આજે રાસોત્સવ અને દૂધ-પૌંઆ સાથે ઉજવાશે શરદ પૂર્ણિમા: 5,000 વર્ષ પહેલાં આ જ દિવસે શ્રીકૃષ્ણ રમ્યા હતા મહારાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sharad Purnima 2026 Celebration: પ્રાચીન કાળથી ભારતમાં ભક્તિ, શાંતિ, સ્વાસ્થ્ય માટેનું ઉત્તમ પર્વ મનાતી શરદપૂર્ણિમા આજે રવિવારે(25 ઓક્ટોબર) છે, જેને કોજાગિરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં પરંપરાગત રીતે આ દિવસે સોળે કળાએ ખીલેલા ચંદ્ર સમક્ષ રાખીને દૂધપૌઆ કે ખીર આરોગીને તેમજ રાસોત્સવ માણીને ઉજવણી કરાય છે. આ પર્વ પર અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે.
આજે રાસોત્સવ અને દૂધ-પૌંઆ સાથે ઉજવાશે શરદ પૂર્ણિમા
રાજકોટમાં પ્રથમવાર મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સમાં રાત્રે 8:30 વાગ્યાથી જાહેર શરદોત્સવનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં લોકસંસ્કૃતિ અનુસાર રાસ-ગરબાનું આયોજન કરાયું છે. જ્યારે કોઠારીયા કોલોની ગ્રુપ દ્વારા 80 ફૂટના રોડ પર મ્યુનિસિપલ શેઠ હાઇસ્કૂલ પરિસરમાં માત્ર મહિલાઓ માટે નિઃશુલ્ક રાસોત્સવ સહિત અનેક સ્થળે રાસગરબાના આયોજન થયા છે.
શરદ પૂનમને 'કોજાગિરી' પૂર્ણિમા શા માટે કહેવાય છે?
એવી પરંપરાગત શ્રદ્ધા-માન્યતા છે કે આ દિવસે મહાલક્ષ્મી આકાશમાં દિવ્ય સ્વરૂપે વિચરણ કરીને લોકોમાં પૂછે છે 'કો જાગર્તિ?' અર્થાત્ કોણ જાગે છે. અને જ્યાં જાગૃત મનુષ્ય છે ત્યાં લક્ષ્મીજી પધારે છે. આ દિવસે લક્ષ્મીજીના પૂજનનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. ભારતીય શાસ્ત્રોમાં જાગવાનો અર્થ નિદ્રામાંથી જ નહીં પરંતુ, ભ્રમણા ભાંગીને સત્યથી પરિચિત થવું તે પણ જાગરણ છે.
ગુજરાતમાં આ વખતે સ્વચ્છ આકાશ છે જેના કારણે શરદ પૂનમના ચંદ્રદેવના દિવ્ય દર્શન થશે. લોકો પરંપરાગત રીતે દૂધ, સાકર અને પૌઆ મિશ્રિત પ્રસાદ ચંદ્રના કિરણો પડે તે રીતે અગાશી પર રાખી બાદમાં તેને ગ્રહણ કરતા હોય છે.
આયુર્વેદિક અને પૌરાણિક મહત્ત્વ
આયુર્વેદ અનુસાર શરદ ઋતુમાં સવારે ઠંડક અને બપોરે તાપ એવી મિશ્રઋતુના કારણે પિત્ત પ્રકોપ વધતો હોય છે, જે અનેક રોગને જન્મ આપે છે ત્યારે પિત્તનું શમન કરતા દૂધપૌઆ કે ખીર આરોગવા પાછળ આયુર્વેદિક દ્રષ્ટિકોણ રહેલો છે. આ ઉપરાંત, પાંચ હજાર વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણે કિશોરાવસ્થામાં વૃંદાવનમાં આજના દિવસ શરદ પૂર્ણિમાએ ગોપીઓ સાથે દિવ્ય રાસલીલા યોજી હતી જે ભક્તિરસથી તરબતર પ્રસંગને સ્મરીને તેમજ આ રાત્રિના મહાલક્ષ્મીજી સહિત દેવી-દેવતાઓનાં પૂજનથી પણ ઉજવણી કરાય છે.




