Rajkot

રાજ્યની 17 હજાર ખાનગી શાળાઓના પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલન

By GS Team
30 Oct 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનના ૧૦ જિલ્લાના શાળા સંચાલકોએ રાજ્ય સરકાર સામે લડતનો નિર્ણય કર્યો છે. ૧૭ હજાર ખાનગી શાળાઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન થતાં, દિવાળી બાદ સરકારને રજૂઆત કરાશે. ઉકેલ ન આવતાં, 9 અને 10 ડિસેમ્બરે રાજ્યવ્યાપી ખાનગી શાળાઓ બંધ રાખવાનું એલાન કરાયું છે. ફી નિર્ધારણ, RTEની ટોકન ફી અને સરકારી નિયંત્રણો જેવા પ્રશ્નો મુખ્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યની 17 હજાર ખાનગી શાળાઓના પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલન

રાજકોટ : રાજ્યની 17 હજાર ખાનગી શાળાઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો નિકાલ નહીં થતા આજરોજ રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનના ૧૦ જિલ્લાના શાળા સંચાલકોના મહાસંમેલનમાં રાજ્ય સરકાર સામે લોકશાહી પ્રણાલી મુજબ લડતના મંડાણ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. દિવાળી બાદ ખાનગી શાળાના પ્રશ્નો ઉકેલવા માટે રાજ્ય સરકારને રજૂઆત કર્યા બાદ ઉકેલ નહીં આવે તો તા. ૯ અને ૧૦ ડીસે.ના રાજ્યવ્યાપી ખાનગી શાળાઓ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યની સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નો અંગે અગાઉ અનેકવખત સરકારમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં રાજ્યની ચારે'ય ફિ નિર્ધારણ સમિતિઓની નિર્ણય પ્રક્રિયામાંથી વિસંગતતાઓ દૂર કરવામાં આવી નથી. ફિ નિર્ધારણની દરખાસ્તોના નિકાલમાં વિલંબ થાય છે. બિનજરૂરી સરકારી નિયંત્રણો, શાળાઓની સ્વાયતતા અને વધુ પડતાં સરકારી હસ્તક્ષેપને દૂર કરવા સહિતના પ્રશ્નો અંગે ઉકેલ આવ્યો નથી. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ જે વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. તેની સરકાર માત્ર ટોકન ફી ચુકવે છે. વાસ્તવિકતા ખર્ચ ઘણો મોટો હોય છે. શાળાની મંજૂરી, વર્ગવધારો, જેવી બાબતોમાં મોડુ થાય છે.
આ સ્થિતિમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ જતીનભાઈ ભરાડે જણાવ્યું હતું કે ખાનગી શાળાઓ દરેક પ્રશ્નોને સહકારથતી ઉકેલવા ઇચ્છે છે તેથી દિવાળી બાદ ગાંધીનગર ખાતે સરકારમાં રજૂઆત કરાશે તેમ છતાં નક્કર ઉકેલ નહીં આવે તો તા. ૯ અને તા. ૧૦ ડીસે.ના રાજ્યવ્યાપી બે દિવસ શાળા બંધ રાખી લડતને આગળ વધારવાની રણનીતિ જાહેર કરવામાં આવશે.