Get The App

દિલ્હી બન્યું લાપતાગંજ : ગુમ થતી યુવતીઓનો સિલસિલો પોલીસ-સરકાર માટે શરમજનક

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હી બન્યું લાપતાગંજ : ગુમ થતી યુવતીઓનો સિલસિલો પોલીસ-સરકાર માટે શરમજનક 1 - image

- દિલ્હીમાં વર્ષના પહેલાં 15 દિવસમાં 807 લોકો ગુમ 

- પ્રસંગપટ

- મધ્યપ્રદેશમાં 21,175 મહિલાઓ અને 1954 સગીર વયની કન્યાઓ એક વર્ષથી ગાયબ છે

સૌથી પહેલાં થોડો ડેટા જોઈ લો: 

- ભારતમાં દર વર્ષે આશરે ૯૬,૦૦૦  જેટલા નાની-મોટી ઉંમરના લોકો ગુમ થાય છે.

- મધ્યપ્રદેશમાં દર વર્ષે ૨૩,૦૦૦ જેટલી મહિલાઓ અને સગીય વયની છોકરીઓ ગુમ થાય છે.

- મધ્યપ્રદેશના સત્તાવાર આંકડા કહે છે કે મહિલાઓ પર બળાત્કાર કરનારા ૨૯૨ અને સગીર વયની છોકરીઓ પર બળાત્કાર કરનારા ૨૮૩ ગનેગારો ભાગતા ફરી રહ્યા છે, એટલે કે  ૫૭૫ જેટલા બળાત્કારીઓ હજુય ખુલ્લા સાંઢની જેમ ફરી રહ્યા છે. 

- વિશ્વમાં સૌથી વધુ લોકો અલાસ્કામાં ગુમ થાય છે. ત્યાં એક લાખની વસ્તીએ પ્રતિવર્ષ ૧૬૪ લોકો ગુમ થાય છે. સૌથી ેઓછા લોકો અમેરિકાના મેસેચ્યુસેટ્સ સ્ટેટમાં ગુમ થાય છે. ત્યાં એક લાખની વસ્તિએ માંડ બે લોકો ગાયબ થાય છે.

  દિલ્હી પોલીસનો ડેટા ભયાનક છે. ૧લી જાન્યુઆરી ૨૦૨૬થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાંરાજધાનીમાંથી ૮૦૭ લોકો, એટલેકે રોજના ૫૩ લોકો ગુમ થયા છે. તેમાં ૫૦૯ મહિલાઓ-કન્યાઓ અને ૨૯૮ પુરૂષો-છોકરાઓનો સમાવેશ થાય છે. ગુમ થયેલા કુલ લોકોમાંથી ૧૯૧ સગીર વયના છે,  ૬૧૬ પુખ્ત વયના હતા. પોલીસના ચોપડા અનુસાર ૩૧ જાન્યુઆરી સુધીમાં ૨૩૫ વ્યક્તિઓને શોધી કાઢવામાં આવી છે, ૫૭૨ હજુય ગુમ છે. 

આમ છતાં દિલ્હીપોલીસ કહે છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વખતના આંકડા ઓછા છે. સચ્ચાઈ એ છે કે દિલ્હીની પોલીસ અને ભાજપ સરકાર બન્ને માટે આ આંકડા  બહુ શરમજનક છે. દિલ્હીમાં ગુમ થતાં બાળકોના પગલે જાગેલા હોબાળાના જવાબમાં ભાજપના કેટલાક નેતાઓએ વાહિયાત ખુલાસો કરતા કહ્યું હતું કે આ તો કોઈ હિન્દી ફિલ્મના પ્રમોશન માટે ગુમશુદા લોકોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.  દિલ્હીની આમ આદમી પાર્ટીએ ગુમ થયેલા લોકોની સંખ્યા બાબતે કહ્યું છે કે ભાજપની સરકારે દિલ્હીને લાપતાગંજ બનાવી દીધું છે.

જે પરિવારનું સંતાન ગુમ થઈ ગયું હોય તેમની વ્યથા જાણવાના બદલે ભાજપના નેતાઓ  દિલ્હીની સરકારને બચાવવા જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જે ફિલ્મની વાત થઇ રહી છે તે અભિનેત્રી રાણી મુખરજીને ચમકાવતી 'મર્દાની-થ્રી' છે, જેમાં ગુમશુદા બાળકો અને યુવતીઓની વાત છે. ફિલ્મમાં પોલીસ ઓફિસર બનેલી રાની મુખરજીની હિમત જોઇને પ્રક્ષકો તાળીઓનો ગડગડાટ કરે છે. તેના કરતાં વધુ હિંમત અસલી પોલીસો અપહરણકારોને પકડતી વખતે દેખાડતા હોય છે. અનેક માથાભારે ગુંડાઓને પોલીસ કોલરથી પકડી લાવે છે અને ગુમ થયેલાં બાળકોની વિગત મેળવે છે. આ પોલીસ અધિકારીઓ માટે જોકે કોઈ તાળીઓ વગાડતું નથી.

પોલીસ તંત્રનો ડર ન હોય તો અપહૃત લોકોની સંખ્યા બમણી થઇ શકે છે. ગુમ થયેલા તમામ લોકોનું અપહરણ થયું નથી હોતું. કેટલાક ઘરના કલેશને કારણે કે માનસિક બીમારીને કારણે ઘર છોડી દે છે.

મધ્યપ્રદેશમાં એકલદોકલ ફરતી  છોકરી અપહરણકારનો શિકાર બની જાય છે. મધ્યપ્રદેશ વિધાનસભામાં મુખ્યપ્રધાન મોહનયાદવે એક લેખિત જવાબમાં કહ્યું છેકે ૩૦ જૂન ૨૦૨૫ સુધીમાં ૨૧,૧૭૫ મહિલાઓ અને ૧૯૫૪ સગીર છોકરીઓ એક વર્ષથી ગાયબ છે.

ગુમ થયેલી છોકરીઓ અને મહિલાઓ પૈકી કેટલીક લવજેહાદનો ભોગ બની હોય છે, તો કેટલીકને વેશ્યાના વ્યવસાયમાં ધકેલી દેવાય છે. કેટલીક યુવતીઓ હિરોઈન બનવા ઘરેથી છટકીને મુંબઈ ભાગી આવવાની કોશિશ કરે છે. કોઈ રીસાઈને નાસી જાય છે, અને આખરે ગુસ્સો ઉતરે કે કડવા અનુભવો થાય એટલે ઘરે પાછી ફરે છે.  

કુટુંબની દીકરી ગુમ થાય એટલે પરિવારજનો પર તો આસમાન તૂટી પડે છે. તેમના રોજેરોજના પોલીસ સ્ટેશનના ધક્કા શરૂ થઈ જાય છે. હવે તો શહેરોમાં ને નગરોમાં રસ્તાઓ પર સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ થઈ ગયા છે, આમ છતાંય ગુનેગારો પકડાતા નથી. કેટલાય સીસીટીવી કેમેરા બંધ હાલતમાં પડયા હોવાથી મહત્ત્વનું ફૂટેજ મળતું નથી. કેટલાય સ્વજનો પોલીના આધારે બેસી ન રહેતા ખુદ શોધખોળ આદરી દે છે. કોઈ વળી ભૂવા અને જ્યોતિષોને ત્યાં ધક્કા ખાય છે.

થોડા દિવસો કે મહિના કે વર્ષ પછી પોતાના ઘેર ફરતી મહિલા કે યુવતીને લોકો શંકાથી જુવે છે અને તેનું જીવવું હરામ કરી નાખે છે. આ પણ એક કડવી હકીકત છે.