- મેટલ બજારોમાં પ્રવાહો ઝડપથી પલ્ટાતા રહ્યા છે
- પ્રસંગપટ
- લંડન મેટલ એક્સચેન્જમાં ચાલતા ભાવ સામે ન્યુયોર્ક બજારમાં પ્રિમિયમો વધી રેકોર્ડ સપાટીએ પહોંચ્યા: કોપરની તેજીના છાંટા અન્ય ધાતુઓ પર પણ ઉડયા
દેશમાં તથા દરિયાપારના બજારોમાં તાજેતરમાં ફેરસ મેટલ્સના સમીકરણો બદલાયા પછી હવે નોન ફેરસ મેટલ્સ-બિનલોહધાતુઓમાં પણ પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. નોન-ફેરસ મેટલ્સની બજારમાં કોપર-તાંબાનો ઉલ્લેખ કિંગ-કોપર તરીકે થાય છે અને કોપરના ભાવમાં થતી વધઘટની અસર અન્ય બિનલોહધાતુઓ પર થતી જોવા મળે છે. દેશના ધાતુ બજારોના ખેલાડીઓની નજર લંડન બજાર પર હંમેશા રહેતી હોય છે. લંડન મેટલ એક્સચેન્જ પર થતી ભાવની વધઘટની તાત્કાલિક અસર મુંબઈ તથા દેશના અન્ય શહેરોમાં ધમધમતા મેટલ્સ બજારો પર પડતી હોય છે, એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારના તાજેતરમાં મળેલા સમાચારો મુજબ કોપરના ભાવ ટૂંકાગાળામાં ઝડપી વધી ગયા છે તથા ટનદીઠ ભાવ ઉછળતાં રહી તાજેતરમાં ૧૦ હજાર ડોલરની સપાટી પાર કરી ગયા છે.!
અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પના આગમન પછી મેટલ બજારોમાં પ્રવાહો ઝડપથી પલ્ટાતા રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ છાશવારે ટેરીફ-ટેરીફનું ગાણું ગાતા રહ્યા છે તથા અમેરિકામાં દરિયાપારથી આયાત થતા કોપર પર ટેરીફ લાદવામાં આવશે એવા સંકેતો વહેતાં થતાં વિશ્વ બજારોમાં સિનારિયો બદલાયો છે. અમેરિકામાં ન્યુયક્ર્કના કોમેક્સ બજારમાં કોપરના ભાવમાં તીવ્ર ઉછાળો દેખાયો છે. લંડન બજારમાં ચાલતા કોપરના ભાવની સામે ન્યૂયોર્કના લકોમેક્સ બજારમાં કોપરના ચાલતા પ્રીમિયમો તાજેતરમાં ઝડપી વધી નવી ઉંચી રેકોર્ડ સપાટીને આંબી ગયાના વાવડ મળ્યા હતા. આવા માહોલમાં વિશ્વના વિવિધ મેટલ્સ બજારો પર પણ તેની અસર દેખાઈ હતી. મેટલ્સ બજારોમાં ચીનના પ્રભુત્વને હળવો કરવા ટ્રમ્પ દ્વારા વિવિધ પગલાંઓ વિચારાતા રહ્યા છે. અમેરિકામાં થતી કોપરની આયાત વિષયક ઊંડી તપાસ કરવા સેક્શન ૨૩૨ હેઠળ ત્યાં નેશનલ સિક્યુરિટી હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. ટ્રમ્પ આ પૂર્વે પાછલી વખતે જ્યારે પ્રમુખ હતા એ વખતે સ્ટીલ તથા એલ્યુમિનિયમની બાબતમાં પણ અમેરિકાની સરકારે આવી તપાસ શરૂ કરી હતી.
ચીન દ્વારા સરકારી સબસીડીઓ તથા વધુ પડતી ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરીને વૈશ્વિક મેટલ્સ બજારોમાં પ્રભુત્વ વધારવામાં આવી રહ્યું છે ત્યારે હવે ટ્રમ્પ સરકાર ચીનને આ ક્ષેત્રેે પછાડવા પ્રયત્નો કરતી દેખાઈ છે. અમેરિકામાં ચાલુ વર્ષે અત્યાર સુધીના ગાળામાં કોપરના ભાવમાં આશરે ૨૪થી ૨૫ ટકાની તેજી આવી છે જ્યારે તથા લંડનના બજારભાવ કરતાં ન્યુયોર્કમાં કોપરના બજાર ભાવ ૧૪થી ૧૫ ટકા ઉંચા રહ્યા છે. આવા પ્રામિયમો વધતાં દરિયાપારથી અમેરિકામાં કોપરની રવાનગી પણ વધી રહી હોવાના સંકેતો મળ્યા હતા. આવી રવાનગી હવે વધી લાખથી દોઢ લાખ થવાનો અંદાજ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં કોપરનું સૌથી વધુ ઉત્પાદન ચીલીમાં થાય છે. ચીલીમાં ૨૦૨૪માં આશરે ૫૩ લાખ ટન કોપર માઈન્સમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ ક્ષેત્રે ચીલી પછી બીજા નંબરે કોન્ગો દેશ આવે છે. કોંગોમાં આ આંકડો ૩૩ લાખ ટનનો ગયા વર્ષે નોંધાયો હતો. કોપર ઉત્પાદનમાં ચીલી અને કોંગો પછી પેરુ આ વે છે તથા પેરુ પછી ચોથા ક્રમાંકે ચીન આવે છે. ચીન પછી અમેરિકા, ઈન્ડોનેશિયા, રશિયા, ઓસ્ટ્રેલિયા, કઝાખસ્તાન, મેક્સિકો, ઝામ્બીયા, કેનેડા, પોલેન્ડ વિ. દેશોનો નંબર કોપર ઉત્પાદનમાં આવે છે. લંડન મેટલ એકસચેન્જમાં તાજેતરમાં કોપરના ત્રણ મહિનાના ભાવ વધી ૧૦૦૩૦થી ૧૦૦૩૫ ડોલરના મથાળે પહોંચ્યા હતા. કોપર પાછળ એલ્યુમિનિયમ, ચીન, નિકલ, જસત, સીસું વિ. નોન-ફેરસ મેટલ્સના બજારભાવ પર પણ બુલીશ ઈમ્પેકટ જોવા મળી હતી. ઉંચામાં કોપરના ભાવ ૧૦૦૪૦થી ૧૦૦૪૫ ડોલર સુધી પણ ક્વોટ થયા હતા. લંડન મેટલ એક્સચેન્જમનાં કોપરનો સ્ટોક પણ ઘટયાના વાવડ મળ્યા હતા. ત્યાં કોપરનો સ્ટોક ઘટી તાજેતરમાં ૨ લાખ ૧૯થી ૨૦ હજાર ટન આસપાસ નોંધાયો હતો, ત્યાં ટીનના ભાવ વધી ટનના ત્રણ મહિનાના વાયદાના તાજેતરમાં ૩૬૧૧૫ ડોલર તથા એલ્યુમિનિયમના ભાવ ૨૬૧૫ ડોલર, નિકલના ૧૬૧૫૦ ડોલર તથા જસતના ભાવ ૨૯૬૦થી ૨૯૬૫ ડોેલરતથા સીસાના ભાવ ૨૦૬૫થી ૨૦૭૦ ડોલર આસપાસ રહ્યા હતા. વિશ્વ બજારમાં કોપરના ભાવ ઉછળતાં તેની અસર ચાંદીના ભાવ પર પણ પડી છે. ચાંદીના વૈશ્વિક ભાવ વધી ઔંશદીઠ ૩૪ ડોલરની ઉપર ગયા હતા તથા વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ચાંદીના ભાવ વધી કિલોદીઠ રૂ.એક લાખની સપાટીને આંબી ગયા હતા. હવે વિશ્વના વિવિધ બજારોની નજર ટ્રમ્પ પર રહી છે!


