મેં જ મારી બે વર્ષની માસૂમ પુત્રીને પાંચમા માળેથી નીચે ફેંકી દીધી હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળ શહીદ ઉધમસિંઘ ટાઉનશિપમાં રહેતી બે વર્ષની સ્નેહલ નામની બાળકીની પાંચમા માળેથી નીચે ફેંકી હત્યા કરી દેવાઈ હતી. શહેરમાં અરેરાટી સર્જનાર આ કેસમાં ચોંકાવનારો અને સમાજને વિચારતા કરી મુકે તેવો ખુલાસો થયો છે. સ્નેહલની ખુદ તેની માતા પૂનમ સંજયભાઈ સાકરીયાએ જ હત્યા કરી હતી. ગઈકાલે તેણે પોલીસ સમક્ષ હત્યા કબૂલી પણ લીધી હતી.
જો કે હત્યા પાછળનું જે કારણ આપી રહી છે તે પોલીસને ગળે ઉતરતું નથી. પોલીસનું સ્પષ્ટ માનવું છે કે પોતાના પ્રેમસંબંધમાં પુત્રી સ્નેહલ આડખીલીરૂપ ન બને તે માટે જ માતા પૂનમે તેને મોતને ઘાટ ઉતારી હશે.
બી ડિવિઝનના પીઆઈ આર.જી. ચૌહાણ સમક્ષ પૂનમે એવું રટણ કર્યું છે કે મને ઘણી વખત ગુસ્સો આવે ત્યારે શું કરું છું તેની કોઈ ખબર જ રહેતી નહતી. તે દિવસે પણ મને ગુસ્સો આવી જતાં સ્નેહલને પાંચમા માળેથી નીચે ફેંકી દીધી હતી. મને એ પણ ખબર નથી કે મેં આવું શા માટે કર્યું. હવે મને ખૂબ જ પસ્તાવો થાય છે.
જો કે પોલીસને આ કેફિયત કોઈપણ રીતે ગળે ઉતરતી નથી. પોલીસનું કહેવું છે કે પૂનમને લગ્નેતર સંબંધ હશે. જેમાં પુત્રી સ્નેહલ કદાચ આડખીલીરૂપ બનતી હશે. જેને કારણે તેની હત્યા કરી નાખી છે. જો કે પૂનમને કોની સાથે અફેર હતો તે વિશે પોલીસને કોઈ માહિતી મળી નથી.
કારણ કે પૂનમ આ બાબતે કાંઈ બોલતી નથી. વળી તે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરતી ન હોવાથી તેના કથીત અફેર વિશે હાલ કોઈ માહિતી નહીં મળ્યાનું પોલીસ કહી રહી છે. પાડોશમાં જ કોઈની સાથે અફેર હોવાની શક્યતા પોલીસે દર્શાવી તે દિશામાં તપાસ આગળ વધારી છે.
ત્રણ દિવસ પહેલા સાંજે આ ઘટના બની હતી. જો કે તેના થાડા સમય પછી જ પૂનમ પોલીસના શંકાના દાયરામાં આવી ગઈ હતી. આ દરમિયાન તેણે અલગ રહેતા પતિ સંજય ઉપર શંકા જાય તે માટેના તમામ પ્રયાસો કર્યા હતા. તેણે ઘણી રોકકળ પણ કરી હતી. પરંતુ આખરે તેનો ભાંડો ફૂટી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે પૂનમને પતિ સંજય સાથે વિખવાદ ચાલતો હતો. જેને કારણે તે છેલ્લા દોઢેક વર્ષથી પુત્રી સ્નેહલ સાથે પિતા જગદીશભાઈ અને ભાઈઓ સાથે શહીદ ઉધમસિંઘ ટાઉનશીપમાં રહેતી હતી.
મારી પુત્રી પડી ગઈ તેવી બુમો પાડી અજાણ હોવાનું નાટક કર્યું
પુત્રી સ્નેહલને પાંચમા માળેથી નીચે ફેંકી દીધા બાદ માતા પૂનમ લિફ્ટમાં નીચે ગઈ હતી અને તે સાથે જ મારી દીકરી પડી ગઈ, મારી દીકરી પડી ગઈ તેવી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં પુત્રી સાથે હોસ્પિટલ પણ ગઈ હતી. જ્યાંથી પરિવારજનોએ તેને ઘરે મોકલી દીધી હતી.
અગાઉ ગુસ્સો આવે ત્યારે શું કરતા તેવું પૂછાતા ચૂપ થઈ ગઈ
પૂનમે ગુસ્સામાં આવી પુત્રીની હત્યા કર્યાનું પોલીસ સમક્ષ રટણ કર્યું હતું. તેણે કહ્યું કે તેને ગુસ્સો આવે ત્યારે શું કરે છે તેની ખબર પડતી ન હતી. પોલીસે તેની સાથે આવું અગાઉ થયું હોય તો શું કર્યું હતું તે બાબતે પૂછતા ચૂપ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે પુત્રીની હત્યા બાદ હિંમત નહીં થતા માતા-પિતાને સત્ય હકીકતો જણાવી ન હતી.
રાત્રે સીસીટીવી કેમેરા લાગે તે પહેલાં સાંજે હત્યા કરી નાખી
રાજકોટ : હત્યા બાદ માતા પૂનમે પોલીસને કહ્યું કે તે હજુ વોશરૂમ જતી હતી ત્યારે છઠ્ઠા માળેથી પુત્રી સ્નેહલની મમ્મી મમ્મીની બૂમો સાંભળી દોડી ગઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં તો સ્નેહલને કોઈએ નીચે ફેંકી દીધી હતી. પૂનમે આપેલા આ નિવેદન બાદ પોલીસે તેને બાથરૂમથી છઠ્ઠા માળે જતાં કેટલો સમય લાગે તે અંગે તપાસ કરતા આ સમયગાળો માત્ર ત્રણ સેકન્ડનો જ હતો. આટલી વારમાં આરોપી સ્નેહલને નીચે ફેંકી ગાયબ થઈ જાય તે વાત પોલીસને ગળે ઉતરી ન હતી. વળી એપાર્ટમેન્ટના રહીશોએ પણ કોઈ અજાણ્યા વ્યક્તિને નહીં જોયાનું કહ્યું હતું. આ બધા કારણથી માતા પૂનમ પોલીસના રડારમાં આવી ગઈ હતી.
વળી પૂનમના પરિવારના બીજા સભ્યોએ સ્નેહલની બૂમો પણ સાંભળી નહીં હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. એટલું જ નહીં પૂનમ જે ફ્લોર પર રહેતી હતી ત્યાં તે જ દિવસે રાત્રે તેનો ભાઈ વાયરલેસ સીસીટીવી કેમેરા લગાડવાનો હોવાની માહિતી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે પણ પોલીસને શંકા ગઈ હતી. આખરે સીસીટીવી કેમેરા લાગી જાય તો પોતે હત્યા ન કરી શકે તેમ જણાતા જ પૂનમે તે દિવસે સાંજે પુત્રીની હત્યા કરી નાખી હતી.
પોલીસને જાણવા મળ્યું હતું કે હત્યાના થોડા સમય પહેલા રાબેતા મૂજબ સ્નેહલ પોતાના ઘર એટલે કે પાંચમા માળેથી છઠ્ઠા માળે રહેતા અર્ચનાબેનની છ વર્ષની પુત્રી સાથે રમવા અવર જવર કરતી હતી. બે-ત્રણ વખત આવું કર્યા બાદ તેણે મમ્મી મમ્મી કહ્યું હતું. જો કે તેણે દેકારો કરી મમ્મીને બોલાવી ન હતી.
તેનો અવાજ સાંભળતા જ પુનમ છઠ્ઠા માળે પહોંચી હતી. પુત્રી સ્નેહલને લઈને પાંચમા માળે આવતી હતી ત્યારે વચ્ચેની જગ્યા પાસે ઉભા રહી એકાદ મિનિટ તેણે પોતાને કોઈ જોતું નથી તેની ખાતરી કર્યા બાદ સ્નેહલને જોરથી બહાર ફેંકી દીધી હતી.
ત્રણ દિવસ બાદ પોલીસે પતિ સંજયની ફરિયાદના આધારે પૂનમ વિરૂદ્ધ ખૂનનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. સાંજે પોલીસ તેને કઈ રીતે પુત્રીની હત્યા કરી તેની માહિતી મેળવવા માટે રિ-કન્સ્ટ્રક્શન પંચનામું કરાવવા ઘટના સ્થળે લઈ ગઈ હતી.




