Get The App

બ્લેક- આઉટ .

Updated: May 6th, 2023

GS TEAM


Google News
Google News
બ્લેક- આઉટ                                                      . 1 - image


- શિશિર રામાવત

- 'તું ફક્ત મારો પ્રેમી જ? બસ? ચાલ, તું ધાવણું બાળક બની જા. હું તને ઉછેરીશ. ચાલ, આપણે તારી એક પ્રતિકૃતિ બનાવીએ, તારો ક્લોન, જે સતત મારી સાથે રહે...'

- પ્રકરણ - 1

'અ ટેન્શન પેસેન્જર્સ...' રંગ ઉડી ગયેલા કપડા જેવા નિસ્તેજ પ્લેટફોર્મ પર વેદાંતે પગ મૂક્યો ને પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ પર ઘેરો ીસ્વરગૂંજ્યો:

'...ધ નેસ્ક્ટ ડાઉનટાઉન લોકલ ટ્રેન, અરાઇવિંગ ઓન પ્લેટફોર્મ-વન ફોર સ્ટેશન્સ ટુ ટાઇમ્સ સ્કેવર-ફોર્ટી સેકન્ડ સ્ટ્રીટ, ઇઝ નાઉ અપ્રોચિંગ. ધ ટ્રેન વિલ સ્ટોપ એટ ઓલ સ્ટેશન્સ. પ્લીઝ, સ્ટેન્ડ અવે ફ્રોમ ધ પ્લેટફોર્મ એજ...'

વેદાંતે મોબાઇલમાં સમય જોઈ લીધો: સવારના સવા-અગિયાર. એણે ટ્રેનના આગમનની દિશા તરફ ગરદન ઘુમાવી. આજે રવિવાર હતો એટલે સેવન્ટી-સેકન્ડ સ્ટ્રીટ સ્ટેશન પર ચહલપહલ આમેય ઓછી હતી. થોડે દૂર 'આઇ લવ ન્યુ યોર્ક' શબ્દોવાળાં ટીર્શટપહેરેલાં ચાર-પાંચ આફ્રિકન-અમેરિકન ટીનેજ છોકરાં-છોકરીઓ લગભગ અસ્વાભાવિક લાગે એ રીતે ચુપચાપ ઊભાં હતાં. થોડી ક્ષણોમાં સબવે ટ્રેન ધમધમાટ કરતી આવી ને અટકીને હાંફવા લાગી. થોડાં માનવપ્રાણીઓને પ્લેટફોર્મ પર ફેંકીને, થોડાં માનવપ્રાણીઓને પોતાની અંદર શોષી લઈને ટ્રેને પાછી ગતિ પકડી. વેદાંત દરવાજાની નજીક જગ્યા શોધીને બેસી ગયો. સહેજ સરકી ગયેલી પોતાની મોટી એરબેગને એણે પગ પાસે ખેંચી લીધી. શોલ્ડરબેગ બાજુમાં મૂકી, એના આગલા ખાનામાંથી પુસ્તક કાઢીને એ વાંચવાની કોશિશ કરવા માંડયો. અચાનક કશુંક યાદ આવ્યું હોય તેમ એણે ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને સંદેશા અને ઇમેઇલ ચેક કરી લીધા.  

સૂર્યકાંત શાહનો હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી!

વેદાંત મોબાઇલની ચળકતી સ્ક્રીનને અવિશ્વાસથી તાકી રહ્યો. 'ધ ન્યુ યોર્ક ઓબ્ઝર્વર' અખબારનું માત્ર અમેરિકામાં નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલું જબરદસ્ત વજન છે એ સૂર્યકાંત શાહ સમજતા નથી? સમજે જ છે. તો શું સ્વીકારવા માગતા નહીં હોય?

વેદાંતે વોટ્સએપ પર સંદેશો ટાઇપ કરીને રવાના કરી દીધો: મિસ્ટર શાહ, આવતી કાલે સાંજે હું મુંબઈ લેન્ડ થઈશ. આશા રાખું છું કે ત્યાં સુધીમાં તમારો પોઝિટિવ રિપ્લાય મને મળી ગયો હશે..

મોબાઇલને જીન્સના ખિસ્સામાં સરકાવીને વેદાંતે આજુબાજુ નજર ઘુમાવી. જુદાં જુદાં રંગ-રુપ-કદ-આકારના મનુષ્યજીવો પોતપોતાનાં મોબાઇલ, વિચારો કે શૂન્યતામાં ગુંથાયેલા હતા. સેવન્ટી-નાઇન્થ સ્ટેશન આવ્યું. ટ્રેન ઊભી રહી. થોડી ચડઉતર થઈ. નવા ચહેરા ઉમેરાયા, થોડા બાદ થયા. એક મધ્યવયસ્ક યુગલ બે મોટી બેગ લઈને સહેજ અધ્ધર જીવે અંદર પ્રવેશ્યું અને વેદાંતની બરાબર સામે બેસી ગયું. ી-પુરુષ વચ્ચે બે-ચાર વાક્યોની આપલે થઈ તે પરથી વેદાંતને સમજાયું કે તેઓ જપાની છે અને પતિ-પત્ની છે. જપાની આદમી સાથે વેદાંતની નજર ટકરાઈ. વેદાંતે સ્મિત કર્યું.

'આ ટ્રેન ડાયરેક્ટ જ્હોન એફ. કેનેડી એરપોર્ટ જશેને?' આદમીએ અધીરાઈથી પૂછી લીધું. એની અંગ્રેજી સાફ હતી.

'ના, ટ્રેન સીધી એરપોર્ટ નહીં જાય,' વેદાંતે કહ્યું, 'તમારે ફાર્ટી-સેકન્ડ સ્ટ્રીટ સ્ટેશન પર ઊતરવું પડશે. ત્યાંથી અપટાઉન અને કવીન્સ તરફ જતી 'ઈ' સબવે લાઈન પકડી લેજો. એ તમને સીધી જે.એફ.કે. સુધી લઈ જશે.'

'ઓહ...' જાણે ખોટી ટ્રેનમાં ચડી ગયાં હોય તેમ યુગલના ચહેરા પર ઉચાટ તગતગવા માંડયો.

વેદાંતે તરત કહ્યું, 'તમે ટેન્શન ન લો. હું પણ જે.એફ.કે. જઈ રહ્યો છું. જસ્ટ બી વિથ મી.'

જપાની યુગલને નિરાંત થઈ ગઈ. પીઠ ટેકવીને તેઓ નિરાંતે બેઠાં. વેદાંતે ફરી પુસ્તક વાંચવાની કોશિશ કરી, પણ સૂર્યકાંત શાહની અકળ ચુપકિદીમાં ગૂંચવાઈ ગયેલો એના મનનો એક તાંતણો સતત ખલેલ પહોંચાડી રહ્યો હતો.

સૂર્યકાંત શાહ આટલા ઉદાસીન શા માટે છે? 'ધ ન્યુ યોર્ક ઓબ્ઝર્વર' જેવું વિશ્વવિખ્યાત દૈનિક પોતાની દીકરીનો વિગતવાર વિડીયો પ્રોફાઇલ કરવા ઉત્સુક છે તે વાતનું સૂર્યકાંતને જાણે કશું મહત્ત્વ જ નથી...

નેત્રા શાહ...

હજુ ત્રણ અઠવાડિયાં પહેલાં વેદાંતે ઓફ-બ્રોડવે પર નેત્રાનો 'અતિજન' નામનો વન-વુમન શો જોયો હતો. નેત્રાના અભિનયની તાકાતથી એ હલી ગયો હતો. સભાગૃહના એરકન્ડીશન્ડ અંધકારમાં મંચ પરથી તલવારની જેમ વીંઝાતો નેત્રાનો પેલો સંવાદ:

'તું ફક્ત મારો પ્રેમી જ? બસ? તેં મને પેદા કરી નથી, તારી સાથે મારો રક્તસંબંધ નથી... શું મારે તારી સાથે માત્ર એક પ્રેમી-પ્રેમિકાના સંબંધમાં જ સીમિત થઈ જવાનું છે? ના, ના, ના... ફક્ત તારી પ્રેમિકા હોવું મારા માટે પૂરતું નથી. ચાલ, તું ધાવણું બાળક બની જા. હું તને મારી છાતીએ લગાડીશ. હું તને ઉછેરીશ. મારે તને મોટો કરવો છે, મારે તારા બાળપણની એક-એક ક્ષણ માણવી છે. ચાલ, આપણે તારી એક પ્રતિકૃતિ બનાવીએ, તારો ક્લોન, જે સતત મારી સાથે રહે, જે હું કહું એમ કરે. જો, હસ્યા ન કર. કંઈક બોલને... તું બોલતો કેમ નથી?'

ભયાનક આવેગ સાથે નેત્રા મંચ પર અભિનય કરી રહી હતી અને સભાગારની બીજી હરોળમાં બેઠેલો વેદાંત સ્તબ્ધ બનીને એને તાકી રહ્યો હતો. આખું ઓડિટોરિયમ સન્ન હતું. આ શું થઈ રહ્યું છે મંચ પર? આ તે કેવી ઉર્જા... કેવી ચેતના! આખા શો દરમિયાન કેટલીય વાર નખશિખ રણઝણી ઉઠયો હતો વેદાંત. નેત્રા એવી રીતે અભિનય કરી રહી હતી જાણે કોઈ અગોચર શક્તિએ એને વશીભૂત કરી નાખી હોય. વેદાંતે દુનિયાભરની કંઈકેટલીય અભિનેત્રીઓની અદાકારી જોઈ હતી, પણ નેત્રાના અભિનયમાં કશુંક અસાધારણ હતું. કશુંક અત્યંત ધારદાર, અતિશય તીવ્ર, ચમકાવી મૂકે એવું તત્ત્વ, જેને તર્કના ચિપીયાથી પકડી શકાતું નહોતું... 

વેદાંતને તરત સમજાઈ ગયું હતું કે પોતાના સિનિયરે નેત્રાના નામની ભાર દઈને ભલામણ શા માટે કરી હતી.

'વેદાન્ત, આઇ હોપ યુ આર ઓલરેડી કન્સિડરીંગ ધિસ ઇન્ડિયન થિયેટર એક્ટ્રેસ ફોર 'થર્ટી-અન્ડર-થર્ટી' લિસ્ટ,' લન્ચ ટાઇમ દરમિયાન એ કહી રહ્યા હતા, 'ગજબ છે એ છોકરી! મેં ગયા વર્ષે લંડનમાં એના નાટકનું ઇંગ્લિશ વર્ઝન જોયું હતું. માય ગોડ... શી ઇઝ સમથિંગ એલ્સ! અને હમણાં એણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો! પાંચ દિવસમાં એક નાટકના નોન-સ્ટોપ ૪૧ શોઝ કરવા અને એ પણ ચાર જુદી જુદીભાષાઓમાં... ઇટ્સ ઇન્ક્રિડીબલ!'

વેદાંતને કહેવાનું મન થઈ ગયેલું કે સર, તમે હજુ નેત્રાને એની માતૃભાષામાં પર્ફોર્મ કરતી જોઈ નથી. મેં  'અતિજન'નું ગુજરાતી વર્ઝન જોયું છે ને હું હજુ સુધી એની અસરમાંથી બહાર આવી શક્યો નથી!

નાટક જોયું એ જ રાતે વેદાંતે સૂર્યકાંત શાહને ઇમેઇલ મોકલી દીધો હતો: ''ધ ન્યુ યોર્ક ઓબ્ઝર્વર'ની આગામી થર્ટી-અન્ડર-થર્ટી સૂચિના સંદર્ભમાં મારે નેત્રાને અને તમને બન્નેને પ્રત્યક્ષ મળવું છે. કૃપયા તમારી અનુકૂળતા જણાવશો.'

જોકે સૂર્યકાંત શાહનો જવાબ આવે તે પહેલાં જર્સી સિટીથી મિસિસ પટેલનો ફોન આવી ગયો હતો: 'વેદાંત, આવતી કાલે 'અતિજન'ની ટીમ ડિનર માટે ઘરે આવી રહી છે. નાનું ગેટ-ટુગેધર રાખ્યું છે. બહુ સિલેક્ટેડ લોકોને જ બોલાવ્યા છે. તારે ખાસ આવવાનું છે.'

'શ્યોેર!'

બીજા દિવસે મિસિસ પટેલને ત્યાં જતી વખતે રસ્તામાં વેદાંતના મનમાં સૂર્યકાંત શાહ અને નેત્રા વિશે એકઠી કરેલી રાખેલી વિગતો ઘુમરાયા કરતી હતી. નેત્રાના પિતા સૂર્યકાંત શાહ ખુદ ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ કલાકાર હતા. મુંબઈમાં એમનું ખુદનું સેન્ટરસ્ટેજ નામનું બેનર ધમધમતું હતું. 'અતિજન' આ બેનરનું સત્તરમું નાટક હતું અને આ તમામ નાટકો સ્વયં સૂર્યકાંતે ડિરેક્ટ કર્યાં હતાં. એક જમાનામાં એમનો અભિનેતા તરીકે ભારે દબદબો હતો. એક્ટર તરીકે તેઓ એટલા સફળ હતા કે એમને 'રંગભૂમિના રાજા'નું બિરુદ મળ્યું હતું. વસુંધરા નામની અભિનેત્રી સાથેનો એમનો પ્રેમસંબંધ ખાસ્સો ચર્ચાયો હતો. સૂર્યકાંત-વસુંધરાની જોડીએ કેટલાંય સુપરહિટ નાટકો આપેલાં અને આ અભિનયયાત્રા દરમિયાન જ તેઓ સહકલાકારમાંથી પતિ-પત્ની બન્યાં. જોકે વસુંધરાના અણધાર્યા અવસાન પછી સૂર્યકાંતે અભિનય કરવાનું સદંતર છોડી દીધું હતું. પોતાનું બેનર એમણે પત્નીના મૃત્યુ પછી જ શરૂ કર્યું અને ક્રમશ: પ્રોડયુસર-ડિરેક્ટર તરીકે જમાવટ કરતા ગયા. નેત્રામાં અભિનયનો વારસો બરાબર ઉતર્યો હતો. એણે છ વર્ષની ઉંમરથી મંચ પર અભિનય કરવાની શરૂઆત કરી દીધી હતી. આજે ચોવીસ વર્ષની નેત્રા નિવવાદપણે પોતાની પેઢીની શ્રેતમ અભિનેત્રી ગણાતી હતી. એની સુંદરતા અને અભિનયક્ષમતાની ખ્યાતિ એટલી ફેલાઈ હતી કે ફિલ્મી દુનિયામાંથી એને ઓફર ન મળે તો જ આશ્ચર્ય હતું. સોળ વર્ષની ઉંમરે નેત્રા અને એક બોલિવુડ સુપરસ્ટારના દીકરાને હિન્દી ફિલ્મનાં લીડ હીરો-હિરોઈન તરીકે એકસાથે લોન્ચ કરવામાં આવ્યાં હતાં. ફિલ્મ બોક્સઓફિસ પર તો સુપરહિટ થઈ જ, સમીક્ષકોએ પણ તે ખૂબ વખાણી હતી. ફિલ્મને ત્રણ નેશનલ અવોર્ડ્ઝ મળ્યા, એ વર્ષના શ્રે નવોદિત અભિનેત્રી માટેના લગભગ તમામ મહત્ત્વના અવોર્ડ્ઝ નેત્રાએ જીતી લીધા હતા. બસ, એ એની પહેલી અને છેલ્લી ફિલ્મ. નેત્રાએ પછી ક્યારેય કોઈ ફિલ્મ કે ટીવી શો ન કર્યા. એ સંપૂર્ણપણે રંગભૂમિને સમપત રહી.     

સૂર્યકાંત અને નેત્રા વિશે આટલી માહિતી તો ગૂગલ અને ઇવન ચેટ-જીપીટી પણ તરત સ્ક્રીન પર પાથરી આપતાં હતાં, પણ એવા કેટલાય સવાલો હતા, જેના જવાબ વેદાંતને મળતા નહોતા. જેમ કે, નેત્રા શા માટે સોશિયલ મીડિયા પરથી સદંતર ગાયબ રહે છે? ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર નેત્રાના કેટલાય ફેન-પેજ છે, પણ એ ખુદ કેમ લગભગ અસામાજિક કહી શકાય એટલી હદે અંતર્મુખ છે?    

જર્નલ સ્કેવર નજીક ઊભેલા ધ સેફ્રોન અપાર્ટમેન્ટ્સના બેઝમેન્ટમાં વેદાંતે ગાડી પાર્ક કરી ત્યાં સુધીમાં જર્સી સિટીના આકાશમાં રાત ઘેરાવા લાગી હતી. દસમા ફ્લોર પર મિસિસ પટેલના વિશાળ ફ્લેટ પર પાર્ટીનો માહોલ ઠીક ઠીક જામી ચૂક્યો હતો. વેદાંતને જોતાં જ મિસિસ પટેલ થનગન થનગન કરતાં એની પાસે ધસી આવ્યાં હતાં. એ સિનિયર સિટીઝન હતાં, પણ એમના વ્યક્તિત્ત્વમાં તેર વર્ષની તરૂણી જેવો મુગ્ધ તરવરાટ ઉછાળા મારતો. અમેરિકાની ટૂર પર આવતા ગુજરાતી કલાકારોની મહેમાનગતિ કરવાનો મિસિસ પટેલ અને એમના મિલિયોનેર પતિને જબરો શોખ હતો.  

'માય માય... લૂક એટ યુ!' વેદાંતને જોતાં જ મિસિસે પટેલ એને ઉમળકાભેર ભેટયાં હતાં, 'વેદાંત, તું છેને હવે નાટકો ને ફિલ્મો વિશે લખવાનું બંધ કર અને ખુદ હીરો બની જા, એક્ટિંગ શરૂ કરી દે!'

'યાહ... રાઇટ!' વેદાંત હસ્યો. મિસિસ પટેલના હાથમાં આકર્ષક ગિફ્ટરપ કરેલું એક બોક્સ થમાવીને એણે કહેલું, 'આ લો.'

'આ શું ઊંચકી લાવ્યો છે તું?'

'તમારાં ફેવરિટ - ચોકલેટ ચિપ વોલનટ કૂકીઝ!'

'લિવેઇન બેકરી?'

'યેસ! છેક હાર્લેમ ગયેલો આ લેવા... ખાસ તમારા માટે.'

'ઓ.... આરન્ટયુ અ સ્વીટહાર્ટ?' મિસિસ પટેલ ફરી વેદાંતને ભેટયાં હતાં, 'થેન્ક્સ ડિયર. આવ, હું બધા સાથે તારી ઓળખાણ કરાવું. નાઇસ પરફ્યુમ, બાય ધ વે!'

વેદાંતનો હાથ પકડીને મિસિસ પટેલ એને આકર્ષક રીતે સજાવેલી ખુલ્લી ટેરેસ-બાલ્કનીમાં લઈ ગયાં હતાં. બબ્બે-ત્રણત્રણ વ્યક્તિઓ અલગ અલગ જૂથ બનાવીને વાતો કરતા હતા. નેત્રા તો ન દેખાઈ, પણ વેદાંતની નજર ધ્યાન બાર-કાઉન્ટર પાસે અદાથી શેમ્પેઇનનો ગ્લાસ પકડીને ટટ્ટાર ઊભેલા સૂર્યકાંત શાહ પર પડી. ચળકતી સિલ્વર ફ્રેમનાં ચશ્માં, વ્યવસ્થિત ટ્રિમ કરેલી ઘટ્ટ શ્વેત-શ્યામ દાઢી, ડાર્ક બ્લુ જીન્સ, બંધ ગળાનું પ્લેઇન આસમાની ટીશર્ટ અને ગરદન ફરતે વીંટાળી રાખેલો રતુંબડો સ્કાર્ફ. આ માણસ જુવાનીમાં નાટકનો હીરો બનીને સ્ટેજ ગજાવતો હશે ત્યારે જબરો પ્રભાવશાળી લાગતો હશે... વેદાંતના મનમાં વિચાર આવી ગયો.

'સૂર્યકાંત... આમને મળો. વેદાંત શ્રોફ. અ વેરી બ્રાઇટ એન્ડ ડાયનેમિક જર્નલિસ્ટ.'

વેદાંત સસ્મિત હાથ લંબાવ્યો, 'હલ્લો સર...'

સૂર્યકાંતે વેદાંત સામે ધારીને જોયું. પછી મજબૂતીથી એનો હાથ પકડયો. 'હલો યંગમેન!'

વેદાંત કશું બોલે તે પહેલાં સૂર્યકાંતે મિસિસ પટેલ તરફ ગરદન ઘુમાવી, 'મને ખબર નહોતી કે તમે આજે મીડિયાને પણ ઇન્વાઇટ કરવાનો છો.'

'ના ના, મિડીયા-બિડીયા કંઈ નથી, વેદાંત તો મારો પાક્કો ભાઈબંધ છે. તમારા ગામનો જ છે - બોમ્બેનો. વેદાંત, બોલ, શું પીશે?'

'કંઈ પણ...'

'વેઇટ, તારા માટે મસ્ત કોકટેલ બનાવીને લાવું છું. તમે લોકો વાતો કરો. હું આવી.'

ખુલ્લી બાલ્કનીમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા આઉટડોર સોફા અને રેલિંગ પાસે મૂકેલી ત્રણેક વૂડન ચેર પર આરામથી બેઠેલા માણસો સાથે ઉતાવળે ગપસપ કરીને મિસિસ પટેલ અંદર સરકી ગયાં. વેદાંત અને સૂર્યકાંત એકલા પડયા. વેદાંતે કહ્યું, 'સર, મેં બે દિવસ પહેલાં તમારું નાટક જોયું. શું કહું? હજુ સુધી રિકવર થયો નથી અને...'

'તમે બોમ્બેના છો?' સૂર્યકાંતે એની વાત કાપી નાખી, 'બોમ્બેમાં ક્યાં રહો છો?' 

વેદાંત જોઈ રહ્યો. પછી શાલીનતાપૂર્વક કહ્યું, 'મારું ફેમિલી બોમ્બે જ છે. અંધેરી વેસ્ટમાં મારું ઘર છે. લોખંડવાલા કોમ્પલેક્સ.'

'અમેરિકા ક્યારે મૂવ થયા?'

'આ છઠ્ઠું વર્ષ ચાલે છે.'

'અને છતાંય તમે એકસન્ટ વગર હજુ સાફ ગુજરાતી બોલી શકો છો. થેન્ક ગોડ!' સૂર્યકાંતના ચહેરા પર સહેજ વ્યંગાત્મક સ્મિત આવ્યું. વેદાંતે જોયું કે સૂર્યકાંતના માત્ર હોઠ વંકાયા છે, સ્મિત આંખો સુધી તો પહોંચ્યું જ નહીં.

સૂર્યકાંતે ઉલટતપાસ ચાલુ રાખી, 'એટલે તમે જર્નલિઝમનું કંઈ ભણ્યા છો? આઇ મીન, કોઈ કોર્સ-બોર્સ...?'

'સર, મેં કોલમ્બિયા યુનિવસટીમાંથી જર્નલિઝમની ડિગ્રી લીધી છે.'  

'કોલમ્બિયા યુનિર્વસિટીનું તો બહુ મોટું નામ છે!' જાણે પ્રભાવિત થયા હોય તેમ સૂર્યકાંત બોલ્યા, 'અત્યારે શું કરો છો?'

જવાબ આપવાને બદલે વેદાંતે વોલેટમાંથી પોતાનું વિઝિટિંગ કાર્ડ કાઢીને સૂર્યકાંતના હાથમાં પકડાવી દીધું. સૂર્યકાંતે ચશ્માં ઉતારીને આંખો ઝીણી કરી મોટેથી કાર્ડનું લખાણ વાંચ્યું, ''ધ ન્યુ યોર્ક ઓબ્ઝર્વર... કલ્ચરલ એડિટર - સાઉથ એશિયા, પ્રિન્ટ સ્લેશ ડિજિટલ... સરસ! નાની ઉંમરે તમે આટલા મોટા પેપરમાં એડિટર લેવલની પોસ્ટ પર પહોચી ગયા છો.'

'થેન્ક્યુ. ઇન ફેક્ટ, કોલમ્બિયામાં કોર્સ પૂરો કર્યા પછી હું તરત 'ધ ન્યુ યોર્ક ઓબ્ઝર્વર'માં ઇન્ટર્ન તરીકે જોડાઈ ગયો હતો. છ મહિના પછી એ લોકોએ મને સ્ટાફમાં એબ્સોર્બ કરી લીધો. હું ઇન્ડિયન છું એટલે સાઉથ એશિયન કલ્ચરલ બીટ સોંપવામાં આવી ને હજુ પાંચ મહિના પહેલાં જ મને કલ્ચરલ એડિટર-સાઉથ એશિયાની પોસ્ટ પર પ્રમોટ કરવામાં આવ્યો-'     

એકાએક વાતમાંથી રસ ઉડી ગયો હોય તેમ સૂર્યકાંતે અધીરાઈથી શેમ્પેઇનનો એક ઘૂંટડો ભર્યો અને પછી બાલ્કનીમાં હાજર રહેલા લોકો પર નજર ફેરવવા લાગ્યા - સિંહાસન પર બિરાજમાન કોઈ રાજવી તુચ્છકારથી પોતાની રૈયતને નિહાળતો હોય, એમ. મિસ્ટર પટેલ નાટકના આયોજક સાથે વાતો કરતાં કરતાં ખડખડાટ હસ્યા કરતા હતા. બાર્બેક્યુ ગ્રિલ પાસેથી ચેરી ટોમેટો, મશરૂમ અને પનીરની ભૂખ ભડકાવી દે એવી ઉત્તેજક મિશ્ર સુગંધ ફેલાઈ રહી હતી. નેત્રા... નેત્રા કેમ કશેય દેખાતી નથી? આ પ્રશ્નને એક તરફ હડસેલી દઈને વેદાંત બોલી ગયો, 'સર, મને હવે ખાતરી થઈ ગઈ છે કે મારો ઓફિશિયલ ઇમેઇલ તમે હજુ સુધી વાંચ્યો નથી.'

'હં?'સૂર્યકાંતે લગભગ બેધ્યાનપણે વેદાંત તરફ જોયું. પછી કહ્યું, 'કયો ઇમેઇલ?'                                                   

'હું તમને થોડું બેકગ્રાઉન્ડ આપી દઉં, ''ધ ન્યુ યોર્ક ઓબ્ઝર્વર' દર વર્ષે થર્ટી-અન્ડર-થર્ટી નામનું લિસ્ટ બહાર પાડે છે. સાહિત્ય, કળા, સાયન્સ, ટેકનોેલોજી, બિઝનેસ, હ્યુમન રાઇટ્સ... આ બધાં ક્ષેત્રોમાં અસાધારણ કામગીરી કરી હોય એવાં ૩૦ યંગસ્ટર્સ, કે જેમની ઉંમર ૩૦ વર્ષ કરતાં ઓછી હોય, એમને અમે આખી દુનિયામાંથી પસંદ કરીએ છીએ અને...'

'...અને એ ત્રીસે-ત્રીસ વર્લ્ડફેમસ સેલિબ્રિટી બની જાય છે!' હાથમાં કોકટેલનો ગ્લાસ લઈને આવેલાં મિસિસ પટેલ વાતચીતમાં સામેલ થઈ ગયાં, 'સૂર્યકાંત, અમેરિકાન ુંમિડીયા તો સાવ ગાંડું છે, યુ નો. આ ત્રીસમાંથી જેટલા લોકલ અમેરિકન હોય એની પાછળ અહીંનું મિડીયા હાથ ધોઈને પડી જાય. એમની ન્યુઝ આઇટમો બને, એમના ઇન્ટરવ્યુઝ લેવાય ને આ બધું પછી વાઇરલ થાય. જાણે નોબલ પ્રાઇઝ મળી ગયું હોય એવી હો-હા કરી નાખે આ મિડીયાવાળા. ટૂંકમાં, 'ધ ન્યુ યોર્ક ઓબ્ઝર્વર'ના થર્ટી-અન્ડર-થર્ટીમાં નામ આવે એટલે સમજોને કે તમારી બ્રાન્ડ વેલ્યુ રાતોરાત પચાસ ગણી વધી જાય. તમારી લાઇફ બની જાય.'

'અને આ વર્ષના થર્ટી-અન્ડર-થર્ટી લિસ્ટ માટે અમે નેત્રાને કન્સિડર કરી રહ્યા છીએ, મિસ્ટર શાહ!' વેદાંત ગંભીરતાપૂર્વક બોલ્યો.

સૂર્યકાંતના ચહેરા પર એક રેખા સુધ્ધાં બદલાઈ નહીં, પણ મિસિસ પટેલની આંખો પહોળી થઈ ગઈ. બીજી જ પળે એ સૂર્યકાંતને લગભગ વળગી પડયાં, 'ઓહ માય ગોડ, સૂર્યકાંત? નેત્રા... થર્ટી-અન્ડર-થર્ટીમાં! કોન્ગ્રેચ્યુલેશન્સ!'

વેદાંતે જોયું કે સૂર્યકાંતને કશો ફરક પડયો નથી. એણે આશ્ચર્ય દબાવીને કહ્યું, 'સર, મેં આ સંદર્ભમાં જ તમને ઇમેઇલ કર્યો  હતો. નેત્રાનો ફોન નંબર કે ઇમેઇલ આઇડી મને કશેયથી મળ્યાં નહીં. એ સોશિયલ મિડીયા પર પણ નથી. મને કહેવામાં આવ્યું કે નેત્રાનું કરીઅર તમે જ હેન્ડલ કરો છો એટલે...'

'હું તમારો ઇમેઇલ વાંચી લઈશ, ઓકે?' સૂર્યકાંતમાં અચાનક રુક્ષતા આવી ગઈ.

'સર, હું અત્યારે નેત્રાને મળી શકું? એ આવી છેને પાર્ટીમાંં? અંદર છે?'

'નેત્રા હોટલ પર છે. એને પાર્ટીઓ પસંદ નથી,' સૂર્યકાંત બોલી ગયા અને પછી છટકવા માગતા હોય તેમ- 'ઇટ વોઝ નાઇસ મિટીંગ યુ, વેદાંત. મિસિસ પટેલ, હું હવે રજા લઈશ.'

મિસિસ પટેલ બઘવાઈ ગયાં, 'અરે કેમ? પાર્ટી હજુ તો-'

'થેન્ક્યુ ફોર ધ નાઇસ ઇવનિંગ. મારે જવું પડશે.'

શેમ્પેઇનનો ખાલી ગ્લાસ બાર કાઉન્ટર પર મૂકીને સૂર્યકાંત ઉતાવળે ચાલવા લાગ્યા. મિસિસ પટેલ એમની પાછળ પાછળ ખેંચાયાં.  

વેદાંત સહમી ગયો.

ઓચિંતા શું થઈ ગયું સૂર્યકાંત શાહને? કિલ્લાની ઊંચી કાળમીંઢ દીવાલ પાછળ રાજકુમારીને બાંધી રાખી હોય તેમ એ નેત્રાને કેમ છૂપાવી-છૂપાવીને રાખે છે?

નેત્રા બન્ને આંખે અંધ છે એટલે?    

(ક્રમશ:) 

Tags :