મોકલીને કેમેરા સામે વખાણ કરાવે તે તો હજુય સમજાય, પણ તેઓ પોતાના હરીફ સ્ટાર કે ફિલ્મની જોરદાર બૂરાઈ કરતા લોકો પ્લાન્ટ કરતાં  પણ શરમાતા નથી!

જેન્યુઇન સ્ટાર્સ અને નિર્માતાઓ હવે આ સૌની સામે પગલાં ભરતા થયા તે સારું છે. બુકમાયશો ઉપરાંત આઇએમડીબી ઇન્ડિયાને પણ લિગલ નોટિસ મળી છે કે તમારા પ્લેટફોર્મ પર મૂકાતા રિવ્યુઝ પર ચાંપતી નજર રાખો. સરકારના નવા આઇટી રુલ પ્રમાણે, ફરિયાદ મળ્યાના ત્રણ કલાકની અંદર કૃત્રિમ યા તો એઆઇ જનરેટેડ કોન્ટેન્ટ પ્લેટફોર્મ પરથી દૂર થઈ જવું જોઈએ. કેરી મિનાટી તરીકે ઓળખાતા અજય નાગર નામના ભારતના ટોચના યુટયુબર વિરુદ્ધ કરણ જોહરે તાજેતરમાં કાનૂની પગલાં લીધાં હતાં. કારણ? કેરી મિનાટી કરણ જોહણનું અપમાન કરતું વલ્ગર અને ગાળાગાળીથી છલકાતું કોન્ટેન્ટ છૂટથી સોશિયલ મીડિયા પર મૂકતો હતો.  

નેગેટિવ પીઆરના ટ્રેન્ડે જે માઝા મૂકી છે તેના વિરુદ્ધ હવે ઘણા કલાકાર કસબીઓ બોલતા થયા છે. 'ગલી બોય' અને 'ધડક-ટુ' ફેમ એક્ટર સિદ્ધાર્થ ચતુર્વેદી કહે છે, 'આજના સ્ટાર્સ આપબળે, પોતાની સિદ્ધિઓના આધારે જ ફેમસ થાય છે એવું નથી, તેમની પ્રસિદ્ધિને હવે 'ડિઝાઇન' કરવામાં આવે છે. આની તકલીફ એ છે કે ડિરેક્ટરો અને જુદી જુદી બ્રાન્ડ્સ જે-તે એક્ટરને સાઇન કરતાં પહેલાં એનું 'સેન્ટીમેન્ટલ એનેલિસિસ' કરાવે છે, એટલે કે સોશિયલ મીડિયા પર જે-તે સ્ટાર વિશે કેવું લખાય છે, એની છાપ કેવી છે, એનું ટ્રોલિંગ વધારે થાય છે કે વખાણ વધુ થાય છે તે બધું ચકાસે છે. જો સ્ટાર વિરુદ્ધ કોઈએ વ્યવસ્થિતપણે નેગેટિવ પીઆર કેમ્પેઇન ચલાવ્યું હોય તો આવી સ્થિતિમાં એ સ્ટારે ધરખમ રોલ કે કરોડોનું બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ડીલ ગુમાવવા પડે, એમ બને.'

કોઈ સ્ટારના સોશિયલ મીડિયા પર ભરપૂર વખાણ થઈ રહ્યા હોય તો પણ સમજી લેવું સાહેબ કે મેડમે પોતાના પોઝિટિવ પીઆર માટે ભરપૂર પૈસા ખર્ચ્યા છે. સલમાન ખાન આનું ઉત્તમ ઉદાહરણ છે. એના પર જાતજાતના કોર્ટ કેસ હજુય ચાલે છે. સલ્લુમિયાંનું 'બીઈંગ હ્યુમન' ટ્રસ્ટ અસ્તિત્ત્વમાં આવ્યું અને સલમાન ખાન તો લોકોના ભલા માટે કેટલી બધી સમાજસેવા કરે છે એવા મતલબના 'ન્યુઝ' લોકોની આંખ સામે આવતા રહે છે. એણે કરેલા અપરાધોને કારણે જે પ્રચંડ નેગેટિવ પબ્લિસિટી થઈ હતી તેને સરભર કરવાના આ પ્રયાસો છે.  

સો વાતની એક વાત. કોઈ પણ ફિલ્મ કે સ્ટાર કે સેલિબ્રિટી વિશે એકધારી ખૂબ સારી કે ખૂબ ખરાબ વાતો સંભળાવા લાગે તો એના પર તરત ભરોસો ન કરી લેવો. સતર્ક થઈ જવું. વિશ્વસનીય સોર્સ પર આધાર રાખવો અને ખાસ તો પોતાની વિવેકબુદ્ધિ વાપરવી! 

શો સ્ટોપર 

જો ગોવિંદા મારા નિયમ પ્રમાણે ચાલશે, તો હું એને માફ કરી દઈશ. 

- સુનિતા આહુજા 

(ગોવિંદની પત્ની)