ભારતનાં રંગ-બેરંગી શહેરો
- હોળી-ધૂળેટીના આ રંગોત્સવ નિમિત્તે ભારતના એવા શહેરોની વાત કરીએ, જે તેમના વિશિષ્ટ રંગોના કારણે જગવિખ્યાત છે.
ચેન્નાઈ: રેઈનબો સિટી
તમિલનાડુનું પાટનગર ચેન્નાઈ કોઈ એક રંગથી રંગાયેલું નથી. તેની ઓળખ સપ્તરંગી છે. શહેરના અનેક બાંધકામો પ્રાચીન છે. આધુનિક યુગમાં પણ ઘણાં બાંધકામો બન્યાં છે. ફ્લાયઓવરનું શહેર ગણાતું ચેન્નાઈ સાંસ્કૃતિક રીતે પણ ખૂબ જ સમુદ્ધ છે. ઘણાં મંદિરો તો ૧૨૦૦ વર્ષ જૂના છે. ચેન્નાઈની આ બહુરંગી ઈમેજને વધુ દૃઢ બનાવતું એક મંદિર ઉભું છે, જેનું નામ છે રેઈનબો. આ મંદિરમાં મેઘધનુષના બધા જ રંગોનો સમાવેશ થયો છે. શહેરની ઈમારતો પણ આ મંદિરની અસર ઝીલાઈ છે. જેને જૂનું શહેર કહેવાય છે વિસ્તારોની ઘણી ઈમારતોમાં મેઘધનુષના રંગો લાગ્યાં છે.
દક્ષિણ ભારતના મંદિરોની બાંધકામ શૈલી ઘણી અલગ છે. દક્ષિણ ભારતના મંદિરો જીવંત રંગોના કારણે પણ અલગ પડી જાય છે. એ મંદિરોમાં અનેક રંગોનું પ્રાધાન્ય જોવા મળે છે. પથ્થરો-પીલર-શિખર એમ અલગ અલગ વિભાગોને જુદાં-જુદાં રંગોથી સજાવવામાં આવતા હતાં. રેઈનબો મંદિરના શિખરોમાં પણ જુદાં-જુદાં રંગોનું સંયોજન કરવામાં આવ્યું છે. મેઘધનુષના રંગોની જેમ સજાવેલા આ મંદિરના કારણે જ ચેન્નાઈને રેઈનબો સિટી પણ કહેવામાં આવે છે.
ગાંધીનગર-ચંડીગઢ-થિરૂવનંતપુરમ્: ગ્રીન સિટી
ગુજરાતનું પાટનગર ગાંધીનગર ગ્રીન સિટી તરીકે દેશભરમાં જાણીતું છે એ પાછળ ૫૪થી ૫૫ ટકા ગ્રીનકવર જવાબદાર છે. ગાંધીનગરમાં ઠેર-ઠેર વૃક્ષો અને ગાર્ડન્સના કારણે હરિયાળું દૃશ્ય આંખને ઠારે છે. ગાંધીનગર શહેરનું નિર્માણ થયું ત્યારથી જ ગ્રીનકવરનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને સદનસીબે આટલા વર્ષે એ મેન્ટેઈન પણ રહ્યું છે.પંજાબ અને હરિયાણાનું સંયુક્ત પાટનગર ચંડીગઢ પણ ગ્રીન સિટી કહેવાય છે. શહેરમાં ૨૬ પ્રકારની ફૂલોની જાત મળી આવે છે અને ૨૫ પ્રકારના વૃક્ષોનું વૈવિધ્ય નજરે ચડે છે. શહેરના લગભગ બધા જ રસ્તાની બંને તરફ વૃક્ષો છાંયડો પાથરે છે. એ દેશનું સૌથી વધુ ગ્રીનકવર ધરાવતું ત્રીજા નંબરનું શહેર છે.કેરળનું થિરૂવનંતપુરમ્ દક્ષિણ ભારતનું સૌથી જાણીતું ગ્રીનસિટી છે. આમ તો દક્ષિણ ભારતના ઘણાં શહેરોમાં હરિયાળી જોવા મળે છે, પરંતુ એ બધામાં થિરૂવનંતપુરમ્ અનોખું છે. મૈસુર કર્ણાટકના ગ્રીનસિટી તરીકે જાણીતું છે. આ ટેગ તેને ગ્રીનકવરના કારણે મળ્યું છે. છેલ્લાં કેટલાક દશકામાં ૧૦ લાખથી ઓછી વસતિ ધરાવતા શહેરોની કેટેગરીમાં મૈસુર ગ્રીનકવરના રેન્કિંગમાં પ્રથમ-બીજા કે ત્રીજા ક્રમે રહેતું આવે છે. આ સિવાય ભોપાલ મધ્યપ્રદેશનું હરિયાળું શહેર કહેવાય છે. તો દહેરાદૂન ઉત્તરાખંડનું ગ્રીનસિટી ગણાય છે. શિમલાને હિમાચલ પ્રદેશના ગ્રીનસિટી તરીકે સમ્માન મળે છે.
પુડુચેરી: યલ્લો સિટી
કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીનું સૌથી મોટું શહેર પુડુચેરી દેશનું યલ્લો સિટી છે. પુડુચેરી ફ્રેન્ચકોલોની હતું. ૧૬૭૪માં અસ્તિત્વમાં આવેલા આ શહેરમાં ફ્રેન્ચ-શૈલીના ઘણાં બાંધકામો છે. એમાંથી ઘણી ઈમારતો યલ્લો કલરની છે. પુડુચેરીમાં સરકારી કચેરીઓ અને દીવાલો પીળા રંગથી રંગવામાં આવતી હતી. એ રંગ પુડુચેરી પરથી હજુય ઉતર્યો નથી. હજુય નવી કોફી-શોપ કે હોટેલ્સ એવા જ રંગથી રંગાય છે. નાનકડા અને શાંત શહેરની થોડી લાંબી ઈમારતો શિસ્તબદ્ધ રીતે પીળા પોશાકમાં સજ્જ હોય એવું દૃશ્ય સર્જાય છે. પૂર્વનું પેરિસ ગણાયેલું આ શહેર દક્ષિણ ભારતનું પોપ્યુલર પર્યટન સ્થળ છે. ફ્રેન્ચસ્ટાઈલના બાંધકામો અને ટાઉન પ્લાનિંગ માટે આ શહેર ભારતમાં નમૂનેદાર છે. ૧૮મી અને ૧૯મી સદીમાં બંધાયેલા ચર્ચ અને મંદિરો હવે સાંસ્કૃતિક ધરોહર બની ગયા છે. ફ્રેન્ચ કોન્સ્યુલેટની ઓફિસ, ફ્રેન્ચ ઈન્સ્ટિટયૂટ ઓફ પુડુચેરી, મહાકવિ મ્યુઝિયમ, લાલ બહાદુર શાસ્ત્રી સ્ટ્રીટ સહિતની કેટલીય ઈમારતો આખા પુડુચેરીમાં તેના પીળા રંગના કારણે જુદી તરી આવે છે અને એ જ પુડુચેરીને યલ્લો શહેરની ઓળખ આપે છે.
જેસલમેર-અમૃતસર: ગોલ્ડન સિટી
રાજસ્થાનનું જેસલમેર ગોલ્ડન સિટી છે. આ ઓળખ મળવા પાછળનું કારણ છે તેની સોનેરી રેતી અને સુવર્ણરંગનો કિલ્લો. આ ગોલ્ડન સિટી ૨૦૧૩થી વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ છે. શહેર લગભગ ૧૨મી સદીમાં બંધાયું હોવાનો ઈતિહાસ છે. રાવલ જૈસલે બંધાવ્યું હોવાથી તે જેસલમેર તરીકે ઓળખાયું. જેસલમેરને અર્થ થાય છે - જૈસલનો કિલ્લો.
જેસલમેરમાં આવેલા જૈનમંદિરોનો પણ અલાયદો ઐતિહાસિક વારસો જળવાયો છે. શહેરનું નિર્માણ થયું ત્યારે તેને ખાસ ગોલ્ડનસિટી તરીકે ડીઝાઈન કરાયું ન હતું, પરંતુ સોનેરી રેતી અને શહેરની ઈમારતોએ ધીમે ધીમે આખા શહેરને સુવર્ણ રંગથી રંગી નાખ્યું હતું.
સાંસ્કૃતિક રીતે પણ જેસલમેર સમુદ્ધ છે. જેસલમેર નજીકની સાંસ્કૃતિકનો પરિચય મેળવવા અને અનોખા રેતાળ પ્રદેશને જોવા-જાણવા માટે વર્ષ દરમિયાન દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવતા રહે છે અને તેના ગોલ્ડન રંગના મંત્રમુગ્ધ સંભારણા લઈને પાછા ફરે છે.
દેશનું બીજું આવું ગોલ્ડન સિટી છે - અમૃતસર. પંજાબના અમૃતસરમાં ઘણી ઈમારતો મધ્યયુગથી ઉન્નત મસ્તકે ઉભી છે. પંજાબની ધાર્મિક-સાંસ્કૃતિક પરંપરાની સાક્ષી રહેલી આ ઈમારતો સુવર્ણરંગી હોવાથી આખા શહેરને ગોલ્ડન સિટીની ઓળખ મળી છે.
કોલકાત્તા: બ્લેક સિટી
પશ્વિમ બંગાળનું પાટનગર કોલકાત્તા શહેર કાલીમાના બ્લેકરંગથી રંગાયેલું છે અને એમાં વળી અંગ્રેજોએ પણ એ રંગ વધુ ઘેરો કર્યો હતો. બ્લેક પથ્થરોમાંથી બનેલા માતાના મંદિરોના કારણે પણ શહેર શ્યામવર્ણું લાગે છે. બ્રિટિશકાળમાં ઘણી ઈમારતો કાળા પથ્થરોમાંથી બનાવાઈ હતી. એમાંની ઘણી ઈમારતો હજુય હાજરી નોંધાવે છે.
બ્લેક સિટી તરીકે જાણીતા થવા પાછળનું એક કારણ બ્રિટિશ કેદીઓ પણ ખરા. ૧૭૫૬માં એક ઘટના બની હતી. પશ્વિમ બંગાળમાં સિરાજુદૌલાનું શાસન હતું. પાટનગર મુર્શિદાબાદ હતું. બ્રિટિશ સૈનિકો અને નવાબના સૈન્ય વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં પકડાયેલા બ્રિટિશ કેદીઓને કલકાત્તાની કાળકોઠરીમાં રાખવામાં આવ્યાં હતાં. એ જેલમાં ૧૨૩ અંગ્રેજો માર્યા ગયા હતા એમ પણ કહેવાય છે. એના કારણે અંગ્રેજો એ ઘટનાને બ્લેકહોલ કહેતા હતા અને અંગ્રેજ અધિકારીઓના વર્તુળમાં કોલકાત્તાને બ્લેકસિટી કહેવાતું હતું એવી પણ દંતકથાઓ મળે છે.
સમયાંતરે બ્રિટિશશાસને કોલકાત્તાને જ કેપિટલ બનાવ્યું હતું. એ પછી અંગ્રેજોએ શહેરમાં કાળા પથ્થરોની સરકારી ઈમારતો બાંધી હતી એટલે પણ શહેર બ્લેક સિટી ઓફ ઈન્ડિયા તરીકે જાણીતું બનવા લાગ્યું હતું. કાલીમાતાની ઉપાસનાને ધ્યાનમાં રાખીને જે મંદિરો બન્યા હતા તેના કારણે ય શહેરને આ ઓળખ મળી છે.
નાગપુર: ઓરેન્જ સિટી
મહારાષ્ટ્રના નાગપુરને ઓરેન્જ સિટીની ઓળખ નારંગીના કારણે મળી છે. નાગપુરી નારંગી દેશભરમાં પ્રખ્યાત છે અને દુનિયાભરમાં તેની નિકાસ પણ થાય છે. નાગપુરી નારંગી માટે નાગપુરને જીઆઈ (જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન્સ) ટેગ પણ ૨૦૧૫માં મળ્યું હતું. આ ટેગ મળ્યા પછી નાગપુરની ઓરેન્જ સિટી તરીકેની ઓળખ વધુ મજબૂત બની હતી. નાગપુરી નારંગી સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન માર્કેટમાં આવે છે. નાગપુર ટાઈગર કેપિટલ તરીકે પણ જાણીતું છે. નાગપુરની સ્થાપના ૧૭૦૨માં થઈ હતી.
કટક: સિલ્વર સિટી
ઓડિશાના કટકને સિલ્વર સિટીની ઓળખ એટલે મળી છે, કારણ કે શહેર અદ્ભુત ચાંદીકામ માટે વિખ્યાત છે. પૂર્વ ભારતમાં આ શહેર કાપડઉદ્યોગનું હબ ગણાય છે. શહેરની આવકમાં કાપડઉદ્યોગનો ફાળો કરોડો રૂપિયાનો છે. ચાંદીની જ્વેલરી માટે કટકના કારીગરો અજોડ છે. કટક હસ્તકલા માટે પણ જાણીતું છે.
આ શહેર એક હજાર વર્ષ જૂના ઈતિહાસમાં દોરી જાય છે. કેસરીવંશના રાજાઓએ ૧૦મી સદીમાં આ શહેરની સ્થાપના કરીને તેને વિકસાવ્યું-વિસ્તાર્યું હતું. રાજા નૃપ કેસરીએ શહેર ઈ.સ. ૯૮૯થી ૧૦૦૨ની વચ્ચે બંધાવ્યું હતું અને તેને પાટનગરનો દરજ્જો આપ્યો હતો. શહેરનું રક્ષણ કરવા માટે ફરતે દીવાલ બાંધવામાં આવી હતી. કેસરીવંશ પછી આવેલા ગંગવંશ અને સૂર્યવંશી સામ્રાજ્યએ પણ કટકને જ પાટનગર રાખ્યું હતું. એકાદ હજાર વર્ષ સુધી કટકે ઓડિશાની રાજધાનીનું સમ્માન ભોગવ્યું હતું.
કટક કુશળ કારીગરોની ભૂમિ ગણાય છે. શહેરમાં બેનમૂન ચાંદીના દાગીના બને છે એમ શિલ્પ અને ચિત્રોનું પણ સર્જન થાય છે. શહેરમાંથી અલગ અલગ ક્ષેત્રોના ઘણાં કુશળ કલાકારો પાક્યા છે, એ કારણે સિલ્વર સિટી કટકને ઓડિશાનું સાંસ્કૃતિક પાટનગર કહેવામાં આવે છે.
જયપુર: પિંક સિટી
રાજસ્થાનનું પાટનગર જયપુર પિંક સિટી તરીકે વિશ્વભરમાં ખૂબ જ જાણીતું છે. એવું કહેવાય છે કે જયપુરના મહારાજા સવાઈ રામ સિંહ બીજાએ મહારાણી વિક્ટોરિયાના ભારત આગમન પહેલાં ૧૮૭૬ આખા જયપુરને પિંક રંગથી સજાવ્યું હતું. બ્રિટનનાં મહારાણી વિક્ટોરિયા ભારતના સત્તાવાર મહારાણી બનતાં તેની ઉજવણી ભારતમાં થઈ હતી. તેના ભાગરૂપે જયપુર પ્રથમ વખત પિંક રંગથી રંગાયું હતું. એ પછી મહારાજા રામ સિંહે રાજ્યમાં એવો કાયદો બનાવ્યો હતો કે જયપુરમાં બધી જ ઈમારતો અને મકાનોનો રંગ પિંક જ રહેશે. ભારત આઝાદ થયું પછી પણ લોકોએ એ કાયદો જાળવી રાખ્યો. જયપુરમાં કોઈ પણ ઈમારત બને તેનો રંગ હજુય પિંક રાખવાનો વણલખ્યો નિયમ થઈ ગયો છે. મહારાજા રામ સિંહે શહેરને એ વખતના બ્રિટિશ ઈન્ડિયાના કેપિટલ કલકત્તાની જેમ શિક્ષણ-સ્વાસ્થ્ય ક્ષેત્રે આગળ પડતું બનાવવા સક્રિય પ્રયાસો કર્યા હતા. તેમણે કલકત્તાની સ્ટાઈલથી જયપુુરમાં સ્ટ્રીટલાઈટ, પાણી સપ્લાય સહિતની વ્યવસ્થા ઉભી કરાવી હતી.જયપુરની સ્થાપના ૧૦૯૩માં દુલા રાયે કરી હતી. શહેરનું મધ્યકાલિન નામ અંબર હતું, આજનું જયપુર મહારાજા સવાઈ જયસિંહના કાર્યકાળમાં ૧૮મી સદીમાં બંધાયું હતું. ૨૦૧૯માં વર્લ્ડ હેરિટેજ સમિતિએ જયપુરને પિંક સિટી ઓફ ઈન્ડિયાનું વિશેષણ આપ્યું હતું. જયપુરની ઘણી ઈમારતો વર્લ્ડ હેરિટેજ જાહેર થઈ છે.
ઉદયપુર: વ્હાઈટ સિટી
રાજસ્થાનનું ઉદયપુર શહેર દેશમાં વ્હાઈટ સિટી તરીકે જાણીતું છે. આખું ઉદયપુર શ્વેતવર્ણું છે. ઉદયપુરમાં અસંખ્ય ઈમારતો શ્વેતઆરસની બનેલી છે અને શહેરમાં સંખ્યાબંધ તળાવો છે. શ્વેત ઈમારતોનો પડછાયો તળાવોમાં ઝીલાય છે એટલે સફેદી વધુ ચમકદાર બની જાય છે! તળાવોનું આ શહેર ૧૫૫૯માં બન્યું હતું. મહારાજા ઉદયસિંહ બીજાએ શહેર સ્થાપીને તેને મેવાડ રાજ્યનું પાટનગર બનાવ્યું હતું. ૧૮૧૮ સુધી ઉદયપુર મેવાડનું પાટનગર રહ્યું હતું. શહેરમાં ઠેર-ઠેર મેવાડ રાજ્યની ભવ્ય વિરાસતોના રંગછાંટણાં થયેલાં જોઈ શકાય છે.
તળાવોના કાંઠે ઉન્નત ઉભેલી ઈમારતો મનોહર દૃશ્ય ખડું કરે છે. આ શહેરને પૂર્વનું વેનિસ પણ કહેવાય છે. ૧૯મી સદીમાં ભારતીય પર્યટન સ્થળોને વિકસાવવામાં રસ લેનારા બ્રિટિશ અધિકારી જેમ્સ ટોડે નોંધ્યું હતું કે ઉદયપુર ભારતના ખૂબ જ રોમેન્ટિક સ્થળો પૈકીનું એક છે.
જગમંદિર, લેક પેલેસ, સિટી પેલેસ, કેસરિયાજી મંદિર, જગદીશ મંદિર, ગુલાબબાગ, પ્રતાપપાર્ક વગેરેએ ઉદયપુરને ખાસ પ્રકારનો સફેદ રંગ આપ્યો છે. મોટાભાગની ઈમારતો ૧૬મીથી ૧૭મી સદીમાં બંધાઈ હતી. ઉદયપુર શહેરની સાંસ્કૃતિક ધરોહર જોવા વર્ષે અસંખ્ય પ્રવાસીઓ આવે છે. વ્હાઈટ સિટી ઉદયપુર ઘણી ફિલ્મ-ટીવી સીરિયલ્સમાં પણ જોવા મળ્યું છે.
જોધપુર: બ્લુ સિટી
રાજસ્થાનનું જોધપુર શહેર એરિયલ વ્યૂથી વાદળી લાગે છે. જોધપુરને વાદળી બનાવવા પાછળ કોઈ વ્યૂહરચના ઘડાઈ ન હતી કે કોઈ આયોજનો થયા ન હતા, પરંતુ લોકોએ સ્વયંભૂ પોતાની દીવાલો બ્લુ રંગથી રંગવાનું શરૂ કરતાં સમય જતાં આખા શહેરને બ્લુ રંગ લાગી ગયો હતો. કહેવાય છે કે થોડાંક વર્ષો પહેલાં શહેરના બ્રહ્મસમાજે બ્લુ રંગથી મકાનો રંગવાનું શરૂ કર્યું હતું. બ્રાહ્મણોના ઘર બ્લુ રંગથી અલગ પડી જતાં હતાં. ધીમે ધીમે અન્ય લોકોએ પણ બ્લુ રંગથી મકાનો રંગવાનું શરૂ કર્યું અને એમ લગભગ આખું જોધપુર વાદળી બની ગયું.
એક દાવો એવો પણ થાય છે કે બ્લુ રંગથી દીવાલોમાં જીવાત લાગતી ન હોવાની માન્યતાના બળે જોધપુરના લોકોએ મકાનોમાં બ્લુ રંગ લગાડયો હતો. ધીમે ધીમે એ જાણે પરંપરા બની ગઈ. હવે નવા-જૂના બધા જ મકાનો બ્લુ રંગથી જ રંગાય છે. પરિણામે જોધપુર શહેર ભારતભરમાં બ્લુ સિટી તરીકે ઓળખાય છે.ઐતિહાસિક જોધપુર શહેર ૧૪૫૯માં મંડોરના રાવ જોધાએ બંધાવ્યું હતું. જોધપુરની સંસ્કૃતિને સ્થાનિક લોકો જોધાણા કહીને ઓળખે છે. દુનિયાભરમાંથી પ્રવાસીઓ જોધપુર આવે છે. જોધપુરના બ્લુ રંગ ઉપરાંત કલ્ચર, ફૂડ અને મીઠાઈ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. મેવા કચોરી અને મિર્ચી વડા ખાધા વગર જોધપુરનો પ્રવાસ પૂરો થાય તો એ પ્રવાસ અધુરો ગણાય છે!