સોનું, બિટકોઇન અને ચાંદી: ત્રણેય તેજીના ટ્રેક પર, સોનું મોખરે રહ્યું
- રિઝર્વ બેન્ક પણ સોનાની ખરીદીમાં સક્રિય
- પ્રસંગપટ
- વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો પાસે લગભગ 36,000 ટન સોનું, જેની વર્તમાન કિંમત 3.6 ટ્રિલિયન ડૉલરથી પણ વધુ
સોનું, બિટકોઇન અને ચાંદી એમ ત્રણેયના ભાવો સતત વધી રહ્યા છે. સોનું ફરી મધ્યમવર્ગની સંપત્તિમાં વધારો કરી રહ્યું છે. આગામી છ મહિનામાં એટલે કે ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ સુધી તેના ભાવ રૂપિયા એક લાખ અને એક લાખ છ હજારની ફરતા ફર્યા કરશે એમ જાણકારો કહે છે. હાલમાં ભારત ટ્રમ્પની ટેરિફની સમસ્યાનો સામનો કરી રહ્યું છે છતાં સોના-ચાંદીએ તેનેા તેજીનો કરંટ પકડી રાખ્યો છે. એવું જ ક્રિપ્ટો કરંસીની બાબતમાં કહી શકાય. સોના-ચાંદી તરફ ભારતના લોકો આકર્ષીત છે જ્યારે યુરોપ અને અમેરિકાના લોકો ક્રિપ્ટોમાં રોકાણ કરવામાં રસ લઇ રહ્યા છે. ચાંદીના ભાવો પણ સતત વધી રહ્યા છે એવી જ રીતે બીટકોઇનના ભાવ પણ એક લાખને વટાવી ગયા છે. આ લખાય છે ત્યારે બુધવાર તારીખ ૩ની સાંજે સોનાનો ભાવ તોલાનો ૧,૦૯,૦૦૦ હતો, ચાંદી ૧,૨૪,૦૦૦ અને બિટકોઇન ૧,૧૧,૬૦૦ ડોલર પર હતો. ભારતમાં બિટકોઈનને મંજૂરી નથી મળી પરંતુ સોના ચાંદીમાં ભાવ વધારાનો મુદ્દો તો દરેક ઘરમાં ચર્ચાઇ રહ્યો છે.
જે લોકો પાસે પરંપરાગત રીતે વ્યવહારના શુભ માર્ગે સોનું-ચાંદી આવેલા છે તેમની સંપત્તિમાં લગભગ બમણા કરતાં વધુનો વધારો થયો છે. મધ્યમ વર્ગ સોનાને છાતી સરસો ચાંપીને બેસી રહે છે કેમકે આર્થિક સંકટના સમયે કે સંતાનોનાંા લગ્નમાં કે શિક્ષણમાં તેનો ઉપયોગ કરી શકાય છે. હવે જ્યારે શિક્ષણની લોન અને હેલ્થ ઇન્સ્યોરન્સ જેવી સવલતો ઉપલબ્ધ છે ત્યારે લોકો સોનાને વેચીને નવું ધર ખરીદવામાં કે સંતાનોના લગ્નમાં તેનો ઉપયોગ કરે છે. 'International Role of the Euro ૨૦૨૫' રિપોર્ટ મુજબ, વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો પાસે લગભગ ૩૬,૦૦૦ ટન સોનું છે, જેની વર્તમાન કિંમત ૩.૬ ટ્રિલિયન ડૉલરથી વધુ છે. આ રકમ અમેરિકી ટ્રેઝરી બોન્ડ્સની હોલ્ડિંગ (૩.૮ ટ્રિલિયન ડાલર) કરતાં આગળ નીકળી ગઈ છે. ૨૦૨૫માં સોનાની કિંમત ૩,૫૦૦ ડાલર પ્રતિ ઔંસને પાર કરી ગઈ છે, જેના કારણે સોનાની માર્કેટ વેલ્યૂમાં વધારો થયો છે.
૨૦૨૨માં રશિયાના ડૉલર અને યુરો રિઝર્વ્સ ફ્રીઝ થયા બાદ ઘણા દેશોએ ડૉલર અને યુરો પર સંપૂર્ણ નિર્ભરતાને જોખમી માન્યું. સોનું બ્લોક કે ફ્રીઝ કરી શકાતું નથી. આ ઉપરાંત, અમેરિકાનું વધતું દેવું પણ ચિંતાનું કારણ છે. સેન્ટ્રલ બેન્કો હવે પોતાના રિઝર્વને ડાયવર્સિફાય કરી ડાલર, યુરો અને સોના વચ્ચે સંતુલન રાખવા માગે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ, સેન્ટ્રલ બેન્કોએ ૨૦૨૨માં ૧,૦૮૨ ટન, ૨૦૨૩માં ૧,૦૩૭ ટન અને ૨૦૨૪માં ૧,૦૪૫ ટન સોનું ખરીદ્યું. ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં ૪૧૦ ટન સોનું ખરીદાયું અને Metals Focusનો અંદાજ છે કે વર્ષના અંત સુધીમાં ૧,૦૦૦ ટન સોનું રિઝર્વ્સમાં ઉમેરાઈ શકે છે.
ભારતીય રિઝર્વ બેન્ક (RBI) પણ સોનાની ખરીદીમાં સક્રિય છે. માર્ચ ૨૦૨૫ સુધીમાં RBI પાસે ૮૮૦ ટન સોનું હતું, જે કુલ રિઝર્વનો ૧૨% હિસ્સો છે. આ પગલું રૂપિયાને વૈશ્વિક ચલણના ઉતાર-ચઢાવથી બચાવે છે, પરંતુ તેની બીજી અસર એ છે કે ઊંચી આંતરરાષ્ટ્રીય કિંમતોને કારણે સ્થાનિક જ્વેલરી મોંઘી થઈ રહી છે.
IMF COFER ડેટા (૨૦૨૪) મુજબ, ડૉલર હજુ પણ ૫૮% ગ્લોબલ ફોરેક્સ રિઝર્વમાં છે, જ્યારે યુરો ૪૬% (સોનું સામેલ કરતાં) છે. ડૉલર હજુ પણ નંબર-વન રિઝર્વ કરન્સી છે, પરંતુ સોનું બીજા ક્રમ પર આવી ગયું છે.
દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૩૦૦થી ૧૪૦૦ ડોલર વચ્ચે તથા પેલેડીયમના ભાવ ૧૦૯૦થી ૧૧૫૦ ડોલર વચ્ચે ફરતા રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવમાં પણ બેતરફી વધઘટ દેખાઈ હતી.
ટ્રમ્પે અમેરિકાના ફેડરલ રિઝર્વના ગવર્નરને અમુક કારણસર બરતરફ કર્યાના સમાચાર પણ આવ્યા હતા. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં ઘટાડો કરવો જરૂરી હોવાનું ટ્રમ્પ ઘણા સમયથી જણાવી રહ્યા હતા. જોકે હવે અમેરિકામાં સપ્ટેમ્બરમાં વ્યાજના દરમાં ઘટાડો કરાશે એવા સંકેતો વહેતા થયા છે. ત્યાં વ્યાજના દર ઘટશે તો વિશ્વબજારમાં ડોલરના ભાવ ઘટશે અને વૈશ્વિક સોનાના ભાવ વધશે એવી ગણતરી વિશ્વબજારના તજજ્ઞાો બતાવી રહ્યા હતા. વૈશ્વિક સ્તરે ટેરીફ નીતિી વિશે હવે પછી અમેરિકાના પ્રમુખ કેવો અભિગમ બતાવે છે તેના પર વિશ્વના બજારોની નજર રહી હતી. રશિયા તથા યુક્રેન વચ્ચે યુધ્ધ વિરામ માટે તાજેતરમાં ટ્રમ્પ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા તથા રશિયા, અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે મિટિંગો પણ યોજવામાં આવી હતી. જોકે આ પ્રયત્નો છતાં યુધ્ધના છમકલા ચાલુ રહ્યાના સમાચાર હતા.