ફિટનેસ મુકુંદ મહેતા
- માનવજાતનો મહાશત્રુ-માનસિક તનાવ
સ્ટ્રેસ થવાના કારણો તમારા કાબૂમાં હોય તેવું કદાપી બનતું નથી આજના જમાનામાં સ્ટ્રેસના કારણો મોટે ભાગે શારીરિક ઓછા અને માનસિક વધારે હોય છે
પથ્થર યુગના માનવીથી શરૃઆત કરીએ તો જ્યારે તેને કોઈ જંગલી પ્રાણી મળે તો તેની સાથે ડર્યા વગર લઢવું પડે અથવા ડરીને નાસી જવું પડે આને વૈજ્ઞાાનિકો ''ફાઈટ ઓર ફ્લાઈટ રિસ્પોન્સ'' કહે છે. જંગલી પ્રાણી મળ્યું તેને ''સ્ટ્રેસર''કહેવાય. તે વખતે શારીરિક અને માનસિક ફેરફારો થાય તેને ''ફિઝિઓલોજિકલ રિસ્પોન્સ'' કહેવાય. બધા જ સ્ટ્રેસ ખરાબ નથી. સારા સ્ટ્રેસ એટલે રસ્તો ક્રોસ કરતી વખતે એકદમ ફાસ્ટ કાર આવે છે અને તમે ઝડપથી દોડીને રસ્તો ક્રોસ કરો છો તે સારો સ્ટ્રેસ કહેવાય.
''ફિઝિઓલોજિકલ રિસ્પોન્સ''ને લીધે કયા શારીરિક ફેરફારો થાય?
૧. હૃદયની ગતિ વધે. ૨. બ્લડ પ્રેશર વધે. ૩. શરીરના સ્નાયુઓને વધારે લોહી મળે વગેરે. આનો અર્થ એટલો કે 'સ્ટ્રેસ' થાય તે એક રીતે સારી વાત કહેવાય કારણ તેનાથી શરીરની કાર્યશક્તિ વધે. જ્યારે ભય જતો રહે ત્યારે ''સ્ટ્રેસ રિસ્પોન્સ'' થવા 'ફિઝિઓલોજિકલ રિસ્પોન્સ' જતો રહે. અહીં એક વાત યાદ રાખવાની છે કે શારીરિક ભય લાગે ત્યારે જ ''સ્ટ્રેસ રિસ્પોન્સ'' આવે તેવું નથી પણ કોઈપણ પ્રકારનો માનસિક ભય લાગે ત્યારે પણ ''સ્ટ્રેસ રિસ્પોન્સ'' આવે.
સ્ટ્રેસ થવાના બહારના કારણો :
૧. તમે નોકરી કરતાં હોય અને તમારી બદલી થાય ત્યારે તમારે કુટુંબીજનોથી દૂર જવું પડે. ૨. તમે જે કામ કરતાં હો તેમાં ગરબડ થઈ જાય. ૩. આર્થિક નુકસાન થયું હોય. ૪. તમારા ઘરમાં કોઈની તબિયત બરોબર ના રહેતી હોય. ૫. કોઈ પણ વાત તમને ગમતી ના હોય અને થયા કરતી હોય.
ટૂંકમાં સ્ટ્રેસ થવાના કારણો તમારા કાબૂમાં હોય તેવું કદાપી બનતું નથી આજના જમાનામાં સ્ટ્રેસના કારણો મોટે ભાગે શારીરિક ઓછા અને માનસિક વધારે હોય છે અને દરેક સમયે ''સ્ટ્રેસ રિસ્પોન્સ'' તો સતત આવ્યા જ કરે છે તે વખતે તમારા શરીરમાં જે ફેરફાર થાય છે તે જુઓ દા.ત. તમારી ગાડીને એક્સિડંટ થયો અને સ્ટ્રેસ રિસ્પોન્સ થાય તે વખતે તમારા હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને શ્વાસોશ્વાસ વધી જાય અને હથેળીમાં પરસેવો થઈ જાય, કઈ ખાવાની કે પીવાની ઈચ્છા ના થાય, કોઈપણ જાતના શારીરિક શ્રમ વગર સખત થાક લાગે, કશું યાદ ના રહે, શરદી અને ઉધરસ થઈ જાય.
માનસિક તનાવ સતત રહેતો હોય તેના લક્ષણો :
માનસિક તનાવના લક્ષણોની અસરથી તમારી તબિયત બરોબર ના રહે પણ તમને ખબર ના પડે. કોઈ વાર તમારું માથું વારે વારે દુખે,કોઈ વાર બરોબર ઊંઘ ના આવે, ઘણી વાર કામમાં ધ્યાન ન રહે વારે વારે ભૂલો થાય અને કશું ગમે નહીં તમે આ બધાને ગણકારો નહીં પણ ખરેખર તો આ બધા સ્ટ્રેસના જ લક્ષણો ગણાય જેની અસર તમારા શરીર પર પડે, તમારા મન પર પડે અને તમારી વર્તણૂક પર પણ પડે અને જો તમે આ માટે તાત્કાલિક પગલાં ના લો તો સ્ટ્રેસની અસરથી ૧. હૃદયના ધબકારા વધી જાય અને હાર્ટ એટેક આવે. ૨. હોજરીમાં અને આંતરડામાં ચાંદા પડે. ૩. મગજની એકાગ્રતા જતી રહે અને યાદશક્તિ ઓછી થઈ જાય. ૪. આખા શરીરના સ્નાયુઓમાં દુખાવો થાય જેને કારણે છાતીમાં અને બરડામાં વધારે દુખાવો થાય.
૫. ખૂબ થાક લાગે. ૬. વારે વારે પેટની ગરબડને કારણે ઝાડા થઈ જાય અથવા કબજિયાત થાય. ૭. બ્લડ પ્રેશર વધી જાય. ૮. જાતિય શક્તિ ઓછી થઈ જાય. ૯ શ્વાસ ચઢી જાય. ૧૦. ઘણી વાર વ્યક્તિ ગુસ્સે થઈ જાય. ૧૧ એને કશું ગમે નહીં. ૧૨. પોતાની તકલીફ માટે સતત કોઈનો વાંક કાઢે, ખોટી ખરી ફરિયાદ કર્યા કરે. ૧૩. સ્વભાવ તકરારી થઈ જાય, કોઈની સાથે બોલે નહીં અને એકલા બેસી રહે. ૧૧. કોઈ વાર વધારે ખાય તો કોઈ વાર ભૂખ્યા રહે. ૧૨. કારણ વગર રડયા કરે. ૧૪. આખો દિવસ પથારીમાં પડયા રહે. ૧૫. વજન વધી જાય. ૧૬. ચામડીના અનેક પ્રોબ્લેમ થાય. ૧૭. આ બધામાંથી છુટવા વધારે પડતી કોફી પીએ, સ્મોકીંગ કરે, દારૃ પીએ અને કુટુંબ અને સમાજથી અળગો થઈ જાય.
સ્ટ્રેસ કાયમ રહેતો હોય તો તે દૂર કરવા શું ઉપાય કરશો?
૧. નિયમિત તમને પસંદ હોય તેવી કસરત કરો. આ ઉપરાંત ૨૦ મિનિટ પ્રાણાયામ કરો. ૨. બને એટલા વધારે લોકોને મળો આ માટે જાહેર પ્રવચનમાં જાઓ. ૩. કોઈ શોખ કેળવો. ૪. ગમતું સંગીત સાંભળો. ૫. પૂરતી ઊંઘ લો જરૃર લાગે તો ઊંઘ માટે આડ અસર ના થાય તેવી ગોળીઓ લો. ૬. કુટુંબના કે બહારના કોઈને મિત્ર બનાવો અને તેની સાથે તમારી બધા જ પ્રકારની તકલીફોની વાત કરો અને સલાહ લઈ તમારું મન હલકું કરો. ૪. સમતોલ અને પૌષ્ટિક ખોરાક લો. આ માટે લીલા શાકભાજી અને તાજા ફળોનો ખોરાકમાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરો.
જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ જોવા અને ખાવા ગમે પણ તેનાથી બને તેટલા દૂર રહો. ૫. ખોરાકમાં વધારે પડતી સુગર લેશો નહીં. તેજ રીતે શરીરમાં કેફિન વધારે ના જાય માટે વધારે પડતી ચા, કોફી, કેફિન આવે તેવા કોલ્ડ ડ્રિંક્સ ઓછા લો. ૬. કામનું દબાણ વધે જેથી માનસિક તનાવ વધતો લાગે અને તમારું મન વિચારે ચઢી જાય તે પહેલા બગીચામાં ચાલવા જાઓ, કોઈ સારી મનને આનંદ આવે તેવી ફિલ્મ કે નાટક જોવા જાઓ, ગમતું સંગીત સાંભળો. ૭. કામની અગત્યતા પ્રમાણે ભાગ પાડી તે પ્રમાણે કામનો નિકાલ કરો. ૮. આજનું કામ કાલ પર ના છોડશો એ માટે વ્યવસ્થિત ડાયરી રાખો અને નોંધ કરો.
૯. ઘરમાં કે ઓફિસમાં બધું કામ પોતાની જાતે કરવાને કારણે જમવાના સમય અને સુવાના સમયમાં મોડું થાય તેવું કદાપિ ના કરશો. જરૃર લાગે તો વધારે માણસો રાખીને તેમને સોંપો. ૧૦. તમે તમારું પોતાનું કામ કે નોકરીનું કામ જે કંઈ કરતા હો તેમાં જે કોઈ મુશ્કેલી આવે તે કોઈ જાણકારાની સલાહ લઈને પુરું કરો. ૧૧. મોં ઉપર કામનો ભાર લઈને ના ફરો. મોઢું હસતું રાખો. દરેકની સાથે મોટા કે નાના હસીને વાત કરો. તમારા દુ:ખની કે તેમના દુ:ખની વાતો કહો નહીં કે સાંભળો નહીં. આનંદની વાતો કરો. ૧૨. કોઈ પણ કામ કે બાબત પર વધારે પડતા ઉત્સાહી કે આશાવાદી ના થશો કારણ કોઈ વખત તમે ધારેલું પરિણામ ના આવે ત્યારે તમારો તનાવ વધી જશે. ૧૩. કાયમ હસમુખા રહો. જોક્સની ચોપડીઓ વાંચો. ૧૪. કોઈ શોખ કેળવો.
એક વાત હંમેશાં સમજી લેશો. માનસિક તનાવ માટે ડોક્ટરોની સલાહ લઈને દવાઓ લેવાની શરૃઆત કરવી એ છેલ્લો ઉપાય નથી. ઉપાય તમારા હાથમાં જ છે. છેલ્લે નીચેનો ફકરો બે વાર વાંચો અને નિશ્ચયપૂર્વક તેનો અમલ કરો :
માનસિક તનાવને અંગ્રેજીમાં સ્ટ્રેસ કહે છે. તેનો અંગ્રેજીમાં સ્પેલિંગ STRESS છે. આગળ એક "S" અને પાછળ બે "S S છે. એસ (ASS)નો અર્થ તમે જાણો છો મારે કહેવાની જરૃર નથી.
૧. ''આગળ'' એટલે તમારા સ્વભાવ પ્રમાણે 'ભવિષ્ય'નો વિચાર કરશો તો એક લાત પડશે.
અને
૨. ''પાછળ'' એટલે તમારા સ્વભાવ પ્રમાણે 'ભૂતકાળ'નો વિચાર કરશો તો બે લાત પડશે.
માટે સ્ટ્રેસ એટલે કે માનસિક તનાવને કાબૂમાં રાખવો હોય તો હંમેશા ભૂતકાળને ભૂલી જાઓ અને ભવિષ્ય કાળની ચિંતા ના કરો અને હંમેશાં વર્તમાનમાં રહેવાની ટેવ પાડો. એટલે કે સ્વભાવ સુધારો. વારે વારે ભૂતકાળની ભૂલોનો વિચાર ના કરો અને જે રીતે ભવિષ્યકાળમાં જે થવાનું છે ેતેની ચિંતા ના કરો કારણ કે તમારા હાથમાં નથી.આ બે વાત ઉપરાંત બીજી બે વાત પણ યાદ રાખો.
૩. તમારી પાસે જે છે તે શ્રેષ્ઠ છે.
તમારું ઘર સારું છે. ઘરનું ફર્નિચર સારું છે. તમે રહો છો તે ગામ કે શહેર સારું છે. તમારા પતિ/પત્ની, ભાઈ, બહેન, મા બાપ બધા જ સારા છે. તમારા આડોશી પાડોશી, સગા વહાલા, મિત્રો બધા જ સારા છે.
૪. તમારા રોજિંદા જીવનમાં જે કાંઈ બને છે તેને સ્વીકારી લો.
ખૂબ પ્રયત્ન કરીને યાદ રાખો કે તમારા જીવનમાં રોજે રોજ જે બને છે તે તમારા ઇષ્ટદેવે નક્કી કરેલું છે. બીજા કોઈએ નહીં એટલે તેને હસતા મોંએ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર સ્વીકારી લો. (છબબીૅા ૈા) જે થાય છે તે ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે તેમાં તમે ગમે તે પ્રયત્ન કરશો તો પણ તે પરિસ્થિતિમાં ફેર પડવાનો નથી માટે તેને સ્વીકારી લો.
આ ચારે વાતો અમલમાં મૂકવી તે બહુ જ મુશ્કેલ કામ છે પણ ખરા દિલથી જો પ્રયત્ન કરશો તો થોડો વખત લાગશે પણ તમે સફળ થશો અને એક સમય એવો આવશે કે માનસિક તનાવ જેવી વસ્તુ શું કહેવાય તે પણ તમને યાદ નહીં આવે.