ચેતતા રહેજોઃ 48 દિવસમાં શેર હવનમાં રૂ.26 લાખ કરોડ સ્વાહા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ખલનાયક ઓઇલ સાથે બોન્ડ યીલ્ડ હાથ મિલાવે છે
- પ્રસંગપટ
- FII આઉટફ્લોએ બળતામાં ઘી હોમ્યું છે. રોકાણ પાછું ખેંચી લેવાની હોડ મચી હોય એમ લાગી રહ્યું છે
સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત આઠ અઠવાડિયાંથી ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. ૨૬ લાખ કરોડથી વધુનો ફટકો પડયો છે. ટૂંકમાં શેરના હવનમાં ૨૬ લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે.
એક તરફ ઓઇલના ઊંચા ભાવ શેરમાર્કેટ પર દબાણ બનાવી રહ્યા છે, તો બીજી તરફ વધતી બોન્ડ યીલ્ડ, વિદેશી રોકાણકારોની પાછી ખેંચાયેલી મૂડી (એફઆઈઆઈ આઉટફ્લો), મજબૂત ડાલર અને ટાઇટ લિક્વિડિટી વેચવાલીનું દબાણ વધારી રહ્યાં છે અને રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરી રહ્યાં છે. આ મુદ્દા રોકાણકારોને ડરાવી રહ્યા છે. કહે છે કે પરિસ્થિતિ વધુ વણસી શકે છે.
ભારતીય શેરબજારે હાલમાં ફટકા ખાવાનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે. દલાલ સ્ટ્રીટે સતત આઠ અઠવાડિયાં સુધી જે નુકસાન નોંધાવ્યું છે, તે ૨૦૨૦ના કોવિડ-૧૯ ક્રેશ અને ૨૦૦૮ની વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન જોવા મળેલી મંદીના ક્રેશને પણ વટાવી ગયું છે.
મધ્ય પૂર્વના સંકટને કારણે ફેબ્આરીના અંતથી ઓઇલના ભાવ ઊંચા સ્તરે પહોંચ્યા છે, પરંતુ મોટો આંચકો બોન્ડ યીલ્ડ તરફથી આવી રહ્યો છે. છેલ્લા આઠ અઠવાડિયાંમાં સેન્સેક્સ ૬,૫૯૦ પોઈન્ટ તૂટયો છે, જ્યારે નિફ્ટીએ ૨,૧૪૯ પોઈન્ટ ગુમાવ્યા છે. ઈરાન અને યુએસ-ઈઝરાયેલ વચ્ચે ફેબ્આરીના અંતમાં યુદ્ધ શરૂ થયું હતું, જેના કારણે તેલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો હતો. માર્ચ-એપ્રિલ ૨૦૨૬માં બ્રેન્ટ ક્ડ પ્રતિ બેરલ ઇં૧૨૦થી પણ ઉપર પહોંચી ગયું હતું. વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરમાર્કેટ પર પણ તેની ભારે અસર થઈ હતી. થોડા સમય માટે તે ૭૮,૦૦૦ને પાર કરી ગયો હતો, પરંતુ ત્યારથી તેણે તે મોટાભાગનો સુંદર વધારો ગુમાવી દીધો છે.
સેન્સેક્સ ગુરુવારે ૭૧,૨૯૩ની ૫૨-અઠવાડિયાંની નીચલી સપાટીએ પહોંચ્યો હતો, જે તેલના ભાવ પ્રતિ બેરલ૧૨૦ ડોલરથી ઉપર ગયા હતા તે સમય કરતાં પણ ઓછો હતો. નોંધનીય છે કે, તેલના ભાવ ઘટીને પ્રતિ બેરલ ૧૦૦ ડોલરથી નીચે આવ્યા હોવા છતાં આ ઘટાડો આવ્યો હતો.
તાજેતરની વેચવાલીએ બજારને મધ્ય પૂર્વ સંઘર્ષના ચરમસીમાના સમય કરતાં પણ નીચલા સ્તરે ધકેલી દીધું છે, અને વધતી જતી બોન્ડ યીલ્ડના કારણે આ સ્થિતિ વધુ તીવ્ર બની હોઈ શકે છે.
ગ્લોબલ યીલ્ડ વધવા અને વિદેશી રોકાણકારોની વેચવાલી વધવાથી દલાલ સ્ટ્રીટનો આઠ અઠવાડિયાંનો ઘટાડો વધુ તીવ્ર બન્યો છે.
૩૦-વર્ષની ટ્રેઝરી યીલ્ડ પણ વધીને ૫.૬૫%થી ઉપર પહોંચી ગઈ છે, જે ૨૦૦૨ પછીના સર્વોચ્ચ સ્તરે છે. વધતી બોન્ડ યીલ્ડ સામાન્ય રીતે રોકાણકારો માટે ડેટ માર્કેટને વધુ આકર્ષક બનાવે છે, જે બદલામાં જોખમી ઇક્વિટી બજારો પર દબાણ લાવે છે. બોન્ડ યીલ્ડ અને બોન્ડની કિંમતો વચ્ચે વિપરીત સંબંધ છે, તેથી આ વધતી યીલ્ડ બોન્ડ્સમાં ભારે વેચવાલી દર્શાવે છે.
શેરબજાર પર રીંછ (મંદીના વાતાવરણ)ના પંજા વધુ મજબૂત કરનારું બીજું પરિબળ વિદેશી રોકાણકારોનો મોટો ઉપાડ છે. એનએસઈના પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બુધવારે માત્ર એક જ સત્રમાં રૂ. ૧૦,૧૪૮ કરોડની ભારતીય ઇક્વિટીનું ચોખ્ખું વેચાણ કર્યું હતું. મંગળવારે પણ આવું જ ચિત્ર હતું, જ્યારે અફઆઈઆઈએ રૂ. ૧૦,૭૪૩ કરોડના શેર વેચ્યા હતા.
આ સાથે બુધવાર સુધીમાં જ આ અઠવાડિયે કુલ FII વેચવાલી રૂ. ૨૬,૦૦૦ કરોડના વિશાળ આંકડા પર પહોંચી ગઈ છે. ૨૬ લાખ કરોડનો ફટકો ચિંતા ઉપજાવે એવો છે.
શેરમાર્કેટમાં રોકાણ કરનારાઓએ ચેતીને ચાલવાની જરૂર છે. આડેધડ શેર વેચવાના બદલે ધીરજ રાખવાની જરૂર છે. બેમાંથી એક ખલનાયક ઓઇલ યુદ્ધ ઠંડું પડતાં ફરી નબળો પડી જવાનો છે, જે તૂટતાં બજારને ટેકો આપી શકે છે.
આમ પણ, શેરબજાર લજામણીના છોડ જેવું રહ્યું છે. વૈશ્વિક ઘટનાઓની અસર હેઠળ તે આવતું હોય છે. ઓઇલના ભાવોની અસર હેઠળ તે અવારનાવર લપસી પડતું જોવા મળ્યું છે. વર્તમાનમાં અમેરિકી યીલ્ડની અસર તેને ધક્કો મારી રહ્યું છે. યુદ્ધની અસર પહેલાં ઓઇલના સપ્લાય પર થાય છે પછી ઓઇલના ભાવ વધારાની અસર શેરબજાર પર થાય છે. રશિયા-યુક્રેન વચ્ચેની વોરની અસર શેરબજાર પર નહિંવત્ જોવા મળી હતી પરંતુ ઇઝરાયલ અને ઇરાનની વોરના કારણે ઓઇલના ભાવો પર નિયંત્રણ રહ્યુ નહોતું. હોર્મૂઝની ખાડીનો વિવાદ ઓઇલના ભાવોને આભડી ગયું હતું.




