બ્લેક આઉટ (પ્રકરણ - ૧૦) .
- શિશિર રામાવત
- તું દંભી છો, રાઘવ! તને ફક્ત દેખાડો કરતા આવડે છે. જો તને તારી મા માટે સાચે જ પ્રેમ હોતને તો તું આવું પશુ જેવું જીવન જીવતો ન હોત...
-નેત્રા પાસે દૃષ્ટિ હોત તો એ જોઈ શકી હોત કે રાઘવ સ્તબ્ધ થઈ ચૂક્યો છે! નેત્રાની વાત સાંભળીને ભીતર કશેક અજવાળું થઈ રહ્યું હતું કે શું?
'રાઘવ... ઉઠ!'
જાણે વિરાટ અવકાશમાં પરિભ્રમણ કરી રહેલા ગ્રહોથી ટકરાઈને અવાજ પાછો ફર્યો હોય એમ અવાજ પડઘાયો. કશું સંચલન ન થયું એટલે નેત્રા ફરી બોલીઃ
'રાઘવ.... પ્લીઝ, ઉઠી જા.'
એના અવાજમાંથી સૂક્ષ્મ વેદના ઝરતી હતી કે શું? રાઘવ હજુય જાગ્યો હોય એવું લાગ્યું નહીં એટલે એણે સોફા પર સૂતેલા રાઘવના શરીર તરફ અંદાજે પોતાના હાથ લંબાવ્યા.
'રાઘ-'
રાઘવ ચોંકીને સફાળો બેઠો થઈ ગયો. બીજી જ ક્ષણે ઓશિકા નીચે દબાવી રાખેલા છરો બહાર ખેંચી કાઢયો.
'રાઘવ, હું છું.'
ડ્રોઈંગ રુમના ઘટ્ટ અંધકારમાં એક કાળો ઓળો એના પર ઝળુંબી રહ્યો હતો.
'શું છે?' રાઘવ ઉશ્કેરાઈ ગયો.
'કશું નહીં... તું ખાલી જાગ થોડી વાર.'
રાઘવને કશું સમજાયું નહીં. એણે ઊભા થઈને લાઇટ ચાલુ કરી. સફેદ પ્રકાશમાં નેત્રા અકળ ભાવ સાથે ઊભી હતી. દીવાલ પર જડેલી ઘડિયાળ રાતના પોણા ચારનો સમય બતાવતી હતી. રાઘવે ગુસ્સે થઈ ગયો, 'તને મધરાતે ચાળાં સૂઝે છે? આ મારો છરો હમણાં તારા પેટમાં ઉતરી જાત...'
નેત્રા કશું બોલી નહીં. રાઘવ સોફા પર બેસી ગયો.
'શું હતું?'
'તું છરો સાથે રાખીને સૂવે છે?'
'રાખવો પડે. મને જગાડયો કેમ એ બોલ!'
'વાત કરવી છે.'
'અત્યારે? ગાંડી થઈ ગઈ છો?'
નેત્રાનો ચહેરો સ્થિર રહ્યો, 'હું બેસી જાઉં, સોફા પર?'
રાઘવે છરો પાછો ઓશિકા નીચે સરકાવી દીધો, 'બેસ.'
નેત્રા બાજુમાં બેઠી. રાઘવ એને જોઈ રહ્યો. થોડી કલાકો પહેલાં આ છોકરી કિચનમાં 'ડોન્ટ ટચ મી' કહીને મારા પર જોરથી ચિલ્લાઈ હતી ને એની થોડી જ વાર પછી એ મારા હોઠ પર, મારા ગાલ અને નાક પર, ગરદન અને ખભા પર ક્યાંય સુધી પોતાની આંગળીઓ ફેરવતી રહી હતી... અને અત્યારે મને મધરાતે જગાડીને બાજુમાં બેસી ગઈ છે! શું છે એના મનમાં?
આવેગનો એક ત્વરિત તરંગ રાઘવના દેહમાંથી પસાર થઈ ગયો.
'જો, આડુઅવળું કશું વિચારતો નહીં...' નેત્રાએ કહ્યું.
રાઘવ સ્થિર થઈ ગયો. જાણે ચોરી પકડાઈ ગઈ.
'ઊંઘ નહોતી આવતી. એટલે થયું, તારી સાથે વાત કરું...' નેત્રા બોલી.
'અત્યારે શું વાત કરવી છે તારે?'
'તું એવાં કામ કરે છે જ શું કામ, રાઘવ, કે તારે છરો સાથે લઈને સૂવું પડે?'
નેત્રાનો આ સવાલ અણધાર્યો હતો. શું જવાબ આપવો એ રાઘવને સમજાયું નહીં.
'એટલે તેં આ પૂછવા માટે મને ઊંઘમાંથી ઉઠાડયો છે?'
રાઘવને ત્રાસ થઈ ગયો, પણ એની અકળામણની નેત્રા પર કશી અસર ન થઈ.
'...અને જે વાતમાં તને સમજ ન પડતી હોય એની શું કામ પંચાત કરે છે? મારી લાઇનમાં કાયમ ખતરો હોય એટલે સાવધાની રાખવી પડે.'
'પણ એવી લાઇનમાં જવાનું જ શું કામ જ્યાં કાયમ ખતરો રહેતો હોય?'
'આ બધું તારા ભેજામાં નહીં ઉતરે!'
'મારામારી, ગુંડાગીરી, કિડનેપિંગ, મર્ડર... આ બધું કરવામાં તને મજા આવે છે? સાચું બોલજે.'
રાઘવ પાછો અકળાવા માંડયો.
'બોલ?' નેત્રાએ કહ્યું.
'અરે આ કેવો સવાલ છે?' રાઘવ અટક્યો. પછી કહ્યું, 'મજા બોલ, સજા બોલ... આ એક જ કામ મને આવડે છે. આ સિવાય બીજું કંઈ કરતાં આપણને આવડતું જ નથી, સમજી?'
'કોણે કહ્યું તને બીજું કંઈ આવડતું નથી?' નેત્રાના ચહેરા પર ગાંભીર્ય યથાવત્ રહ્યું. 'તું આટલું સરસ ગાય છે, કુદરતે છુટ્ટે હાથે તને આ ટેલેન્ટ આપી છે. આઇ એમ શ્યોર કે તારામાં બીજી કોઈ ટેલેન્ટ પણ હશે.'
'છેને!' રાઘવને અકળામણ વચ્ચેય ગમ્મત થઈ, 'હું વાંસળી સરસ વગાડું છું... પણ એનું અત્યારે શું છે?'
'સી?' નેત્રાએ કહ્યું, 'હું તને એ જ કહી રહી છું. જો, હું તને ખુશ કરવા નથી કહેતી, પણ ભગવાનના સોગંદ ખાઈને કહું છું... તારા જેવો અવાજ, તારા જેવી ગાયકીની સમજ મેં બહુ ઓછા લોકોમાં જોઈ છે.'
'એમ?' રાઘવને વ્યંગ કરવો હતો, પણ થયો નહીં. એની ઊંઘ હવે સંપૂર્ણપણે ઉડી ચૂકી હતી.
નેત્રા આગળ વધીઃ
'તું તો બ્રાહ્મણ પરિવારનો છોકરો છો. તારાં માબાપે તને ગુંડાગીરી નથી શીખવી, રાઘવ!'
રાઘવ સન્ન થઈ ગયો!
'ચોંકવાની જરૂર નથી. તારા ખભા પર મેં હાથ ફેરવ્યો હતો ત્યારે મેં જોયું હતું કે તેં જનોઈ પહેરી છે. તું આ બધાં ખોટાં ફાલતુ કામો કર્યાં કરે છે, પણ તેં શરીર પરથી જનોઈ ઊતારી નથી.'
'મારી માને પસંદ નહોતું કે હું જનોઈ કાઢી નાખું...'
રાઘવ ચુપ થઈ ગયો. આગળ શું બોલવું તે એને સમજાયું નહીં.
'...અને તું આ જે મારામારી ને કાપાકાપી કરે છે એ તારી સ્વર્ગે સીધાવી ગયેલી માને પસંદ હશે એવું તને લાગે છે?'
જોરદાર તમાચો પડયો જાણે. રાઘવ ઉકળી ઉઠયો. એક ક્ષણ માટે એને થયું કે એક લાફો ઠોકીને ચુપ કરી દઉં સાલીને. મારી મરેલી મા વિશે વાત કરવાવાળી આ કોણ?
...પણ નેત્રાના ચહેરા પર એવી નિર્મળ શાંતિ છવાયેલી હતી કે એનો આવેશ અર્થહીન બની ગયો.
'રાઘવ, મને ખબર છે કે હું જે બોલી રહી છું તે સાંભળવામાં આકરું છે, પણ તોય હું તને કહેવા માગું છું... પણ જો તું ના પાડીશ તો...'
'મેં ના પાડી તને?' રાઘવ આ બોલી તો ગયો, પણ પછી એનેય નવાઈ લાગી. એના મનમાં જે વિચાર ચાલી રહ્યો હતો એ આ હતોઃ
મા-બેનની ગાળો આખી જિંદગી સાંભળી છે, પણ કોઈએ મારી માનું નામ લઈને મને આ રીતે ગાળ ક્યારેય નથી આપી!
નેત્રા સોફા પર અઢેલીને બેઠી. એના ચહેરા પર સહેજ હળવાશ ઉતરી આવી. રાઘવને સમજાતું નહોતું કે એક બાજુ આ છોકરી પર ગુસ્સો આવી રહ્યો છે અને બીજી તરફ એની વાતો સાંભળવાનું મન પણ થાય છે.
'આપણા બન્નેમાં કઈ વાત કોમન છે, ખબર છે, રાઘવ?' નેત્રા કહેવા લાગી, 'આપણે બન્ને નાનપણમાં જ મા ખોઈ ચૂક્યાં છીએ. મારી મા જતી રહી ત્યારે હું કેવડી હતી? માંડ પંદરની. પણ આટલા ઓછા સમયમાં એ મને જે શીખવી ગઈ છે તે હું મરીશ ત્યાં સુધી મારી સાથે રહેશે.'
રાઘવે જોયું કે નેત્રાની આંખોમાં ભીનાશ છવાઈ રહી છે. એ આગળ વધીઃ
'તને ખબર છે, હું આજેય કોઈ વાતે અટવાઈ જાઉં, મૂંઝાઈ જાઉં, શું કરવું - શું ન કરવું એની સમજ ન પડે તો હું થોભી જાઉં છું... ને વિચારું કે આ સંજોગોમાં મારી માએ મને શું સલાહ આપી હોત? આ પરિસ્થિતિમાં હું શું કરું તો મારી માને ગમે? અને પછી એ જ પ્રમાણે કરું છું. તું માનીશ, રાઘવ, હું ક્યારેય ખોટી પડી નથી. મા ભલે મરી ગઈ, પણ એ આજેય મારો હાથ પકડીને મને સાચા રસ્તે લઈ જાય છે...'
રાઘવ સાંભળતો રહ્યો. નેત્રા કહેતી ગઈ, 'તને જનોઈનો મતલબ ખબર છે? જનોઈ ધારણ કરવી એટલે શુદ્ધ થવું, ચોખ્ખા થવું, ઊંચાં કામ કરવાં, વ્યવહાર-વર્તનમાં મર્યાદા રાખવી, ખોટાં કામોથી દૂર રહેવું. જનોઈ ધારણ કરવી એટલે બીજો જન્મ લીધો એમ પણ કહેવાય છે. તારી મા તને શા માટે જનોઈ ઉતારવા નહોતી દેતી એ તને સમજાય છે? એ ઇચ્છતી હતી કે તને સતત યાદ રહે કે તારે ખોટાં કામોથી દૂર રહેવાનું છે, એ ઇચ્છતી હતી કે તું તારી જાત પર લગામ રાખે, તું પાપમાં ન પડે. તને શું લાગે છે, જનોઈ પહેરી રાખીને તું તારી મરી ગયેલી માની ઇચ્છાનું પાલન કરી રહ્યો છે? તું દંભી છો, રાઘવ! તને ફક્ત દેખાડો કરતા આવડે છે. જો તને તારી મા માટે સાચે જ પ્રેમ હોતને તો તું આવું પશુ જેવું જીવન જીવતો ન હોત...'
રાઘવ સ્તબ્ધ થઈ ગયો. આજ સુધીએ કોઈએ મારી સાથે આ રીતે વાત નથી કરી. શું બોલે છે આ છોકરી? એનામાં હિંમત ક્યાંથી આવે છે? ગળું દબાવીને બે જ મિનિટમાં બોલતી બંધ કરી દઉં સાલીની?
આવેગનો એક પરપોટો ઉઠયો... અને પળવારમાં ફૂટી ગયો.
નથી થઈ શકતી... આ છોકરી સાથે સખ્તાઈ કે જબરદસ્તી નથી જ થઈ શકતી. શું કામ નથી થઈ શકતી? એના શબ્દો ચાબૂકની જેમ વાગે છે, પણ પછી આ જ શબ્દો જાણે કોઈ ઊંડા ઘા પર મલમ ચોપડતા હોય એવુંય લાગે છે.
એણે નેત્રા સામે જોયું. નેત્રાના ચહેરા પર કેવળ તેજ હતું. નિર્ભયતાનું તેજ.
જાણે સહન ન થતું હોય એમ રાઘવ ઊભો થઈ ગયો. થોડે દૂર પડેલી પાણીની બોટલ એણે મોંએ માંડી. એકી શ્વાસે અડધી બોટલ ખાલી કરીને એ બોલ્યો, 'આ બધું બોલવામાં સહેલું છે. તેં ગરીબી જોઈ નથી એટલે તને ભાષણ કરવાનું સૂઝે છે. મા નહીં, બાપ નહીં... સોળ વરસનો અનાથ છોકરો... બીજું શું કરે? પેટનો ખાડો કઈ રીતે પૂરે? રસ્તા પર ભીખ માગતો ફરે? મેં કોઈની સામે હાથ નથી ફેલાવ્યો, સમજી? મેં હાથ ઉપાડયો! કોઈની સામે આંખ ઝુકાવી નથી આજ સુધી... ને કોઈએ આંખ દેખાડી છે તો એની આંખો ખેંચી કાઢી છે!'
'અને એ વાતનો તને અભિમાન છે, એમ? સાચું બોલજે.' નેત્રાએ પાછો ચાબખો માર્યો.
રાઘવે જવાબ ન આપ્યો.
'બોલને! અનાથ બન્યા પછી લાઇફમાં તેં જે કંઈ કર્યું છે એ વાતનો તને ગર્વ છે? હા કે ના?'
રાઘવ કશું બોલ્યો નહીં એટલે નેત્રા મ્લાન હસી. એ આંખો બંધ કરી ગઈ. પછી ઊંડો શ્વાસ લીધો. એકાદ પળ અટકીને કહે, 'તું ગરીબીની વાત કરે છે, સ્ટ્રગલની વાત કરે છે, પણ તને ખબર છે, રાઘવ, ગરીબી અને સ્ટ્રગલ કોને કહેવાય? સાંભળ. હું જે અંધજનો માટેની સંસ્થામાં જતી હતીને ત્યાં એક કપલ આવતું હતું. પતિ-પત્ની બન્ને બોર્ન બ્લાઇન્ડ. જનમથી આંધળાં. એમને એક દીકરો, સાતેક વરસનો. એ પણ જનમથી અંધ. મુંબઈ જેવા શહેરમાં કેટલું ભીષણ જીવન હશે એમનું, તું કલ્પના કરી શકે છે? ી ઘરે રહીને હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવે. એનો વર ચર્ચગેટ પાસે કોઈ ઓફિસમાં ટેલિફોન ઓપરેટરનું કામ કરે. એ માણસ રોજ લોકલ ટ્રેનની ભયંકર ભીડમાં મુલુંડથી વિક્ટોરિયા ટમનસ સ્ટેશન આવે. એકલો નહીં, સાથે સાત વરસનો આંધળો દીકરો પણ હોય. ત્યાંથી બન્ને સિટી બસમાં બેસીને વર્લી આવે. અહીં અંધ બાળકો માટેની સ્કૂલ છે, એમાં છોકરાને મૂકે ને પછી એ પોતાની ઓફિસ જાય. સાંજે ઓફિસ પૂરી થાય એટલે પાછા વર્લી જવાનું, દીકરાને સ્કૂલમાંથી લેવાનો, બસમાં વિક્ટોરિયા ટમનસ જવાનું ને ત્યાંથી લોકલ ટ્રેનમાં પાછા મુલુંડ... આ એમનો રોજનો ક્રમ! તને સમજાય છે? આને સંઘર્ષ કહેવાય. આને સ્ટ્રગલ કહેવાય.'
રાઘવ અવાક્ થઈ ગયો.
'બીમારીને કારણે મારી આંખો જતી રહીને રાઘવ, ત્યારે હું પાગલ થઈ ગઈ હતી. મારે મરી જવું હતું. મને થાય, આંધળા બનીને જીવવાનો મતલબ શું છે? પણ પછી મને આ અંધજનો માટેની સંસ્થામાં લઈ જવામાં આવી. ત્યાં હું કેટલાય અંધજનોને મળી. કોઈ જનમથી આંધળા, કોઈને મારી જેમ મોટપણમાં અંધાપો આવ્યો હોય. આ મેં તને હમણાં વાત કરીને એ બ્લાઇન્ડ ફેમિલી સિવાય બીજા કેટલાંય ી-પુરુષો-બાળકોને હું મળી... એ સૌની કહાણી સાંભળીને હું હલી ગઈ. કેવો સંઘર્ષ, કેવી કઠણાઈ! તું સાચું કહે છે. હું પૈસાદાર ઘરની દીકરી છું એટલે મને તમામ પ્રકારની સુવિધા મળી ગઈ, એક સપોર્ટ સિસ્ટમ તરત ગોઠવાઈ ગઈ... પણ આ સંસ્થામાં આવતા મોટા ભાગના લોકો તો ગરીબ કે સાધારણ ઘરના હતા. ને છતાંય કાયમ હસતા ને હસતા. જીભ પર ફરિયાદનું નામ નહીં. સહેજે કડવાશ નહીં. અંધાપાને સ્વીકારીને આનંદપૂર્વક જીવે. 'એક્સેપ્ટ, એડજસ્ટ અચીવ...' આ જ એમનું જીવનસૂત્ર!'
નેત્રા સહેજ અટકી. પછી પાછી ફરી બોલવાનું શરૂ કર્યું. એના શબ્દો જાણે હૃદયના અતલ ઊંડાણથી નીકળી રહ્યા હતા.
'એક્સેપ્ટ-એડજસ્ટ-અચીવ એટલે... લાઇફમાં જે કંઈ બન્યું હોય તેને સ્વીકારી લો, એની સાથે જીવતા શીખી જાઓ અને અને તમારાથી બનતું શ્રે કરી છૂટો! આ બધાને મળીને મને લાગ્યું કે મને તો કોઈ ફરિયાદ કરવાનો અધિકાર જ નથી. જો આ ગરીબ લોકો અંધાપો સ્વીકારી લઈને આટલું સારું, આટલું સાચું જીવન જીવી શકતા હોય તો હું કેમ ન જીવી શકું? એટલે પછી મેં ધીમે ધીમે મારી જાત પર કંટ્રોલ મેળવ્યો. હરતાંફરતાં, કોઈની મદદ વગર નાનાંમોટાં કામ કરતાં શીખતી ગઈ, નવેસરથી એક્ટિંગ કરતી થઈ... ને આજે જેવી છું એવી તારી સામે છું.'
નેત્રા અટકી. જો એની પાસે દૃષ્ટિ હોત તો એ જોઈ શકી હોત કે રાઘવ સ્તબ્ધ થઈ ચૂક્યો છે! નેત્રાની વાત સાંભળીને ભીતર કશેક અજવાળું થઈ રહ્યું હતું કે શું?
એ ક્યાંય સુધી કશું જ ન બોલ્યો એટલે નેત્રાએ પૂછવું પડયું, 'રાઘવ... તું અહીં જ છેને?'
'હ્... હા...' રાઘવનો અવાજ સહેજ તૂટયો. એણે ગળુ ખંખેર્યું.
નેત્રા જાણે થાકી ગઈ હોય એમ એણે સોફાની ધાર પર માથું ઢાળી દીધું. પછી બોલી, 'રાઘવ, ભગવાને તને અને મને સાજાસારા હાથ-પગ આપ્યા છે, તંદુરસ્ત શરીર આપ્યું છે, બુદ્ધિ આપી છે... વધારે શું જોઈએ? આ તો ઈશ્વરની ભેટ છે... તો એનો ઉપયોગ સારાં ને સાચાં કામમાં કેમ ન કરીએ? હું શું કહું છું એ તને સમજાય છે, રાઘવ?'
રાઘવ કશું બોલી ન શક્યો. પછી ધીમેથી કષ્ટપૂર્વક બોલ્યો, 'હમ્મ્મ્...'
નેત્રાનો અવાજ એકાએક ભરાઈ ગયો, 'આ બે-ત્રણ દિવસમાં હું તને જેટલો ઓળખી શકી છું... તું ખરાબ માણસ નથી, રાઘવ. તું ખાલી મારગ ભૂલી ગયો છે. તું ધારત તો આ બંધ બંગલામાં મારી સાથે કંઈ પણ કરી શક્યો હોત, પણ તેં સતત મર્યાદા જાળવી છે. મને આવું લાગે છે એમ નહીં, પણ મને ખબર છે કે તું બહુ સારું, બહુ ઊંચા પ્રકારનું જીવન જીવી શકે તેમ છે...'
રાઘવની ભીતર તરંગ ઉઠયો. 'પણ કોના માટે સારું જીવન જીવું?' એના અવાજમાં ઉદાસી છલકાઈ ગઈ, 'એકલો માણસ છું. કોણ પૂછવાવાળું છે? કોને ફરક પડે છે હું સારું જીવન જીવું છે કે ખરાબ?'
'મને ફરક પડે છે, રાઘવ! મને ખૂબ ફરક પડે છે...'
'તને?' રાઘવ હસ્યો, 'તને શું કામ ફરક પડવો જોઈએ?'
'કારણ કે તું મને ગમે છે!'
એક અજાણી ધૂ્રજારી પસાર થઈ ગઈ રાઘવના શરીરમાંથી. હું કોઈને ગમું છું! હું... મારા જેવો સડકછાપ માણસ કોઈને ગમી શકે છે! એને માન્યામાં ન આવ્યું.
'શું બોલી તું?'
'મારી પાસે આવ...' નેત્રાએ કહ્યું, 'બેસ મારી પાસે...'
રાઘવ એક પળ નેત્રાને જોઈ રહ્યો. કઈ માટીની બનેલી છે આ છોકરી? એ જઈને એની બાજુમાં બેઠો. નેત્રાએ ફંફોસીને એનો હાથ પોતાના હાથમાં લીધો.
'હું જે કહું છું તે સત્ય છે. તું મને ખરેખર ગમે છે, રાઘવ. એક માણસ તરીકે. એક કલાકાર તરીકે. એક... એક...' નેત્રા આગળ બોલી ન શકી.
રાઘવના માંહ્યલામાં કશુંક જોશભેર પીગળવા માંડયું. આવી તદ્દન અણધારી ક્ષણ હતી. આવી ઘડી જિંદગીમાં અગાઉ ક્યારેય આવી નથી. શું કરવું જોઈએ, શું બોલવું જોઈએ તે એને સમજાયું નહીં, પણ એટલું જરૂર પામી ગયો હતો કે આ એક દિવ્ય ક્ષણ છે. અત્યંત શક્તિશાળી. અત્યંત દૈદીપ્યમાન.
'રાઘવ...' નેત્રાની લિસ્સી હથેળી રાઘવના સખત થઈ ગયેલા પંજા પર હળવે હળવે ફરી રહી હતી. આ સ્પર્શમાં કરુણા હતી, સમસંવેદન હતું. 'કેમ કશું બોલ્યો નહીં?'
'હું... શું બોલું?'
નેત્રા હસી, 'બીજું કંઈ નહીં તો મારું નામ બોલ! બહુ મીઠું લાગે છે મારું નામ તારા મોઢે...'
એક-બે અર્થગંભીર ક્ષણો એમ જ પસાર થઈ ગઈ. આખરે રાઘવના ઘેરા, પૌરુષિક સ્વરમાં એ નામ ઉચ્ચારાયુઃ
'ને...ત્રા...'
-અને ધડામ્!
દૂરથી દરવાજો ખુલવાનો જોરદાર અવાજ આવ્યો. રાઘવ કશુંય સમજે તે પહેલાં કિચન તરફના પેસેજમાંથી એકસાથે ચાર-પાંચ સશ પોલીસના માણસો ધડધડાટ કરતાં અંદર ધસી આવ્યા.
રાઘવ છળી ઉઠયો! જાણે એક સાથે હજાર વીંછીના ડંખ લાગ્યા જાણે. વીજળીની જેમ એનો હાથ ઓશિકા નીચે ગયો. છરો ગાયબ હતો!
'બિલકુલ હલતો નહીં...' એક સશ પોલીસમેને ત્રાડ પાડી, 'એમ જ બેસી રહેજે... મેડમ, તમે આ તરફ આવી જાઓ.'
નેત્રા દોડીને પોલીસ તરફ જતી રહી. તે સાથે જ બે માણસો રાઘવ પર કૂદ્યા અને એને મુશ્કેટાટ પકડી લીધો.
'મેડમ, આ જ માણસ છે?'
'હા... આ જ છે! એના છરાનો મેં સોફા નીચે ઘા કર્યો છે... લઈ લેજો...'
રાઘવ છક્કડ ખાઈ ગયો. એ કશી જ પ્રતિક્રિયા આપી ન શક્યો. જાણે કે એનામાંથી પ્રતિકાર કરવાની શક્તિ જ શોષાઈ ગઈ. એના બન્ને કાંડે હાથકડી લાગી ગઈ. ડ્રોઇંગ રુમનો મુખ્ય દરવાજો ખોલીને સંકેત આપવામાં આવતાં જ એકસાથે ત્રણ પોલીસ વેનની હેડલાઇટ્સ વીજળીની જેમ ફેંકાઈ. રાઘવને ઘક્કા મારતાં બહાર લઈ જવામાં આવ્યો. એણે જોયું કે બંગલાના કમ્પાઉન્ડમાં પોલીસની જમઘટ છે. પાછળ પાછળ નેત્રા પણ બહાર આવી. એને જોતાં જ એક સિનિયર પોલીસ અધિકારી જેવા દેખાતો માણસ તરત એની પાસે આવ્યો.
'આર યુ ઓકે, નેત્રા?'
'યેસ, મિશ્રાઅંકલ...'
'આર યુ શ્યોર? આ જંગલીએ કંઈ કર્યંુ નથીને તારી સાથે?'
'ના.'
'થેન્ક ગોડ કે તારો મેસેજ આવ્યો ત્યારે હું જાગતો હતો. સારું કર્યું તેં બધી ઇન્ફર્મેશન આપી દીધી...' પછી મિશ્રાએ સાથીઓ સામે જોઈને કહ્યું, 'ગુડ જોબ! લઈ જાઓ આ સાલાને...'
બે માણસો રાઘવને ખેંચીને પોલીસ વેન તરફ જવા લાગ્યા. એકદમ જ રાઘવ ઝાટકો મારીને એમની પકડમાંથી બહાર આવી ગયો. પાછા વળીને એ સીધો નેત્રા તરફ ધસ્યો.
'હરામજાદી.... આવી ગઈને જાત ઉપર... કમજાત?'
હાંફળાફાંફળા થઈ ગયેલા પોલીસોએ તરત જ એને પાછો પકડી લીધો. રાઘવના ચહેરા પર ક્રોધ અને પીડાનો પારાવાર ઊછળતો હતો.
'નૌટંકી કરતી હતી મારી સાથે... મને એમ કે... સાલી દગાબાજ...!'
રાઘવની આંખોમાંથી આંસુ ધસી આવ્યાં. એના ચહેરાનો એકેએક કોષ ચીસો પાડી રહ્યો હતો. રાઘવને ઊંચકીને વેનમાં ફેંકી દેવામાં આવ્યો.
નેત્રા એની જગ્યાએ એમ જ ઊભી હતી. પૂતળાની જેમ. એના ચહેરા પર અકળ ભાવ સ્થિર થઈ ગયો.
(ક્રમશઃ)