- પિતાના માથે બે કરોડ રૂપિયાનું દેવું હતું
- પ્રસંગપટ
- ત્રણેય વચ્ચે એક મોબાઇલ ફોન હતો, જેને પિતા ચેતન કુમારે આંચકી લઇને વેચી માર્યો હતો
ગાઝિયાબાદમાં તાજેતરમાં ત્રણ સગી બહેનો નવમા માળના ઘરની બારીમાંથી કૂદી પડીને મોતને ભેટી અને આ દુર્ઘટના પાછળ કોરિયન લવર્સ નામની ઓનલાઇન ગેમનું વ્યસન કારણભૂત ગણવામાં આવ્યું હતું. જોકે આ વાત આસાનીથી ગળે ઉતરે એવી નહોતી. એવી કેવી ગેમ કે જે નવમા માળેથી કૂદી પડવાની ટાસ્ક આપે અને છોકરીઓ આંખો મીંચીને કૂદી પણ પડે? ગઇકાલે સમાચાર માધ્યમો પર આ ત્રણેય દીકરીઓેેનું કમોત છવાયેલું રહ્યું. કન્યાઓના આપઘાતની ઘટનાને નજરે જોનાર વ્યક્તિને ટીવી માધ્યમોએ શોધી કાઢ્યો હતો. ધીરે ધીરે આપઘાત પાછળનાં કોરિયન લવર્સ ગેમ સિવાયનાં અન્ય કારણોની ચર્ચા થવા લાગી છે.
સમગ્રપણે ઓનલાઇન ગેમ્સનું વળગણ વધ્યું છે અને તેમાં અપાતી ટાસ્ક યુઝર્સને ડિપ્રેશનમાં ધકેલી દે છે તે વાત, અલબત્ત, સાચી છે. નાના બે વર્ષના છોકરાના હાથમાંથી મોબાઇલ ખેંચી લેવામાં આવે તો પણ તે વિરોધમાં રડવા લાગે છે. જોકે ગાઝિયાબાદના કિસ્સામાં લોકોની શંકા સાચી પડી રહી હોય તેમ લાગે છે. ત્રણેય દીકરીઓની મોતની પાછળ માત્ર ઓનલાઇન ગેમ કારણભૂત છે તે વાતનો હવે લગભગ છેદ ઉડી ગયો છે. નવી થિયરી પ્રમાણે પિતાનું દેવું, ઘરકંકાસ અને અન્ય દીકરીઓને સતાવતો સવલતોનો અભાવ વગેરે મુદ્દા નજરે પડયા છે. અલબત્ત, કોરિયન ગેમનું વ્યસન તો ખરું જ.
અહેવાલો અનુસાર, મૃત્યુ પામનાર ત્રણેય છોકરીઓના પિતા ચેતન કુમાર તેમના વિસ્તારમાં દેેવાળીયા લોકોની યાદીમાં આવે છે. તેમના માથે બે કરોડ રૂપિયાનું દેવું છે. સ્કૂલ ફી ભરવાના રૂપિયા ના હોવાથી પિતાએ છેલ્લાં બે વર્ષથી દીકરીઓને સ્કૂલે મોકલી નહોતી. મોતને વહાલું કરનાર ત્રણેય છેકરીઓને કોરિયન ગેમ્સ, કે-પોપ મ્યુઝિક, કોરિયન ડ્રામા, ટૂંકમાં, કોરિયન કલ્ચર પ્રત્યે ભારે આકર્ષણ હતું. કહે છે કે ત્રણેય વચ્ચે એક સ્માર્ટ ફોન હતો, જેના પર તેઓ કોરિયન શોઝ જોયા કરતી ને કોરિયન પોપ સોગ્સ સાંભળ્યા કરતી. પોલીસ કહે છે કે આ ત્રણેય દીકરીઓનો આ કોમન મોબાઇલ ફોન પણ પિતાએ આંચકી લઇને વેચી માર્યો હતો અને તે પૈસામાંથી ઘરનું લાઇટ બિલ ભર્યું હતું.
શેરબજારના ઓનલાઇન ટ્રેડિંગના ટ્રેપમાં ફસાયેલા ચેતન કુમાર તાજેતરમાં ૨૦થી ૩૦ લાખ રૂપિયાનો ફટકો ખાઇ ચૂક્યા છે. પિતા એમના બિઝનેસમાં વ્યસ્ત હતા ત્યારે મૃતક દીકરીઓ કોરિયન કલ્ચરનો પ્રભાવમાં રમમાણ હતી અને તે પણ એટલી હદે કે તેમણે પોતાનાં નામ બદલીને એલિઝા, સિન્ડી અને મારિયા રાખી દીધાં હતાં. ત્રણેય અંદરોઅંદર એકબીજાને કોરિયન નામથી જ બોલાવતી. જો તેમને મૂળ નામથી બોલાવવામાં આવે તેા ગુસ્સો કરતી.
ત્રણેય બહેનોએ કોરિયન નામથી સોશિયલ મિડીયા એકાઉન્ટ પણ ખોલ્યાં હતાં, જેમાં તેમના ફોલોઅર્સની સંખ્યા સતત વધતી જતી હતી. પિતાને જ્યારે આના વિશે ખબર પડી ત્યારે એમણે એકાઉન્ટ ડિલીટ કરાવી નાખ્યા હતા. પિતાએ પોલીસને એમ પણ કહ્યું હતું કે ત્રણ વર્ષ અગાઉ જ્યારે દીકરીઓને કોરિયન કોન્ટેન્ટ જોતાં રોકવામાં આવી ત્યારે કહ્યું હતું કે જો તમે અમને કોરિયન ડ્રામા અને કોરિયન સોંગ્સ જોવા નહીં દો તો અમે મરી જઇશું. તેમની પાસેથી ફોન આંચકી લેવાતા ત્રણેય હતાશામાં સરી પડી હતી. તેઓ કોરિયન ડ્રામા જોવા ફાંફા મારતી હતી.
નવમા માળેથી કૂદી પડવાની ઘટના મોડી રાત્રે ૨.૧૫ વાગે બની હતી. કશુંક પછડાવાનો અવાજ આવતાં પાડોશીઓ જાગી ગયા હતા. છોકરીઓના રૂમમાંથી આપઘાતની ચિઠ્ઠી મળી આવી હતી. નોટમાં અન્ય વિગતો પણ લખી છે. આ અપમૃત્યુની ઘટનાની છાનબીનની શરૂઆતની તપાસ કોરિયન ગેમના વળગણથી થઇ હતી, પરંતુ હવે નવાં કારણો સપાટી પર આવી રહ્યાં છે.
ચેતન કુમારને બે પત્નીઓ છે. બધાં એક સાથે જ રહે છે. પહેલી પત્નીને સંતાન ન થતાં ચેતન કુમારે પત્નીની બહેન સાથે બીજાં લગ્ન કરી લીધાં હતાં. જોકે પછી પહેલી પત્નીએ એક સંતાનને જન્મ આપ્યો. ત્રણ મૃતક દીકરીઓમાંથી એક પ્રથમ પત્નીની છે અને બાકીની બે બીજી પત્નીની છે.
લોકોને હજુય દીકરીઓનાં મોતના કારણમાં ગુંચવાડો નજરે પડે છે. પિતાનું બે કરોડનું દેવું જોઇને દીકરીઓ આપઘાત કરી લે તે વાત ગળે ઉતરેે એવી નથી. મંગળવારની રાત્રે ઘરમાં એવું તો શું બન્યું હતું કે કેે ત્રણેય છોકરીઓ નવમા માળના ફ્લેટની બારી પરથી કૂદી પડી? પિતા આ વિશે કોઇ ખુલાસો નથી કરતા.


