પાન ખાવાના ફાયદા .
- ઉપચાર-મંજૂષા - વિસ્મય ઠાકર
- આજના યુગના સત્યને ધ્યાનમાં રાખી માત્ર જાવંત્રિ, ઇલાયચી, લવિંગ, સૂંઠ, તજ, કપૂર, કોપરૂ અને વરિયાળી જેવા એકવીસ દ્રવ્યોને પાનમાં ઉમેરી ખાવાથી લાભ થાય છે
તા મ્બુલ એટલે પાન. હા, ભોજન પછી મુખવાસરૂપે લેવાતું નાગરવેલનું પાન. તામ્બુલ ભક્ષણ એટલે પાન ખાવાની ક્રિયા તામ્બુલ શબ્દ પાણિનિ પહેલાના કોઈ ગ્રંથમાં જોવા મળ્યો નથી. વિશ્વ આખાની વિવિધ સંસ્કૃતિઓમાં જ્યારે મુખશુધ્ધિ વિષે કોઈ સ્પષ્ટ વિભાવનાઓ ન હતી ત્યારે ચરકસંહિતા અને શુશ્રુતસંહિતામાં મુખશુધ્ધિ માટે લેવામાં આવતાં પદાર્થોનું વિગતવાર વર્ણન થયું હતું. કામસૂત્રના પ્રણેતા મુનિ વાત્સાયને પણ સોળ શૃંગારોની યાદીમાં તામ્બુલને તેરમા ક્રમે સ્થાન આપેલું છે. આજનો લેખ તેરસો પચાસમાં નૃસિંહભટ્ટ વિચરિત 'તામ્બુલકલ્પ સંગ્રહ' પર આધારીત છે.
નાગરવેલના પાનની મલબારી, ચેવલી, બનારસી, બંગલા, કલકત્તી, દેશાવરી વગેરે ઘણી જાતો છે. એમાં પાતળું, તીખાશ વગરનું અને પાકીને રંગે પીળું કે સફેદ પડેલું પાન શ્રેષ્ઠ છે. આજે મળતાં કૃત્રિમ સુગંધ એ સ્વાદયુક્ત પાન બીડા કેન્સર જેવાં રોગોને આમંત્રણ આપે છે. આજે, જ્યારે પાન ખાવાની પધ્ધતિનું જ વિકૃતિકરણ થઇ ગયું છે ત્યારે તામ્બુલ ભક્ષણની સાચી રીત સમજી એનાથી થતાં ફાયદાને જાણીએ.
પાન બીડામાં કેટલાં દ્રવ્યો ઉમેરવા ? પ્રાચીનોએ એકવીસ દ્રવ્યોને પાનમાં ઉમેરી ખાવાનું કહ્યું છે. આજના યુગના સત્યને ધ્યાનમાં રાખી માત્ર જાવંત્રિ, ઇલાયચી, લવિંગ, સૂંઠ, તજ, કપૂર, કોપરૂ અને વરિયાળી. વાચકમિત્રો, આ બધાં જ પદાર્થોના પોતાના વિશિષ્ટ ગુણ છે. જેમાં ચૂનો કેલ્શિયમથી ભરપૂર હોઈ હાડકાનું બંધારણ સારું કરનાર છે. કાથો રક્તને શુધ્ધ કરનાર હોઈ રક્ત અને ત્વચાના વિકારો દૂર કરનાર છે. કેસર અને જાયફળ પર રસપ્રદ સંશોધન મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કૉલેજના માઇક્રોબાયોલોજી વિભાગના ભટ્ટ અને આયરે કહ્યું હતું. તદનુસાર કેસર દૂધના પ્રોટીનને પચાવનાર અને હોજરીના રેનિન અને પેપ્સીન જેવાં સ્ત્રાવોને ઉત્તેજનાર છે. જાવંત્રિ એ જાયફળના બીજને વળગેલી છાલ છે. જાવંત્રિ વાયુ અને કફનો નાશ કરનાર છે. મોઢાની દુર્ગંધ દૂર કરનાર અને ખોરાકને પચાવનાર છે. ઇલાયચીમાં સિનિઑલ નામનો પદાર્થ રહેલો છે આ પદાર્થમાં મનમોહક સુગંધ તો રહેલી જ છે, સાથોસાથ એમાં મુખશુધ્ધિ, ભોજન પર રુચિ વધારવાનો, હૃદયને બળ આપવાનો ગુણ રહેલો છે.
લવિંગ ઃ લવિંગમાં યુજેનોલ તેમજ ફાયટોસ્ટેરોલ જેવા તત્ત્વ રહેલાં છે. લવિંગ આંખો માટે પરમ હિતકર છે. મોઢાની ચીકાશ અને દુર્ગંધ દૂર કરનાર છે, જઠરાગ્નિ પ્રદિપ્ત કરનાર છે અને પેટના વાયુનો નાશ કરનાર છે. સૂંઠ મળ બાંધનાર, ભૂખ ઉઘાડનાર અને બલપ્રદ છે. ચંદન પરમ શીતળ હોઈ ખોરાકના પાચન પછી વધેલા પિત્તને સમ કરનાર છે. મૂત્રદાહ મટાડનાર છે. પરસેવાની દુર્ગંધ દૂર કરનાર અને મુખને સુવાસિત કરનાર છે. તજમાં સિન્નેમીક આલ્ડીહાઈડ રહેલું છે જે અરુચિનો નાશ કરનાર, દાંતના સડાને દૂર કરનાર, ઉલટી મટાડનાર અને વાયુને દૂર કરનાર છે. કપૂર ઃ ત્રણે દોષનું શમન કરવાવાળા કપૂરમાં સ્ટીઅરોપ્ટેન્સ નામનું ઉડ્ડનશીલ તેલ રહેલું છે. જેની સુગંધ મુખને મહેકાવે છે સાથે નેત્ર માટે હિતકર અને વીર્યવૃદ્ધિ કરનાર પણ મનાયેલુ છે. કોપરું શીતળ હોઈ પિત્તનું શમન કરનાર અને મળને બાંધનાર છે. વરિયાળી ભૂખ ઉઘાડનાર અને પચન કરનાર હોઈ સમગ્ર પચનક્રિયાને સુપેરે ચલાવવામાં મદદરૂપ થાય છે.