Get The App

માત્ર 4 મિનિટના ઝૂમ કોલમાં ભારતના સ્ટાફની હકાલપટ્ટી થઇ

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
માત્ર 4 મિનિટના ઝૂમ કોલમાં ભારતના સ્ટાફની હકાલપટ્ટી થઇ 1 - image

- અમેરિકાનું જોબ માર્કેટ ખાડે જઇ રહ્યું છે

- પ્રસંગપટ

- ચાર વર્ષ પહેલાં શરૂ થયેલા એક ભારતીય સ્ટાર્ટઅપે 'પૈસા નથી' કહીને પાટિયાં પાડી દીધાં 

લેઓફ, ડાઉનસાઇઝીંગ, જોબ-કટ, હાયરીંગ ફ્રીઝ વગેરે માટે આપણે ત્યાં હકાલપટ્ટી કે પાણીચું જેવા શબ્દો વપરાય છે. પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓના માથે હંમેશા હકાલપટ્ટીની  તલવાર લટકતી હોય છે. લોકો સરકારી નોકરી પસંદ કરે છે તેનાં અનેક પૈકીનું એક કારણ એ છે સરકારી નોકરી સ્થિર અને સુરક્ષિત રહે છે. રાતોરાત કોઇને નોકરી પરથી કાઢી શકાતા નથી. મોટી અને નામાંકિત કહેવાતી ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓ સ્ટાફ લેવામાં જેટલી ઉતાવળ રાખે છે તેનાથી વધુ ઉતાવળ સ્ટાફની હકાલપટ્ટી કરવામાં કરે છે.

ભારતની ટોચની કંપનીઓની પ્રશંસા કરવી જોઇએ. કોરોનાકાળમાં જ્યારે વિદેશની કંપનીઓ સ્ટાફની હકાલપટ્ટી કરતી હતી ત્યારે મોટા ભાગની ભારતીય કંપનીઓએ આવું પગલું ભર્યું નહોતું. હાલ અમેરિકાની ટોચની ૧૫ કંપનીઓ દોઢ લાખથી વધુ લોકોની નોકરી આંચકી લેવાની પેરવી કરી રહી છે ત્યારે અમેરિકાનું જોબ માર્કેટ ખાડે જઇ રહ્યું હોવાનું દેખાઇ આવે છે. ઇન્ટેલ, નેસ્લે, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓમાં જોબ મેળવીને ધન્યતા અનુભવનારાઓની ઊંઘ આજકાલ હરામ થઇ ગઇ છે. ક્યારે બાય-બાય કહેતો ઇમેલ ટપકી પડશે તેની કોઇને ખબર નથી હોતી. તગડો પગાર આપતી આ કંપનીઓે જોબ આપતી વખતે આકરા કોન્ટ્રાક્ટ પર સહી કરાવીને કાંડા કાપી લેતી હોય છે.

સંખ્યાબંધ કર્મચારીઓને સાગમટે  પાણીચું આપવામાં આવે ત્યારે તે સમાચાર બને છે. અનેક કિસ્સા એવા છે, જેમાં કંપનીએ નાની નાની વાતમાં કર્મચારીને બાય-બાય કહી દીધું હોય. કંપનીઓે સ્ટાફની સંખ્યા પર કાતર ચલાવતી વખતે વિવિધ કારણો આપે છે. કેટલાંક કરકસર કે કોસ્ટ-કટિંગનું કારણ આગળ ધરે છે, કોઈ અમુક-તમુક પ્રોજક્ટ્સ બંધ થઈ ગયા હોવાથી હવે સ્ટાફની જરૂર રહી નથી તેવું કારણ બતાવે છે. 

સ્ટાફ ઓછો કરવાની જાયન્ટ કંપનીઓની પ્રવૃત્તિને એક પ્રકારનું ગાંડપણ કહી શકાય. તોતિંગ નફો કરતી કંપનીઓ સ્ટાફની એક્સ્ટ્રા એક્ટિવિટી પાછળ પુષ્કળ ખર્ચ કરતી હોય છે. કંપનીનો ખર્ચ અનેક રીતે ઓછો થઇ શકે છે, પરંતુ કાતર સામાન્યપણે માત્ર સ્ટાફની સંખ્યા પર જ ચલાવવામાં આવે છે.

લેઓફ જેવું રૂપકડું નામ આપીને સ્ટાફને વિદાય આપી દેવાય છે. કંપનીની આર્થિક સમસ્યાનો મુદ્દો આગળ કરવામાં આવે છેે ત્યારે સ્ટાફ વિવાદમાં પડતો નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નોકરીઓ ખાઇ રહી છે તે વાત હવે રોજ કાને પડે છે. કંપનીઓ છૈંનો ઉપયોગ વધારીને નોકરીઓ ઘટાડી રહી છે. 

એક અમેરિકન કંપની માટે ભારતમાં રહીને વર્ક-ફ્રોમ-હોમ કરતા કર્મચારીઓના એક જૂથે સોશિયલ મીડિયા પોતાનો અનુભવ શેર કર્યો છે. માત્ર ચાર મિનિટના ઝૂમ કૉલ દરમિયાન એક સાથે આખા ભારતીય સ્ટાફની જોબ આંચકી લેવામાં આવી હતી. 

આ લેઓફનો ભોગ બનનાર એક વ્યક્તિ લખે છે કે અમેરિકન કંપનીના ચીફ ઓપરેટીંગ ઓફિસરે પોતાનો ઉદ્દેશનો અંદેશો સુધ્ધાં આપ્યા વગર ભારતીય સ્ટાફ સાથે ઓનલાઇન મિટીંગ ગોઠવી હતી. સૌ માટે તેમાં હાજર રહેવાનું ફરજીયાત હતું. ભારતીય સ્ટાફને સ્થાનિક સમય મુજબ  સવારે ૧૧ વાગેે દરેક લોગ-ઇન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેવી ઓનલાઇન મિટીંગ શરૂ થઇ કે તરત જ જાહેરાત કરી દેવામાં આવી કે કંપનીમાં કામ કરી રહેલા ભારતના તમામ કર્મચારીઓને લેઓફ અપાયો છે. કર્મચારીઓ કંઇ સમજેે તે પહેલાં કોઈ જ પ્રકારની સ્પષ્ટતા વગર મિટીંગ આટોપી લેવામાં આવી. માત્ર ચાર મિનિટના ખેલમાં કંપનીનો ભારત ખાતેનો આખો આખો સ્ટાફ સાગમટે બેકાર થઈ ગયો. 

ઔર એક કિસ્સો છે. ચાર વર્ષ પહેલાં શરુ થયેલા એક ભારતીય સ્ટાર્ટઅપે 'મેનેજમેન્ટ પાસે પૈસા નથી' એમ કહીને અણધાર્યાં પાટીયાં પાડી દીધાં હતા. ૧૯ જેટલો સ્ટાફ રાતોરાત રસ્તા પર આવી ગયો હતા. આ પ્રકારના કિસ્સામાં સ્ટાફ સમક્ષ કોઈ ખુલાસો કરવામાં આવતો નથી. ચર્ચા કરવાની તો વાત જ ભૂલી જાઓ. 

ભારતમાં બેસીને વિદેશની આઇટી કંપનીઓ માટે વર્ક-ફ્રોમ-હોમ કરતા કર્મચારીઓ પર લેઓફની તલવાર સતત લટકતી રહે છે. કંપની તરફથી હકાલપટ્ટીનો ક્યારે અને કેવો ઓર્ડર આવશે તેની કશી ખબર એમને હોતી નથી.