અનિલ મુનીમ : ગુજરાતના સૌ પ્રથમ ફાઇટર પાયલટ
- આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એક એક ક્ષણ મૂલ્યવાન હતી.
- ગુજરાતના સૌપ્રથમ ફાઈટર પાયલટ અનિલ મુનીમે જીવની આહુતિ આપીને ૨૫મી માર્ચ ૧૯૫૯ના દિવસે હિંમતભર્યો નિર્ણય ન કર્યો હોત તો કાનપુર શહેર તારાજ થઈ ગયું હોત...
- આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એક એક ક્ષણ મૂલ્યવાન હતી. ચંદ સેકન્ડનો ખેલ હતો. જીવ સટોસટની હોડ જામી હતી અને...
- પેરિસમાં રફાલ ઉડાડવાની તાલીમ લઈને આવેલા ભારતીય પાયલટ રફાલ લડાકુ વિમાનને ભારત લઈ આવ્યા છે. આ લડાકુ વિમાનોની ચર્ચા વચ્ચે અહીં એવા ગુજરાતી ફાઈટર પાયલટને યાદ કરીએ. જેમણે પેરિસમાં જ તાલીમ લઈને ભારતનું નામ રોશન કર્યું હતું.
વિખ્યાત ગુજરાતી લેખક ચન્દ્રકાન્ત બક્ષી અને અનિલ મુનીમ સંબંધી થતા હતા.
આ પરાક્રમી ગુજરાતી પાયલટ ચન્દ્રકાન્ત બક્ષીના સાળા થતા હતા. ચન્દ્રકાન્ત બક્ષીનાં પત્ની બકુલાબેન અને અનિલભાઈ કઝીન્સ થતાં હતાં.
અનિલ મુનીમને ગુજરાતના પ્રથમ ફાઈટર પાયલટ તરીકેનો આદર મળે છે. ભારત સરકારે તેમની કુશળતા જોઈને તેમને તાલીમ માટે પેરિસ મોકલ્યા હતા
ગુજરાતીઓને કાયમ એક મહેણું મારવામાં આવે છે કે યુદ્ધ અને શસ્ત્રોમાં ગુજરાતીઓને શું ખબર પડે? એ તો વેપારી પ્રજા, એમને તો શહીદી વહોરતા ના આવડે. એમને તો વેપાર કરતા આવડે! પરંતુ છ દશકા પહેલાં આ મહેણું ભાંગ્યુ હતું એક જાંબાઝ ગુજરાતી યોદ્ધાએ. કમનસીબે ગુજરાત એમને ભૂલી ગયું છે.
અનિલ વૈકુંઠલાલ મુનીમ તેમનું નામ. ૧૦ માર્ચ ૧૯૩૦ના રોજ શ્રીસુરતી દશા પોરવાડના જ્ઞાાતીજન. ઉછેર મુંબઇમાં વાલ્કેશ્વર મુકામે થયો હતો. અનિલ મુનિમ સૌ પ્રથમ ગુજરાતી ફાઈટર પાયલટ હતા અને ફ્લાઇટ લેફ્ટનન્ટ તરીકે ફરજ બજાવતા હતા. ફરજ બજાવતી વખતે બહાદુરીપૂર્વક તેમણે પોતાના પ્રાણની આહુતિ આપી હતી.
અનિલ વૈકુંઠલાલ મુનીમ વાયુ સેનાના અત્યંત કુશળ અને તેજસ્વી પાયલટ હતા. મિરાજ અને ય્શછ્ જેવાં ફાઇટર જેટના પાયલટ તરીકેની તાલીમ લેવા વાયુસેનાના પાયલટને મોકલવાના હતા, ત્યારે ભારત સરકારે તેજસ્વી અને પરાક્રમી ગુજરાતી યુવાન અનિલ મુનીમ પર પસંદગી ઉતારી હતી. તેમને પેરિસ ટ્રેનીંગ લેવા માટે બોલાવ્યા હતા. ત્યાં તેઓ થીયરી અને પ્રેક્ટીકલ એવી બંને કસોટીઓમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા. ભારત પાછા ફર્યા બાદ તેમના કૌશલ્યને ધ્યાનમાં લઇને તેમને અવારનવાર ફાઇટર પ્લેનના ટેસ્ટિંગનું કામ સોંપવામાં આવતું.
૨૫મી માર્ચ ૧૯૫૯નો એ દિવસ હતો, તેમનું પોસ્ટિંગ એ વખતે કાનપુર ખાતે હતું. એ દિવસે તેઓ કાનપુરના એરફોર્સ ટ્રેનિંગ મથકે પોતાની ફરજ અદા કરવા તૈયાર થઇ રહ્યા હતા, ત્યાં જ અચાનક એરસ્ટ્રીપ પર ઊભેલા એક ફાઇટર પ્લેનમાં કંઈક ટેકનિકલ ગરબડ થઈ હોવાથી આગ લાગી. બાજુમાં જ શસ્ત્રોની મોટી ફેકટરી હતી. જેમાં મોટા જથ્થામાં શસ્ત્ર સરંજામ અને દારૂગોળો પડયો હતો. જો પ્લેનની આગ એ ફેકટરી સુધી પહોંચે તો સમગ્ર કાનપુર શહેર તારાજ થઇ જાય.
વિમાનની આગ ક્ષણે ક્ષણે ફેલાતી જતી હતી. વધુ વાર કરવી પરવડે તેમ ન હતી. ઉપરી આદેશની રાહ જોવાય એટલો ય સમય બચ્યો ન હતો. પળનો ય વિલંબ કર્યા વિના સળગતા પ્લેનને ઉડાડીને માનવ વસ્તી ન હોય એવાં સ્થળે લેન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. અનિલ મુનિમ પ્લેન લઇને ઉડયા. એરપોર્ટ ટ્રાફિક કંટ્રોલ સાથેની વાતચીતમાં તેમણે ઈરાદો સ્પષ્ટ કર્યો કે જાનના જોખમે પણ પ્લેનને માનવ વસ્તીથી દૂર લઇ જઈશ.
પરંતુ આગ સતત વધતી જતી હતી. આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એક એક ક્ષણ મૂલ્યવાન હતી. ચંદ સેકન્ડનો ખેલ હતો. જીવ સટોસટની હોડ જામી હતી. પહેલાં લેન્ડિંગ થશે કે પહેલાં વિમાન તૂટી પડશે એવી અટકળો વચ્ચે તેમણે પોતાની જીવની પરવા કર્યા વગર વિમાનને માનવ વસાહતથી દૂર પહોંચાડી દીધું. કમનસીબે તેઓ લેન્ડિંગ કરે તે પહેલાં જ વિમાન આગની જ્વાળામાં ભયંકર રીતે સપડાઈ ગયું હતું. લેન્ડિંગની ઘડીઓ ગણાતી હતી એ પહેલાં જ વિમાન તૂટી પડયું. પ્લેનના કાટમાળમાંથી તેમના શરીરનો એકેય અંશ ન મળ્યો.
કાનપુર ખાતે જ્યારે તેમના કોફીનને લાવવામાં આવ્યું ત્યારે સ્વજનોએ કોફીન ખોલીને અંતિમ દર્શનની વિનંતી કરી. એ વખતે ભીંના અવાજે તેમના સાથી અધિકારીઓએ કહ્યું કે કોફિનમાં કશું જ નથી. પ્રાણની આહુતિ આપીને કાનપુર શહેર અને શહેરવાસીઓને બચાવી લેનાર આ વીર ગુજરાતી ફાઈટર પાયલટને ૨૧ તોપની સલામી સાથે, સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી.
સોહામણો ચહેરો, ૬ ફુટ ૨ ઇંચ ઉંચાઇ ધરાવતા અનિલ મુનીમ કુટુંબ પ્રેમી વ્યક્તિ હતા.૨૯ વર્ષની ભરયુવાનીમાં તેમનું નિધન થયું ત્યારે મોટી દીકરી લીરા ૨ વર્ષનાં અને નાની દીકરી લોપા કેવળ ૯ મહિનાનાં હતાં.