- પ્રફુલ્લ કાનાબાર
- ''અબે ઓ બુઢીયા...ફિલ્મ મેં કામ કરેગી? ભિખારન કા રોલ હૈ....વૈસે ભી તુજે કુછ બોલને કા નહિં હૈ....બસ જૈસે રોજ ભીખ માંગતી હૈ વૈસે હી ભીખ માંગને કા હૈં.''
- રઝીયાનું વૃદ્ધ શરીર હવે ટક્કર ઝીલી શકે તેમ નહોતું. ભૂખ અને અશક્તિને કારણે તે દરીયાની રેતીમાં ફસડાઈ પડી
એ કલતાનું દર્દ આંસુનાં દર્દ કરતાં વધારે હોય છે. એવાં જ દર્દનાં બોજ નીચે જીવી રહેલી એક ગુમનામ જિંદગી એટલે રઝીયાબેગમ. બોલીવુડમાં એક જમાનામાં જેણે લોકપ્રિયતાનાં શિખરો સર કર્યા હતા. જેનાં જીવનનાં આઠ દાયકા જીવાઈ ગયાં હતાં જેમાં છેલ્લાં ચાર દાયકાથી તેનું નામ ક્રમશ: ભૂંસાતું ભૂંસાતું બિલકુલ નામશેષ થઈ ગયું હતું તેવી વીતેલા જમાનાની જાજરમાન અભિનેત્રીની એકલતા, અસહાયતા, વેદના અને નિસાસાનો સાક્ષી માત્ર સામે ઘુઘવી રહેલો સમુદ્ર જ હતો. હા, છેલ્લાં કેટલાંક વર્ષોથી આ વૃદ્ધ અભિનેત્રીને દરિયા સાથે દોસ્તી થઈ ગઈ હતી. કારણ કે દરિયો તેનાં કરતાં વધારે વૃદ્ધ હતો છતાં તેનો ઘુઘવાટ સ્હેજ પણ ઓછો થતો ન્હોતો.. જોકે રઝીયાબેગમની વૃદ્ધ આંખની પાંપણોમાં બાઝેલાં બુંદની ખારાશ દરિયાનાં પાણીની ખારાશ કરતાં વધારે હતી. રઝીયાબેગમની એક એક આહ... પીડા...આંસુ... નિસાસા... ગરીબી અને ભુખથી દરિયો પરીચિત હતો તેથી જ તે તેનાં ઉછળતાં મોજાં વડે રઝીયાને જીવન જીવવા માટેની સતત હિંમત અને પ્રેરણા આપતો હતો.
આંખોમાં ઝાંખપ આવી જવાને કારણે રઝીયા જમણો હાથ આંખ ઉપર રાખીને દુનિયાને જોવાની કોશિષ કરતી હતી. દૂર દૂર નજર પહોંચે ત્યાં સુધી બસ દરીયો જ દરીયો અને પાછળ ભરચક શહેર.. મુંબઈ શહેર જેને જીતવા માટે દરરોજ હજ્જારો યુવાનો આંખમાં સ્વપ્નો આંજીને આવે છે પરંતુ કાળક્રમે વાસ્તવિકતાનો ખ્યાલ આવતાં સમજી જાય છે કે મુંબઈ શહેર કોઈનું થયું નથી અને થશે પણ નહીં. મુંબઈનાં પાણીમાં જ એવું કાંઇક છે જેને કારણે માણસ સતત દોડતો જ રહે છે.. શ્વાસ લેવા માટે પણ તે ઊભો રહેતો નથી. જીવનનાં અંત સુધી બસ દોડયાં જ કરે છે. તેની પાસે ક્યાંથી સમય હોય કોઇનાં આંસુ કે પીડા જોવાની?
રઝીયાબેગમનાં જીવનમાં ફેલાઈ ગયેલો ખાલીપો. રાત્રિનાં અંધકારનાં સન્નાટા કરતાં પણ વધારે ભયાનક ખાલીપો. સ્મશાનમાં પ્રસરેલી શાંતિ જેવો ખાલીપો. જેને ભરવાનાં નિષ્ફળ પ્રયત્ન સાથે રઝીયાબેગમ ભૂતકાળને યાદ કરીને જીવતી લાશ બનીને જીવી રહી હતી !
કેવો ભવ્ય હતો રઝીયાબેગમનાં જીવનનો ફલેશબેક? હિન્દી ફિલ્મોની ગ્લેમરસ દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી. પ્રોડયુસરો અને ડાયરેક્ટરો સાથે ઇચ્છા-અનિચ્છાએ સેવેલા પડખાં. જેને કારણે મળેલી અઢળક ફિલ્મો. સિનિયર અભિનેતાઓ સાથેનાં લફરાં. નવાં ઉગતાં અભિનેતાઓ સાથે રોમાન્સ. રંગીન રાતો. બેહદ લોકપ્રિયતા. લાખો ફેન્સ. દરેક શહેરનાં એરપોર્ટની બહાર પબ્લિકની બેકાબુ ભીડ. પોલીસ પ્રોટેકશન. મોટાંભાગનાં ફિલ્મી મેગેઝીનોનાં કવરપેજ પર ચમકેલાં ફોટોગ્રાફસ..ફલેશ...લાઈટ્સ... બેકલાઇટ્સ...રીટેઈકસ્....એંગલ્સ..પોઝ અને નકલી સ્માઈલથી ભરેલી હતી એ જિવાઈ ગયેલી જિંદગી ! હા ત્યારે રઝીયાબેગમનો જમાનો હતો.. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની ગણના નંબર વન અભિનેત્રી તરીકે થતી હતી. લગાતાર ત્રણ વર્ષ સુધી શ્રેષ્ઠ ફિલ્મ અભિનેત્રીનો એવોર્ડ...અને તે પણ એ જમાનામાં જ્યારે એવોર્ડ ખરીદવાની પ્રથાની શરૂઆત નહોતી થઈ.
હા..ત્યારે રઝીયાબેગમનો તપતો સૂરજ હતો. દુનિયા હંમેશા ઉગતા સૂરજને ઝુકી ઝુકીને સલામ કરે છે અને જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે નજર ફેરવી લે છે. માત્ર એટલું જ નહિં પરંતુ તે વ્યક્તિને એટલે દૂર ફંગોળી દે છે જ્યાં કદાચ તેનાં નસીબમાં ડસ્ટબીન પણ નથી હોતી.
હા..આજે એ જ મશહૂર અભિનેત્રી ડસ્ટબીન વગરનાં રખડતાં કચરા જેવી જિંદગી જીવી રહી હતી. કાશ જુગાર અને સટ્ટાનાં રવાડે ચડીને જીવનની તમામ કમાણી વેડફી નાંખી ન હોત તો કેવું સારું હતું ? પૈસા હોત તો કદાચ આટલી હદે ભૂખ અને એકલતાનો સામનો ન કરવો પડયો હોત ! કેવી લાચારી ? કેવી મજબૂરી ? કોઈક તેની સાથે વાત કરે તે માટેની તડપન...પણ હાય રે નસીબ...વાત કરવાની તો બહુ દૂરની વાત....કોઈ તેની સામે જોવાં પણ તૈયાર નથી.
અચાનક દરીયામાં આવેલ મોટાં મોજાંએ રઝીયાનાં પગને ભીના કરી દીધાં. તે થોડી સંકોચાઈ. તેને લાગ્યું કે કોઈક તેને બોલાવી રહ્યું છે, તેણે પાછળ ફરીને ઊંચે જોયું તો એક યુવાન દાઢીવાળો માણસ તેને હડસેલી રહ્યો હતો.. ''ચલ એ બુઢીયા...હટ યહાંસે... યે સ્પોટ પે અભી ફિલ્મકા શૂટીંગ કરને કા હૈ.''
રઝીયા લાકડીનાં ટેકે ધીમે ધીમે ઉભી થઈ અને થોડે દૂર જઈને ઊભી રહી. તેણે નજર કરી તો શૂટીંગ માટે અલગ અલગ એન્ગલમાં કેમેરા લગાવવામાં આવી રહ્યાં હતાં. થોડી જ વારમાં મોટી વેનીટીવાન આવી પહોંચી જેમાંથી હેન્ડસમ યુવાન અભિનેતા વત્સલકપુર ઉતર્યો. બ્લેકશુટ, રેડ ટાઈ અને રેબેનના સનગ્લાસમાં તે વધારે દેખાવડો લાગી રહ્યો હતો. સીગરેટનો ઊંડો કશ લેતાં તેણે સેટ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.. ત્યાં જ પેલા દાઢીવાળા ડાયરેકટરનાં મોબાઈલમાં મેસેજ આવ્યો કે જે કેરેક્ટર આર્ટીસ્ટ અહીં ભિખારણનો રોલ કરવાની હતી તેને રસ્તામાં અકસ્માત થયો છે અને હોસ્પિટલે પહોંચાડવી પડી છે. સમગ્ર યુનિટમાં સોંપો પડી ગયો કારણ કે આજે આ છેલ્લાં જ દ્રશ્યનું શૂટિંગ બાકી હતું. માત્ર પાંચ મિનિટનો સવાલ હતો. ફિલ્મની સ્ટોરીમાં આ દ્રશ્ય એટલું બધું મહત્ત્વનું હતું કે તેને નજરઅંદાજ કરી શકાય તેમ નહોતું. વત્સલકપુરને અહીંથી તરત જ બીજા સેટ પર શુટીંગ માટે જવાનું હતું તેથી તેણે ડાયરેક્ટરને દાટી આપી.. 'દેખો મેરી યે સિગરેટ પૂરી હોને સે પહેલે કુછ ભી બંદોબસ્ત કરો...વરના પેકઅપ કર દો.'
દાઢીવાળાનું ટેન્શન વધી ગયું કારણ કે હવે છેલ્લે છેલ્લે દિવસ પડે તે પાલવે તેમ નહોતું...વળી શક્ય તેટલી વહેલી ફિલ્મ રીલીઝ કરવાની હતી.. એકાએક તેનાં મગજમાં ચમકારો થયો.. પેલી ગેસ્ટ આર્ટીસ્ટને તો આટલો જ રોલ કરવાનો હતો... તો પછી શા માટે તેની જગ્યાએ પેલી ડોશીને ન ગોઠવી શકાય ? દાઢીવાળો ડાયરેક્ટર તરત પેલી ડોશી તરફ દોડયો જેને થોડીવાર પહેલાં જ શૂટીંગનાં સ્પોટ પરથી
ભગાડી હતી.
''અબે ઓ બુઢીયા...ફિલ્મ મેં કામ કરેગી ? ભિખારન કા રોલ હૈ....વૈસે ભી તુજે કુછ બોલને કા નહિં હૈ....બસ જૈસે રોજ ભીખ માંગતી હૈ વૈસે હી ભીખ માંગને કા હૈં.'' રઝીયાએ હકારમાં માથું હલાવ્યું એટલે તરત ડાયરેક્ટરે પરત આવીને ઉત્સાહથી વત્સલકપુરને વિનંતીનાં સૂરમાં જણાવ્યું... ''સર પ્લીઝ...ઇન્તઝામ હો ગયા હૈ આપકો સિર્ફ યહાંસે સમુંદર કે પાની તક જાના હૈ ઔર રાસ્તે મેં વોહ બુઢીયા ભીખ માંગે તબ અપની સ્ટાઈલ મેં પાંચસો કા નોટ ઉસકી ઔર ફેંકના હૈ.''
''ઓ.કે.'' વત્સલકપુર બોલ્યો અને તેણે બીજી સિગરેટ સળગાવી. રઝીયાને પેલાં સ્પોટ પર ફરીથી બેસાડી દેવામાં આવી. કેમેરા સ્ટાર્ટ થઈ ગયાં.
દૂરથી વત્સલકપુરને આવતો જોઈને રઝીયાની બુઢી આંખોમાં ચમક આવી ગઈ. વાહ..બિલકુલ એ જ છટા... ચાલવાની... હસવાની.... ગોગલ્સને ડાબા હાથની પહેલી આંગળીમાં ફેરવવાની...સિગરેટ પીવાની...બિલકુલ તેનાં દાદા રવિકપુર જેવી જ અદા...
હા..રઝીયા બેગમે એક જમાનામાં રવિકપુર સાથે દસેક હીટ ફિલ્મો આપી હતી. રઝીયાબેગમનો રવિકપુર પ્રત્યેનો એકતરફી પ્રેમ એ જમાનામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય હતો. રઝીયા પાગલ હતી રવિકુમાર પાછળ...પરંતુ રવિકપુરે એક ભ્રમર ફૂલને ચૂસીને જે રીતે ફેંકી દે તે રીતે રઝીયાને તરછોડી દીધી હતી... કારણ ? કારણ કે તે એક વફાદાર પતિ હતો ! તેની પત્ની અને બાળકોને છોડવા નહોતો માંગતો તથા રઝીયાને રખાત તરીકે રાખીને પણ પોતાની પત્નીને દુ:ખી કરવા નહોતો માંગતો. વત્સલકપુર નજીક આવ્યો એટલે રઝીયાએ તેનાં બંને હાથો વડે એવો સચોટ અને અદ્ભૂત અભિનય કર્યો કે તેની ભીખ માંગવાની સ્ટાઈલ જોઈને સાચો ભિખારી પણ શરમાઈ જાય. હા...વાસ્તવમાં રઝીયાનાં અભિનયમાં તેની ભૂખ, લાચારી અને વેદના ભળી ગઈ હતી.
વત્સલકપુરે રઝીયા તરફ પોતાની આગવી સ્ટાઈલમાં ડાયરેક્ટરે આપેલી પાંચસોની નોટ ફેંકી અને બીજી દિશામાં સિગરેટ...
''કટ.. કટ.. કટ...'' ડાયરેક્ટરનો અવાજ..તાળીઓનો ગડગડાટ...એક જ ટેઇકમાં શોટ ઓ.કે. થઈ ગયો.
વત્સલકપુર ત્વરિત ગતિએ તેની વેનીટી વાનમાં બેસીને રવાના થઈ ગયો. સમગ્ર યુનિટ કેમેરા ઉપાડવામાં લાગી ગયું. રઝીયાનાં ચહેરાં પર ઘણાં વર્ષો પછી સંતોષની લહેર ફરી વળી....આ લહેર ઉત્તમ અભિનય કરી શકી તેની હતી કે પછી ઘણાં વર્ષે તેનાં હાથમાં આવેલી પાંચસોની નોટની હતી ? હાશ...હવે પેટ ભરીને જમી શકાશે....ઘણાં ટંક સુધી....છેલ્લે ક્યારે પેટ ભરીને ખાધું હતું તે પણ તેને યાદ નહોતું.
ભૂખની પીડા માણસની માત્ર યાદશક્તિ જ નહિં પરંતુ તમામ શક્તિઓને ક્ષીણ કરી નાંખતી હોય છે...રઝીયા પાંચસોની નોટ નીરખી રહી હતી ત્યાં જ પેલો દાઢીવાળો ડાયરેક્ટર આવી પહોંચ્યો. તેણે રઝીયાનાં હાથમાંથી પાંચસોની નોટ છીનવી લીધી....''અબે ઓ બુઢીયા, યે તો શૂટીંગ થા ઇસલીયે ઇતની બડી નોટ તુજે ભીખ મેં દે દી થી...અસલી જિંદગી મેં કોઈ ઇતની બડી ભીખ દેતા હૈ ભલા ? લે, યે સો કા નોટ ઔર ફૂટ
યહાં સે...''
રઝીયા ગુસ્સાથી ધુ્રજવા લાગી....''અબે ઓ નૌટંકી, તુ મુજે શિખલાયેગા કી ફિલ્મકા શૂટીંગ ઔર અસલી જિંદગી મેં ક્યા ફર્ક હૈ ? તુ મુજે ભિખારી
સમઝતા હૈ?''
આટલું બોલતાં બોલતાં તો રઝીયાને શ્વાસ ચઢી ગયો. તેણે તેનાં શરીરમાં હતી તેટલી તમામ શક્તિઓ ભેગી કરીને પેલાનાં હાથમાં રહેલી પાંચસોની નોટ ઉપર તરાપ મારી...''મેરી મહેનત કે પૈસે મુઝે દે દે...''
પાંચસોની નોટ થોડી ફાટી ગઈ એટલે હવે પેલાં ડાયરેક્ટરે મગજ ગુમાવ્યું તેણે જોરથી રઝીયાને ધક્કો માર્યો અને સો ની નોટ પણ પાછી છીનવી લઇને બોલ્યો...''સાલી, દાદાગીરી કરતી હૈ ? અબ તો કુછ નહિં મિલેગા, ચલ ભાગ
યહાં સે...''
રઝીયાનું વૃદ્ધ શરીર હવે ટક્કર ઝીલી શકે તેમ નહોતું. ભૂખ અને અશક્તિને કારણે તે દરીયાની રેતીમાં ફસડાઈ પડી. પૈસા માટેની લાચારી તેની આંખોમાં વેદના બનીને ડોકાઈ રહી હતી. તેણે પડયાં પડયાં જ સામે ઘુઘવી રહેલાં સમુદ્ર તરફ જોયું.. અરે દરીયો કેમ શાંત લાગી રહ્યો છે ? હા...દરીયો પણ નિસહાય બનીને જાણે કે રડી રહ્યો હતો...સૂર્યાસ્ત થઈ રહ્યો હતો....સાથે સાથે રઝીયાનાં જીવનનો પણ અંત આવી રહ્યો હતો. રઝીયાએ છેલ્લાં શ્વાસ લીધાં અને તેની જીવનલીલા ને આટોપી ત્યારે શૂટીંગનો સેટ પણ સંપૂર્ણપણે આટોપાઈ ગયો હતો. સમગ્ર સ્ટાફ દોડતો દોડતો જઈ રહ્યો હતો.. હા...આ એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હતી જ્યાં સૂર્યાસ્ત જોવાની કોઈને આદત નહોતી.
***
ચોવીસ કલાક પછી દેશભરની ચેનલોમાં બ્રેકીંગ ન્યૂઝ બ્રોડકાસ્ટ થઇ રહ્યાં હતાં. જુહુ બીચ પર મળેલ એક લાવારીસ લાશ અને તેની સાથે મળી આવેલી એક ફાટેલી થેલી..જેમાં ત્રણ એવોર્ડસ્.. જૂના છાપાનાં કટીંગ તથા રઝીયાબેગમની યુવાનીનાં ફોટોગ્રાફસ...જેનાં પરથી પોલીસે તે મૃતદેહ વીતેલા જમાનાની મશહૂર અભિનેત્રી રઝીયાબેગમનો હોવાનું જાહેર કર્યું હતું. હા...એક સમયની ખ્યાતનામ અને લોકપ્રિય જિંદગી ગુમનામીની ચાદર ઓઢીને જન્નતનશીન થઈ ગઈ હતી.
થોડીવાર પછી ચેનલ પર આંખમાં મગરનાં આંસુ સાથે રડમસ અવાજે દાઢીવાળો ડાયરેક્ટર અમઝદ હુસૈન હેન્ડસમ અભિનેતા વત્સલકપુર સાથે પત્રકારને ઇન્ટરવ્યુ આપી રહ્યો હતો. ''યે મેરા સૌભાગ્ય હૈ કી મેરી આનેવાલી ફિલ્મ ''સબસે બડા એવોર્ડ'' મેં મરહુમ રઝીયાબેગમને છોટાસા કિરદાર નિભાયા હૈ. મુઝે ઉમ્મીદ હૈ કી પૂરે દેશ કી જનતા મેરી યે ફિલ્મ દેખકર ઉસ મહાન કલાકાર કો શ્રદ્ધાંજલી દેગી...ઇસસે બડા એવોર્ડ રઝીયાબેગમ કે લિયે ઔર ક્યાં હો શકતા હૈ ?''


