5+3+3+4=?: નીતિ શુભ પણ દાનત પર પરિણામનો આધાર
- દેશવ્યાપી સખ્ત અમલીકરણ અને લેભાગુઓ પર લગામ તો જ સાર્થકતા
- હોરાઈઝન : ભવેન કચ્છી
- વાલીઓની માનસિકતા અને શિક્ષણની હાટડીઓના હાથમાં જ ગેમ રહેવાની હોય તો ભારતને ભગવાન જ બચાવશે
આજના સીનીયરો તેમના બાળપણના શાળાના સંસ્મરણો યાદ કરશે તો કોલેજમાં ત્રણ વર્ષ બાદ ડીગ્રી મળી હશે ત્યારે તેઓને છેક ખબર પડી હશે કે કે તેઓએ જે શિક્ષણ પદ્ધતિથી અભ્યાસ કર્યો તે ૧૦+૨+૩ હતી. એટલે કે તેમના વખતથી ૧૦માં ધોરણમાં ન્યુ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. સ્હેજ અગાઉની પેઢી માટે ૧૧મું ધોરણ બોર્ડની પરીક્ષા રહેતી જે મેટ્રિક તરીકે ઓળખાતી અને તે પછી કોલેજના પ્રી સહિતના ચાર વર્ષ રહેતા. આમ પ્રાથમિકથી ઉચ્ચ માધ્યમિક સુધીના ૧૧ ધોરણ સુધી બોર્ડની એક જ પરીક્ષા રહેતી જ્યારે ૧૦+૨+૩માં ૧૦ અને ૧૨ એમ બે બોર્ડની પરીક્ષાની પ્રથા અમલમાં મુકાઈ અને આવી બે પરીક્ષાના તનાવ અને બોજ હેઠળ વિદ્યાર્થીઓ અને વાલીઓ માનસિક, આથક અને સામાજિક રીતે ધોવાતા રહ્યા. વિદ્યાર્થીના ભવિષ્યની કોઈ વાલીને કે શાળાને પરવા નહોતી. બસ, બોર્ડમાં વધુ ટકા લાવે તેની રેસનો વિદ્યાર્થી ઘોડો બની ગયો અને વાલીઓ રેસ કોર્સમાં 'રન બકા રન, ઓર ફાસ્ટ ...પીન્ટુ, પીન્કી તારા કરતા આગળ છે .. થોડું જોર લગાવ ... અમારે સમાજમાં ગૌરવ સાથે મુઠ્ઠી હવામાં ઉછાળતા 'યે..એ..એ.' તેવી અહમ ટંકાર સાથે બુમ પાડવી છે.' તે રીતે ગાજતા રહ્યા છે. શાળાઓ 'અમારું પરિણામ ૧૦૦ ટકા અને તેમાંથી શહેર કે બોર્ડના ટોપરો આટલા' તેવી જાહેરાતો સાથે ચડસાચડસી કરે. તેવો જ વેપલો કોચિંગ ક્લાસનો ધમધમ્યો.
વાલીઓ તેમના સંતાનો જ્ઞાાતિમાં, સમગ્ર કુટુંબમાં તે પછી કાકાઓ અને મામાઓના કુટુંબમાં અને છેલ્લે પાડોશીઓ, હજુ આગળ જઈને તેમના મિત્ર વર્તુળમાં માર્કસની રીતે આગળ રહે તે માટે જ આ આખી ગેમ રમતા હોય છે. જો સંતાન આ ઘોડદોડમાં વાલીઓને નિરાશ કરે તે પછી વાલીઓને તેના ભવિષ્ય માટે કોઈ રસ નથી રહેતો. 'મેં મારા વાલીને સમાજ અને કુટુંબમાં ઊંચા જોવાપણું નથી કર્યું' તેવી દોષની લાગણી સાથે સંતાન તેનું બાકીનું જીવન લઘુતાગ્રંથી સાથે પસાર કરે છે. એવું નથી કે ઓછા ટકા આવ્યા હોય તો જ આવો વ્યવહાર થાય છે. સંતાન ૮૫ ટકા લાવે તો પણ કુટુંબના સૌથી વધુ ટકાનો રેકોર્ડ તો ના તોડી શક્યા તેવા મ્હેણાં ફટકારવા સાથે ઉજવણીની જગાએ બધા મોં ચઢાવીને પણ ફરે. વાલીઓ બોર્ડના નબળા સબળા પરિણામ સુધી જ પૈસા અને પ્રાણ ફૂંકતા હોય છે. હવે તો કોને બતાવવાનું, બસ બધું જોમ જ ઓસરી જાય છે. સંતાનને પ્યોર સાઈન્સ, કોમર્સ કે આર્ટસ કરીને આગળ જતા માસ્ટર કે કોઈ વિષયમાં સ્પેશિયલાઈઝેશનની તક અને દિલચશ્પી છે પણ ઘર અને સમાજમાં જ એવી દ્રષ્ટિ અને માહોલ બનાવી દેવાય છે કે મેડીકલ, સારી યુનિ.માં એન્જીનીયરીંગ કે સી .એ. કક્ષાના નથી તો હવે જે ભણો તે કોઈ નોંધ નથી લેવાનું.
શું અભ્યાસ કરો છો? તેમ વિદ્યાર્થીને પૂછો અને જો તે એમ કહે કે 'મને કેમિકલ, ફાર્મસી, કાયદા કે ભૂસ્તરશાસ્ત્રમાં કે પછી કમ્પ્યુટર,મેથ્સમાં રસ છે અને બીએસસી કરું છું કે પછી આંકડાશાસ્ત્ર, કંપની સેક્રેટરી, ટેકક્ષેશન અને મેનેજમેન્ટમાં રસ છે અને કોમર્સ કે તેવો કંઇક અભ્યાસ પસંદ કર્યો છે, આર્ટસની લાઈન લીધી છે તો તેની સામે સ્હેજ પણ આદરથી નહીં જોવાય. તમારા મનગમતા ક્ષેત્રમાં કંઇક બનીને વર્ષો પછી નામ કાઢો તો પણ આખરે તો એ જ વાક્ય ઉમેરાશે કે અભ્યાસમાં સામાન્ય હતો, કોઈને કલ્પના પણ નહીં હોય કે આટલું નામ કાઢીશ. ખબર નહીં વાલીઓ અને સમાજ હજુ પણ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં કેટલા ટકા અને બેઝીક ડીગ્રી કઈ મેળવી છે તે જ કેમ યાદ રાખે છે. ખરેખર તો કુટુંબ અને સમાજમાં જેઓએ તેમના બળથી નામ કાઢયું હોય તેમના સંતાનોને ઉદાહરણ આપવા જોઈએ કે 'જીના ઇસીકા નામ હૈ.'
છેલ્લા દાયકાઓમાં દેશમાં શોધ-સંશોધન, દેશની પોતાની મૌલિક પ્રોડક્ટ્સ, કૌશલ્ય, સ્પોર્ટ્સ, હુન્નર, આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનો એક આખી પેઢીમાં અભાવ જોવા મળે છે તે માટે શિક્ષણ પ્રથા કરતા પણ મુખ્ય દોષ વાલીઓનો છે. શિક્ષણ એ ધંધો થઇ ગયો પણ વાલીઓએ સંતાનોનેે દેખાદેખીની હોડમાં ઉતાર્યા તો તક્સાધુઓએ તેનો ફાયદો ઉઠાવ્યો ને. એક તરફ વાલીઓએ સંતાનોની પસંદ કે અભિગમની પરવા સુદ્ધા કર્યા વગર તેમની ઇચ્છાઓને સંતાનો પર થોપી બેસાડી. દેવું કરીને સંતાનોને ભણાવ્યા. બીજી તરફ એવા કેટલાયે વિદ્યાર્થીઓ છે કે જેઓને સુગમ, શાસ્ત્રીય કે પશ્ચિમ સંગીત, હોટલ મેનેજમેન્ટ, જ્વેલરી ડીઝાઈનીંગ, એરલાઈન્સ, માર્કેટિંગ, કમ્પુટર એનિમેશન, માસ કોમ્યુનીકેશન ઇન્ટીરિયર ડીઝાઈનીંગ, પેરામેડિકલ્સ, ફેશન, બ્યુટીસિયન, હેન્ડીક્રાફ્ટસ, પોટરી, ફોટોગ્રાફી, અભિનય, ફિલ્મ અને નાટક મેકિંગના તમામ પાસાઓ. શિલ્પ, કૂકિંગ અને પચાસથી વધુ સર્ટીફીકેટ કે ડીપ્લો કોર્સમાં રસ હોય છે.. દેશમાં લાખો વાલીઓ એવા છે કે તેમની આવક અને બચત પણ ઠીક હોય છે છતાં તેઓ બે પાંચ લાખ રૂપિયા પણ સંતાનની સ્વનિર્ભર કારકિર્દી માટે કે નોકરીની તક ઉભી થાય તે માટે ખર્ચ નથી કરતા. ફી ભરવાની તૈયારી હોય તો રાષ્ટ્રીયખ્યાત ફ્રેન્ચાઈસીઓ જે કોર્સ અને તાલીમ આપે છે તે દેશ વિદેશમાં સંતાનને આત્મવિશ્વાસ સાથે આગળ કરી શકે છે. હવે તો વિશ્વની આવી સંસ્થાઓ જોડે ઓનલાઈન કોર્સ પણ ઉપલબ્ધ છે. વાલીઓની કંજૂસાઈ સ્તરની ઉદાસીનતાને લીધે બોર્ડની પરીક્ષામાં ઝળકીને જેઓ કારકિર્દી નથી બનાવી શક્યા તેઓ આજે ૨૧મી સદીમાં વિપુલ વિકલ્પો હોવા છતાં સામાન્ય અને જેમાં રસ ન હોય તેવી અને ટૂંકા પગારની નોકરી સાથે આકાંક્ષાઓ કાયમ માટે સમેટીને બેઠા છે. ખરેખર તો વાલીઓએ સંતાનોને જુદી જુદી રસ રુચિના કોર્સના કેટેલોગ બતાવીને પ્રેરવા જોઈએ કે 'મંઝીલે ઓર ભી હૈ.' લાખો યુવા વર્ગ એવો પણ છે જેઓને કોઈ કામ મળે તો કરવું જ નથી. તેઓને પાંખો ફેલાવવાનો હોંસલો જ નથી. તમે તેના માટે મોંઘી ફી ભરવા તૈયાર હો તો પણ દાનત જ નથી.
હવે સરસ મજાની નવી શિક્ષણ નીતિ જાહેર થઇ છે ત્યારે એટલું યાદ રાખવાની જરૂર છે કે જેટલી જવાબદારી હવે પછી આ નીતિના અમલ અને તેની સફળતા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોની છે તેના કરતા પણ વધુ મોટી ભૂમિકા સમાજ અને વાલીઓએ ભજવવી પડશે. યાદ રહે વિશ્વમાં શિક્ષણ માટે શ્રેષ્ઠ મનાતા ફિનલેન્ડ, સાઉથ કોરિયા, ભૂતાન અને પશ્ચિમી રાષ્ટ્રોમાં વિદ્યાર્થીઓની મૌલિકતા કોઈપણ જાતની ગ્રંથીથી પીડાયા વગર બહાર આવે છે તેનું સૌથી મહત્વનું પરિબળ એ પણ છે કે ત્યાં સમાજ અને વાલીઓ સંતાનોને સિસ્ટમને સમપત કરી દે છે. તેઓને એવી શ્રદ્ધા છે કે સંતાનનો ગ્રેડ ઓછો વધતો હોય તેનાથી અત્યારથી જ નક્કી કરી દેવું કે જીવન નિષ્ફળતામાં સમેટાઈ તેવું હરગીઝ નથી. મહદઅંશે તો વાલીઓ સામાજિક મિલન મેળાવડામાં સંતાનોની પ્રગતિ કે પંથની વાતો જ નથી કરતા. કોઈ કોઈનાથી તે ધોરણે અભિભૂત નથી થતું કે નથી પીડાતું. વાલીઓ સંતાનોની રાહમાં 'નડશે નહીં' તો પણ નવી શિક્ષણ નીતિ ૩૦ ટકા સફળ થઇ તેમ સમજજો. વાલીઓએ સંતાનોને ઘેર વાતાવરણ પૂરું પાડવાનું છે. બીજાની તુલના નથી કરતા રહેવાની. જો અન્યના સંતાનોની વાલીઓ તુલના કરતા હોય તો વાલીઓએ જે સંતાનો શિક્ષણ, સંસ્કાર અને કેળવણીમાં ઉજળા પુરવાર થયા છે તેમના વાલીઓ સાથે પણ તેમની તુલના નિખાલસતાથી કરવી જોઈએ કે સફળ સંતાનોના વાલીઓએ કઈ રીતે ઉછેર કર્યો છે, શું શીખવ્યું છે અને કેળવણી આપી છે. પદ્મભૂષણ રત્ન સુંદર મહારાજ કહે છે કે સંતાનો વાલીઓ શું કહે છે તેવા નહીં પણ વાલીઓ દ્વારા શું જુએ છે તેવા બને છે. કમનસીબે કંઇક કરવા કે બનવાની પ્રેરણા આપવાની જગાએ આરામ અને ઐશથી જીવન જીવો તેવા લાડ લડાવનાર વાલીઓની પણ દુનિયા છે. એવું નથી કે પૈસાની જરૂર હોય તો જ કંઇક નોકરી, ધંધો અને હુન્નર કરાય. જો એવું જ હોત તો મારે તો બંગલો ગાડી આવી ગયા પછી પાંચ કરોડ તો બહુ થઇ ગયા તેમ માની વેપારીઓ, ઉદ્યોગપતિઓ, કલાકારો, ખેલાડીઓ અને કંપનીના સી ઈ ઓ એ ક્યારની તેમની કારકિર્દી સમેટી લીધી હોય. બદલાતા જમાનામાં શિક્ષણ, તબીબી ખર્ચ, પ્રવાસ, પોતાનું ઘર, વાહન, શોપિંગ અને પ્રવાસ, બાળ ઉછેર વધુ આવક માંગી લેશે. આળસ, મજ્જાની લાઈફ અને ધ્યેયહીનતા જીવનને તનાવથી ભરી દેશે. શિક્ષણ નીતિ તો અવનવા વિકલ્પો આપે છે પણ વિદ્યાર્થીઓ જ તેમના પોતાના નિજાનંદ માટે કે કારકિર્દી માટે કોઈ વિષય, કળા, હુન્નર અને સર્જનાત્મક ક્ષેત્રમાં રસ ન કેળવે તો શિક્ષણ કઈ રીતે પરિવર્તન લાવી શકે ? ઘણા વિદ્યાર્થીઓમાં એવું પણ જોવા મળ્યું છે કે તેઓમાં કોઈ વિષયમાં પારંગતતા હોય પણ આખરે તો રાજ્ય, દેશ અને વિદેશમાં છવાઈ જઈને કારકિર્દી બનાવી જોઈએ. શાળા, કોલેજ અને જ્ઞાાતિની રંગોળી, ગાયન, વાદન, રાંધણ, વકૃત્વ, નાટય, નિબંધ સ્પર્ધામાં સટફીકેટ અને મેડલો જીતનારા કારકિર્દીમાં કન્વર્ટ નથી કરી શકતા. જાણીતા શેફ, ડિઝાઈનરો, લેખકો, કલાકારો, ગાયકો, સંગીતકારો, નવી પેઢીના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટ અપ કરનારાઓ, તબીબો, વકીલો અને સી ઈ ઓ, શિક્ષણવિદો એ લોકો છે કે જેઓએ તેમની પ્રતિભાને વ્યવસાયિક રીતે પરિવતત કરી. તેઓને કદાચ કિશોર વયમાં મેડલો નહતા મળ્યા. કૂપમંડક માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. હવે કાચબા જેવી ધીમી છતાં મકકમ ચાલ ચાલનારા પણ જીતી જશે અને સસલા જેવી ભૂતકાળની પ્રતિષ્ઠાના જોરની જ વાત કરનારા હાંસિયામાં ધકેલાતા જશે. જ્ઞાાન અને વિકલ્પોનો અફાટ દરિયો છે અને રત્નો વીણવા વિશ્વના તરવૈયાઓ ડૂબકી લગાવે છે.
શિક્ષણ નીતિ ભલે ડાયનેમિક હોય પણ આખરે તો વાલીઓ, શિક્ષકો, પ્રાદ્યાપકો સંચાલકો, અમલદારો, ઉપકુલપતિઓ અને ડીનમાં દેશને બદલવાની ભાવનાનું સિંચન થવું જોઈએ. કેળવણી તો તેઓ જ આપી શકે. નીતિ એ હાર્ડવેરથી વિશેષ નથી, સોફ્ટવેરનો રોલ બધા જાણે છે. વાયરસ સોફ્ટવેરને ખતમ કરી નાંખે છે. આપણી દાનત પર મદાર રહેશે. વિદેશમાં કોઈ લાગણીગત ભાવના કે 'દેશ બદલાના હૈ' જેવા સંકલ્પો નથી પણ એથિક્સ, પ્રોફેશનાલિઝમ તેમજ તીવ્ર સ્પર્ધાત્મકતાના આધારે ગુણવત્તા જળવાઈ રહે છે. સરકારનું નિયંત્રણ કે ચીઠ્ઠી ચપાટા અને પક્ષીય રાજકારણનો પ્રભાવ નથી. નિમણુંક કે નિર્ણયો બાબત ખાનગી સંસ્થાઓ સ્વાયત્ત છે. રેન્કિંગ અને ગ્રેડેશનમાં એકાદ પોઈન્ટ ઓછો થાય તો મેનેજમેન્ટ તેના નોબેલ વિનર સ્ટાફને પણ તતડાવી નાંખે. ભારતને પણ 'સર્વાંઈવલ ઓફ ફિટેસ્ટ' યુગની જરૂર છે.
એક પડકાર એ પણ સર્જાવાનો છે કે નવી શિક્ષણ નીતિના ઘણા મુસદ્દાનું પાલન કરવાનું જે તે રાજ્ય સરકાર પર છોડવામાં આવ્યું છે. ભારતમાં હંમેશા જોવા મળ્યું છે કે કેન્દ્રમાં જે પક્ષની સરકાર હોય તેને સફળતાનો જશ ન મળે એટલે જે રાજ્યોમાં ઉદાહરણ તરીકે બિનભાજપી સરકાર હોય તો તેઓ એટલી એનર્જીથી નીતિ પાર ન પણ પાડે. ડાબેરી વિચારસરણી ધરાવતા પક્ષો કે બૌદ્ધિકો અત્યારથી જ આ નીતિથી સહમત નથી. કોંગ્રેસ, સમાજવાદી, બહુજન સમાજવાદી, આમ આદમી અને અકાલી તમામ પક્ષોને તેમની વિચારસરણી છે. શિક્ષણ નીતિ ૨૦૩૫ સુધીના ફ્રેમ વર્કને આવરતી હોય તો બીજા દોઢ દાયકામાં તો કેટલાયે વહેણ સર્જાશે કે બદલાઈ શકે છે. સંસદમાં એવો ઠરાવ પસાર કરવાની જરૂર છે કે નવી શિક્ષણ નીતિની બીજા ૧૫ વર્ષ પછી સમીક્ષા થશે ત્યાં સુધી કોઈપણ પક્ષ સત્તા પર હોય, દેશવ્યાપી એક જ નીતિ (રાજ્યોને ભાષાની રીતે છૂટને બાદ કરતા)અમલમાં રહેશે. અમલની અને પરિણામની સાતત્યતા માટે આ અનિવાર્ય છે.
છેક આજથી ચાર પાંચ દાયકા અગાઉ સુધી એવું હતું કે ગરીબો અને શ્રીમંતો એક જ તાલુકા, મ્યુનિસિપાલિટી અને સરકારી શાળામાં સાથે અભ્યાસ કરતા હતા. તે પછી ક્રમશઃ શિક્ષણનો ધંધો થાય તેથી સરકારી એટલે નિમ્ન સ્તર અને કહેવાતા આથક, સામાજિક નિમ્ન વર્ગના સંતાનોની શાળાઓ અને ખાનગી એટલે સુખી પરિવારના સંતાનોની શાળાઓ તેવા ભેદ ઉભા કરાયા. આ એક સુઆયોજિત કરોડોની કમાણી અને ભાગબટાઈ માટેનું ષડયંત્ર હતું જે આજે સરકારને પણ ગાંઠે નહીં અને હડપ કરી જાય તે હદે આગળ વધી ગયું છે. શિક્ષણ નીતિના અમલ દરમ્યાન પણ હવે પછી વિકલ્પો વધતા મુક્ત પસંદગીના વિષયોના કોર્સની હાટડીઓ જ ખુલવાની હોય તો દેશને ભગવાન જ બચાવશે.
કુમળા બાળકો પર અભ્યાસનો બોજ ન આવે તેથી પાંચ વર્ષ સુધી મરજિયાત સ્કૂલિંગ કરી છઠ્ઠું વર્ષ પહેલું ધોરણ તરીકે બાળકને માટે ગણવું તે દિશા તરફ આપણે આગળ વધી રહ્યા હતા ત્યારે બાળકને બદલાતી નવી દુનિયામાં સજ્જા કરવાના નામે ૫ +૩+૩ +૪ નું સ્ટ્રક્ચર અમલમાં મુકાશે. એટલે કે બાળકના ત્રણ વર્ષની વયથી બીજા પાંચ વર્ષ તેના પાયાના ગણી તેને પ્રી પ્રાયમરી તબક્કામાં તૈયાર કરાશે. જો ખાનગી શાળાઓ અને નર્સરી પર નજર નહીં રખાય તો બાળક માનસિક રીતે અને વાલીઓ આથક રીતે ધોવાઇ જશે.
અભ્યાસક્રમ અને નીતિનો ઈરાદો નેક છે. નવી શિક્ષણ નીતિ આઝાદી પછી પ્રથમ વખત દેશને મેકોલે શિક્ષણથી છેડો ફાડી આપનારી છે, માતૃભાષામાં પાયાના વર્ષોમાં શિક્ષણ તે સૌથી આવકાર્ય બાબત છે. પણ ફરી વાલીઓની અંગ્રેજી ભાષા માટેની ગ્રંથીનું વિઘ્ન તો નડશે જ. ચાલો ભારતના હાર્દને અપનાવીને વિશ્વ નાગરિક બનીએ. સંસ્કૃતિ, શિક્ષણ, કેળવણીથી વિશ્વના ગુરુ બની શકાય તેમ છે.