Get The App

'બ્રેઇન ડેથ' અને ધબકતું હૃદય એક મથામણ...!!

Updated: Aug 28th, 2022

GS TEAM

Google News
Google News
'બ્રેઇન ડેથ' અને ધબકતું હૃદય એક મથામણ...!! 1 - image

- શોધ સંશોધન : વસંત મિસ્ત્રી

- 'બ્રેઇન ડેથ' દર્દીના અંગદાન માટે ભારત, યુકેના કોન્સેપ્ટને ફોલો કરે છે. ૧૯૯૪માં ભારત સરકારે પસાર કરેલા કાયદા મુજબ 'બ્રેઇન સ્ટેમ ડેથ' કાનુની ગણાય છે.

બ્રેઇન ડેમેજ એક એવી ઇન્જરી છે જેમાં મગજના કોષો નાશ પામે છે, ચેપ લાગે છે અને સોજો આવે છે. 'બ્રેઇન ઇન્જરી એસોસીએશન ઓફ અમેરિકા'ના સર્વેક્ષણ પ્રમાણે અમેરિકામાં દર વર્ષે ૨૬ લાખ લોકોને સ્ટ્રોક, ટ્રોમ કે ટયુમરને કારણે બ્રેઇન ઇન્જરી થાય છે. આનાથી ૫૨,૦૦૦ (સરેરાશ) લોકો મૃત્યુ પામે છે.

'બ્રેઇન ડેથ' એટલે કે મગજ મૃત્યુ પામે ત્યાર શું થાય ? 'બ્રેઇન ડેથ' થાય ત્યારે બીજા અંગો (હૃદય, લીવર, કિડની)નું કાર્ય ચાલુ હોય છે પણ દર્દીની (૧) આંખ નિશ્ચેતન થઇ જાય છે (૨) આંખને સ્પર્શો તો આંખ ઝબકતી નથી (૩) કાનમાં બરફનું પાણી રેડો તો આંખ હલતી નથી. (ઓક્યુલો વેસ્ટિબ્યુલર રિફ્લેક્સ) (૪) દર્દીને કોઈ પીડા થતી નથી (૫) તે શરીર હલાવી શક્તો નથી (૬) જાતે શ્વાસ પણ લઇ શક્તો નથી.

'બ્રેઇન ડેથ' એ કોમાથી અલગ સ્થિતિ છે.કારણ કે કોમા દરમ્યાન દર્દી બેભાન હોય છે છતાં જીવતો હોય છે. દર્દીની અત્યંત નાજુક સ્થિતિમાં તેને વેન્ટિલેટર પર મુકવામાં આવે છે. વેન્ટિલેટર ફેફસાંને ઓક્સિજન આપે છે અને હૃદય ધબકતું રહે છે. (મગજમાંથી કોઈ ચેતના લીધા વિના પણ હૃદય ધબકી શકે છે). અહીં હૃદય ભલે ધબકતું હોય અને ચામડી પણ સહેજ ઉષ્ણ હોય પરંતુ વ્યક્તિ મૃત ગણાય છે.

'બ્રેઇન ડેથ'માં વેન્ટિલેટર બંધ કરવાથી વ્યક્તિનો શ્વાસ બંધ થાય છે. ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ-ટેસ્ટ મગજની એક્ટિવિટી સહેજ પણ દર્શાવતો નથી.

આવી સ્થિતિમાં વ્યક્તિના મગજના મોટા કાર્યો નાશ પામે છે છતાં તેનો ઇજા નહી પામેલો 'બ્રેઇન સ્ટેમ' હૃદયના ધબકારા અને શ્વસન જેવી ક્રિયાઓને ચાલુ રાખે છે. થોડી જીવંત અવસ્થા (વેજીટેટિવ સ્ટેટ)માં વ્યક્તિ જીવે છે. થોડો સુધારો પણ થાય છે પરંતુ 'બ્રેઇન ડેથ' એટલે વ્યક્તિ મૃત્યુ પામેલો ગણાય છે.

કુટુંબીજનો માટે આ સ્થિતિ ભારે પીડાજનક હોય છે કારણ કે ધબકતા હૃદયને કારણે તેઓ દર્દીને જીવંત ગણે છે. પરંતુ ડોક્ટરે સમજાવવું જોઇએ કે બ્રેઇન ડેથ એ અંતિમ સ્થિતિ છે. જિંદગી ત્યાં પૂરી થઇ જાય છે, વ્યક્તિ મૃત્યુ પામેલી છે અને ફરી જાગૃત થવાની કોઈ આશા નથી.

યાદ રહે કે 'બ્રેઇન ડેથ' ત્યારે થાય છે જ્યારે ખૂબ ક્રીટિકલ દર્દી, લાઇફ સપોર્ટ પર રાખ્યા પછી મૃત્યુ પામે છે. આવા દર્દી એટલે કે બ્રેઇન ડેડ દર્દી અંગદાન માટે એક કેન્ડિડેટ ગણી શકાય છે. ભારતમાં જાગૃતિના અભાવે અને લિગલ પ્રોસીજરની શંકાને કારણે 'બ્રેઇન ડેથ' ઝડપથી જાહેર કરવામાં આવતા નથી. મહારાષ્ટ્ર સરકારે આ બાબતે રેઝોલ્યુશન પસાર કર્યું છે જેથી 'બ્રેઇન ડેથ' ઝડપથી જાહેર થઇ શકે.

'બ્રેઇન ડેથ' થયેલા દર્દીના અંગદાન માટે ભારત, યુકેના કોન્સેપ્ટને ફોલો કરે છે. ૧૯૯૪માં ભારત સરકારે પસાર કરેલા કાયદા મુજબ 'બ્રેઇન સ્ટેમ ડેથ' કાનુની ગણાય છે.

કેટલાંક કિસ્સામાં સારવાર દરમ્યાન મગજનો ચેપ ઘટવા માંડે છે અને દર્દીના સાજા થવાની શક્યતા વધી જાય છે...!

Tags :