Get The App

આઇટી ક્ષેત્રે ભડકો: ટીસીએસએ 12,246 લોકોની જોબ આંચકી

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
આઇટી ક્ષેત્રે ભડકો: ટીસીએસએ 12,246 લોકોની જોબ આંચકી 1 - image


- પ્રસંગપટ

- ઇન્ફોસિસ 20,000 ફ્રેશર્સને જોબ આપી રહી છે

- ટીસીએસમાં કુલ 6,13,069 લોકો કામ કરી રહ્યા છે : છટણીનો ટ્રેન્ડ આગળ વધે તો જોખમ

ઇન્ફોર્મેશન ટેકનોલેજી ક્ષેત્રે દુનિયાભરમાં સામૂહિક છટણી થતી રહી છે. સામે પક્ષે નવી નોકરીઓ પણ પેદા થઈ રહી છે. એક બાજુ, ટાટા કન્સલટન્સી ૧૨,૨૬૧ કર્મચારીઓને પાણીચું આપી રહી છે તો બીજી તરફ, ઇન્ફોસિસ ૨૦,૦૦૦ ફ્રેશર્સને જોબ આપી રહી છે. 

ટીસીએસે ગયા અઠવાડિયે દુનિયાભરમાં પથરાયેલા તેના સ્ટાફમાંથી કુલ ૧૨,૨૬૧ કર્મચારીઓને વિદાય આપવાની જાહેરાત કરી હતી. ટીસીએસ ભારતની પહેલી એવી આઇટી કંપની છે કે જેણે આટલી મોટી સંખ્યામાં સ્ટાફની છટણી કરવાની કાર્યવાહી કરી હોય. આટલા બધા  કર્મચારીઓની છટણી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સૌથી મોટા કારણ તરીકે આગળ ધરવામાં આવે છે, પરંતુ હકીકત એ છે કે દરેક કંપની સંભવિત મંદીને ધ્યાનમાં લઇને કરકસરના પગલાં લઇ રહી છે. AIને કારણે જોબમાં કપાત આવશે તેવો ડર લાંબા સમયથી વર્તાઈ રહ્યો છે, પરંતુ પહેલી નજરે લાગે છે કે AI એક બહાનું છે. ટીસીએસ વાસ્તવમાં કોસ્ટ કટિંગ કરીને કરકસર કરવાનો પ્રયાસ કરી રહી છે.

ટીસીએસના ચોપડે જૂનના અંતમાં કુલ ૬,૧૩,૦૬૯ લોકો કામ કરી રહ્યા હતા. એટલે આમ જોવા જાઓ તો ૧૨,૨૬૧ કર્મચારીઓને જોબ છોડવી પડે તો પણ આ આંકડો કંપની માટે કુલ કર્મચાકીઓના માત્ર બે ટકા જેટલો જ છે. કંપનીના કામકાજમાં તેનાથી ખાસ કશો ફરક પડવાનો નથી, પણ આ ૧૨,૨૬૧ લોકોના કુટુંબ પર સીધો પ્રભાવ પડવાનો છે. 

થોડા અરસા પહેલાં ઇન્ફોસિસે તેના ટ્રેઇની સ્ટાફને દૂર કર્યો હતો, કેમ કે તેઓ કાર્યક્ષમતા બતાવી શક્યા નહોતા. તે સંખ્યા જોકે માંડ ૫૦૦ જેટલી હતી. હવે ઇન્ફોસિસ લગભગ ૨૦,૦૦૦ ગ્રેજ્યુએટ્સને ટ્રેઇની તરીકે લઇ રહી છે. સો-બસ્સો ટ્રેઇનીને લેવાય કે રવાના કરી દેવાય તેની ખાસ નોંધ નથી લેવાતી. પ્રથમ ત્રિમાસીક ગાળામાં ટીસીએસે આશરે ૫,૦૦૦ લોકોને જોબ પર રાખ્યા હતા, જ્યારે તેની સામે ઇન્ફોસિસે નવી ભરતી માટે ઉદાસીનતા બતાવી હતી.

સરકાર રોજગારીની તકોને સાથે રાખીને દેશનો સમગ્રલક્ષી વિકાસ કરવા માગે છે. રોજગારીને પ્રોત્સાહન આપતી ઇન્સેન્ટીવ સ્કીમ્સને કારણે ખરેખર તો રોજગારીની તકો વધવી જોઇએ, તેના બદલે ટીસીએસ જેવી કંપનીઓ જોબ પર કાતર ફેરવી રહી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય ઇન્સેન્ટીવ સ્કીમને પ્રમોટ કરવા માગે છે, પરંતુ મોટી કંપનીઓ તેમના જોબ સંબંધિત પ્લાન ક્યારેય જાહેર થવા દેતી નથી. ટીસીએસે ૧૨ હજાર કરતાં વધારે જોબ પર કાતર મારવાની હિલચાલ શરૂ કરી ત્યારે જ આઇટી મંત્રાલયે તપાસ હાથ ધરી હતી. ટાટા કન્લટન્સી પોતાના વ્યૂહાત્મક પ્લાનિંગ સાથે આગળ વધવામાં માહેર છે.

આંતરિક વર્તુળો જણાવે છે કે છેલ્લા ત્રિમાસીક ગાળામાં આઇટી કંપનીઓએ નવા કર્મચારીઓની ભરતી પર લગભગ વિચાર્યું જ નથી. કેટલીક આઇટી કંપનીઓની આવક વધી છે, જ્યારે મોટા ભાગની કંપનીઓ  પ્રોફિટને માર ન પડે તે માટે સ્ટાફની છટણી કરવાનું પગલું લેવાનું વિચારવા લાગે છે.  

બહુ ઉહાપોહ થયો એટલે ટીસીએસના મેનેજમેન્ટે કહેવું પડયું કે અમે વિદાય લઈ રહેલા સ્ટાફને તેમના હકની પૂરેપૂરી રકમ સમયસર મળી જશે એની તેકેદારી લઈશું અને નોકરી જવાથી હતાશ થયેલા લોકોનું કાઉન્સેલિંગ પણ પુરૃં પાડીશું. એવુંય આશ્વાસન આપવામાં આવ્યું કે તેમને નોટીસ પિરીયડનું પેમેન્ટ પણ મળી જશે.

ટીસીએસે બીજી આઇટી કંપનીએાને છટણી કરતા શીખવ્યું છે એવો આક્ષેપ થાય છે. ટીસીએસે શરૂ કરેલી છટણીનો ટ્રેન્ડ આગળ વધે છે કે કેમ તે જોવાનું રહ્યું. કમસે કમ છેલ્લા એક અઠવાડિયામાં તો અન્ય કોઇ આઈટી કંપનીએ ટીસીએસનું અનુકરણ કર્યું નથી.

ટીસીએસની આ છટણીમાં ૯થી ૧૭ વર્ષનો અનુભવ ધરાવતા અને ખાસ કરીને સિનિયર અથવા મિડલ-લેવલ મેનેજમેન્ટ પોઝિશન ધરાવતા લોકોને સૌથી વધારે અસર થવાની છે. જેમની જોબ ગઇ છે તેમને આગોતરી જાણકારી આપવામાં આવી નહોતી. મીડિયાના અહેવાલો પરથી એમને છટણીના સમાચાર મળ્યા.  અગાઉ ટીસીએસએ ૨૦૧૨માં એક સાથે ૨૫૦૦ લોકોની જોબ આંચકી લીધી હતી. જોકે અહીં ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ અને ૨૦૦૮ની આર્થિક મંદીમાં ટીસીએસે જોબ-કટનું પગલું ભર્યું નહોતું.

આઇટી ક્ષેત્રે ટીસીએસ ખાસ્સી ભરોસાપાત્ર કંપની ગણાય છે. ભારતના આઇટી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ટીસીએસમાં કામ કરવું તે એક પ્રકારનું સ્ટેટસ ગણાય છે. આવી કંપની જ્યારે વિશ્વભરમાં ફેલાયેલા પોતાના સ્ટાફમાંથી ૧૨,૨૪૬ કર્મચારીઓને સાગમટું પાણીચું આપી દે ત્યારે તેનું આ પગલું ટોકિંગ પોઇન્ટ બને જ. બસ, ટીસીએસે સ્ટાફની છટણી કરીને ચાંપેલી ચિનગારીમાંથી ભડકો ન થવો થવો જોઈએ.  

Tags :