Get The App

2025નો અંતિમ દિવસઃ ચાંદીના ભાવોના ઉછાળા વચ્ચે આશાનો સંચાર

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
2025નો અંતિમ દિવસઃ ચાંદીના ભાવોના ઉછાળા વચ્ચે આશાનો સંચાર 1 - image

- 2026ને નવા ઉમંગોથી યાદગાર બનાવીએ

- પ્રસંગપટ

- 2025નું વર્ષ સાયબર ક્રાઇમ કરનારા માટે નફાકારક રહ્યું હતું. ડિજીટલ એરેસ્ટ કરીને કરોડો ખંખેરાયા

૨૦૨૫નો આજે અંતિમ દિવસ છે. ૨૦૨૫ના વર્ષ દરમ્યાનની અનેક ઉથલ પાથલો અને અનિશ્ચિતતા વચ્ચે ચમકીલી ધાતુએ રંગ રાખ્યો છે. સોના ચાંદીના છલાંગ મારતા ભાવો ઘેર ઘેર ચર્ચાનો વિષય બની ગયા છે. ચાંદીને એક સમયે મધ્યમ વર્ગ અને શ્રમ જીવી વર્ગનું સોનું કહેવાતું હતું. પરંતુ ૨૦૨૫ના ચાંદીના ભાવોએ પૈસાદાર વર્ગને પણ ચાંદી ખરીદવા વિશે વિચારતો કરી દીધો હતો. સામાન્ય રીતે ઘેર કોઇ શુભ પ્રસંગ હોય ત્યારે સોના-ચાંદીની ખરીદી કરાતી હતી. પૈસાદાર લોકો સોનું ખરીદતા હતા જ્યારે મધ્યમ વર્ગ ચાંદી ખરીદવાનું બજેટ તૈયાર કરતો હોય છે. જોકે ૨૦૨૫ના વર્ષે ચાંદી બે લાખ પચાસ હજાર રૂપિયાને ને વટાવી દેતા તેની ખરીદી મધ્યમ વર્ગ માટે સપનાં સમાન બની ગઇ છે.

જોકે ૨૦૨૫ના વર્ષે સોના-ચાંદીની ખરીદી કરનારાઓને એક પગંતમાં લાવીને મુકી દીધા છે. ૨૦૨૫નું વર્ષ એકંદરે ચેલેન્જ વાળું પસાર થયું છે. ભારત તેના દુશ્મનના દાંત ખાટા કરી શક્યું છે તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમપે લાદેલી ટેરિફનો માર ભારત પચાવી શક્યું છે. જેમ સોના ચાંદીમાં ઉછળતા ભાવો ઘેર ઘેર ચર્ચાનો વિષય બન્યા હતા એમ અમેરિકાની વિઝા પોલીસીએ અનેકના ભાવિ સાથે ચેડાં કર્યા હોવાની ચર્ચા પણ ચાલી હતી.

૨૦૨૫નું વર્ષ સાયબર ક્રાઇમ કરનારા માટે નફાકારક રહ્યું હતું. લોકોને ડિજીટલ એરેસ્ટ કરીને કરોડો ખંખેરી લેનારાઓનો ત્રાસ વધ્યો હતો. હવે આપણે ૨૦૨૬ના વર્ષમાં પ્રવેશી રહ્યા છીયે.

સન ૨૦૨૬ ના નવા વર્ષને શુભ સંકલ્પો સાથે ઉજવવાનો સંકલ્પ કરીએ. આના માટે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું તે પહેલું કામ છે. શરીરને સ્વસ્થ રાખવા માટે થોડોક સમય કાઢીએ. એ દરમ્યાન આસન, પ્રાણાયામ, વ્યાયામ, ધ્યાન વગેરે કરવા જોઈએ. આહાર વિહાર સાત્વિક રાખીએ. ભોજન સુપાચ્ય તથા પોષણક્ષમ હોવું જોઈએ. પૂરતી ઊંઘ લઈએ. ચિંતન પવિત્ર અને સકારાત્મક રાખીએ. દરરોજ જ્ઞાાન પ્રાપ્ત થાય એ માટે સ્વાધ્યાય કરીએ. પોતાની અંદર રહેલાં દોષ- દુર્ગુણોને દૂર કરવાનો સંકલ્પ કરીએ.  - દુર્ગુણ ત્યાગો બનો ઉદાર આ જ છે મુક્તિનો માર્ગ. દોષ- દુર્ગુણોને ઓછા કરતાં રહેવાથી જીવ અને શિવ વચ્ચેનું અંતર ઓછું થતું જાય છે. પોતાના જીવનનું લક્ષ્ય શું છે ? એ જો સ્પષ્ટ હશે તો જીવનમાં ગુણવત્તા આવશે. સમયનો સદુપયોગ કરીએ. જીવનની દરેક ક્ષણ કીમતી છે. આથી પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીએ. જીવનમાં આવતા અનેક અવરોધો આપણા ધ્યાન તથા લક્ષ્યને બીજે વાળવાનો પ્રયાસ કરશે, પરંતુ આપણે આપણા લક્ષ્યને કેન્દ્રિત રાખીને નિરંતર આગળ વધતા રહીએ. સવારે ઊઠતાંની સાથે જ દિવસભરનાં કાર્યોની પ્રાથમિકતા નક્કી કરીને સમયનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકીશું.

બીજાઓની સાથે ઉત્તમ વ્યવહાર કરવાનો નિશ્ચય કરીને તેનું પાલન કરીએ. નિંદા ચાડી ચુગલી ન કરીએ. બીજાઓ પર કદાપિ દોષારોપણ ન કરીએ. બીજાઓ પાસે વધારે પડતી આશા તથા અપેક્ષા ન રાખીએ. બીજાઓ પ્રત્યે આપણી ફરજ હોય તે નિભાવીએ. કર્તવ્યનું પાલન કરવું તેને જ સાચો ધર્મ માનીએ. દરરોજ ડાયરી લખવાની ટેવ પાડીએ. એનાથી આપણો કેટલો સમય વેડફાયો, કેટલું કામ થયું અને આપણે કેટલો વિકાસ કર્યો તેનો ખ્યાલ આવે છે. આની સાથે પોતાના દોષોને શોધીને દૂર કરવામાં તથા સદગુણો વધારવામાં ડાયરી મદદરૂપ બને છે. દરરોજ લખવાનો અભ્યાસ થવાથી પોતાની લેખનશૈલીમાં મૌલિકતા આવે છે અને તેનો વિકાસ પણ થાય છે. યોગ્યતા વધવાથી આત્મવિશ્વાસ અને આત્મસન્માનમાં વધારો થશે.

દરરોજ થોડીકવાર પ્રકૃતિના ખોળે રહીએ. પ્રકૃતિના સાન્નિધ્યમાં રહેવાથી માનસિક શાંતિ વધશે. શ્રી રામ શર્મા આચાર્ય એ કહ્યું - બે વાત યાદ રાખવા યોગ્ય છે, એક કર્તવ્ય અને બીજું મરણ. આ શરીર મરણધર્મી છે. ધરતી પર આપણું જીવન બહુ ટુંકું છે. મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે. શ્રેષ્ઠ જીવન જીવવાનો સંકલ્પ કરીએ. ખોટી આસક્તિ તથા મોહનો ત્યાગ કરીએ શ્રેષ્ઠ કાર્યો માટે. પુણ્યપરમાર્થ માટે થોડુંક ધન તથા સમય ખરચીએ. નિત્ય ગાયત્રી મંત્રના જપ કરીએ જેથી બુદ્ધિ સન્માર્ગ તરફ રહે. વર્તમાનમાં જીવીએ અને આ રીતે વર્ષ ૨૦૨૬ને આપણા જીવનનું નવી આશાઓ, નવા ઉમંગોથી યાદગાર બનાવીએ.