Get The App

રેવડી કલ્ચર સામે પડકારઃ રાજ્યો પાસે પૈસા નથી અને રાહતો વહેંચવાનો સમય

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
રેવડી કલ્ચર સામે પડકારઃ રાજ્યો પાસે પૈસા નથી અને રાહતો વહેંચવાનો સમય 1 - image

- મહિલાઓના ખાતામાં પૈસા જમા કરવાનો સમય આવી ગયો છે

- પ્રસંગપટ

- નાણા વિકાસના કામો, શિક્ષણ કે આરોગ્ય ક્ષેત્રે વપરાવા જોઇએ તે રેવડી કલ્ચર માટે હોમાઇ જાય છે

મતદારો હવે પહેલાં જેવા ભોળા નથી રહ્યા. ઉમેદવારો શું આપશે તેની ચર્ચા પહેલાં ખાનગી રાહે થતી હતી પરંતુ હવે તે જાહેરમાં થતી જાવા મળે છે. હૂંસા તૂંસીવાળા રાજકારણે મતદારોને મફતમાં લાભ (રેવડી વહેંચવી) આપવા માટે વિશેષ બજેટ ફાળવવું પડે છે. એક સમયે તે ટૂચકા સમાન લાગતું હતું પરંતુ હવે તે ફરજીયાત બની ગયું છે. 

દેશમાં રેવડી કલ્ચર ઉભું કરનારા રાજકીય પક્ષો છે એટલે મતદારો પણ પોતાને ઘરબેઠા મળતા લાભને જવા દેવા તૈયાર નથી. મતદારોને આપેલા પ્રોમીસ પછી તેમને નિયમિત નાણા ચૂકવવાના પૈસા ક્યાંથી લવાશે તેનું ભાગ્યેજ કોઇ વિચારતું હોય છે. દર મહિને બેંકના ખાતામાં ૨૦૦૦ રૂપિયા જેવી રકમ મફતમાં જમા થાય તો કોને ના ગમે?

વિધાનસભાની ચૂંટણીઓમાં રેવડીનું વિતરણ ફરજીયાત બની ગયું હોય એમ લાગે છે. જે વધુ સવલતો કે આર્થિક સહાયની ખાત્રી આપે તેને લોકો મત આપવા તૈયાર થઇ જાય છે.

હવે પાંચેય રાજ્યોમાં મુખ્યપ્રધાનો કાર્યરત થઇ ગયા છે. દરેકે પ્રજાને આપેલા રેવડી-વચનો પ્રમાણે પૈસા ચૂકવવાનો સમય પણ આવી ગયો છે. કોઇ સરકાર પાસે પૈસા નથી. કેન્દ્ર પાસે હાથ લંબાવશે તોજ નાણા ચૂકવી શકાશે.

તમિળનાડુના મુખ્યપ્રધાન જોસેફ વિજય બે દિવસ અગાઉ દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળી ગયા છે.વડાપ્રધાન પાસે તેમણે કેટલીક ડિમાન્ડની યાદી આપી છે. તેમાં આર્થિક પેકેજની વાત પણ હશે એમ માનવામાં આવે છે.

રેવડીની લાલચ આજકાલની નથી. ૧૯૬૭માં તમિળનાડુના મુખ્ય પ્રધાન સીએન અન્નાદુરાઇએ જ્યારે ઘરદીઠ મહિને એક રૂપિયામાં સાડાચાર કિલો ચોખા આપવાની જાહેરાત કરી ત્યારે તેમની વાહ વાહ થવાની સાથે ટીકા પણ થઇ હતી. જોકે પછીતો તમિળનાડુનો દરેક પક્ષ વિવિધ રેવડીની જાહેરાત કરતો હતો. આજે તમિળનાડુ તો રેવડી રાજ્ય બની ગયું છે એમ કહી શકાય. તમિળનાડુના રાજકીય પક્ષો ચૂંટણીમાં વોશિંગ મશીન ,રેફ્રિજરેટર, કુકર, વાસણોનો સેટ વગેરે આપતા થયા છે. વિજળી બીલ માફીની ઓફરની શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી હતી.

તમિળનાડુમાં ડીએમકેની સરકાર હતી ત્યારે મહિલાઓના ખાતામાં દર મહિને ૩૦૦૦ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. આવી રેવડી મોડી વહેલી જમા થતી હોય છે. તેમ છતાં ડીએમકે હારી ગયું અને અભિનેતા વિજયના નેતૃત્વવાળો નવો પક્ષ જીતી ગયો હતો. નવા પક્ષે પણ રેવડી કલ્ચરનો આશરો લીધો છે.

તમિળનાડુમાં તો સામાન્ય પંચાયતની ચૂંટણીમાં પણ સાડી-બંગડી- બ્યુટી કીટ જેવી ચીજો વહેંચવામાં આવે છે. લોકો પણ મફત મળતી ચીજોને આવકારે છે.

રાજકીય પક્ષોની કમનસીબી એ હોય છે કે રાજ્યમાં છાશવારે ચૂંટણી આવે છે. જેમકે વિધાનસભા પછી લોકસભા, કોર્પોરેશન, પંચાયત સ્તરની ચૂંટણીઓ આવતી હોઇ જો કોઇ રાજકીય પક્ષ પ્રોમીસ આપ્યા પછી ફરી જાય તો મતદારો તે પક્ષને બીજી ચૂંટણીમાં હરાવી દે છે. રાજકીય પક્ષે આપેલા પ્રોમીસ પ્રમાણેના પૈસા ખાતામાં ના જમા થાય તો પણ બીજાજ દિવસે તે ચર્ચાનો વિષય બની જાય છે.

કોઇ મતદાર મફતમાં મળતા લાભને છોડતો નથી.

 રાજકીય પક્ષ પૈસા ક્યાંથી લાવશે તેની ચિંતા કરવા તે તૈયાર નથી હોતો. પરંતુ આર્થિક નિષ્ણાતો કહે છે કે સરકારની તિજોરી પર આવા રેવડી લાભો મોટો ભાર ઉભો કરે છે. મહિલાઓ અને બેરોજગારોને દરમહિને ભથ્થું આપવાની યોજના તેમને વધુ આળસુ બનાવી દે છે.

પરંતુ રાજકીય સત્તા રાજાશાહી સમાન હોય છે. રાજ્યના માથે વધતા દેવાની કોઇ ચિંતા નથી કરતું. કેન્દ્ર સરકાર પોતે અનાજ સસ્તાભાવે વિતરણ કરે છે તે પણ રેવડી કલ્ચરનો એક ભાગ છે. જ્યારે રેવડી કલ્ચર દરેક પક્ષ આપતા થયા ત્યારે એવી પણ રજૂઆત કરાઇ હતી કે જે પક્ષ રેવડીના મુદ્દાની જાહેરાત કરે તેના પૈસા તે પોતાના પક્ષ પાસેના ભંડોળમાંથી ચૂકવે. પરંતુ આ વાત સાથે કોઇ રાજકીય પક્ષ તૈયાર નહોતો. સરકારની પૈસા પક્ષની વાહવાહી ઉભી કરવાનો ધંધો રાજ્ય સરકારની તિજોરી ખાલી કરી નાખે છે.

જે નાણા વિકાસના કામો, શિક્ષણ કે આરોગ્ય ક્ષેત્રે વપરાવવા જોઇએ તે રેવડી કલ્ચર માટે હોમાઇ જાય છે.