Get The App

બ્લ્યુ વ્હેલ ચેલેન્જ પછી કોરીયન લવર્સ: ઓનલાઇન ગેમ્સનું જોખમ

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
બ્લ્યુ વ્હેલ ચેલેન્જ પછી કોરીયન લવર્સ: ઓનલાઇન ગેમ્સનું  જોખમ 1 - image

- ઓનલાઇન ગેમ્સની વ્યસની ત્રણ બહેનોનો આપઘાત

- પ્રસંગપટ

- આ બહેનો ખુદને ઇન્ડિયન નહીં પણ કોરીયન માનવા લાગી હતી અને પોતાને કોરીયન પ્રિન્સેસ ગણાવતી હતી

ઇન્ટરનેટ સાથે પ્રવેશેલાં કેટલાંક દૂષણોમાં ઓનલાઇન ગેમિંગનો પણ સમાવેશ થાય છે. હવે જ્યારે સ્માર્ટ ફોનમાં ફોર-જી અને ફાઇવ-જી સ્પીડ ઉપલબ્ધ થઈ ચૂકી છે ત્યારે ઓનલાઇન ગેમિંગના શોખીનો માટે મામલો વધારે આસાન થઈ ગયો છે. તેનું વ્યસન કેફી દ્રવ્યો જેવું હોય છે. એક સમયે વીડિયો ગેમ કે ઓનલાઇન ગેમ માણસનાં માનસિક કૌશલ્યો વધારનારી અથવા કમસે કેમ નિર્દોષ ટાઇમપાસ ગણાતી હતી, પણ ધીમે ધીમે ઓનલાઇન ગેમિંગે આઘાતજનક પરિમાણો ધારણ કરી લીધાં. એક સમયે બ્લ્યુ વ્હેલ ચેલેન્જ નામની ઓનલાઇન ગેમિંગ એક્ટિવિટીના પગલે આપઘાતના કેટલાય કિસ્સા બન્યા હતા. હવે હવે કોરીયન લવર્સ નામની ઓનલાઇન ગેમ વિવાદમાં આવી છે.

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ સગીર વયની બહેનો નિશિકા (૧૬), પ્રાચી (૧૪) અને પાંખી (૧૨)એ  નવમા માળેથી એક પછી એક ઝંપલાવીને જીવન ટૂંકાવતા આઘાતની લાગણી ફેલાઈ છે. 'સોરી પપ્પા' લખીને આ ત્રણેય કન્યાઓએ જીવન ટૂંકાવતા અનેક શંકા ઊભી થઇ છે, પરંતુ આ દીકરીઓેએ પપ્પાને સ્પષ્ટ લખ્યું છે કે અમે કોરિયન ગેમ છોડી શકીએ એમ નથી. કોરિયન ગેમ અમારી જીંદગી છે. 

આ પ્રકારની ગેમ્સમાં અપાતી ટાસ્ક્સ ટીનેજર્સને જકડી રાખે છે, તેમનાં મન પર કબજો જમાવી દે છે. કેટલીક ટાસ્ક જોખમી હોય છે તો પણ ગેમ રમનારા ટાસ્ક પ્રમાણે કામ કરવા તૈયાર થઇ જાય છે. અહેવાલ અનુસાર, ત્રણ દીકરીઓનો ભોગ લેનાર કોરિઅન લવર્સ અથવા કોરીઅન લવ ગેમ નામની ઓનલાઇન ગેમમાં યુઝર પોતાના ડિજિટલ પ્રેમી સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે. શરુઆતમાં મેસેજીસના આપલે થાય છે, પછી તસવીરોની આપલે થાય છે. ધીમે ધીમે ટાસ્ક વધુ તીવ્ર બનતી જાય છે. જેમ કે, અંધારામાં એકલા હોરર ફિલ્મ જોવાની ટાસ્ક આપવામાં આવે. આવી કુલ પચાસ ટાસ્ક્સ હોય છે, જેમાં છેલ્લી ટાસ્ક અથવા અંતિમ લેવલમાં યુઝરને પ્રેમ ખાતર પોતાનો જીવ આપી દેવાનો પડકાર આપવામાં આવે છે.  સંભવત: ગાઝિયાબાદની કન્યાઓ આ સ્થિતિએ પહોંચી ચૂકી હતી. એક સાથે ત્રણ-ત્રણ બહેનોનો આપઘાત  અરેરાટી ફેલાવે છે. 

અમેરિકામાં બે તૃતિયાંશ જેટલાં ઘરોમાં ઓનલાઇન ગેમ રમાય છે. ૧૬૦ મિલિયન જેટલા પુખ્ત વયના અમેરિકનો ઓનલાઇન ગેમ રમે છે, પરંતુ તેઓ વ્યસની નથી. ટાઇમપાસ કરવો અને આ પ્રકારનું વળગણ હોવું તેમાં ઘણો ફર્ક છે. 

ઇન્ટરનેટ ગેમીંગ ડિસઓર્ડર પર  અમેરિકન સાઇકિએટ્રિક અસોસિએશને ંસંશોધન કર્યું છે. તેના રિપોર્ટ અનુસાર આલ્કોહોલ, તમાકુ, અફીણ જેવાં સ્ટીમ્યુલન્ટની જેમ જ ઓનલાઇન ગેમનું વ્યસન શરૂ થાય છે. જેમ વ્યસન મુક્તિ કેન્દ્ર હોય છે એમ ઓનલાઇન ગેમમાંથી મુક્તિ માટેનાં કેન્દ્ર પણ હોવાં જોઇએ. ઓનલાઇન ગેમના ટ્રેપમાં ફસાયેલા ટીનેજર્સ અને યુવાનોને શોધવા એટલા મુશ્કેલ નથી, છતાંય તે દિશામાં પ્રયાસ થતા નથી. 

સાયબર અવેરનેસ માત્ર તરુણોમાં જ નહીં, પણ વાલીઓ સુધ્ધાંમાં ઊભી કરવાની જરૂર છે. સાયબર અવેરનેસમાં કેટલાક મુદ્દા તમામ વાલીઓને પણ સમજાવવા જોઇએ. જેમ કે વ્યક્તિ અચાનક અતડો બની જાય, કોઇની સાથે બહુ વાત ના કરે, પૂછાય એટલા પ્રશ્નના જ જવાબ આપે, ધૂની બની જાય, આઉટડોર ગેમમાં રસ લેવાનું બંધ કરે, ગમે ત્યારે સૂઇ જાય, જમવામાં બહુ ધ્યાન ના આપે, મિત્રો સાથે બહાર ફરવા ન જાય, એકલા રહેવાનું પસંદ કરે, કોઇનું ના માને ત્યારે વાલીઓએ સતર્ક થઈ જવું જોઈએ. ઓનલાઇન ગેમિંગના વ્યસનીઓ સમયાંતરે હતાશામાં સરકી જાય છે. 

ગાઝિયાબાદની ત્રણ બહેનોનો સામૂહિક આપઘાત ચિંતાનો વિષય છે. સમસ્યા વધારે વિરાટ એટલા માટે છે કે હવે તો સૌના હાથમાં સ્માર્ટફોન છે. તપાસકર્તા પોલીસ અધિકારીઓ જણાવે છે કે આ ત્રણેેય બહેનો પર કોરીયન લવર્સ ગેમનો પ્રભાવ એટલો હતો કે તે પોતાની જાતને ઇન્ડિયનને બદલે કોરીયન માનવા લાગી હતી અને ખુદને કોરીયન પ્રિન્સેસ તરીકે ગણાવતી હતી. તમારી આસપાસ કોઇ ઓનલાઇન ગેમનો વ્યસની તો નથીને? જોજો. કોરીયન પોપ (કે-પોપ) અને કોરીઅન વેબ શોઝ (કે-ડ્રામા) આપણે ત્યાં ખૂબ પોપ્યુલર છે. તેના પગલે પગલે જ કોરીઅન ગેમિંગે ભારતમાં ઘૂસણખોરી કરી છે.