Get The App

તહેવારોમાં ક્રેડિટ કાર્ડનો ધૂમ વપરાશ: રૂપિયા 2.2 ટ્રિલિયનની ખરીદી થઈ

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
તહેવારોમાં ક્રેડિટ કાર્ડનો ધૂમ વપરાશ: રૂપિયા 2.2 ટ્રિલિયનની ખરીદી થઈ 1 - image

- ભૌતિક ચીજો વડે જીવનમાં વધુ રોનક લાવવાનો પ્રયાસ

- પ્રસંગપટ

- ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો સૌને ગમે છે, પરંતુ સમય પર બિલ ન ભરનારા દેવાની જાળમાં ફસાઈ જાય છે

દિવાળીના તહેવારોમાં થયેલી આશ્ચર્યજનક ધૂમ ખરીદી પાછળ ક્રેડિટ કાર્ડનો છૂટથી ઉપયોગ મહત્ત્વનો સાબિત થયો  છે. ઓનલાઇન ખરીદી કરતી વખતે ક્રેડિટ કાર્ડના વપરાશ કરવાથી ઘણી વાર અલાયદું ડિસ્કાઉન્ટ અપાય છે, જેનો ભરપૂર લાભ લેવાયો હતો. ક્રેડિટ કાર્ડનો ફાયદો એ છે કે બિલ તાત્કાલિક ચૂકવવાનું હોતું નથી. ક્રેડિટ કાર્ડનું આગામી સ્ટેટમેન્ટ આવે પછી ડયુ ડેટ સુધીમાં બિલ ભરવાનું હોવાથી દિવાળીના તહેવાર દરમિયાને લોકોએ જીવનજરૂરી કે લક્ઝરી ચીજોની ખરીદી કરીને જીવનમાં વધુ રોનક લાવવા પ્રયાસ કર્યો હતો. આ વખતે દિવાળીના તહેવારોમાં ધૂમ ખરીદી થવા પાછળ બે કારણો ઊપસ્યાં હતાં. એક તો, જીએસટીના સ્લેબમાં થયેલા ફેરફાર અને બીજું, તેજીનો કરંટ. ક્રેડિટ કાર્ડનું પરિબળ તો ખરું જ. 

લોકોએ ક્રેડિટ કાર્ડ પર વોશિંગ મશીન, મિક્સર, ટીવી, એ.સી., ફ્રિજ જેવી રોજીંદા વપરાશની ચીજવસ્તુઓ ઉપરાંત સોના-ચાંદીના ઘરેણાં પણ ક્રેડિટ કાર્ડના જોરે ખરીદ્યાં હતાં. ક્રેડિટ કાર્ડ પર રોકડ ઉપાડવામાં તગડું વ્યાજ લેવાતું હોવા છતાં કેટલાય વપરાશકારોએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રોકડ વિથડ્રો કરી હતી ને દિવાળીની શોપિંગ કરી હતી. 

શોપિંગ મોલમાં પેમેન્ટ કાઉન્ટર પર કતારોમાં ૫૦ ટકાથી વધુ લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો, જ્યારે  બાકીનાઓ રોકડ, ડેબિટ કાર્ડ અને યુપીઆઇનો ઉપયોગ કર્યો હતો.  

ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરતી બેંકોને મધ્યમવર્ગના ગ્રાહકો પાસેથી વસુલાત કરતાં આવડે છે. જે લોકો સ્ટેટમેન્ટ પ્રમાણે બિલની પૂરેપૂરી રકમ ભરી શકતા તેમના માટે મિનિમમ પેમેન્ટ ભરવાનો વિકલ્પ આપીને એક અદ્રશ્ય ટ્રેપ ગોઠવ્યો છે.   

જંગલી પ્રાણીથી માંડીને કિચનમાં ફરતા ઉંદરને લલચાવીને ફસાવવા માટે પાંજરામાં ખોરાક મૂકવામાં આવે છે. મિનિમમ પેમેન્ટના ટ્રેપમાં ફસાનાર અંતે ઊંચા વ્યાજના ચક્કરમાં ફસાઇ જાય છે અને ક્રેડિટ કાર્ડથી થતી શોપિંગના ક્રેઝને ભૂલ ગણતો થાય છે. ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરતી કેટલીક બેંકોએ તહેવારો પહેલાં ક્રેડિટ કાર્ડધારકોને પરિવારના સદસ્ય માટે એક વધારાના ફ્રી કાર્ડની ઓફર કરી હતી. આ બઘાં કારણોને લીધે આ વખતે દિવાળીના તહેવારોમાં ક્રેડિટ કાર્ડ આધારીત ખરીદીનો આંક ૨.૧૬ લાખ કરોડ રૂપિયા (૨.૨ ટ્રિલિયન)ને વટાવી ગયો હતો.

ક્રેડિટ કાર્ડના પગલે ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ઓનલાઇન શોપિંગનું પ્રમાણ વધ્યું હતું. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ક્રેડિટ કાર્ડ આધારીત ખરીદીમાં ૨૨ ટકાનો વધારો નોંધાયો છે. દિવાળીના તહેવારો દરમ્યાન ૧૦ લાખ જેેટલા નવાં ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરાયાં હતા. જુલાઈ ૨૦૨૫ના આંકડા અનુસાર, ભારતમાં ૧૦૦ મિલિયન કરતાં વધારે ક્રેડિટ કાર્ડ સક્રિય છે. ઇ-કોમર્સ પ્લટફોર્મ્સ પર ઓફર થતા ડિસ્કાઉન્ટની વિવિધ સ્કીમો જાણે ફરી વાર મળવાની ન હોય તેમ લોકોએ ખાસ કરીને ઇલેકટ્રોનિક ચીજોની ધૂમ ખરીદી કરી હતી. 

એચડીએફસીના ક્રેડિટ કાર્ડ પર ખરીદીમાં ૧૨.૪૫ ટકા, એસબીઆઇના કાર્ડ પર ૨૨.૮૬ ટકા જ્યારે આઇસીઆઇસીઆઇના કાર્ડ પર ૨૧.૫ ટકાનો વધારો જોવા મળ્યો હતો.  સૌથી વધુ ક્રેેડિટ કાર્ડધારકો એચડીએફસી ધરાવે  છે - ૨૫.૨૮ મિલિયન. ૨૧.૫ મિલિયન ક્રેડિટ કાર્ડ સાથે એસબીઆઇ બીજા નંબરે આવે છે, જ્યારે ૧૮.૩૭ મિલિયન કાર્ડ સાથે આઇસીઆઇસીઆઇ ક્રેડિટ કાર્ડ ત્રીજા નંબરે આવે છે. 

તહેવારોની ખરીદી માત્ર દેવ દિવાળી સુધી ચાલશે એવું નથી. હવે લગ્નોની મોસમ આવશે, ક્રિસમસ તેમજ ૨૦૨૬નું નવું વર્ષ આવશે. ક્રિસમસમાં શોપિંગ માટે દિવાળી જેવો ક્રેઝ ન હોય, પણ ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ વિશેષ સ્કીમો મુકીને લોકોને આકર્ષવાનો પ્રયાસ કરવા વગર રહેશે નહીં. ડિસ્કાઉન્ટ, કેશબેક તેમજ ચોક્કસ બેંકોનાં ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં અપાતા વગર વ્યાજના હપ્તા જેવી સ્કીમોના કારણે લોકો ડેબિટ કાર્ડના બદલે ક્રેડિટ કાર્ડના વપરાશ તરફ વળ્યા છે. 

જો સમજીવિચારીને ઉપયોગ કરવામાં આવે તો ક્રેડિટ કાર્ડ એક આકર્ષક સુવિધા પૂરવાર થઈ શકે છે. ક્રેડિટ કાર્ડધારક ખરીદી કરતી વખતે સંયમ જાળવી શકવો જોઈએ અને સમયસર બિલ ભરવાની સ્વયંશિસ્ત ધરાવતો હોવો જોઈએ. જો સંયમ અને શિસ્ત ન હોય તો ક્રેડિટ કાર્ડધારક વધતા જતા વ્યાજના  ટ્રેપમાં  આસાનીથી ફસાઈ શકે છે.