વતન તરફ જવાની શ્રમિકોની નિર્થક ઉતાવળે કરુણાંતિકા સર્જી
- મુંબઇમાં વર્ષે 2500 થી વધુ લોકો ટ્રેક પર મોતને ભેટે છે
- અમદાવાદથી ડાકારે જતા પદયાત્રીઓ મહેમદાવાદ સુધી રેલ્વે ટ્રેક પર જતા હતા...
રેલ્વે ટ્રેક પર ૧૫ શ્રમિકોના મોતની કમકમાટી ભરી ઔરંગાબાદ ખાતેની ગયા શુક્રવારની ઘટના હજુ નજર સામેથી ખસતી નથી. કોણ જવાબદાર અને માનવ જીવનની કોડીની કિંમત પર ચર્ચા ચાલી રહી છે. પરંતુ માણસની કમનસીબી તેને છોડતી નથી તે જાણે છે કે રેલ્વે ટ્રેકએ મોતનો ટ્રેક છે પરંતુ સમય સંજાગો તેમને મોતના મુખમાં ખેંચી ગયા હતા. શ્રમિકોની વતન તરફની નિર્થક દોડનું આવું ગંભીર પરિણામ આવી શકે તે તો કોઇએ કલપ્યું પણ નહોતું.
રેલ્વે ટ્રેક પર ચાલવાનો લ્હાવો બહુ ઓછા લોકોને મળ્યો હશે. રેલ્વે ટ્રક પર બેે પાટાની વચ્ચે સ્લીપર્સ(લંબચોરસ લાકડું) અને મેટલ (૧૫-૨૦ કપચી ભેગી કરીને બનેલો હોય એવો મોટો પથ્થર)હોય છે. મેટલની વિશેષતા એ હોય છે કે તે ચોરેબાજુથી અણીવાળો હોય છે. ચાલતી વખતે તે પગના તળીયે વાગે તો લોહી કાઢી શકે છે. કોઇના માથામાં તેને ફટકારાય તો ટાંકા લેવા પડે એવી ઇજા થાય છે. જ્યારે કોઇ ટ્રેન ટ્રેક પરથી પસાર થાય ત્યારે ધણીવાર આ મેટલ ગોફણની જેમ ઉછળીને નજીકથી પસાર થતા લોકોને વાગે છે.
રેલ્વે ટ્રેકની બાજુમાં નાની પગદંડી જેવું હોય છે. ગામની નજીકના લોકો તેનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ઓવરઓલ આ સાઇડના ભાગ પર જાંખરા ઉગેલા હોય છે. જે શ્રમિકો આ ટ્રેક પર તેમના કુટુંબો સાથે ચાલતા નિકળ્યા હશે તેમની હિંમત સલામને પાત્ર છે. ભારતના રેલ્વે ટ્રેક ગંદા ગોબરાં હોય છે. ટ્રેનમાં પ્રવાસ કરતાં લોકોની હાજત અને પેશાબ પાણી ટ્રેક પર સડતાં હોય છે જે રોગચાળો પણ ફેલાવી શકે છે. આવા ટ્રેક પરથી ચાલવું તે જોખમથી ભરેલું હોય છે. જ્યારે કેટલાક માટે તો રેલ્વે ટ્રેક એ ઝુંપડ પટ્ટીનો ટ્રેક બની ગયો હોય છે. ટ્રેક પર જનજીવન ધબકતું હોય છે. મુંબઇ જાવ ત્યારે કેટલાક વિસ્તારો આવતાંજ લોકો બારીઓ બંધ કરી દે છે. કેમકે ટ્રેકને સમાંતર આવેલી ઝુંપડપટ્ટીઓના લોકો સવારે કુદરતી હાજતે બેઠા હોય છે. મુબઇ જતા આવતા લોકો આ વાતથી પરિચીત છે. ટ્રેક પરની જીંદગી જોખમથી ભરેલી હોય છે.
મુંબઇની દોડધામમાં હજારો લોકો રેલ્વે ટ્રક પર કપાઇ જાય છે. એમાં રેલ્વેવાળાનો નહીં પણ ટ્રેક ઓળંગનારાઓનો વાંક હોય છે. કેટલાક કાનમાં ઇયર ફોન ભરાવીને ફરતો હોય છે એટલે પાછળથી આવતી ટ્રેનની વ્હીસલ તેમને નથી સંભળાતી. ટ્રેક પરના અકસ્માતોમાં ૯૯.૯૯ ટકા કેસોમાં મૃતક જવાબદાર હોય છે. એક અંદાજ અનુસાર મુંબઇમાં દર વર્ષે ૨૫૦૦ જેટલા લોકો ટ્રેક પર કપાઇ જાય છે.ચોકીદાર વિનાના રેલ્વે ફાટક પણ અનેક વાર જોખમી સાબિત થયા છે. રેલ્વે ટ્રેક એ રેલ્વેની પ્રિમાઇસીસ ગણાય છે. રેલ્વે ટ્રેક પર નહીં ચાલવાની સૂચના આપતા સાઇન બોર્ડ પણ મુકેલા હોય છે. જોકે કેટલાક ગામો તો ટ્રેકની બે બાજુ પર વસેલા હોય છે. આવા ગામોની જીંદગીજ ટ્રેક પર ધબકતી હોય છે.
આપધાત કરવાનું વિચારનારાઓને નદી પરનો પુલ અને રેલ્વે ટ્રેક આસાન લાગતા હોય છે. અસંખ્ય પ્રેમી પંખીડાઓએ ટ્રેક પર સુઇ જઇને જીવનનો અંત લાવી દીધો છે. એ પણ હકીકત છે કે મોટા ભાગના રેલ્વે અકસ્માતો માનવ સર્જીત હોય છે.રેલ્વે મંંત્રાલય અકસ્માતો નિવારવા પ્રયાસો કરે છે પણ માનવ સર્જીત અકસ્માતો અટકવાનું નામ નથી લેતા.
જ્યારે રસ્તાઓ નહોતા ત્યારે અમદાવાદથી ડાકારે જતા પદયાત્રીઓ મહેમદાવાદ સુધી રેલ્વે ટ્રેક પર જતા હતા. ત્યારે રેલ્વેના બે ટ્રેક હતા. એક બાજુ પરથી ટ્રેન આવે તો સામેના ટ્રેક પર જતા રહેવાનું અને જો બંને બાજુ પરથી ટ્રેન આવતી હોય તો ટ્રેકની વચ્ચેના ભાગે બેસી જવાની સૂચના અપાતી હતી. ટ્રેક પર આવતા બ્રીજ પસાર કરવા બહુ જોખમી બનતું હતું. પાળી વિનાના આ પુલ પર વચ્ચે પતરાની મોટી પટ્ટી મુકાતી હતી. તેના પર પદયાત્રીઓ બેસી જતા હતા અને ટ્રેનને પસાર થવા દેવાતી હતી. હવે પાકા રોડના કારણે પદયાત્રાઓ આસાન બનવા લાગી છે.
ટ્રેકીંગ કરનારાઓ સ્પેશયલ સૂઝ પહેરતા હોય છે જ્યારે ટ્રેક પર ચાલીને જતા શ્રમિકોએ સ્લીપર કે ચંપલ પહેરેલા હોય છે. અણીદાર મેટલ પરથી તેમને ચાલવાનું હોય છે. ગરમીમાં મેટલ પણ ગરમ થઇ ગયા હોય છે. આ સ્થિતિમાં ચાલવું બહુ જોખમ ભરેલું હોય છે. કોઇએ એમ કહ્યું છે કે શ્રમિકોને મોત બોલાવતું હતું પરંતુ હકીકત એ છે કે આ લોકો મોત સાથે બાથ ભીડવા જઇ રહ્યા હતા. તેમની વતન તરફ જવાની ઉતાવળે તેમની જાગૃતિને નબળી પાડી દીધી હતી.