Get The App

પદ્માવત્, પકોડા, પ્રિયા, પાટણ, પી.એેન.બી., પાકિસ્તાન વિવાદના કેન્દ્રો

પ્રિયાની નાચતી આંખોથી હીસ્ટેરીયા

પાટણની ઘટના દર્દનાકઃ સંવેદનશીલ ઘટનાઓ ઘણાને હચમચાવી દે છે

Updated: Feb 21st, 2018

GS TEAM

Google News
Google News
પદ્માવત્, પકોડા, પ્રિયા, પાટણ, પી.એેન.બી., પાકિસ્તાન વિવાદના કેન્દ્રો 1 - image

સંવેદનાના પ્રકારો છેલ્લા એક અઠવાડીયામાં જોવા મળ્યા છે. પ્રિયારાજની આંખોએ જે સંવેદના ઉભી કરી હતી તે જુગુપ્સા ભરેલી હતી તો પાટણમાં દલિત ભાનુપ્રસાદનું મૃત્યુની સંવેદના કમકમાટી ઉપજાવે એવી હતી. પાકિસ્તાનના ઘૂસણખોરો જ્યારે ભારતના જવાનો પર ગોળીઓ છોડે છે ત્યારે ભારતની પ્રજામાં પાડોશી પ્રત્યે નફરતભરી સંવેદના જોવા મળે છે. પ્રિયાની આંખોએ અનેકને ઘાયલ કર્યા છે.

પદ્માવત, પકોડા, પ્રિયા, પીએનબી, પાટણ આ પાંચેય મુદ્દા વચ્ચે સામ્ય એ છે કે તેમાં સીધું કે આડકતરું રાજકારણ સંડોવાયું છે. આ પાંચેયમાં સૌથી વધુ સંવેદનશીલ બે ઘટનાઓ છે. એક છે પ્રિયા કે જેની નાચતી આંખો જોવા લોકોમાં હિસ્ટેરીયા જેવી સ્થિતિ હતી. જ્યારે પાટણમાં દલીતે આપઘાત કર્યો તે ઘટના સંવેદનશીલ હોવાની સાથે-સાથે ગુજરાત સરકારના લલાટે કલંક સમાન બની છે.

પદ્માવત ફિલ્મમાં કરણી સેના વિવાદ ચગવી શકી પણ અંદરો-અંદરના વિવાદોથી પદ્માવતના વિરોધનું આંદોલન અવળી દિશામાં ખેંચાઈ ગયું હતું. પકોડા વેચવાથી આવક થાય છે એવા અમિત શાહના નિવેદનોએ બેરોજગાર યુવકોમાં નારાજગી ફેલાવી હતી.

મલયાલમ સેન્સેશન પ્રિયા રાજની આંખોની અદા અને પાંપણોની લચકો એ દેશના યુવાનોને ઘેલાં કર્યા હતા. સોશ્યલ નેટવર્ક પર પ્રિયા રાહુલ ગાંધીને આંખ મારે છે તે સેટઅપે વિવાદ કર્યો હતો પણ પ્રિયાની આંખોને મહાત્મા ગાંધી તરફ બતાવનારાઓ પર પ્રજા રોષે ભરાઈ હતી.

પ્રિયાનો મુદ્દો માંડ ઠર્યો ત્યાં તો પંજાબ નેશનલ બેંક સાથે નિરવ મોદીના કૌભાંડની રકમે દેશને હચમચાવી નાખ્યો હતો.

આ કૌભાંડનો આંકડો માંડ સમજમાં આવે તે પહેલાં લો જમીન ફાળવણીના મુદ્દે એક દલીતે કરેલી આત્મહત્યાએ સૌને હચમચાવી નાખ્યા હતા. ગયા અઠવાડીયાના અંતની આ ઘટનાએ ગુજરાત સરકારને ભીંસમાં મુકી દીધી હતી.

રાજકારણીઓ તકની રાહ જોતાં હોય છે. ક્યાંય પણ વિરોધનો સૂર દેખાય ત્યાં ત્યાં તે ખીચડી બનાવવા લાગે છે.

દલિતે આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ એપોલો હોસ્પિટલમાં તેમને સારવાર અપાઈ હતી. શુક્રવારે જ્યારે તેમના મૃત્યુનો ફલેશ ટીવી માધ્યમો પર આવ્યો ત્યારે લોકો હચમચી ગયા હતા. શનિવારે તો મહેસાણા, ઉંઝા જેવા સેન્ટરોમાં સ્ફોટક સ્થિતિ છવાઈ ગઈ હતી.

મલયાલમ એકટ્રેસ પ્રિયા પ્રકાશનું નામ જોતજોતામાં લોક જીભે ચઢી ગયું હતું. તેની આંખોની કરામતે સૌને ઘાયલ કર્યા હતા.

વેલેન્ટાઇન-ડે ના દિવસે બહાર પડેલી તેની ક્લીપીંગે ઘણાંને ઘાયલ કર્યા હતા. પરંતુ આ ક્લીપીંગના લાખો દર્શકોને જોઈ ક્લીપીંગ મિક્સીંગ કરનારાઓએ રાહુલ ગાંધી, ડોનાલ્ડ ટ્રમ્પ જેવા નેતાઓને પ્રિયા સાથે જોડયા હતા. વિવાદ તો ત્યારે ઉભો થયો કે જ્યારે પ્રિયંકાના આંખ મીંચામણાથી મહાત્મા ગાંધી પણ ઉડી જાય છે.

પદ્માવતના વિરોધીઓ અચાનક સંકેલાઈ ગયા હતા. જ્યારે પકોડા વેચવાથી રોજગારી મળે વાળા અમિત શાહના નિવેદનની ટીકા થઈ પરંતુ અનેક યુવાનોએ પકોડા વાળી વાતને આવકારી હતી.

સૌથી મોટો ચોંકાવનારો વિવાદ પંજાબ નેશનલ બેંક સાથે નિરવ મોદી એન્ડ કંપનીએ કરેલી ૧૧,૫૦૦ કરોડની છેતરપીંડીનો હતો. સામાન્ય પ્રજાને ધક્કા ખવડાવતી બેંકને એક વ્હાઈટ કોલર આસાનીથી છેતરી ગયો તે સ્ટોરી બોલીવુડની ફિલ્મ જેવી છે.

આપણા દેશમાં એક વર્ગ નવરોધૂપ છે જે દરેક મુદ્દા પર પોતાની કોમેન્ટ આપે છે અને પોતે સાચા છે એવો દાવો કર્યા કરે છે. તેમની પાસે સોશ્યલ નેટવર્ક છે. પોતાના મનમાં ચાલતી વાતો તે સિફતપૂર્વક વોટ્સઅપ પર ફરતી કરી દે છે. વોટ્સ પર આવતી કોઈપણ ક્લીપને ફોરવર્ડ કરવામાં પોતાની હોંશિયારી સમજનારા દરેક ગૃપને પોતાનો મેસેજ મોકલી આપે છે.

જ્યારે કોઈ આર્થિક કૌભાંડ કરી અને ભાગી જાય ત્યારે તરત જ લલિત મોદી, વિજય માલ્યા જેવા કરૃબાજો યાદ આવે છે. આવા કિસ્સામાં રાજકીય પીઠબળ જોવા મળે છે. પંજાબ નેશનલ બેંક સાથે છેતરપીંડી કરનારાઓએ આસાનીથી ભારત છોડવાનો રસ્તો પકડી લીધો હતો.
 

Tags :