- કેટલાંક પક્ષીઓના શરીરમાં મેગ્નેટ સેન્સીંગ કણો હોય છે જે દ્વારા તે ચોક્કસ લાઇનમાં ઊડતા રહે છે. તેમની આંખમાં પ્રકાશને પારખતાં પ્રોટીન હોય છે
૧૫ ગ્રામનું 'ધ લિટલ સ્ટીન્ટ' પક્ષી આર્કટિકના બરફીલા પ્રદેશથી ઊડી ઓડિશાના ચિલ્કા સરોવર પર આવી જાય છે. કમ્પાસ વિનાનું આ પ્રકારનું ઉડ્ડયન કુદરતની અદ્ભૂત ટેકનોલોજી આધારિત છે... !!
તમને જાણીને આશ્ચર્ય થશે કે દર વર્ષે શિયાળામાં પક્ષીઓ નજીકનાં તળાવમાં આવી જાય છે. આ પક્ષીઓ કમ્પાસ વિના હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી ચોક્કસ સ્થળે આવી જાય છે. અહીં તે ખોરાક મેળવે છે અને કુટુંબને ઉછેરે છે. ઠેર ઠેર માળા બાંધી નાના નાના બચ્ચાં જન્માવે છે. તેમને થોડા મોટાં કરી ફરી ઉલ્ટો પ્રવાસ શરૂ કરે છે.
એક નાનકડું પક્ષી પણ જબરજસ્ત ઉડાન ભરે છે. સૌથી નાના માઇગ્રેટરી બર્ડ 'ધ લિટલ સ્ટીન્ટ'ની વાત જાણો. ૧૫ ગ્રામનું આ પક્ષી છેક આર્કટિકના બરફીલા પ્રદેશથી ઊડીને ચિલ્કા સરોવર (ઓડિશા)માં આવી જાય છે...! આ તાકાત અને નેવિગેશન ખરેખર આશ્ચર્યજનક છે.
ફલેમિંગોનાં ગુલાબી ટોળાં તમે જોયા હશે. તેમાનાં કેટલાંક આસપાસ ઊડતા રહે છે તો કેટલાંક લાંબો પ્રવાસ કરે છે. ભારતમાં ગ્રેટર ફલેમિંગો સ્થળાંતર કરીને કચ્છના રણમાં ઉતરે છે. તેઓ ઈરાન, પાકિસ્તાનથી અહીં માળા બનાવવા આવે છે. પક્ષીઓ બિચારા દર વર્ષે આટલું બધું શા માટે ઊડતા હશે? ઠંડીને લીધે તેમનો ખોરાક ઘટે છે. અસ્તિત્વ જોખમમાં મૂકાય છે એટલે તેઓ થોડા મહિના માટે લાંબા પ્રવાસ ખેડે છે. ઉડ્ડયન માટે તેઓ સૂર્ય-તારાઓની દિશા જુએ છે. પર્વત, નદીની ગંધ પારખે છે. કેટલાંક નદી, પર્વત, શહેરોને ઓળખે છે. મોટેભાગે પૃથ્વીના ચૂંબકીય ક્ષેત્રની મદદ લઈ તેઓ લાંબુ અંતર કાપે છે.
ઘણાં લોકોને આશ્ચર્ય થશે કે આટલે ઊંચે ઊડતા પક્ષીઓને પૃથ્વી પરનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મદદ કરતું હશે? હવે જુઓ કેટલાંક પક્ષીઓના શરીરમાં મેગ્નેટ સેન્સીંગ કણો હોય છે જે દ્વારા તે ચોક્કસ લાઇનમાં ઊડતા રહે છે. નિષ્ણાતોના મતે તેમની આંખમાં પ્રકાશને પારખતાં પ્રોટીન હોય છે. આ પદાર્થો આંતરિક કમ્પાસનું કાર્ય કરે છે અને દિશાઓનું માર્ગદર્શન આપે છે (દક્ષિણ-ઉત્તર).
ભારતમાં પાયાવર પક્ષીઓ અથવા માઇગ્રેટરી બર્ડસ જોવા માટે રાજસ્થાનનો ભરતપુર નેશનલ પાર્ક જાણીતો છે. દરેક શિયાળામાં છેક સાઇબેરિયાથી હજારો પક્ષીઓ અહીં આવી પહોંચે છે. નાગપુર અને બિહારમાં પણ સાઇબેરિઅન ક્રેન્સ મોટી સંખ્યામાં જોવા મળે છે.
આઈસલેન્ડમાં વસતાં આર્કટિક ટર્ન નામનાં પક્ષીઓ દર વર્ષે ૭૦,૦૦૦ કિમીનો પ્રવાસ આર્કટિક પ્રદેશમાંથી એન્ટાર્લટિકના કિનારા પર કરે છે. આ જબરજસ્ત મહેનત પોતાના કુટુંબને ઉછેરવા માટે અને આહાર માટે કરે છે.
વિશ્વમાં ૧૮૦૦થી વધુ પક્ષીઓની જાતિ આવા લાંબા અંતરના પ્રવાસો કરે છે, વિશ્વમાં પક્ષીઓને ઊડવા માટેના આઠ માર્ગો (ફલાય વે) છે. આ માહિતી માટે સંશોધકો પક્ષીઓને પકડીને જાત જાતની રંગીન રિંગ પહેરાવે છે જેના પર ખાસ નંબર હોય છે.
હવે પક્ષીઓને ટ્રાન્સમીટરથી ટેગ કરવામાં આવે છે. જીપીએસ તેમના ઉડ્ડયન માર્ગને નોંધે છે. તેઓ ક્યાં ઉતરે છે, શું ખાય છે વગેરે બાબતો નોંધવામાં આવે છે. વળી રસ્તામાં ક્યાં થોભે છે અને શું ખાય છે તેની નોંધ પણ લેવાય છે.
દિવસે દિવસે હવામાન બદલાય છે અને પક્ષીઓ તેને સહન કરી શકતા નથી. કેટલાંક ભૂખે મરે છે તો કેટલાંક પ્રવાસમાં જ ખલાસ થઈ જાય છે. તળાવો, નદીઓ સુકાતા તેમણે અન્ય સ્થળો શોધવા પડે છે. સુંદર પક્ષીઓના આ સંઘર્ષમય જીવન વિશે આપ શું વિચારો છો ?


