ઇનસાઇડર ટ્રેડીંગ : સેટેલમેન્ટની રકમથી કૌભાંડનું પિલ્લું વળાય છે

- પડદા પાછળ સાયલન્ટલી રમાતો આખો ખેલ

Updated: Jul 18th, 2021


Google NewsGoogle News
ઇનસાઇડર ટ્રેડીંગ : સેટેલમેન્ટની રકમથી કૌભાંડનું પિલ્લું વળાય છે 1 - image


- ઇનસાઇડર ટ્રેડીંગના વાઇરસ શેર બજારમાં સુષુપ્ત અવસ્થામાં પડેલા છે, કેટલાક લોકો તકની રાહ જોતા હોય છે

ઇનસાઇડર ટ્રેડીંગનો મામલો શેર બજારને બદનામ કરી રહ્યો છે. શેરબજાર સાથે સંકળાયેલા ટોચના અબજપતિઓના નામ પર જ્યારે ઇનસાઇડર ટ્રેડીંગના આરોપ મુકાય અને પછી સેટેલમેન્ટની રકમ એટલેકે કેસમાં પતાવટની રકમ ચૂકવીને મામલાનું પિલ્લું વાળી દેવાય ત્યારે વિવાદ ઉભો થાય છે. ઇનસાઇડર ટ્રેડીંગ એ પડદા પાછળનો ધંધો છે. ધંધો શબ્દ એટલા માટે વાપર્યો છે કે તેમાં અન્ય રોકાણકારો સુધી કેટલીક વાતો નહીં પહોંચવા દઇને સોદામાં સીધીજ મલાઇ ઝાપટી જવામાં આવે છે. 

શેર બજાર સાથે સંકળાયેલાએા નાના મોટા કૌભાંડો જોતા આવ્યા છે. રાતોરાત કરોડપતિ બનતા લોકોને પણ જોતા આવ્યા છે. ઇનસાઇડર ટ્રેડીંગ એ સાઇલન્ટલી અને પડદા પાછળ રમાતો આખો ખેલ છે. શેરબજારના રોકાણ કારોને ખબર પણ નથી પડતી અને કંપનીની નજીકના લોકો લાભ ઉઠાવી જાય છે. આવા લોકોને પકડવા અશક્ય છે છતાં રાકેશ ઝુનઝુનવાલા જેવા અનુભવી ક્યારેક સાણસામાં આવી જતા હોય છે. આવા કેસમાં સેટલમેન્ટ સૌથી સરળ ઉપાય છે. જે બદનામી થતા અટકાવે છે. 

આપણે જેને બાંધી મુઠ્ઠી કહીએ છીએ એવું આવા કિસ્સાઓમાં પણ જોવા મળે છે. સેબીએ લીધેલાં કડક પગલાંના કારણે કેટલાક કિસ્સા પકડાય પણ છે અને સેટલમેન્ટના ટેબલ પર લવાય છે. 

ઇન્ફોસિસ જેવી નામાંકિત કંપનીઓ માટે ઇનસાઇડર ટ્રેડીંગ બદનામી ઉભી કરતો મુદ્દેા છે. તેના કર્મચારીઓ આ બિઝનેસમાં પકડાયા ત્યારે તે પોતાની કંપનીની આંતરિક વાતોનો લાભ ઉઠાવનારા સામે ગંભીર બને છે. એટલેજ ઇન્ફોસિસે તેની સામે તપાસ શરૂ કરી છે. 

કંપનીઓમાં કેટલાક નિર્ણયો બંધ બારણે અને કંપનીના વફાદારોની વચ્ચે લેવાય છે. તેમ છતાં ક્યાંક લીકેજનો લાભ ઉઠાવાય છે. જ્યારે આ લાભ અંદરના માણસને મળે છે અને તે પકડાય ત્યારે વિવાદ થાય છે. 

અમેરિકામાં પણ આવા ઇનસાઇડર ટ્રેડીંગના કિસ્સા પકડાયેલા છે અને તેમને જેલ તેમજ દંડ થયેલા છે. 

ભારતની કંપનીઓ સાથે સંકળાયેલા લોકો જ્યાં પણ લાભ જુવે છે ત્યાં  તરાપ મારે છે. બેઠા બેઠા કરોડો કમાવવા મળતા હોય તો કોણ જવા દે? આવું કામ સામાન્ય રોકાણકારોનું નથી પરંતુ ટોચ પર બેઠેલા કરોડપતિઓનું હોય છે. સેબીના કાયદાઓ સખત્ત બની ચૂક્યા છે. તેની સર્વેલન્સ સિસ્ટમમાં કોઇ  સપડાય છે તો પછી તેનું બચવું મુશ્કેલ બની જાય છે. રાકેશ ઝુનઝુનવાલા અને  તેમના પત્ની તેમજ અન્ય આંઠ સામે એપટેક કંપનીના શેર્સ બાબતે વિવાદ ઉભો થયો હતો. 

ઇન્ફોસિસે તેના બે કર્મચારીઓએ ઉઠાવેલા લાભ બાબતે આંતરીક તપાસ શરૂ કરી છે. ઇન્ફોસિસ માને છે કે પકડાયેલા લોકોએ માત્ર શેેરબજારમાંથી લાભ ઉઠાવ્યો છે પરંતુ કંપનીની અન્ય મહત્વની માહિતી નજીકની પ્રતિસ્પર્ધી કંપનીને આપીને કંપનીને મોટું નુકશાન થઇ શકે છે. 

કંપનીની આંતરિક માહિતી લીક કરીને નજીકનો અને વફાદાર મનાતો સ્ટાફ લાખો રૂપિયા કમાઇ શકે છે. આવો જ એક કેસ એક ડિઝાઇન ફર્મ સાથે સંકળાયેલો છે. જેમાં પિતા પુત્રીએ ઇનસાઇડર ટ્રેડીંગનો લાભ ઉઠાવ્યો હતો. ઇન્ટેલેક્ટ ડિઝાઇન એરિના લિમિટેડના પ્રમેાટર અરૂણ જૈને કંપનીના આઇબીએમ સાથેના કરારની માહિતી   પોતાની પુત્રી આરૂશિને  આપી હતી અને તેને લાભ થયા એવી વ્યવસ્થા ગોઠવી દીધી  હતી. જ્યારે તેમના પર આરોપ થયા ત્યારે અરૂણ જૈનને ૧.૩૫ કરોડ અને આરૂષિ જૈનને સેટેલમેન્ટની રકમ તરીકે ૪૦.૯૩ લાખ ચૂકવવાના  આવ્યા હતા. આ કેસમાંતો પ્રમોટરે ખુદેજ લાભ કરી આપ્યો હતો. 

સેટલમેન્ટની રકમ કરોડોમાં જોઇને એમ થાય છે કે આ લોકોએ ઇનસાઇડર ટ્રેડીંગ મારફતે કરોડોની કમાણી કરી છે. સેટલમેન્ટનો અર્થ એવો થાય છે કે તેમણે ગુનો કબૂલ પણ કર્યો છે અને ગુનો નથી પણ કર્યો. સેબીના આવા પગલાં પ્રસંસનીય એટલા માટે છે કે અન્ય કંપનીઓ આવા કૌભાંડ કરતા અટકે. ભારતમાં અનેક કંપનીઓ એવી છે કે જે પોતે અને પોતાના મળતીયાઓને લાભ કરાવી આપતી આવી છે. 

ઇનસાઇડર ટ્રેડીંગના વાઇરસ શેર બજારમાં સુષુપ્ત અવસ્થામાં પડેલા છે, કંપની સાથે સંકળાયેલા લોકો તકની રાહ જોતા હોય છે. જો અબજોપતિ એવા રાકેશ ઝુનઝુનવાલા જેવા નામાંકિત રોકાણકાર પણ ઇનસાઇડર ટ્રેડીંગના વાઇરસના ભોગ બનતા હોય તો પછી અન્ય તકસાધુ રોકાણકારને કેવી રીતે રોકી શકાશે?


Google NewsGoogle News