જેટલીએ રમેલી ગેમમાં આર્થિક ચાણક્ય સ્વામી ફેંકાઇ ગયા હતા
- સુબ્રમણ્યમનો ઉપયોગ કેમ નથી કરાતો?
- 80 વર્ષના સુબ્રમણ્યમ સ્વામીએ ધીરજ ગુમાવી હોય એમ લાગે છેઃ વડાપ્રધાનનું આખું કાર્યાલય ખોટી સલાહો આપ્યા કરે છે
- પ્રસંગપટ
મોદી સરકારની બીજી ટર્મના પ્રથમ વર્ષ પુરા થયાની સિધ્ધિઓ દરેક પ્રધાનો જણાવી રહ્યા છે. જો કે ભાજપમાંજ ક્યાંક નારાજગીના સૂર સાંભળવા મળે છે. નારાજગીનો સૂર સુબ્રમણ્યમ સ્વામીના ટેન્ટમાંથી નીકળી રહ્યો છે. સુબ્રમણ્યમ સ્વામી પાસે કોઇ પોર્ટફોલીયો નથી પણ તેમને સાંભળવા લોકો અડધો કલાક પહેલાં ગોઠવાઇ જાય છે. ટ્વીટર પર તેમના ૯.૧ મિલીયન જેટલા ફોલોઅર્સ છે.
ગાંધી પરિવારના તે સૌથી મોટા ટીકાકાર છે. સોનિયા ગાંધીનો ભૂતકાળ અને રાહુલ ગાંધીનો ભવિષ્યકાળ તેમને કંઠસ્થ છે. ગાંધી પરિવારનું તે છોલવા બેસે તો લોકો મંત્રમુગ્ધ બનીને તેમને સાંભળ્યા કરે છે. સુબ્રમણ્યમ સ્વામીની કમનસીબી એ છે કે વડા પ્રધાન મોદી સાથે તેમને સારું ટયુનિંગ હોવા થતાં તેમના આઇડયાનો આર્થિક તંત્રમાં ઉપયોગ નથી થતો. સુબ્રમણ્યમ સ્વામી કાર્યક્ષમ નાણાપ્રધાન બની શકે છે એવું તે પોતે પણ કહી ચૂક્યા છે પરંતુ મોદી સરકાર તેમને કોઇ ભાવ આપવા તૈયાર નથી. મોદી સરકારની પ્રથમ ટર્મમાં દિવંગત અરૂણ જેટલી સાથેની કોલ્ડ વોરના કારણે સુબ્રમણ્યમ સ્વામીને આર્થિક તંત્રમાં કોઇ પોસ્ટ નહોતી અપાઇ.
બીજી ટર્મમાં તેમને નાણા પ્રધાન બનાવી શકાય એમ હતું પરંતુ મોદી તેમનો કોઇ બીજે ક્યાંક ઉપયોગ કરવા માંગે છે એમ કહીને તેમને ખૂણામાં બેસાડી દેવાયા હતા. નાણા પ્રધાન તરીકે નિર્મલા સીતારામનની પસંદગી શરૂઆતથી જ ટીકાને પાત્ર રહી હતી. પરંતુ મોદી સરકાર ચૂપ રહી હતી કેમકે સિતારામન પર સંઘનો સિક્કો હતો.ભારતને નાણાપ્રધાન તરીકે સુબ્રમણ્યમ સ્વામિ જેવાંની જરુર હતી છે પરંતુ મોદી મમત છોડતા નથી એમ કહી શકાય.
સુબ્રમણ્યમ સ્વામિ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણેલા છે અને ઇકોનોમિક્સમાં પીએચડી કરેલું છે. સુબ્રમણય સ્વામીની ક્ષમતાને વડાપ્રધાન મોદી ઓખળે છે પરંતુ અરુણ જેટલીએ રમેલી ગેમમાં તે પાછળ રહી ગયા હતા. મોદી સરકારની પ્રથમ ટર્મમાં સબ્રમણ્યમને કેબિનેટમાં સ્થાન મળે એમ હતું. અંદરની ગપસપ એવી છે કે ત્યારે જેટલીએ કહ્યું ક્યાં હું નહીં ક્યાં સુબ્રમણ્યમ સ્વામી નહીં?
જેટલીએ અને મોદી વચ્ચે મિત્રતાના સંબંધો હતા. જેટલીના નિધન બાદ સુબ્રમણ્યમ સ્વામી માટે ફરી પાછો ચાન્સ ઉભો થયો હતો પરંતુ સીતારામન સંઘની પસંદગી હતા. સીતારામનને ઉથલાવવા રેલ્વે પ્રધાન પીયુષ ગોયેલ સક્રીય થયા હતા. પરંતુ સંઘ આગળ તે ફાવી શકયા નહોતા. હવે અર્થ તંત્ર ઉગારવા સરકાર કોઇ હનુમાનની શોધમાં છે. સુબ્રમણ્યમ સ્વામી આગલી હરોળમાં છે પરંતુ મોદી પહેલી ટર્મ કરતાં બીજી ટર્મમાં થોડા વધુ શાંત દેખાય છે.
જે રીતે દેશ આર્થિક ખાડામાં ધકેલાઇ રહ્યો છે તે જોતાં એમ લાગે છે કે મોદી સરકારેે મમત છોડીને આર્થિક વહિવટી તંત્ર બદલવાની જરુર છે. સરકારનું આર્થિક તંત્ર ખાડે ગયેલું છે. દરેક નાગરિક એ જાણતો થઇ ગયો છે કે દેશનું અર્થતંત્ર ડામાડોળ છે.
નાગરિકો એ પણ જાણે છે કે સરકારે આપેલા સ્ટિમ્યુલસ પેકેજની અસર આગામી વર્ષે થઇ શકે છે. નાનાઉદ્યોગો અને નાના દુકાનદારો માટે તો ૨૦૨૦નું વર્ષ ફડચામાં ગયેલું કહી શકાય. વેપારી વર્ગ અને મધ્યમ વર્ગને સીધોજ લાભ થાય એવાં કોઇ પગલાં લેવાતા નથી.
સરકાર ધારે તો લોકોના ખાતામાં સીધાજ પૈસા જમા કરાવી શકે છે. પરંતુ સરકાર પાસે સાચા સલાહકારો નથી. આર્થિક તંત્રને તુરંત વેગ આપતા પગલાં સરકાર જાહેર કરે તોજ આર્થિક તંત્રનો બોજ હળવો થઇ શકે છે. સરકાર પાસે આર્થિક દિશા ચીંધનાર સુબ્રમણ્યમ સ્વામી જેવું કોઇ નથી. સીતારામન પર મોદી સરકારે વધુ પડતો ભરોસો મુક્યો છે. આર્થિક તંત્ર માટે પ્રોત્સાહક પગલાં એક માત્ર ઉકેલ છે પરંતુ તે ભારતના આર્થિક સલાહકારોના ભેજામાં ઉતરતું નથી.
કોરોના કરતાં મોટો ફટકો આર્થિક ક્ષેત્રે મોદી સરકારનો નબળો વહિવટ મારી રહ્યો છે. હવે ૮૦ વર્ષના સુબ્રમણ્યમ સ્વામીએ ધીરજ ગુમાવી હોય એમ લાગે છે. તે કહે છે કે વડાપ્રધાનનું આખું કાર્યાલય ખોટી સલાહો આપ્યા કરે છે. મોદીએ આ બધાને બદલી નાખવા જોઇએ. વડાપ્રધાન પદની ઓફિસનું કામ સાચી સલાહ આપવાનું અને ભૂલો તરફ ધ્યાન દોરવાનું છે.
સુબ્રમણ્યમનો ઉપયોગ નહીં કરવા પાછળનું રહસ્ય સમજી શકાતું નથી. ભાજપના આ એક એવા સાંસદ છે કે તેમને સાંભળવા લોકો તલપાપડ હોય છે. પરંતુ તેથી શું? મોદી સરકારે દરેકની સલાહ લઇને દેશને આર્થિક અંધારામાંથી બહાર કાઢવો જોઇએ.