Get The App

મોટા ઉદ્યોગો કરતાં લઘુ ઉદ્યોગો વધુ ક્રિએટીવ, સવલતોનો અભાવ

અનેક લઘુ ઉદ્યોગોનું બાળમરણ

મોટા ઉદ્યોગ એકમોને સરકારી સવલતો આસાનીથી મળી રહે છે

Updated: Jan 13th, 2019

GS TEAM


Google News
Google News
મોટા ઉદ્યોગો કરતાં લઘુ ઉદ્યોગો વધુ ક્રિએટીવ, સવલતોનો અભાવ 1 - image


બિઝનેસ સમિટ, બિઝનેસ પ્રતિનિધિમંડળ વગેરેમાં નાનો-વેપારી ભાગ્યેજ જોવા મળે છે. મોટા ઉદ્યોગ એકમો કરતાં નાના ઉદ્યોગો વધુ સંઘર્ષ કરતા હોય છે. સરકારી સહાય કે બેંકની લોન વગેરે મોટા ઉદ્યોગોને આસાનીથી મળે છે.

જ્યારે નાના ઉદ્યોગ અટવાયા કરે છે. બેંકોની જંગી એનપીએ જોઈને એમ કહી શકાય કે ''મોટા એટલા ખોટા.'' નાના વેપારીઓ કે નાના ઔદ્યોગિક એકમોને સરકારી કાયદાઓનો અમલ કરવો પડે છે. જ્યારે મોટા ઉદ્યોગો કાયદાની છટકબારીઓનો ઉપયોગ કર્યા કરે છે.

બેંકમાં લોન લેવા કે કોઈ ઉદ્યોગ એકમમાં સહાય મેળવવા જતા નાના એકમોના માલિકને ધક્કા ખાવા પડે છે. સરકાર જેમ મોટા ઉદ્યોગો માટે લાલ જાજમ બિછાવે છે એમ નાના ટ્રેડર્સ માટે પણ થવું જોઈએ. નાના ઉદ્યોગો ખરા ઉદ્યોગ સાહસિક હોય છે. તેનામાં સામે પ્રવાહે ચાલવાની અને વેપારી જોખમો ઉઠાવવાની ક્ષમતા હોય છે. નાના એકમો સ્વતંત્ર રીતે ચલાવાય છે. જ્યારે મોટા ઉદ્યોગો બાપ-દાદાના ફેમીલી બિઝનેસ તરીકે આગળ વધારાય છે.

ઉદ્યોગના પ્રદર્શનોમાં દર્શાવાતા સંશોધનોમાં પણ નાના એકમોને જોઈતો લાભ નથી મળતો કે તેમની ગણના માટેની કોઈ તક પુરી પડાતી નથી. સરકાર તરફથી થતા નાના-મોટા નૈતિક સુધારાનો લાભ મોટા એકમોને મળે છે. જ્યારે નાના એકમો તો બિચારા ફોર્મ ભરવાની લાઈનમાં ઉભા રહીને બહારની લીલોતરી જોયા કરે છે.

ગુડ્સ અને સર્વિસ ટેક્ષમાં પણ નાના વેપારીઓની માંગણીને ધ્યાનમાં લેવામાં નથી આવી. એટલે જ જીએસટીના કારણે સૌથી વધુ અસર નાના વેપારીઓને થઈ છે.

મોટા એકમો ઉદાહરણ તરીકે ઈન્ફોસીસ ગુજરાતમાં આવવા તૈયાર થાય તો તે પ્રથમ તો રાહત ભાડાથી જમીન માંગે પછી તેને અન્ય છૂટછાટ પણ મળે છે. જ્યારે નાના એકમોને કોઈ રાહત નથી મળતી.

નાના એકમોને અધ્ધર લાવવાનો પ્રયાસ એટલા માટે જરૂરી છે કે નવા ઉદ્યોગપતિઓ તૈયાર થાય અને બજારમાં નવી ક્રિએટીવીટી જોવા મળે. મોટાભાગના લઘુ એકમો મોટા ઉપાડે શરૂ થાય છે પણ થોડા સમય બાદ ડચકાં ખાવા લાગે છે. ઘણાં નવોદિત ઉદ્યોગપતિઓ ક્યાં તો દેવાના ચક્કરમાં ફસાયા છે કે સરકારી કાયદામાં ફસાયા છે. ટૂંકમાં તેમના ઉદ્યોગના આઈડયાનું બાળમરણ થયું હોય છે.

નાના વેપારીઓની સમસ્યાઓ અનેક છે. સરકારે આ વેપારીઓની બિઝનેસ સેન્સનો ઉપયોગ કરવાની જરૂર છે. આ વર્ગ તેમની ક્રિએટીવીટી, યુવાનીનું જોમ વગેરેનો ઉપયોગ થઈ શકતો નથી. નવા યુવાન ઉદ્યોગપતિને સરકારી ખાતાની ચુંગાલમાંથી મુક્ત કરાવવાની જરૂર છે.

હતાશ વેપારી પછી પીપળાને પાણી, પાણીયારે દિવો જે કામમાં સમય બગાડે છે. નાના એકમો પાસે તો હાથ-પગ અને હૈયુ એમ ત્રણ મહત્વના મુદ્દા હોય છે. પરંતુ પૈસા માટે તે અહીં-તહીં ફર્યા કરે છે. બજારમાં માત્ર મહેનત કરવાનું હોય છે.

આર્થિક સમસ્યા અને પૈસાના રોટેશનમાં ફસાયેલ  વેપારીઓની ક્રિએટીવીટી ખતમ થઈ જાય છે અને નવું કશું કરી શકતો નથી. સરકારે નવોદિતોને તેમના ઘેર જઈને સહાય કરવી જોઈએ. તેમની આર્થિક સમસ્યાઓ પોતાના માથે ઉપાડવી જોઈએ. નાના ઉદ્યોગ કરનારા મોટા એકમોથી વધુ સ્માર્ટ છે. પણ તે આર્થિક બોજા હેઠળ દબાઈ જાય છે.

સત્તાવાળાઓએ જાયન્ટ કંપનીઓને સહકાર આપવા તેમજ તેમને આગળ લાવવા પ્રોત્સાહનનો પ્લાન રજૂ કરવો જોઈએ.

નાના વેપારીઓ માટે નથી કોઈ વેપાર- મેળાવડા થતા કે નથી કોઈ વર્કશોપ થતા નાના વપારીઓમાં રહેલી સિક્સ્થ સેન્સ મોટા વેપારીઓ કે એમબીએ થનારાઓમાં પણ નથી હોતી. સરકારે નાના વેપારીઓના નોલેજ અને વેપારની સેન્સને ખીલવવા માટે વિસ્તાર પ્રમાણે વર્કશોપ રાખવા જોઈએ.

આપણી પાસે નાના વેપાર, દુકાનો વગેરે પરંપરાગત છે તેમને પડતી અગવડો નિવારવાની જરૂર છે તેમજ તેમના માટે નવી તકો પણ ઉભી કરવી જોઈએ. મોટા વેપારીઓ કે કંપનીઓ પોતાની પ્રોડક્ટના માર્કેટિંગ માટે કેટલોગ વગેરે છપાવે છે તો નાના વેપારી પાસે દુકાનમાં રહેલી તમામ ચીજોના નામો મોઢે હોય છે અને તેના ભાવો પણ મોઢે હોય છે.

માર્કેટિંગના નિષ્ણાતો નાની દુકાનના વેપારીઓની ધીરજ, વાણીમાં મીઠાશ અને ગ્રાહકને ઓળખવાની ક્ષમતા વગેરેની પ્રશંસા કરે છે.પરંપરાગત સિસ્ટમ હેઠળ ચાલતી નાની દુકાનો ગ્રાહકોને ભગવાન સમજતી આવી છે. ગ્રાહકો પણ પેઢી દર પેઢી જળવાઈ રહે છે. ગુજરાત સરકારે વાયબ્રન્ટની સાથે સાથે નાના વેપારીઓને થતી હેરાનગતિ અને તેમના વિકાસ આડે આવતી અડચણો દૂર કરવી જોઈએ.

Tags :