Get The App

દત્તક મા-બાપ .

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
દત્તક મા-બાપ                                        . 1 - image

- જિજ્ઞેશ વરસાણી

- 'બેટા,' બા બોલ્યા, 'ઈશ્વરના ઘરમાં દેર છે, અંધેર નથી. આ ઘરે અવશ્ય પારણું બંધાશે! તે જરૂર કોઈ ક્ષણની રાહ જોઈ રહ્યો હશે કે આવનાર બાળકને દાદા-દાદી પણ મળે!'

તે ણે મને કહ્યું, 'શશાંક, તું મૂર્ખ છે!' કદાચ, તે તેની રીતે સાચો હશે. કદાચ, મેં જે કહ્યું, તે તેની નજરોમાં મૂર્ખ જેવું કૃત્ય હોય શકે. દરેકના વિચારો અલગ હોય શકે છે.

મેં કહ્યું, 'નીરજ, મને એવું લાગતું નથી. અમે આ નિર્ણય ખૂબ વિચારીને લીધો છે, ઉતાવળે નથી લીધો. અમને આ નિર્ણયથી ખૂબ આનંદ અને સંતોષ મળ્યો છે. મને તેમાં કોઈ ખોટું 

લાગતું નથી.'

'તું ખૂબ પસ્તાશે, મારા આ શબ્દો યાદ રાખજે ! હું તારો દોસ્ત છું, એટલે તને સ્પષ્ટ કહું છું. હજી મોડું નથી થયું, તે પહેલા આ નિર્ણય સુધારી લે, તારા ભલામાં રહેશે !'

***

અમે આ વિષય પર ઘણાં સમયથી વિચારતા હતા, પણ મને લાગ્યું કે આજે સંજનાએ મન બનાવી લીધું છે. તે બોલી, 'હવે મારે કોઈ સારવાર લેવી નથી, બહુ થયું. લાગે છે કે ઈશ્વરનો પણ એ જ સંકેત છે. આપણે એક બાળક દત્તક લઈ લઈએ. તું શું કહે છે?'

હું એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. પગાર અને હોદો બન્ને સન્માનજનક હતા. સંજના પણ એક અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ટીચર હતી, બન્નેનો પગાર ખૂબ સારો હતો. અમારું જીવન હંમેશા ખૂબ સરળ રહ્યું છે, ન કોઈ ખોટી ભાગદોડ કે ઝંઝટ. અમારે બાળકો નહોતાં કે ન હતાં બન્નેને મા-બાપ. બન્નેનાં મા-બાપ બચપણથી મૃત્યુ પામ્યાં હતાં.

મેં હકારમાં ડોકું ધુણાવ્યું.

સંજના અને મેં અનાથાશ્રમની લાંબી દોડાદોડના અંતે સાડાત્રણ વર્ષની એક છોકરી દત્તક લેવા પસંદ કરી લીધી.

અમને બન્નેને પ્રથમ નજરમાં જ તે છોકરી ખૂબ ગમી ગઈ હતી. અમે બધી જ કાયદાકીય વીધિ પૂર્ણ કરી લીધી હતી. એક શુભ દિવસે તે બાળકીને ઘરે લઈ આવવાનું નક્કી કરી લીધું. પછીનો સમય અમારા માટે ખૂબ બીઝી રહ્યો. અમે બાળકીનો રૂમ સજાવવા અને ખરીદીમાં પ્રવૃત રહ્યાં. અમે તેના માટે ખૂબ જ કપડાં અને રમકડાં ખરીદ્યાં, અમે બન્ને ખૂબ જ ખુશ હતાં. તે છોકરીનું નામ કૃપા હતું.

અંતે એ શુભ દિવસ આવી પહોંચ્યો. સવારથી જ અમે બહુ ખુશ હતાં. અમારાં માટે જીવનની એક અદ્ભુત ઘટના ઘટી રહી હતી. અમારાં ઘરે એક નવું મહેમાન પધારી રહ્યું હતું, જે અમારી જિંદગી આનંદથી ભરી દેવાનું હતું. અમે કાર લઈને નીકળ્યાં. અમે રસ્તામાં તે બાળકીની જ વાતો કરી રહ્યાં હતાં. બાળકીના ભવિષ્યની પૂરી યોજના વિષે ચર્ચા કરી રહ્યાં હતાં, આમ કરશું કે તેમ કરશું વગેરે. વાતોમાં અમે મગ્ન હતાં. ત્યાં જ મારું ધ્યાન રૉડની બરાબર વચ્ચે ઊભેલાં એક વૃદ્ધ દંપતિ તરફ ગયું. તે અમારી કાર રોકવા ઈશારો કરી રહ્યું હતું. મેં કાર ઊભી રાખી અને મારું બારીની બહાર ડોકું કાઢયું.

વૃદ્ધનું મને જોઈને મોં પડી ગયું, તેણે કહ્યું, 'સોરી, ભાઈ! મને એમ કે અમારો દીકરો અમને લેવાં આવ્યો છે, તેની પાસે આવી જ કાર છે.'

અમે બન્ને તે વૃદ્ધ દંપતિને જોઈ રહ્યાં. વૃદ્ધની પત્નીની આંખોમાં આંસુ આવી ગયાં, તેણે વૃદ્ધને કહ્યું, 'તે જરૂર કંઈક કામમાં ફસાયો લાગે છે, નહિતર આવ્યા વગરનો ના રહે. આજે મને વહેલી પરોઢે સ્વપ્નું આવ્યું હતું કે તે આજે જરૂર લેવાં આવશે.'

વૃદ્ધ નારાજ થતા કહ્યું, 'તું સાવ ઘેલી થઈ ગઈ છો, આવશે તો ત્યાં જ આવશે, અકારણ કોઈને આપણે પરેશાન કર્યાં. ભાઈ, માફ કરશો, અમારી ભૂલ થઈ ગઈ.'

હું કારની બહાર નીકળ્યો, મેં પૂછયું, 'અરે, તમારે માફી માગવાની જરૂર નથી. તમે ક્યાં રહો છો? ચાલો, હું તમને તમારા ઘરે છોડી જઉં.'

તે વૃદ્ધ દંપતિ આનાકાની કરતું રહ્યું, મેં અને મારી પત્નીને આગ્રહ કરીને તેઓને કારમાં બેસાડયાં. અમને વધુ જાણવાં ન મળ્યું, પણ એટલું જાણવાં મળ્યું કે તે વૃદ્ધ દંપતિ એક વૃદ્ધાશ્રમમાં રહે છે, તેનો પુત્ર તેમને ત્રણ મહિના માટે વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો હતો અને સમય ત્રણ મહિના ઉપર થઈ ગયો હતો. બન્ને હવે તેના આવવાની રાહ જોઈ રહ્યાં હતાં. મેં વૃદ્ધાશ્રમ આવતા મારી કાર ઊભી રાખી અને મારી પત્નીએ બન્નેને બહાર ઉતાર્યાં. હું પણ કારની બહાર નીકળ્યો, અમને જોઈને વૃદ્ધાશ્રમમાંથી એક બહેન દોડતા બહાર આવ્યા. તેમણે કહ્યું, 'અરે, તમે ક્યાં ચાલ્યાં ગયાં હતાં? તમને શોધવા અમે કેટલી દોડાદોડ કરી. મેં તમને કહ્યું છે કે તમારો પુત્ર તમને તેડવાં આવશે, તો અહીં જ આવશે. સોરી, ભાઈ તમને તકલીફ પડી, પણ તેઓ માનતાં જ નથી કે રોજ સવારે વૃધ્ધાશ્રમના દરવાજે કે રસ્તા પર તેમના પુત્રની રાહ જોતાં નીકળી પડે છે.'

અમને તે વૃધ્ધ દંપતિ વિષે જાણવાની ઈચ્છા થઈ, મેં કહ્યું, 'તમને વાંધો ન હોય, તો કહેશો કે ખરેખર વાત શું છે?'

તે બહેન અમને તેમની આફિસમાં લઈ ગયાં, અમે ખુરશી પર બેઠાં. તે બહેન બોલ્યા, 'શું કહું, તમને, ભાઈ? અહીં આવતાં વૃધ્ધોની વાત લગભગ એક સરખી જ હોય છે. આ બન્નેને પણ તેમનો પુત્ર ત્રણ મહિના માટે અહીં મૂકી ગયો હતો, તેણે કહ્યું હતું કે ત્રણ મહિનાનો આસ્ટ્રેલિયામાં કોઈ પ્રાજેક્ટ મળ્યો છે, પ્રોજેક્ટ પૂરો થતા તે લઈ જશે. અમને સારું એવું દાન પણ આપ્યું હતું. પહેલા તો તેમના રોજ ફાન આવતા હતા, પછી અઠવાડિયે અને પછી પખવાડિયે... અને અંતે બંધ જ થઈ ગયા. અમે ફાન કરતા, તો ફાન સ્વીચ આફ આવતો. તેમના લાકલ સરનામે તપાસ કરી, તો સરનામું જ ખોટું નીકળ્યું. જ્યારે અમે વૃધ્ધ મા-બાપને પૂછયું, ત્યારે ખબર પડી કે તેઓ જામનગરથી બધી જ પ્રાપર્ટી વેચીને મુંબઈ આવ્યાં હતાં, તેમના દીકરાને મુંબઈમાં નોકરી મળી હતી, આ દંપતિ તો જામનગરમાં જ રહેવાં ઈચ્છતું હતું, પણ છોકરાના પ્રેમ સામે લાચાર બની ગયાં. તેઓ તો મુંબઈથી સાવ અજાણ્યાં છે, તેઓ એ પણ જાણતા નથી કે છોકરો-પુત્રવધૂ ક્યાં નોકરી કરે છે. જો કે અમારા માટે તો આ નવું નથી, દરેક કેસમાં આ જ કહાની હોય છે. બસ, વાત એ છે કે હવે છ મહિના પૂરા થતા રોજ આ દંપતિ સવારમાં પુત્ર આજે તેડવા આવશે તેમ માનીને...'

મારી પત્નીની આંખોમાં પાણી આવી ગયાં. અમને તો સમજાતું નહોતું કે કોઈ પુત્ર એવો હોય શકે કે જે પુત્રને મા-બાપ આટલું ચાહતા હોય તે મા-બાપને વૃધ્ધાશ્રમમાં મૂકીને યાદ પણ ન કરે? અમે જાણતા હતા કે માતા-પિતાની કેટલી કિંમત હોય છે! અમે બન્નેએ તો બચપણથી જ માતા-પિતા ગુમાવી દીધાં હતાં, અમને માતા-પિતાનો પ્રેમ જ પ્રાપ્ત નહોતો થયો, જેની અમને તીવ્ર ઝંખના હતી.

'શું કરીએ, ભાઈ?' તે બહેન બોલ્યા, 'આજે કોઈને માતા-પિતા જોઈતા જ નથી કે નથી સાથે રાખવાં. તેઓ માતા-પિતાને એક બોજ સમજવાં લાગ્યાં છે કે પ્રગતિમાં બાધા સમજવાં લાગ્યાં છે. અમને તો એ સમજાતું નથી કે તેઓ એ કેમ સમજતા નથી કે તેઓ પણ એકદિવસ વૃધ્ધ થવાનાં છે!'

મને થયું કે સંજના ખૂબ ઈમોશનલ થઈ ગઈ હતી. તે બોલી, 'શશાંક, એક મિનિટ બહાર આવશે!'

***

મારા મિત્રની નજરે આ મારું કૃત્ય એક મૂર્ખ સમાન લાગતું હતું. અમે એક બાળકી દત્તક લેવાં નીકળ્યાં હતાં અને એક વૃધ્ધ દંપતિને દત્તક લઈને આવ્યાં હતાં. અમારે ન તો કોઈ બાળક હતું કે ન હતાં મા-બાપ. અમે વિચાર્યું કે બાળકની જગ્યાએ મા-બાપને કેમ દત્તક ન લઈ શકાય? અમે જ્યારે વૃધ્ધાશ્રમના બહેનને અમારી પ્રપોઝલ મૂકી, તો થોડીવાર માટે તે અવાક્ બની ગયા. તે ક્યાંય સુધી કશું બોલી ન શક્યા. અમે તેમને ખાતરી આપી કે જો તેમનો પુત્ર તેડવા આવશે કે તેમને અમારા ઘરે નહિ ફાવે, તો અમે તેમને ચોક્કસ પાછા મૂકી જઈશું. બસ, સમજો કે તેઓ આશ્રમની બદલે અમારા ઘરે રહેશે. તે વૃધ્ધ દંપતિ પણ અમારી ઘરે ઝટ આવવાં તૈયાર ન થયું, પણ અમારી અને આશ્રમવાળા બહેનની સમજાવટથી માંડ તૈયાર થયું.

અંતે અમે તે વૃધ્ધ દંપતિને ઘરે લાવ્યાં, જે અમારાં માટે તો મા-બાપ સમાન જ હતાં.

અમે તેમને એક રૂમ ફાળવી દીધો. તેમની જરૂરીયાતની બધી જ વસ્તુઓ તેમાં વસાવી દીધી. અમારો તો એક જ ધ્યેય હતો કે તેમને શક્ય હોય, તેટલું સુખ આપીએ, જેથી તેમને તેમના દીકરાની કોઈ ખોટ ન લાગે. અમને તો આશ્રમના બહેને કહી દીધું હતું કે તેમનો પુત્ર તેડવા આવે, તે નહીંવત છે, જે પુત્ર મા-બાપને એકવાર આશ્રમમાં મૂકે, તે ક્યારેય ફરી આશ્રમ તરફ ફરકતો નથી! અમે ધ્યાન રાખતાં કે એવી કોઈ વાત ન કરીએ કે યાદ અપાવવીએ કે તેમને દુખ પહોંચે, પણ એકવાર સંજનાથી બોલી જવાયું, 'એક માતા-પિતા બાળક માટે કેટલુંકેટલું કરે છે! તેમનાં જિંદગીના તમામ સુખો અને કાર્યો તેમના બાળકને સમપત હોય છે. તે પોતાની નહિ, પણ બાળકની ઈચ્છા પૂર્ણ કરવા પૂરું જીવન ખર્ચી નાખે છે અને બાળક મા-બાપને એક અનાથાશ્રમ..'

બા વચ્ચે જ બોલ્યા, 'બેટા, તું એવું ન બોલ. અમારો દીકરો એવો નથી, એ તો બહુ સારો છે. તેની કોઈ મજબૂરી હશે, નહિતર કોઈ પુત્ર મા-બાપને થોડાં આશ્રમમાં મૂકે, તે જરૂર એકદિવસ એમને લેવા આવશે.'

મેં કહ્યું, 'તમારો પુત્ર ન આવે, ત્યાં સુધી અમને તમારાં દીકરો-વહુ ગણશો!'

એકવાર આશ્રમના બહેન અમારા ઘરે મળવા આવ્યા. તેમણે તેમની સાથે એકાંતમાં ખૂબ વાતો કરી. અમારી સાથે પણ ચર્ચા કરી. બાપુજીએ કહ્યું, 'બહેન તમે અમારી ચિંતા ન કરશો, આ દીકરો પણ મારા પહેલા દીકરા જેટલો જ સારો છે. અમે અહીં ખૂબ સુખી છીએ, પણ અમારો દીકરો આવે, ત્યારે જરૂર કહેજો, અમારાથી બીજા દીકરા પર બોજ કેમ બનાય?'

સંજનાએ કહ્યું, 'તમે અમારા પર જરાય બોજ નથી, પણ ઈશ્વરની કૃપા સમાન છો. તમે કોઈને મા-બાપ મળ્યાનું સાંભળ્યું છે!'

અમને લાગ્યું કે હજી તેઓ તેમના દીકરાની રાહ જોઈ રહ્યાં છે.

જો કે ધીરેધીરે તેમને અમારી સાથે ખૂબ ફાવી ગયું. અમે તેમને બાજુમાં ચાલતા યોગ અને ધ્યાનના કેન્દ્રમાં જોડી દીધાં, જેનાથી તેમનામાં ખૂબ પરિવર્તન આવ્યું. તેમણે અમને અને પરિસ્થિતિને સ્વીકારી લીધી હોય તેમ લાગવાં માંડયું.

એકવાર અમે સૌ સાંજે બેઠાં હતાં, ત્યારે અમારે સંતાન વિષે વાત નીકળી. પત્નીએ તેઓને બધું વિસ્તારથી સમજાવ્યું. મેં કહ્યું, 'બા-બાપુજી, તમને ખબર છે, જે દિવસે અમે તમને ઘરે લાવ્યાં. તે દિવસે અમે એક બાળકીને દત્તક લેવાં નીકળ્યાં હતાં અને ઈશ્વરકૃપા જુઓ કે અમને મા-બાપ મળી ગયાં!'

'બેટા,' બા બોલ્યા, 'ઈશ્વરના ઘરમાં દેર છે, અંધેર નથી. આ ઘરે અવશ્ય પારણું બંધાશે! તે જરૂર કોઈ ક્ષણની રાહ જોઈ રહ્યો હશે કે આવનાર બાળકને દાદા-દાદી પણ મળે!'

બાપુજી હસી પડયા, તે બોલ્યા, 'મને એક જૂની વાત યાદ આવી ગઈ. એકવાર મને એક જયોતિષે કહ્યું હતું કે તમારે બે દીકરાનો યોગ છે. અમારે બીજો દીકરો તો હતો નહિ, અમે જ્યોતિષની વાત પર હસતાં હતાં, પણ ચમત્કાર તો જુઓ કે અમને આજે બીજા દીકરાનું સુખ કેવી રીતે પ્રાપ્ત થયું! મને લાગે છે કે તારી બા કહે છે, તેમ ઈશ્વર જરૂર આવી ક્ષણની રાહ જોતો હશે!'

***

હું મારા મિત્રને આ બધી વાત લંચ સમય દરમિયાન કરતો. તેને તો મારી વાત માનવામાં જ નહોતી આવતી. તે કહેતો, 'ગમે તેમ મને કંઈક યોગ્ય નથી લાગતું. કોઈ વૃદ્ધ મા-બાપને થોડાં દત્તક લેતું હશે. તે તો એક જવાબદારી છે, તને આ વૃદ્ધોનું બરાબર જ્ઞાન નથી. તેનું કચકચ, તેની બીમારીઓ, દરેક વાતમાં દખલ કરવાનો સ્વભાવ, સતત વધતી જતી માંગો, મને લાગે છે કે તું કાં તો કોઈ સ્વપ્નમાં જીવે છે કે કોઈ ખ્યાલી પુલાવ પકાવે છે.'

હું ચૂપ રહેતો અને જવાબ પણ શું આપું?

***

કોઈ ઈશ્વરીય ચમત્કાર થયો હોય તેમ કે બા-બાપુજીના આશીર્વાદ ફળ્યાં હોય તેમ, એક દિવસ પત્નીએ કહ્યું, 'હું પ્રેગનન્ટ છું!'

અમારાં ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. બા બોલ્યા, 'બેટા, આવનાર બાળકના નસીબમાં દાદા-દાદીનું સુખ હતું, તો તે આત્મા દાદા-દાદીના આગમનની રાહ જોતો હતો. મેં તને કહ્યું હતું ને કે ઈશ્વરના ઘરમાં દેર છે, પણ અંધેર નથી!'

***

મેં આ વાત મારા મિત્રને કહી, તે ખડખડાટ હસી પડયો, 'હવે તારી ખરી મુશ્કેલીઓ શરૂ થશે. તું બાળક દત્તક લેવા જઈ રહ્યો હતો અને મા-બાપ દત્તક લઈને આવ્યો છે. હવે તને ખબર પડશે કે મા-બાપ નહિ, પણ ઘંટીનું પડ ગળે બાંધ્યું છે. હવે બાળકની જવાબદારી અને મા-બાપની જવાબદારી... અને પાછાં તમે બન્ને નોકરી કરો છો.'

મેં કહ્યું, 'ઉપરવાળો બેઠો છે, તેણે જ આ રચ્યું છે, તે જ માર્ગ કાઢશે.'

તે બોલ્યો, 'તારા જેવો ભણેલો-ગણેલો ઈશ્વર પર બધું ઢોળી દે એ કેમ ચાલે? બધે ઈશ્વર કામ નથી આવતો, આપણે આપણી કરેલી ભૂલોનું ફળ તો ભોગવવું પડે છે. એની વે, સમય કહેશે.'

મેં ખભા ઉછાળ્યા.

***

બીજા દિવસે અમે બન્ને બેઠાં હતાં, ત્યારે સંજનાએ કહ્યું, 'એક વાત કહું, મને લાગે છે કે બાળક આવવાનું છે અને બા-બાપુજી પણ ઘરમાં છે. હું બન્નેને પૂરો સમય આપવા ઈચ્છું છું, તો હું નોકરી છોડી દઉં છું અને જરૂર પડશે, તો ટયુશન કરી લઈશ.'

મેં હા ભણી. અમને આથક દૃષ્ટિએ સંજના નોકરી છોડી દે, તો કોઈ ફરક પડે તેમ ન હતો. અમે આ વાત બા-બાપુજીને કરી. બાની આંખોમાં આંસુ આવી ગયા, તે બોલ્યા, 'મારી વહુ પણ નોકરી કરતી હતી, પણ તેણે અમને...'

સંજનાએ કહ્યું, 'બા, તમે તો ધ્યાન કરો છો અને ગુરુજી પણ કહે છે કે ચિત્ત પરથી ભૂતકાળનું પોટલું ઉતાળી નાખો, તો પછી ભૂતકાળને યાદ કરવાથી શું ફાયદો? તમારો દીકરો અને વહુ તો અહીં જ છે!'

બાની આંખોમાં આંસુ આવી ગયા.

સમય ગુજરતો ગયો. બા-બાપુજી પૌત્ર સાથે ખૂબ સારી રીતે ઓતપ્રોત થઈ ગયાં. અમારા પુત્રને અમારાં કરતાં બા-બાપુજી વધારે રાખતાં હતાં. ધીરેધીરે તેઓ સમજી ગયાં હતાં કે દીકરાએ તેમને છોડી દીધાં છે. ક્યારેક તેમની આંખોમાં તે ભાવ આવી જતો અને મનોમન બે દીકરાની 

વચ્ચે સરખામણી કરીને રડી પડતાં.

એક દિવસ મેં કહ્યું, 'બા-બાપુજી, તમને મારી એક પ્રાર્થના છે, તમે તમારા પુત્ર અને પુત્રવધૂને માફ કરી દો. કદાચ, તમારા જીવનમાં તેમનો સાથ એટલો જ હતો. તેમના કલ્યાણ અને ઉન્નતિની પ્રાર્થના કરો. ક્યારેય તેમને દોષ ન દો. ઈશ્વરે તમારા નસીબમાં બીજા પુત્રનું સુખ લખ્યું હશે, એટલે કદાચ તેમને આવું કર્મ કરવા મજબૂર કર્યા હશે. તે દિવસે ગુરુદેવ સત્સંગમાં આવું કંઈક કહેતા હતા...'

તે દિવસે તેમણે અમારી હાજરીમાં જ તેમના દીકરા અને પુત્રવધૂ માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને તેમને માફ કરી દીધાં, ખૂબ આશીર્વાદ આપ્યાં. તેઓ બોલ્યાં, 'બેટા, આજે મન ઉપરથી મોટો બોજો ઉતરી ગયો. અમે વ્યર્થ જ આ ભાર ઊંચકીને ફરતાં હતાં. કોઈએ અમારી સાથે કંઈ ખોટું નથી કર્યું. એક દીકરા સામે તેનાથી ચડિયાતો બીજો દિકરો આપી દીધો છે.'

બા બોલ્યા, 'મેં તો ઈશ્વરને પ્રાર્થના કરી છે કે હવે પછીના જન્મમાં તમે જ અમારા સંતાન તરીકે જન્મો!'

અમારી આંખોમાં આંસુ આવી ગયાં.

***

મારો મિત્ર તો મારી આ વાતથી બરાબર ભડક્યો, 'મને તારી વાત પર જરાય ભરોસો નથી. તું કોઈ નવલકથા કે ફિલ્મી સ્ટોરી નથી લખી રહ્યો ને! મારા રિએક્શન ચક નથી કરી રહ્યો ને! અથવા તો તું મને આવી જૂઠ્ઠી વાર્તા બનાવીને તારી ભૂલને ઢાંકી રહ્યો છો. આ સમયમાં આવું બને, તે માનવામાં આવે તેવું નથી. આ તો સોશિયલ મીડિયામાં ફરતી એક વાર્તાથી કંઈ વિશેષ નથી..' તે આગળ બોલ્યો, 'મને લાગે છે કે તારું ઘર છે કે મંદિર અને તેમાં રહેનારા તમે સૌ માણસો છો કે ઈશ્વર...? મને તારી વાતો પર બહુ વિશ્વાસ નથી બેસતો, પણ એની વે, ઈટ્સ યાર પ્રાબ્લેમ! બાકી સમય પસાર કરવા, ભૂલને ઢાકવા કે મનને બહેલાવવા માટે તારી વાર્તા સરસ છે.'

હું હસ્યો, બીજું કરુ, પણ શું?

***

એક દિવસ બાએ કહ્યું, 'બેટા, તને એક વાત કહું, ક્યારની મનમાં ઘુમ્યા કરે છે? અમને થયાં કરે છે કે અમને દત્તક લઈને અમે તે છોકરીને અન્યાય કર્યો છે!'

'બા, તમે ચિંતા ન કરો, અમે તે છોકરીની પૂરતી સંભાળ લીધી છે. તેને લોનાવાલાની એક કાન્વેન્ટ સ્કૂલમાં અડમિશન અપાવી દીધું છે અને તેના ભવિષ્યની અમે પૂરી વ્યવસ્થા કરી છે. કાન્વેન્ટવાળા તેનું સંપૂર્ણ ધ્યાન રાખે છે અને અમને વિગતવાર બધો જ રિપોર્ટ કરે છે!'

'બેટા, મારી એક વાત તમે માનશો?' બાએ કહ્યું, 'મને લાગે છે કે તે છોકરીના કારણે જ આ બધું આપણને પ્રાપ્ત થઈ છે. તે છોકરીને કારણે આપણે સૌ એકઠા થયા છીએ અને તેણે અપણાં સુખના દરવાજા ખોલી નાખ્યા છે. તમે તેમના માટે આટલું તો કરી રહ્યા છો, તો પછી તેને ઘરે જ લાવી દો, અમે ધ્યાન રાખીશું. સૌથી સારી વાત તો એ થશે કે આશિષને એક બહેન મળી જશે અને કૃપાને એક ભાઈ મળી જશે!'

અમને બન્નેને લાગ્યું કે બાની વાતમાં કંઈ ખોટું નથી અને એક દિવસ અમે કૃપાને ઘરે લાવ્યા.

***

'નીરજ, ઈશ્વરનો ચમત્કાર તો જુઓ' મેં તેને ઘરે બનેલી બધી વાત કરતા કહ્યું, 'થોડા સમય પહેલા અમે એક બાળક માટે તલસતાં હતાં અને આજે, અમારી પાસે દીકરો-દીકરી તો છે, પણ મા-બાપ પણ છે, એક પૂરો પરિવાર બની ગયો છે. આવું બનશે એવું કોણે વિચાર્યું હતું? અમને તો એક ચમત્કાર, ઇશ્વરકૃપા જેવું લાગે છે!'

મારો મિત્ર મારી વાત ધ્યાનથી ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યો હતો, તેણે માથું ધૂણાવ્યું. તેને તો વિશ્વાસ જ બેસતો નહોતો કે આવું બની શકે! મને લાગ્યું કે તે મારી વાત એક વાર્તાથી વધુ કોઈ માનતો નહોતો. તેને હતું કે અંતમાં જરૂર કોથળામાંથી બિલાડું નીકળવાનું છે!

મેં તેને કહ્યું, 'બાપુજી તો અમને કહેતા હતા કે એકવાર સત્સંગમાં ગુરુજીએ કહ્યું હતું કે તમે જયારે એક સારું કાર્ય કરો છો, ત્યારે પરમાત્માની શક્તિ આપોઆપ તેમાં અનેક સારા કાર્યો જોડી દે છે.'

અચાનક જ મારા મિત્ર બોલ્યો, છે સાંભળી હું આશ્ચર્યમાં પડી ગયો. તે બોલ્યો, 'મને દુ:ખ થાય છે કે હું આ બધા વિષે કેટલું ખોટું વિચારતો હતો, પણ મને આજે ખૂબ આનંદ થાય છે કે હું ખોટો પડયો. મને લાગે છે કે તે જરૂર સારાં કર્મો કર્યાં હશે, જેનું તને આ ફળ મળી રહ્યું છે!'

તેના બદલાયેલા આ રૂપે મને આશ્ચર્ય થયું. મને લાગે છે કે તે અંદરથી ખૂબ હલી ગયો હતો, તે બોલ્યો, 'એની વે, ઓલ ધ બસ્ટ, શશાંક!'

-અને તે માથું ધુણાવતો જતો રહ્યો.

***

તે દિવસ રવિવારની સાંજ હતી. બા-બાપુજી ધ્યાન-કેન્દ્રમાં ગુરુજીનું પ્રવચન સાંભળવાં ગયાં હતાં. સંજના બન્ને બાળકો લઈને નીચે ગાર્ડનમાં ગઈ હતી, ત્યારે અચાનક બલ વાગી. મેં બારણું ખોલ્યું, તો મારા આશ્ચર્ય વચ્ચે મારો મિત્ર અને તેની પત્ની હતાં. તેણે કહ્યું, 'અમે આ બાજુથી નીકળ્યાં હતાં, તો થયું કે ચાલો, ભાભી અને બાળકોને મળતાં જઈએ!'

મને ખાતરી હતી કે તે જૂઠું બોલી રહ્યો હતો, તે જરૂર મારી વાતની સચ્ચાઈ ચકાસવા અને મને જૂઠો સાબિત કરવા માંગતો હતો!

મેં તેઓને બેસાડયાં અને કહ્યું, 'તમે બેસો, સંજના અને બાળકો હવે આવતાં જ હશે.'

'તારો ફલટ, સજાવટ અને ફનચર તો ખૂબ સુંદર છે, અમે પણ નવી મુંબઈમાં એક ફ્લટ લઈ રહ્યાં છીએ.' તે બોલ્યો, 'તારો ફલટ જોઈ લઈએ.'

મેં તેને ડ્રોઈંગ રૂમ, કિચન, બેડ-રૂમ્સ, બાળકોનો રૂમ પણ બતાવ્યો. તેઓ અમારા ફલટની સજાવટ જોતાં રહ્યાં. બન્ને અંદરોઅંદર ચર્ચા પણ કરતાં રહ્યાં. હું તેમને બા-બાપુજીના રૂમમાં લઈ ગયો, તેઓ અચંબિત થઈને બધું જોઈ રહ્યાં. તે રૂમમાં અમારાં પૂરા પરિવારનો એક વાલ-પીસ હતો, તેના તરફ તેનું ધ્યાન ગયું.

અચાનક તે અસ્વસ્થ બની ગયો, તેણે તેની પત્ની સામે જોયું અને તેની પત્ની પણ તેની સામે જોઈ રહી હતી. તે બોલ્યો, 'અચાનક અમને એક કામ યાદ આવી ગયું, મારે અરજન્ટ જવું પડે તેમ છે, તો આપણે પછી શાંતિથી મળીશું, સારી!'

હું કંઈ કહું, કરું તે પહેલાં બન્ને ઝડપથી ચાલ્યાં ગયાં. મને તેમનું વર્તન સમજાયુ નહિ. હશે, જરૂર કોઈ કામ યાદ આવી ગયું હશે અથવા તેની શંકાનું સમાધાન થઈ ગયું હશે.

જો કે તેઓ હજી તો નીકળ્યાં હશે કે પાંચેક મિનિટમાં સંજના, બા-બાપુજી તથા બાળકો અંદર પ્રવેશ્યા. બાએ મને કહ્યું, 'બેટા, તને યાદ છે કે એકવાર મેં તારી કાર જોઈને તને રસ્તા વચ્ચે રોક્યો હતો, આજે એવી જ કાર ફરી ઘરની બહાર જતી જોઈને મારો હાથ ઊંચો થઈ ગયો હતો, પણ તે દિવસ યાદ આવતા મેં હાથ નીચે કરી લીધો...'

હું સ્તબ્ધ થઈ ગયો.