હવામાનની સચોટ માહિતી આપતી સિસ્ટમ BFS બહુ ઉપયોગી બનશે
- વર્તારા માટે વિશ્વનું સૌથી સચેાટ એવું સ્વદેશી મોડલ
- પ્રસંગપટ
- માત્ર 4 થી 6 કલાકમાં હવામાનની આગાહી સૈાથી હાઇ રેઝોલ્યુશન ટેકનિક ભારત વાપરે છે
ભારત ફોરકાસ્ટ સિસ્ટમ (BFS)ના કારણે હવામાન ખાતાની આગાહી વધુ ચોક્સાઇપૂર્ણ બની શકે છે. પૂણેની ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે
( IITM-Pune) વિકસાવેલી હવામાનની આગાહીની આ સિસ્ટમ ૨૦૨૨થી સક્રિય કરવામાં આવી હતી. પછીનાં ત્રણ વર્ષ સતત તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે સેટેલાઇટ ઇમેજીસ સાથે પુષ્કળ કામ પાર પાડે છે. BFS સૌથી વધુ રેઝોલ્યુશનવાળી સિસ્ટમ ગણાય છે.
લાંબા પરીક્ષણ બાદ વિજ્ઞાાન મંત્રાલયે ગયા સોમવારથી વિધિવત્ આ સિસ્ટમને અમલમાં મૂકી. ભારત ફોરકાસ્ટ સિસ્ટમને વિશ્વનું સૌથી સચોટ એવું સ્વદેશી બનાવટનું વિકસિત હવામાન આગાહી મોડલ તરીકે રજૂ કરવામાં આવ્યું છે.
હવામાન માપવાનાં અગાઉ વપરાતાં ઉપકરણો કરતાં ભારત ફોરકાસ્ટ સિસ્ટમ વધુ સચોટ છે, જેના કારણે જનતાને હવામાનનો સમયસર અને ચોક્કસ વર્તારો મળી શકે છે. વિશ્વમાં વપરાતાં હવામાન ખાતાંનાં બીજાં કોઈ પણ ઉપકરણો કરતાં ભારત ફોરકાસ્ટ સિસ્ટમ વધુ ઝડપે માહિતી આપી શકશે, કેમ કે આ સિસ્ટમ માટે વપરાતા સુપર કમ્પ્યુટરની ક્ષમતા ૧૧.૭૭ પેટાફ્લેાપની છે, જ્યારે તેની સ્ટોરેજ કેપેસીટી ૩૩ પેટાબાઇટ્સ છે. પેટાફ્લોપ એ કમ્પ્યુટિંગ સ્પીડ માટેનો એકમ છે. એક પેટાફ્લોપ એટલે એક ક્વોડ્રીમિલિયન ફ્લોટિંગ પોઇન્ટ ઓપરેશન્સ પર સેકન્ડ (FLOPS). બીજી રીતે કહીએ તો, ૧ પેટાફ્લોપ એટલે ૧ની પાછળ પંદર શૂન્ય લગાડો એટલા ફ્લોપ્સ. પેટાબાઇટ એ ડિજિટલ ડેટા સ્ટોરેજનું યુનિટ છે. ૧ પેટાબાઇટ એટલે ૧ની પાછળ ૧૫ શૂન્ય લગાડો એટલા બાઇટ્સ.
આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક રીસર્ચર કહ્યું હતું તે ૪૦ ડોપલર વેધર રડારના નેટવર્ક (વેધર મોનિટરીંગની હાઇ રેઝ્યુલશન સિસ્ટમ) આખા દેશને આવરી લેતું હોવાથી તેનો ઉપયોગ નવી ભારત ફોરકાસ્ટ સિસ્ટમમાં કરવામાં આવી છે. ડોપલરની સંખ્યા ધીરે ધીરે ૧૦૦ સુધી લઇ જવામાં આવશે. તેથી હવામાન કચેરીઓ આગામી બે કલાકમાં હવામાન કેવું હશે તેની જાણકારી દેશભરમાં આપી શકશે.
IITMના ડિરેક્ટર કહે છે કે અગાઉ ચોક્કસ વિસ્તાર માટે હવામાનની આગાહી કરતાં ૧૨થી ૧૪ કલાકનો સમય લાગતો હતો, પણ આ કામ હવે માત્ર ૪થી ૬ કલાક પહેલાં કરી શકાશે. કેન્દ્ર સરકારના મિશન મૌસમ યોજનાને કારણે આ સિદ્ધિ શક્ય બની છે એમ પણ તેમનું કહેવું છે. હવામાનની આગાહીના મામલામાં આત્મનિર્ભર બનવાના ભાગરૂપે આ પ્રોજક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.
કોઇ નાના ગામના હવામાનમાં થનારાં પરિવર્તનોની પણ આગોતરી જાણ થઈ શકતી હોવાથી જાનહાનિ ઓછી થશે. કૃષિ અને તેની સાથે સંકળાયેલા લોકોને થતું નુકશાન ઘટશે. BPSને કારણે વરસાદની સિઝનમાં કેટલો વરસાદ પડશે તેની અગાઉનાં ઉપકરણો કરતાં ૩૦ ટકા વધુ સચોટ માહિતી મળશે. ચક્રવાત ક્યા માર્ગેથી પસાર થશે તેની માહિતી પણ એક્યુરસી સાથે મળી શકશે.
એક સમય હતો કે જ્યારે હવામાન ખાતું ચોક્કસ આગાહી કરી શકતું નહોતું, પરિણામે જાનહાની મોટા પાયે થતી હતી. હવે ચક્રવાતની સ્થિતિમાં લોકોને સલામત સ્થળે આગોતરા ખસેડાઇને તેમનો જીવ બચાવી શકાય છે. જુની સિસ્ટમો ૧૨ કિલોમીટરના વિસ્તારમાં પડનારા વરસાદની માહિતી આપી શકતી હતી, પરંતુ આ નવી પ્રણાલિ માત્ર છ કિલોમીટર વિસ્તારમાં પડનારા વરસાદની આગાહી કરી શકશે.
વિશ્વમાં હવામાનની આગાહી કરવા સૈાથી હાઇ રેઝોલ્યુશન ટેકનિક ભારત વાપરે છે. એક સમય હતો કે જ્યારે આપણે ત્યાં હવામાન ખાતાની આગાહીની ઠેકડી ઉડાડવામાં આવતી હતી, પરંતુ આજે સુપરકમ્પ્યુટર અને હાઇ રેઝોલ્યુશન ટેકનિકને કારણે ભારત હવામાનની આગાહીની વિશ્વની શ્રેષ્ઠતમ સિસ્ટમ ધરાવે છે.