પૃથ્વીની સ્પીડ વધતાં 2025ના ત્રણ દિવસો વહેલા પૂરાં થશે!
- ખગોળશાસ્ત્રની પ્રયોગશાળાઓમાં સેકન્ડોનો તફાવત નોંધાશે : દુનિયાનો સમય મેચ કરતી સંસ્થાઓ મિલિસેકન્ડના તફાવતને નેગેટિવ લીપ સેકન્ડ ઉમેરીને એડજસ્ટ કરશે
કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર 21 કલાકનો દિવસ હતો
પૃથ્વીને લગતાં સંશોધનો સતત થતાં રહે છે. એમાં આશ્વર્ય થાય એવા ખુલાસા પણ થાય છે. એવો જ ખુલાસો આ વર્ષે થયેલા એક સંશોધનમાં થયો હતો. ૬૦ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર એક દિવસ ૨૧ કલાકનો હતો. તે વખતે પૃથ્વી ઝડપથી ધરી પર ફરી જતી હતી. નેચર જિયોસાયન્સ જર્નલના અહેવાલમાં કહેવાયું હતું કે ૧૦૦ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર એક દિવસ ૧૯ કલાકનો જ હતો. સમયાંતરે પૃથ્વીની ધરી પર ફરવાની ઝડપ ઘટે છે એટલે સરેરાશ એક સૈકામાં ૧.૮ મિલિ સેકન્ડ દિવસની લંબાઈ વધે છે. સેંકડો વર્ષો પહેલાં પૃથ્વીના મેગ્નેટિક ફીલ્ડમાં પરિવર્તન આવ્યું હશે, અથવા તો ભૂકંપ જેવી કોઈ મોટી કુદરતી આફત સર્જાઈ હશે, કે પછી લઘુગ્રહની ટક્કર થઈ હશે. તે કારણે પૃથ્વીની સ્પીડ ઘટી હોવી જોઈએ એટલે ૨૧ને બદલે ૨૪ કલાકનો દિવસ થયો. પૃથ્વી હવે ૨૩ કલાક, ૫૬ મિનિટ અને ચાર સેકન્ડમાં એક વર્તુળ પૂરું કરે છે. આગામી સૈકાઓમાં પૃથ્વી પર એક દિવસ ૨૫ કલાકનો થઈ જાય એવીય શક્યતા સાયન્ટિસ્ટ વ્યક્ત કરી રહ્યા છે. ટૂંકાગાળે - ૧૦૦-૨૦૦ કે ૫૦૦-૧૦૦૦ વર્ષે મોટું પરિવર્તન જોવા મળતું નથી એટલે તુરંત એની ખબર પડતી નથી. માનવજાતના ૫-૧૦ હજારના ઈતિહાસમાં પણ એવી કોઈ નોંધ થતી નથી, પરંતુ લાંબાંગાળે એ પરિવર્તન થાય છે. સાયન્સની મદદથી હવે એનું તારણ કાઢી શકાય છે
21 જૂન - લાંબાં દિવસ પાછળનું ગણિત
પૃથ્વી પર દરરોજ દિવસની લંબાઈ એક સરખી હોતી નથી. અમુક દિવસ સૂર્યોદય વહેલો નોંધાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય પણ નોંધાતા હોય છે. ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયનું ખૂબ મહત્ત્વ છે. વર્ષમાં અમુક દિવસ એવા છે જે સરેરાશ કરતાં લાંબાં છે. ૨૧ જૂન એવો જ દિવસ છે. એ દિવસે હવે તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે પરંતુ તે પહેલાં આ દિવસ સૌથી લાંબાં દિવસ તરીકે સંશોધકોમાં જાણીતો હતો. પૃથ્વી એની ધરી પર સીધી ઘૂમતી નથી. વળી, પૃથ્વી સંપૂર્ણ ગોળ પણ નથી. પૃથ્વી એની ધરીથી ૨૩.૫ ડિગ્રી જમીને ફરે છે. સૂર્ય પણ પૃથ્વી તરફ ૭.૨૫ ડિગ્રી નમે છે. પરિણામે સૂર્યનું ચક્કર લગાવે એમાંય એ ફેરફાર દર્જ થાય છે. સૂર્યના કિરણો પૃથ્વી પર અમુક સ્થળોએ, વર્ષના અમુક દિવસોમાં સીધા પડે છે ને અમુક દિવસોમાં ત્રાંસા પડે છે. ૨૧મી જૂને પૃથ્વી સૂર્ય તરફ ઉત્તર ગોળાર્થ પર નમેલી રહે છે એટલે સૂર્યનો પ્રકાશ એ દિવસે પૃથ્વીના માનવ વસાહત ધરાવતા વિસ્તારોમાં વધારે દેખાય છે. દિવસ લાંબો એનો અર્થ એમ સમજવાનો છે કે સૂર્યાસ્ત મોડો. એ દિવસે સૂર્ય થોડી પળો માટે વધારે દૃશ્યમાન રહે છે. ૨૧મી જૂન પછી છેક ૨૧મી સપ્ટેમ્બર સુધી દિવસ-રાત એક સરખા સમયની થઈ જાય છે. ૨૩મી સપ્ટેમ્બર પછી પૃથ્વીની સ્થિતિમાં ફરીથી પરિવર્તન આવે છે એટલે સૂર્યોદય વહેલો થવા માંડે છે.
પૃથ્વી સ્થિર થઈ જાય તો શું થાય?
બીજા કોઈ ગ્રહોમાં નહીં ને પૃથ્વી પર જ સજીવસૃષ્ટિ કેમ વિકસી? એની એકથી વધુ થિયરી છે. સૌથી પહેલું તો પૃથ્વીનું લોકેશન. પૃથ્વી સૂર્યના હેબિટેબલ ઝોનમાં આવતો એકમાત્ર ગ્રહ છે. એ સિવાયના ગ્રહો કાં તો સૂર્યની બહુ નજીક છે એટલે પાણીનું બાષ્મિભવન થઈ જાય છે, અથવા તો બહુ દૂર છે એટલે ગ્રહો બર્ફિલા રહે છે. પૃથ્વીમાં ઠંડી-ગરમીની સમતુલા રહે છે એટલે જીવન વિકસવાની શક્યતા છે. તે ઉપરાંત પૃથ્વી ધરી પર યોગ્ય સ્પીડથી ફરે છે એટલે સૂર્યપ્રકાશ બધે પહોંચે છે. વળી, પૃથ્વી સૂર્યનું સમાંતર ચક્કર લગાવે છે તેથી ઋતુ પરિવર્તન થાય છે. હવે ધારી લઈએ કે પૃથ્વી કોઈ એક દિવસે ફરવાનું બંધ કરી દે તો શું થાય? પહેલું તો પૃથ્વી પર દિવસ-રાતની સિસ્ટમ જ રહે નહીં. જે ભાગમાં સૂર્યપ્રકાશ આવે ત્યાં કાયમ દિવસ રહે, જ્યાં સૂર્યપ્રકાશ ન પહોંચે ત્યાં સદાય કાજળઘેરી રાત રહે. પૃથ્વી ફરવાનું બંધ કરે તો વાતાવરણમાં એની અસર થાય. અત્યારે પૃથ્વીની સાથે વાતાવરણ પણ ચક્કર મારતું રહે છે. પૃથ્વી ન ફરે, પરંતુ વાતાવરણની એ પ્રક્રિયા ચાલતી રહે તો જમીનમાં જે બરાબર રીતે જોડાયેલી નથી એ તમામ ચીજવસ્તુઓ હવામાં ઘૂમરાવા લાગશે, સંભવત: સજીવસૃષ્ટિ પણ. પરિણામે ભયાવહ પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલું જ નહીં, ભૂમધ્ય રેખા પર અપાર દબાણ સર્જાય. એટલે દરિયાના મોજાં ઊંચા ઉછળે ને પૃથ્વીના બંને ધુ્રવ સુધી ફરી વળે. ટૂંકમાં પૃથ્વીમાં ક્યારેય જોવા મળે એવા સુનામીથી આખી વનસ્પતિ અને સજીવસૃષ્ટિનો વિનાશ થઈ જાય.
2025માં ખાસ દિવસે સ્પીડ વધશે
સંશોધકો કહે છે કે ચંદ્રની થોડી બદલાયેલી સ્થિતિના કારણે પૃથ્વીની ઝડપ અમુક મિલિ સેકન્ડ વધશે. ૯મી જુલાઈ, ૨૨મી જુલાઈ અને ૫મી ઓગસ્ટનો દિવસ અમુક સેકન્ડ ટૂંકો રહેશે. રોજિંદા જીવનમાં એનો સ્પષ્ટ ફરક દેખાશે નહીં, પરંતુ ખગોળશાસ્ત્રની પ્રયોગશાળાઓમાં ૧.૩૦ અને ૧.૫૧ મિલિ સેકન્ડનો ફરક વર્તાશે. દુનિયાની ઘડિયાળો મેચ કરતી સંસ્થાઓ આ મિલિસેકન્ડના તફાવતને નેગેટિવ લીપ સેકન્ડ ઉમેરીને એડજસ્ટ કરશે. વૈશ્વિક ટાઈમની જવાબદારી સંભાળતી એજન્સી ઈન્ટરનેશનલ અર્થ રોટેશન એન્ડ રેફરન્સ સિસ્ટમ સર્વિસ આ ઝડપ નોંધીને સમયમાં ફેરફાર કરશે.
ત્રણ દિવસોમાંથી 9મી જુલાઈનો એક દિવસ પૂરો થઈ ચૂક્યો છે, 22મી જુલાઈ અને 5મી ઓગસ્ટે અમુક 1.30 મિલિ સેકન્ડ વહેલો સૂર્ય આથમી જશે
પૃથ્વીની સ્પીડ
પૃથ્વી બે રીતે ફરે છે - એક, તેની ધરી પર ગોળાકાર ફરે છે. બીજું, સૂર્યની આસપાસ ફરે છે.પૃથ્વી એની ધરી પર ૧૬૭૦ કિ.મી પ્રતિકલાકની ઝડપે ફરે છે, પરંતુ આપણને એ ઝડપનો અહેસાસ થતો નથી. કારણ કે આપણે-પૃથ્વીવાસીઓ પણ પૃથ્વીની એ જ ઝડપે ફરી રહ્યા હોવાથી એ સ્પીડનો અનુભવ થતો નથી. વળી, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ આપણને પૃથ્વીની સપાટી પર ખેંચી રાખે છે એટલે આપણે ફંગોળાતા નથી. પૃથ્વીને સૂર્યનું ગોળ ચક્કર ઘૂમતા ૩૬૫.૨૫ દિવસનો સમય લાગે છે. એ વખતે પૃથ્વીની ઝડપ ૩૦ કિ.મી પ્રતિ સેકન્ડ હોય છે. પૃથ્વીને સૂર્યનું ચક્કર લગાવતા ૩૬૫ દિવસ લાગતા હોવાથી આપણું સૂર્યવર્ષ ૩૬૫ દિવસનું હોય છે. ૦.૨૫ એટલે લગભગ છ કલાક - આ સમયગાળો સેટ કરવા માટે જ ચાર વર્ષે એક વખત ફેબુ્રઆરીમાં લીપ યર આવે છે. ચાર વર્ષે એક દિવસ ઉમેરીને આ ફેરફાર એડજસ્ટ કરવામાં આવે છે. ચંદ્રવર્ષની ગણતરી ૩૬૦ દિવસની હોય છે. એમાં એક આખો અધિકમાસ ઉમેરવો પડે છે.
સૂર્ય અને પૃથ્વીની પ્રાચીન માન્યતાનું ખંડન
છેક ૧૫મી સદી સુધી માનવી એમ જ માનતો હતો કે પૃથ્વીની આસપાસ સૂર્ય ફરી રહ્યો છે. પૃથ્વીની આસપાસ સૂર્ય ચક્કર લગાવે છે એવી પ્રાચીનકથાઓ મોટાભાગના ધર્મોમાં મળે છે. ૧૬મી સદીમાં પહેલી વખત યુરોપિયન ખગોળવિદ્ નિકોલસ કોપરનિક્સે દાવો કર્યો કે બ્રહ્માંડ પૃથ્વી કેન્દ્રિત નથી, પરંતુ સૂર્ય કેન્દ્રિત છે. ઈટાલીના ખગોળવિદ્ ગેલિલિયોએ પહેલી વખત દાવો કર્યો કે પૃથ્વી સૂર્યનું ચક્કર લગાવે છે. તે વખતના ચર્ચના વડાઓએ એને ધર્મનું અપમાન ગણાવ્યું હતું. ગેલિલિયોને એ માટે નજરકેદ કરાયા પછી એમાં જ શંકાસ્પદ રીતે એનું મોત થયું હતું. એ પછી ન્યૂટને આ સિદ્ધાંતનું સમર્થન કર્યું હતું.