Get The App

કાયદાને નજર અંદાજ કરીને ચાલતો કૂખનો વેપાર

Updated: Nov 13th, 2022

GS TEAM

Google News
Google News
કાયદાને નજર અંદાજ કરીને ચાલતો કૂખનો વેપાર 1 - image

- હોટલાઈન : ભાલચંદ્ર જાની

- ગરીબ મહિલાઓને બાળકો પેદા કરવાની ફેક્ટરી બનાવતી સરોગેસીની જૂની પ્રથા પર અંકુશ મૂકવા સરકારે જે કાયદો અમલમાં મૂક્યો તે અસરકારક સાબિત થયો નથી 

સામાન્ય રીતે ઘરમાં  પારણું  બંધાય ત્યારે સર્વત્ર  ખુશીનો માહોલ છવાઈ  જાય છે. પરંતુ તાજેતરમાં  સાઉથની  અભિનેત્રી  નયનતારાના ઘરે બધા પુત્રજન્મની વધામણી આપવા આવ્યા ત્યારે  ખુશીની આ પળો તેમને માટે મુસીબતની ઘડીઓ  લઈ આવી.

વાત જાણે  એમ છે કે  સાઉથની ખૂબ  જ ખ્યાતનામ અભિનેત્રી  નયનતારાના ચાર મહિના   પૂર્વે જ ડાયરેક્ટર  વિગ્નેશ  સિવાન સાથે ધામધૂમથી લગ્ન થયા હતા.  પાંચમા મહિને તો  તેણે ટ્વિન્સનો જન્મ થયો હોવાની જાહેરાત કરી દીધી.  આ સમાચાર સાંભળીને  બધાને આશ્ચર્ય  થાય એ સ્વાભાવિક છે. પરંતુ નયન તારાએ તેની આલોચના  થતી અટકાવવા એવી સ્પષ્ટતા કરી હતી  કે તેના લગ્ન વિગ્નેશ  સાથે છ વર્ષ પૂર્વે થયા હતા.  ચાર મહિના પૂર્વે તો તેમણે  માત્ર લગ્નની ધાર્મિક  વિધિ કરી હતી. 

જો કે તેણે આવી સ્પષ્ટતા કરી પછી પણ તમિલનાડુ સરકાર તેની પાછળ પડી ગઈ હતી. નયનતારાએ સરકાર સમક્ષ એક સોગંદનામું નોંધાવી એવી સ્પષ્ટતા કરી હતી કે વિગ્નેશ સિવાન સાથે તેણે છ વર્ષ પૂર્વે લગ્ન કર્યા હતા. પરંતુ પુત્ર પ્રાપ્તિના મોહમાં છેવટે તેણે સરોગેસીનો માર્ગ અપનાવ્યો હતો.

 થોડા વર્ષો પહેલાં ભારતમાં સરોગેટ મધરના વિચારની ચર્ચા કરતા ઘણાં લોકોના ભવાં ચડી જતા હતાં. હજી ગણતરીના વર્ષો પહેલાં ભારતમાં સરોગેટ મધરના વિચારને ખાસ સન્માનથી જોવામાં નહોતો આવતો, પણ છેલ્લા કેટલાક વર્ષોમાં આ દ્રષ્ટિકોણમાં ભારે પરિવર્તન આવ્યું છે. હવે ભારતમાં સરોગેટ માતાની માંગમાં ઉછાળો આવ્યો છે અને આખી વ્યવસ્થાને સંપૂર્ણ ઓપ આપતું તંત્ર વધારે સુવ્યવસ્થિત અને જવાબદારીભર્યું બન્યું છે. છેલ્લા બે વર્ષમાં મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જેવા શહેરોમાં યોગ્ય સરોગેટ માતાની શોધ કરી આપતી અનેક એજન્સીઓ ખુલી ગઈ છે. આ એજન્સીઓ ડોક્ટરો અને આ સેવાનો લાભ લેવા માંગતા દંપતીઓ સુધી સરોગેટ માતા બનવા માંગતી મહિલાનો બાયોડેટા પહોંચાડવાનું મહત્ત્વનું કામ કરે છે. એકવાર ડોક્ટર અને દર્દી મળીને સરોગેટ માતાની પસંદગી કરી લે પછી તેઓ આ માતા સાથે કાનૂની કરાર કરે છે  અને એમાં આ પ્રક્રિયા માટેની તમામ શરતો, નાણાંકીય વિગતો અને અન્ય મહત્ત્વની વાતો આવરી લેવામાં આવે છે. સામાન્ય રીતે સરોગેટ માતાને હપ્તામાં પૈસાની ચુકવણી કરવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં માતાને ગર્ભધારણ કરતી વખતે, વચ્ચેના સમયમાં અને  છેલ્લે  પ્રસુતિ પછી એમ ત્રણ ભાગમાં પૈસા આપવામાં આવે છે અને આ સિવાય સગર્ભાઅવસ્થા દરમિયાન દર મહિને તેને ભરણપોષણ માટે એક નિશ્ચિત રકમની ચૂકવણી કરવામાં આવે છે. ભારતમાં આજકાલ સરોગેટ   મધરનું માર્કેટ જોરમાં છે અને એટલે જ ઇન્ટરનેટ પર આવી માતાઓ શોધી આપતી અનેક વેબસાઇટ્સ અસ્તિત્વમાં છે.

જો કે બે વર્ષ પહેલાં સરોગેસીની સુવિધા એટલી સરળ હતી કે દેશભરમાં ઠેક-ઠેકાણે સરોગેસી સેન્ટર ખુલ્યા હતા. પરંતુ ત્યારબાદ સરકારે આ પદ્ધતિનો દુરુપયોગ થતો અટકાવવા નવા કાનૂન અમલમાં મૂક્યા હતા.

૨૫ જાન્યુઆરીથી અમલમાં આવેલા સરોગેસીના નવા કાયદા અનુસાર લગ્નનાં પાંચ વર્ષ પૂર્ણ થયા પછી જ યુગલ સરોગેસીથી બાળક મેળવી શકે છે. 

નવા કાયદા પ્રમાણે કોઇપણ મહિલા જીવનમાં એક જ વાર સરોગેટ મધર બની શકે. મહિલા પરિણીત હોય અને તેને બાળકો હોય એ જ પોતાના નજીકના સંબંધીને કૂખ ભાડે આપી શકે છે. જો કે આવી મહિલાનો ૩૬ મહિનાનો વીમો લેવો ફરજિયાત છે. જો આમાંના કોઇ નિયમનો ભંગ થાય તો ૧૦ લાખના દંડ અને ૧૦ વર્ષની સજાની જોગવાઇ છે. આ સિવાય સરોગસી  ક્લિનીકનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત છે. 

 સરોગેસીના નવા કાયદા અનુસાર ધંધાદારી રીતે પૈસા ચૂકવીને સરોગેસી કરાવવા પર પ્રતિબંધ મુકાઈ ગયો છે. તો શું નયનતારાએ ગત ડિસેમ્બર પહેલાં જ સરોગેસીની પ્રક્રિયા પાર પાડી હતી કે કેમ તેવા સવાલો પેદા થયા હતા.  નવા કાયદા અનુસાર સરોગેટ મધર યુગલની નજીકની જ સ્વજન-સંબંધી એવી કોઇ પરિણિત સ્ત્રી હોવી જોઈએ, તે પચ્ચીસથી ૩૫ વર્ષના એજ ગૂ્રપમાં હોવી જોઈએ અને તે જિંદગીમાં એક જ વાર સરોગેટ મધર બની શકે. 

જો કે આ સંદર્ભમાં નયનતારાએ એવી વિગત જાહેર કરી છે કે વિદેશમા ંરહેતી તેની પિતરાઇ બહેન જ તેના ટ્વિન્સ પુત્રોની સરોગેટ મધર છે. નયનતારાની આ બહેન તેના બિઝનેસની દેખરેખ રાખે છે. તેણે ચેન્નઈની એક હોસ્પિટલમાં જ ટ્વિન્સને જન્મ આપ્યો હતો. 

સાઉથની  અભિનેત્રી નયનતારાએ  સરોગેસીના માર્ગે સંતાન મેળવ્યું એ જ વિકલ્પ અગાઉ પણ  ઘણી અભિનેત્રીઓ અપનાવી ચૂકી છે.

અભિનેત્રીની ઉંંમર વધી ગઈ હોય,  લાઇફ સ્ટાઇલ અનિયમિત હોય, એક સાથે ઘણી ફિલ્મો માટે ડેટ આપી ચૂકી હોય અથવા પ્રેગનન્સીને કારણે કરીઅર પર માઠી અસર પડવાનો ડર હોય તો એ સરોગેસીનો રસ્તો અખત્યાર કરે છે. પોતાનું બાયોલોજિકલ બાળક હોવાની અભિનેત્રીની ઝંખના સરોગેસીની સુવિધા  સંતોષી શકતું હોવાથી તે કેટલાય કલાકારો માટે  આશાનું કિરણ બની ગયું  છે.   એ વાત પણ સૌ જાણે  છે કે બોલીવૂડમાં  કૂખ ભાડે  આપવાના ટ્રેન્ડ પર ફિલ્મો બની છે. આવી સેલિબ્રિટીઓમાં પહેલું નામ પ્રિયંકા ચોપરા અને નિકજોનાસ તેમ જ સની લિઓનીનું  લઈ શકાય.   પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હજુ થોડા સમય પહેલાં જ સરોગેસી દ્વારા પેરેન્ટ્સ બન્યાં. સની લિઓની અને એના પતિ ડેનિયલે  ૨૦૧૭માં એક બાળક દત્તક લીધું હતું અને પછી ૨૦૧૮માં સરોગેસી મારફતે ટ્વિન્સ મેળવ્યાં છે. તેમનાં નામ તેમણે અશર અને નોશ રાખ્યા છે.તુષાર કપૂર અને તેની બહેન એકતા કપુર પણ સરોગેસી મારફતે બાળક મેળવીને સિંગલ પેરન્ટ્સ બન્યાં છે.  કરણ જોહરે સરોગેસી મારફતે યશ અને રૂહી જોહર નામનાં ટ્વિન્સ ૭ ફેબુ્રઆરી ૨૦૧૭ના રોજ મેળવ્યા  હતા. શાહરૂખ ખાન અને ગૌરી ખાનનું ત્રીજું સંતાન અબ્રામ ૨૭ મે ૨૦૧૩ના રોજ સરોગેસી મારફતે જન્મ્યું હતું. આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ  રાવે પણ સરોગેસી સિસ્ટમ અપનાવી હતી.

અલબત્ત, સરકારે ગયા ડિસેમ્બરથી કમર્શિયલ સરોગેસીને પ્રતંબધિત કરતો કાયદો બનાવ્યો હોવા છતાં બહુ જ શાંતિથી, ગૂપચૂપ રીતે સરોગેસીની સુવિધા ચાલુ જ છે.

સરોગેસી એટલે અન્ય સ્ત્રીની કૂખ ભાડે લેવાનો ધંધો. સ્ત્રીના પેટમાં બાળક ઊછરતું હોય તે શિશુના મૂળ મા-બાપ તો કોઈ બીજા જ હોય. આ રીતે પર સ્ત્રીની કૂખ ભાડે લેવા-આપવાનો ધંધો આજે પણ પૂર બહારમાં ચાલે છે. આ પ્રથાથી એક સામાન્ય સ્ત્રીને પૈસાની કમાણી થાય છે તો સામે  છેડે સંતાન ઝંખતા યુગલને કોઈ જાતની પીડા વેઠયા વગરબાળક પ્રાપ્તિ થાય છે. સરોગેટ મધર (અન્યના સંતાનને પોતાની કુખે જન્મ આપનાર) બનવા ઈચ્છતી. મહિલાઓને એજન્સીની મદદ ન લેવી હોય તેમના માટે ખાસ વેબસાઇટ્સ ઉપલબ્ધ છે. આ વેબસાઇટ પર મહિલાએ તેમને લગતી તમામ માહિતી આપી દેવાની હોય છે. નિઃસંતાન દંપતીઓ આ પ્રોફાઇલ પર નજર ફેરવે છે અને જો તેમને ઇચ્છા થાય તો સીધો સંપર્ક કરે છે. એકવાર બન્ને પક્ષ વચ્ચે સંપર્ક સ્થાપિત થાય પછી નાણાંકીય બાબતોની વાટાઘાટ થાય છે અને જો બન્ને પક્ષ તૈયાર થઈ જાય તો શરતો અને નિયમ પ્રમાણે સરોગેટ માતા માટેનો કોન્ટ્રેક્ટ તૈયાર કરવામાં આવે છે.  સરોગેટ માતાની સુવિધા આપતી એજન્સી વિશે વાત કરતા કોલાબાના એક ખ્યાતનામ ઇનફર્ટિલિટી નિષ્ણાંત પોતાનો અનુભવ જણાવતા કહે છે કે હું પોતે સરોગેટ મધરની સુવિધા નથી આપતો,   આમ છતાં મારી ઓફિસમાં આ પ્રકારની સુવિધા આપતી અનેક એજન્સીના માણસો સરોગટ માતા બનવા માંગતી યુવતીના બાયોડેટા લઈને આવે છે. આ બાયોડેટા કોર્પોરેટ કંપનીના નોકરી માટેના બાયોડેટા જેવા જ હોય છે અને એમાં સરોગેટ માતાના ભણતર, ફેમિલી બેકગ્રાઉન્ડ, શોખ અને અપેક્ષાની વિગતો સ્પષ્ટપણે જણાવવામાં આવી હોય છે.

સરોગેટ માતા બનવાનો પોતાનો અનુભવ જણાવતા મુંબઈના પરેલ વિસ્તારની એક ગૃહિણી કહે છે કે ''મારા પતિ એક પ્રાઈવેટ ફર્મમાં સિક્યોરિટી ઓફિસર તરીકે કામ કરે છે અને અમારે એક દીકરી છે. હું મારી દીકરીને સારી પ્રાઇવેટ સ્કૂલમાં દાખલ કરવા માંગતી હતી અને એ માટે  પૂરતા  પૈસા  મેળવવા  માટે મેં સરોગેટ મધર બનવાનું નક્કી કર્યું હતું. મને આ વિચાર મારી નણંદે આપ્યો હતો. પહેલાં તો તેણે મને આ વાત કરી ત્યારે મને લાગ્યું હતું કે આ તો બહુ ખરાબ કામ છે અને હું તેના માટે તૈયાર નહોતી થઈ, જોકે લાંબા વિચાર પછી હું સરોગેટ મધર બનવા તૈયાર થઈ ગઈ હતી. મને એમ હતું કે આ માટેની વાતચીત કરવા માટે મારે કોઈ ખરાબ વિસ્તારમાં જવું પડશે, પણ આ કામ કરતી એજન્સી મને બહુ પોશ ઓફિસમાં લઈ ગઈ. ત્યાં મને સંપૂર્ણ પ્રક્રિયાની વિગતવાર સમજણ આપવામાં આવી. હું જો ઇચ્છું તો મારી ઓળખ ગુપ્ત રાખવાની ખાતરી પણ આપી. ત્યારબાદ તેમણે મારી મુલાકાત પહેલાં એકવાર સરોગેટ માતા બની ચુકેલી મહિલા સાથે કરાવી જેથી મારા મનમાં કોઈ  સંશય  હોય તો તે દૂર  થઈ શકે. તેમણે સારામાં સારા ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવવાની બાંહેધરી આપી. તેમના આવા પ્રોફેશનલ વ્યવહારથી મને બહુ માનસિક શાંતિ મળી હતી  એટલે મેં ઓફર સ્વીકારી લીધી હતી. ત્યારબાદ સંસ્થાએ મારા વતી આ સુવિધાનો લાભ લેતા દંપતી સાથે એગ્રીમેન્ટ કર્યું હતું. તેમણે મને સારા પૈસા આપ્યા હતાં અને પ્રસૂતિ દરમિયાન મેડિકલ સમસ્યા ઉભી થઈ હતી એની સારવારમાં પણ મદદ કરી હતી. જો આટલી વ્યવસ્થિત રીતે કામ કરવામાં આવે તો મને નથી લાગતું કે કોઈને પણ સરોગેટ માતા બનવામાં કોઈ વાંધો હોય.''

એક જાણીતા ઇન્ફર્ટિલીટી નિષ્ણાંત સરોગેટ મધરના આખા ટ્રેન્ડ સાથે સંકળાયેલી માહિતી આપતા કહે છે કે ''સરોગેટ માતા સાથે જે કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે એમાં કેટલીક વાર નવ મહિના દરમિયાન માતાએ તેના પતિથી અલગ રહેવું પડશે એવી શરત પણ મુકવામાં આવે છે. કોન્ટ્રેક્ટમાં આ પ્રકારની શરત મુકવા માટે કેટલાક કારણો જવાબદાર છે. સૌથી પહેલાં સગર્ભાવસ્થા દરમિયાન મહિલાને શારીરિક સંબંધોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જો શરતચુકથી પણ આ શરતનો ભંગ થાય તો ગર્ભપાતનો ડર વધી જાય છે અને આ કારણોસર જ આ સુવિધાનો લાભ  લેનાર દંપતી સરોગેટ માતા તેના પતિથી અલગ જ રહે એમ ઇચ્છતું હોય છે. આ સિવાય ઘણીવાર સરોગેટ મધર બની રહેલી મહિલાને તેના આ પગલાંને કારણે પારિવારિક જીવનમાં તણાવનો સામનો કરવો પડે એવી સ્થિતિ ઉભી થાય છે એટલે જો આ સ્થિતિમાં તે પરિવારથી દૂર રહે તો આ જોખમથી બચી પણ શકાય છે. વળી, ખાસ સરોગેટ મધર રહી શકે એ માટે બનાવેલી જગ્યામાં તેના ખાનપાન અને આરામની પુરતી કાળજી લઈ શકાય છે જે કદાચ તેના પોતાના ઘરે ન પણ લઈ શકાય. સરોગેટ મધર આરામથી સગર્ભાવસ્થા પસાર કરી શકે એ માટે કેટલાક ડોક્ટરો તો  ખાસ પ્રોપર્ટી ખરીદે છે અને પછી તેમની માલિકીના ફ્લેટમાં કે પછી બંગલોમાં આવી સરોગેટ માતાઓને સાથે રાખે છે. ઘણીવાર  આ મહિલાઓને  બધાની હાજરીમાં  પોતાના  પતિ અને બાળકોને  મળવાની છુટ આપવામાં આવે છે, પણ સાવચેતીના પગલાં તરીકે તેને અને તેના પતિને બંધ રૂમમાં ક્યારેય મળવા દેવામાં આવતા નથી. આ ક્ષેત્ર હવે વધારેને વધારે પ્રોફેશનલ બની ગયું હોવાને કારણે મોટી સંખ્યામાં મધ્યમ વર્ગની મહિલાઓ એના તરફ આકર્ષાઈ છે. ભૂતકાળમાં માત્ર ગરીબ વર્ગની મહિલાઓ સરોગેટ માતા બનવા તૈયાર થતી હતી, પણ હવે મધ્યમ વર્ગની માતાઓ પણ આ કામ માટે ખુશીથી તૈયાર થાય છે.''

સરોગેટ માતાઓની ખાસ  હોસ્ટેલમાં સગર્ભા મહિલાને બહુ કાળજીપૂર્વક રાખવામાં આવે છે. આવી જ હોસ્ટેલમાં રહીને સરોગેટ માતા બનવાનો અનુભવ મેળવનારી બોરીવલીની ગૃહિણી પોતાનો અનુભવ જણાવતા કહે છે કે ''હું સરોગેટ માતા બની ત્યારે હું જેવું વૈભવી અને આરામદાયક જીવન જીવી  હતી એવું  અગાઉ  ક્યારેય નથી જીવી. મને પહેલાં ત્રણ મહિના બીજી સરોગેટ માતાઓ સાથે એક ફ્લેટમાં રાખવામાં આવી હતી. આ ફ્લેટમાં અમારા તમામ કામ કરવા માટે એક ચોવીસ કલાકની બાઈ હતી. દિવસમાં એકવાર ડોક્ટર આવીને અમારી તબિયત તપાસી જતા અને દવાને લગતી સૂચનાઓ આપી જતા. અહીંની મહિલાઓની વય અલગઅલગ હતી, પણ સરોગેટ માતા બનવાનું કારણ એક જ હતું અને એ કારણ હતું  પૈસાની જરૂરત. કોઈને પોતાના બાળકની સ્કૂલની ફી માટે પૈસા જોઈતા હતા તો કોઈનો ઈરાદો પૈસાથી લોન ચુકવી દેવાનો હતો. જોકે શરૂઆતમાં ઘર અને બાળકોથી દૂર રહેવાને કારણે અમને થોડી માનસિક સમસ્યા થઈ, પણ પછી ખાસ વાંધો ન આવ્યો. પહેલીવાર  હું  એવું  વૈભવીશાળી ફ્લેટમાં  રહી જેમાં ચોવીસ કલાક પાણીની સુવિધા હોય, ચોવીસ કલાક કામવાળી બાઈ હોય, કેબલ કનેક્શન ચોરાઈ ન જતું હોય, સાથેસાથે પૌષ્ટિક ખોરાક મળતો હોય અને નિયમિત તબીબી તપાસ થતી હોય. એકવાર પ્રસૂતિ થઈ ગઈ પછી હું મારા જુના જીવનમાં પાછી ફરી હતી. હું મારા પરિવાર અને બાળકો સાથે આજે ખુશ છું, પણ તે વૈભવી દિવસોની યાદ મને હજી પણ આવે છે.''