Prasangpat

શેખ હસીનાનું સ્વાગત ફૂલોથી નહીં પણ તોફાન-આગની ઘટનાઓથી થશે

By GS Team
25 Nov 20263 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશ ફરી હિંસાની આગમાં ભડકે બળી રહ્યું છે. શેખ હસીનાના સમર્થકો અને વિરોધીઓ વચ્ચેના સંઘર્ષમાં દેશના 10થી વધુ જિલ્લાઓમાં તોફાનો ફાટી નીકળ્યા છે. બસો, રાજકીય સંસ્થાઓ, રેલવે માળખા અને હિન્દુઓના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન રહેમાને હસીના પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. હસીનાના ડિસેમ્બરમાં પાછા ફરવાના સમાચારથી તણાવ વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શેખ હસીનાનું સ્વાગત ફૂલોથી નહીં પણ તોફાન-આગની ઘટનાઓથી થશે
  • બાંગ્લાદેશ ફરી ભડકે બળી રહ્યું છે, તોફાનાઓ શેખ હસીનાના સમર્થકો છે
  • પ્રસંગપટ
  • હસીનાને હટાવ્યા બાદ ઢાકા અને નવી દિલ્હી વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં તીવ્ર કડવાશ આવી હતી

હજુ તો શેખ હસીનાની પરત ફરવાની તારીખ નક્કી નથી થઇ તે પહેલાંજ બાંગ્લાદેશ ફરી ભડકે બળી રહ્યું છે. આ વખતે તોફાનીઓ શેખ હસીનાના સમર્થકો અને વિરોધીઓ છે. બાગ્લાદેશમાં હિન્દુઓને દરેક તોફાનોમાં ટાર્ગેટ બનાવાયા છે. બે વર્ષથી વધુ સમય બાદ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની હસીનાની જાહેર કરાયેલી યોજનાને લઈને પણ બાંગ્લાદેશમાં ટેન્શન ઉભું થયું છે.તેમણે તાજેતરમાં નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશન દ્વારા નવા બાંગ્લાદેશી પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ કાર્ડ માટે અરજી કરી હતી, પરંતુ ઢાકાએ આ વિનંતી નકારી કાઢી હતી અને ભારત-બાંગ્લાદેશ પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેમને પાછા લાવવાનો આગ્રહ રાખ્યો હતો. અશાંતિ માટે હસીનાના સમર્થકોને જવાબદાર ઠેરવતા બાંગ્લાદેશના વડાપ્રધાનનો ભારત પર 'આકાઓ' કહીને આડકતરો કટાક્ષ કર્યો છે.
બાંગ્લાદેશના વડાપ્રધાન તરિક રહેમાને શેખ હસીના અને વિદેશમાં રહેલા અવામી લીગના સમર્થકો પર સમગ્ર બાંગ્લાદેશમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. ગયા ગુરુવારે અવામી લીગના(શેખ હસીનાનો પક્ષ) દેશવ્યાપી બંધના એલાન પહેલા બાંગ્લાદેશમાં હિંસા અને આગચંપીની ઘટનાઓમાં વ્યાપક વધારો જોવા મળ્યો હતો.
ગયા અઠવાડિયે ઓછામાં ઓછા ૧૦ જિલ્લાઓમાં હુમલાના અહેવાલો મળ્યા છે, જેમાં બસો, રાજકીય સંસ્થાઓ અને રેલવે માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ અઠવાડિયાની શરૂઆતમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી(મ્શઁ) ના સરઘસ પર થયેલા હુમલામાં બે નેતાઓની હત્યા બાદ, બાંગ્લાદેશના નરૈલ જિલ્લામાં ૫૦થી વધુ રહેણાંક મકાનો અને અનેક દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હોવાના અહેવાલ છે.
વડાપ્રધાન રહેમાનના સૌથી કડક પ્રહારો શેખ હસીના પર હતા. જેઓ ૧૬ વર્ષ સત્તામાં રહ્યા બાદ ૨૦૨૪ના જનઆંદોલનમાં સત્તા ગુમાવ્યા પછી બાંગ્લાદેશ છોડીને ભાગી ગયા હતા અને ત્યારથી ભારતમાં રહે છે.ત્યારબાદ વચગાળાની સરકાર દ્વારા તેમની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેનાથી તેને રાજકીય પ્રવૃત્તિઓ કરવા અને ચૂંટણી લડવા પર રોક લાગી ગઈ હતી.
હસીનાને હટાવ્યા બાદ ઢાકા અને નવી દિલ્હી વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં તીવ્ર કડવાશ આવી હતી.મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દરમિયાન સંબંધો વધુ બગડયા હતા, જોકે ફેબુ્રઆરીમાં રહેમાને પદભાર સંભાળ્યા બાદ સંબંધોમાં થોડો સુધારો થયો છે.
એક અહેવાલ મુજબ, નરૈલમાં એક રાજકીય સરઘસ પર થયેલા હુમલામાં બીએનપી પક્ષના બે નેતાઓ માર્યા ગયા હતા. ચટ્ટોગ્રામમાં, બાંગ્લાદેશની પૂર્વ વચગાળાની સરકારના વડા રહેલા નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના પૈતૃક ઘરને પણ બુધવારે મોડી રાત્રે આગ ચાંપવામાં આવી હતી.આ ઘટનાથી એવી આશંકા વધી છે કે રાજકીય સંઘર્ષ હવે હરીફ જૂથો વચ્ચેની સીધી અથડામણથી આગળ વધી રહ્યો છે અને ખાનગી મિલકત તથા જાહેર માળખાને વધુને વધુ નુકસાન પહોંચાડી રહ્યો છે.
તેમના પરત ફરવાની શક્યતાએ તણાવમાં વધુ વધારો કર્યો છે, ખાસ કરીને ૨૦૨૪ના જનઆંદોલન દરમિયાન વિરોધીઓ પર કરાયેલા દમન બદલ નવેમ્બર ૨૦૨૫માં બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે તેમની ગેરહાજરીમાં તેમને મૃત્યુદંડની સજા સંભળાવ્યા બાદ.હસીનાએ આ કાર્યવાહીને ફગાવી દીધી છે અને કોઈ પણ ખોટું કામ કર્યું હોવાનો ઇનકાર કર્યો છે.
શુક્રવારે, ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે હસીનાનું પ્રત્યાર્પણ એ કાયદાકીય બાબત છે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.તેમણે કહ્યું, 'ભારત બાંગ્લાદેશ સાથે સકારાત્મક, રચનાત્મક અને લાંબા ગાળાના સંબંધો ઇચ્છે છે.'
ડિસેમ્બરમાં શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે ત્યારે તેમનું ફૂલોથી સ્વાગત થશે એમ માનવાની જરૂર નથી. તેમના વિરૂધ્ધનો પ્રજાનો રોષ હજુ ઠર્યો હોય એમ લાગતું નથી. ભારત સરકાર તેમનો સ્ટે લંબાવી શકે છે. તેમના પ્રવેશ સાથેજ હિંસા વધુ ભડકવાની છે.