રાજકોટ સિવિલમાં પ્રાણપ્રશ્નોના ઈલાજ કોરાણે ને રાજકીય રોટલા શેકવા હોડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દરરોજ ૩૦૦૦ દર્દીઓની અવરજવર થાય છે. આવી મોટી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને મળતી સારવાર અને સુવિધા કરતાં અત્યારે રાજકીય રોટલા શેકવાની હોડ વધુ જામી છે. થોડા દિવસ પહેલાં રાજ્યના આરોગ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. નિરીક્ષણ દરમિયાન જરૂરી સૂચનાઓ અપાઈ હતી, પરંતુ મુલાકાત બાદ ફક્ત સફાઈ અને વહીવટ બાબતે સલાહ-સૂચનો આપ્યા, ખરાં પ્રશ્નો-સમસ્યાઓને નજર અંદાજ કરી દીધા. હવે આજે કોંગ્રેસે પણ સાત મુદ્દે આવેદનપત્ર આપીને અત્યારે ઉકેલાઈ ગયા છે કે જરૂર નથી એવા પ્રશ્નોની રજૂઆત કરતા આશ્ચર્ય સર્જાયું છે.
ખરેખર સિવિલ હોસ્પિટલમાં કાડયાક સર્જનથી માંડીને સ્વીપર સહિતની ૩૫ ટકાથી વધુ જગ્યાઓ ખાલી પાડી છે, ૧૩૬ જેટલા તબીબી સાધનોની અછત છે, વારંવાર દવા સપ્લાય ચેઈન ખોરવાઈ જાય છે, પૂરતા રક્તદાતા મળતા નથી, પૂરતા સ્ટ્રેચર-વ્હીલચેર નથી, બહારગામથી આવતા દર્દીઓના સગા માટે રહેવા-જમવાની વ્યવસ્થા નથી, એમ્બ્યુલન્સો બંધ પડી છે, ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોકટરોને ૨૪થી ૪૮ કલાક ડયુટી કરવી પડે છે, સિક્યુરિટી સિસ્ટમમાં વારંવાર છીંડા ખુલે છે, રોગી કલ્યાણ સમિતિમાં શંકાસ્પદ ખર્ચા અને ગેરવહીવટ, ટેન્ડરોમાં ગોલમાલ જેવી ફરિયાદોની તપાસ સમિતિનાં રિપોર્ટ ગુમ થઈ ગયા છે.
બીજી તરફ આજે કોંગ્રેસે સામાન્ય અને જીવન જરૂરી દવાઓનો અભાવ, થેલેસેમિયાના દર્દીઓ માટે લોહીની અછત, જામનગર રોડ ગેટથી ઈમરજન્સી વિભાગ સુધી સ્પીડબ્રેકર, હોસ્પિટલ કેમ્પસમાં મોટા ખાડા, દર્દીઓના ભોજનમાં જીવજંતુની ફરિયાદ, સાફ-સફાઈનો અભાવ વગેરે સાત મુદ્દે આજે સૂત્રોચ્ચાર સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. એ જ સમયે એમને જવાબ મળ્યો કે, અત્યારે દવાનો પુરતો સ્ટોક છે, થેલેસેમિકો માટે પુરતું બ્લડ ઉપલબ્ધ છે, વાહનો ધીમા ચાલે એટલે સ્પીડબ્રેકર જરૂરી છે, ખાડા બતાવો એટલે બુરી દેવાશે.! હકીકતે સાચા પ્રશ્નો પ્રત્યે શાસક-વિપક્ષ આંખ આડા કાન કરતા આવ્યા છેે. ખરેખર તબીબી સ્ટાફ, સાધનો, હ્ય્દયરોગની પૂરતી સારવાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મૂળ પ્રશ્નોનો કાયમી ઉકેલ જરૂરી છે.
- હૃદયરોગની સારવાર સીમિત, કેથલેબ ધોળો હાથી!
સૌથી મહત્વનું કે કોરોના મહામારી બાદ હૃદયરોગના કેસ વધ્યા છે પણ સૌરાષ્ટ્ર માટે જીવાદોરી સમાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ઉપલબ્ધ નથી. અહીં યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટની સુવિધા ઓપીડી અને નોર્મલ એન્જીયોગ્રાફી સુધી સીમિત રાખી દેવાઈ છે. ત્રણ વર્ષથી રૂા.૨૦ કરોડના ખર્ચે તૈયાર કેથલેબમાં સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, ને એક વર્ષથી ઓપરેશન થિયેટરનું કામ ગોકળગાયની ગતિએ ચાલે છે. જ્યાં ૩ દિવસ પહેલા આરોગ્ય મંત્રીએ યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટ સુધી ચક્કર લગાવી હતી, પણ પછી પીઠ ફેરવીને મૌન ધારણ કરી લીધું હતું. વળી, આ મુદ્દે કોંગ્રેસ પણ આંખ આડા કાન કર્યે રાખે છે.




